ટ્રમ્પ-ઝેલેન્સ્કી વચ્ચે વ્હાઇટ હાઉસમાં થઈ રહેલી વાતચીત ઉગ્ર બોલાચાલીમાં કેવી રીતે ફેરવાઈ ગઈ?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી વચ્ચે ગઈ કાલે વ્હાઇટ હાઉસમાં થયેલી મુલાકાત અંતે ઉગ્ર દલીલોમાં પરિણમી હતી. દુનિયા બે દેશોના વડા વચ્ચે જાહેરમાં થયેલી ઉગ્ર દલીલો જોઈને સ્તબ્ધ થઈ ગઈ હતી.
ટ્રમ્પે ખુલ્લેઆમ આરોપ લગાવ્યો હતો કે ઝેલેન્સ્કી શાંતિ ઇચ્છતા નથી અને જો તેઓ સમાધાન નહીં કરે તો અમેરિકા આ યુદ્ધમાંથી બહાર થઈ જશે.
ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે યુક્રેન એ રશિયા સામે જંગમાં જીત હાંસલ કરી શકે તેમ નથી.
ટ્રમ્પે ઝેલેન્સ્કી પર અમેરિકા અને અમેરિકી લોકોનો અનાદર કરવાનો પણ આરોપ લગાવ્યો હતો.
જ્યારે ઝેલેન્સ્કીએ વારંવાર કહ્યું હતું કે, "અમે ગૅરંટી સાથે યુદ્ધવિરામ ઇચ્છીએ છીએ."
ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચે જ્યારે ઉગ્ર ચર્ચા થઈ રહી હતી એ દરમિયાન અમેરિકામાં યુક્રેનનાં રાજદૂત ઓક્સાના માર્કારોવા અતિશય તણાવમાં હતાં.
ઓવલ ઑફિસના આ વીડિયોમાં યુક્રેનનાં રાજદૂત પોતાનો હાથ માથા અને ચેહરા પર રાખીને બેઠાં હતાં. ઓક્સાના ઓવલ ઑફિસમાં બંને નેતાઓની નજીક જ બેઠાં હતાં અને તેમની આ ચિંતાને સમગ્ર વિશ્વના મીડિયાએ પોતાના કૅમેરામાં કેદ કરી લીધી હતી.
ઝેલેન્સ્કી બંને દેશો વચ્ચે કિંમતી ખનીજોના કરાર માટે અમેરિકા પ્રવાસે ગયા હતા, પરંતુ આ સમાધાન હવે ખોરંભે ચડી ગયું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટ્રમ્પ-ઝેલેન્સ્કીની સંયુક્ત પ્રેસ કૉન્ફરન્સ રદ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બંને નેતાઓ વચ્ચે થયેલી ઉગ્ર ચર્ચાને કારણે બેઠક પછી યોજાનારી પ્રેસ કૉન્ફરન્સને પણ રદ કરી દેવામાં આવી હતી અને ઝેલેન્સ્કીને વ્હાઇટ હાઉસમાંથી બહારનો રસ્તો દેખાડી દેવાયો હતો.
બેઠક પછી ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પ્લૅટફૉર્મ પર એક પોસ્ટ શૅર કરી હતી અને ઝેલેન્સ્કી પર અનેક આરોપો લગાવ્યા હતા.
ટ્રમ્પે કહ્યું, "મિટિંગમાં ઘણી બાબતો સામે આવી હતી. પરંતુ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી શાંતિ માટે તૈયાર નથી, કારણ કે અમેરિકા તેમાં સામેલ છે. મારે કોઈ ફાયદો નથી જોઈતો, હું ફક્ત શાંતિ ઇચ્છું છું."
ટ્રમ્પે કહ્યું, "તેમણે અમેરિકાનું પણ અપમાન કર્યું છે. જો તેઓ શાંતિ ઇચ્છતા હોય, તો તેઓ અહીં પાછા આવી શકે છે."
આ ઘટના પછી ઝેલેન્સ્કીએ પણ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યું હતું કે, યુક્રેન શાંતિ ઇચ્છે છે.
તેમણે લખ્યું હતું કે, "આભાર અમેરિકા, તમારા સમર્થન માટે, આભાર આ મુલાકાત માટે, આભાર અમેરિકાના રાષ્ટ્રપતિનો, કૉંગ્રેસનો અને અમેરિકન પ્રજાનો. યુક્રેન માત્ર ને માત્ર શાંતિ ઇચ્છે છે અને અમે તેના માટે જ કામ કરીએ છીએ."
ઝેલેન્સ્કીએ અમેરિકન ટીવી ચેનલ ફૉક્સ ન્યૂઝને ઇન્ટરવ્યૂ પણ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, "ઓવલ ઑફિસમાં સમગ્ર વિશ્વના મીડિયા સામે જે બન્યું તે સારું નથી."
જોકે, તેમણે એ દરમિયાન એ પણ આશાવાદ વ્યક્ત કર્યો હતો કે તેમને સંપૂર્ણ ભરોસો છે કે ટ્રમ્પ(અમેરિકા) સાથે તેમના સંબંધોને બચાવી શકાશે.
ક્યાંથી થઈ ઉગ્ર બોલાચાલીની શરૂઆત?

ઇમેજ સ્રોત, UGC
આ પહેલાં પણ ઝેલેન્સ્કીએ ટ્રમ્પને કહ્યું હતું કે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે શાંતિમંત્રણામાં 'કોઈ સમાધાન' ન થવું જોઈએ.
જોકે, બંને નેતાઓ વચ્ચે ચર્ચા ત્યારે શરૂ થઈ ગઈ જ્યારે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે કહ્યું કે યુદ્ધનો અંત કૂટનીતિ સાથે થઈ શકે છે.
ઝેલેન્સ્કીએ વાન્સને પૂછ્યું કે તમે કેવા પ્રકારની કૂટનીતિની વાત કરી રહ્યા છો.
તેના જવાબમાં વાન્સે કહ્યું કે, "હું એવી કૂટનીતિની વાત કરી રહ્યો છું જે તમારા દેશમાં થઈ રહેલા વિનાશને રોકી શકે છે."
વાન્સે એમ પણ પૂછ્યું કે શું તમે મિટિંગ દરમિયાન એક વાર પણ આભાર માન્યો?
ઝેલેન્સ્કીએ જવાબ આપ્યો કે મેં ઘણી વાર આભાર વ્યક્ત કર્યો છે.
ટ્રમ્પે કહ્યું કે, 'યુક્રેન નહીં જીતી શકે'

ઇમેજ સ્રોત, Getty Images
ટ્રમ્પે ઝેલેન્સ્કીને કહ્યું કે, "યુક્રેન હાલમાં મોટી મુસીબતમાં છે અને તે રશિયા સાથે યુદ્ધ જીતી નહીં શકે."
આ દરમિયાન ટ્રમ્પે એવું પણ કહ્યું, "યુક્રેન મોટી મુસીબતમાં છે. તમે તેને જીતી શકવાના નથી. પરંતુ જો તમે અમારી સાથે હશો, તો તમારી પાસે આમાંથી બહાર નીકળવાની તક છે."
બેઠકમાં ટ્રમ્પે યુદ્ધ દરમિયાન યુક્રેનને આપવામાં આવેલી સહાય મુદ્દે વાત કરી.
ટ્રમ્પે કહ્યું, "અમે તમને 350 બિલિયન ડૉલર આપ્યા છે. અમે તમને લશ્કરી સાધનો આપ્યાં છે. જો અમે લશ્કરી સહાય ન આપી હોત, તો આ યુદ્ધ બે અઠવાડિયાંમાં સમાપ્ત થઈ ગયું હોત."
ટ્રમ્પે કહ્યું, "જો હું તમને બંનેને (રશિયા અને યુક્રેન) વચ્ચે નહીં લાવું, તો તમે ક્યારેય યુદ્ધવિરામ કરી શકશો નહીં."
"તમે પુતિનને નફરત કરો છો. સામેની તરફથી પણ પસંદ કરવા જેવી કંઈ બાબત નથી. તમે ઇચ્છો છો કે હું કઠોર બનું, તો પછી હું દુનિયાના બીજી કોઈ પણ વ્યક્તિ કરતાં કઠોર બની શકું છું. પણ તમે આવી રીતે કોઈ ડીલ ન કરી શકો."
યુદ્ધવિરામ વિશે ઝેલેન્સ્કી શું બોલ્યા?

ઇમેજ સ્રોત, Getty Images
ટ્રમ્પે ઝેલેન્સ્કીને કહ્યું હતું કે જો યુદ્ધવિરામ થાય તો યુક્રેન તેને તાત્કાલિક સ્વીકારે.
ટ્રમ્પે કહ્યું, "જો યુદ્ધવિરામની સંભાવના બને છે તો યુક્રેન તેને તાત્કાલિક સ્વીકારે જેથી ગોળીબાર બંધ થઈ શકે."
ઝેલેન્સ્કીએ એમ પણ કહ્યું કે તેઓ યુદ્ધ રોકવા માંગે છે.
પરંતુ ટ્રમ્પે તેમને અટકાવીને કહ્યું, "પણ તમે કહી રહ્યા છો કે તમને યુદ્ધવિરામ નથી જોઈતો."
જવાબમાં, ઝેલેન્સ્કીએ કહ્યું, "અમારે ગૅરંટી સાથે યુદ્ધવિરામ કરાર કરવો છે."
ઝેલેન્સ્કીએ ટ્રમ્પને એમ પણ કહ્યું કે, "તેમણે યુક્રેનના લોકોને પૂછવું જોઈએ કે તેઓ યુદ્ધવિરામ અંગે શું ઇચ્છે છે."
પહેલાં પણ એકમેક પર આરોપ કર્યા હતા

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસીના અમેરિકામાં ન્યૂઝ પાર્ટનર સીબીએસે અહેવાલ આપ્યો છે કે યુક્રેનિયન પ્રતિનિધિમંડળ ઓવલ ઑફિસથી 'એક અલગ રૂમમાં' ચાલ્યું ગયું હતું.
ત્યાં, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઇક વૉલ્ટ્ઝ અને રાજ્ય સચિવ માર્કો રુબિયોએ તેમને વ્હાઇટ હાઉસ છોડવા કહ્યું.
આ પછી યુક્રેનિયન રાષ્ટ્રપતિ વ્હાઇટ હાઉસની બહાર નીકળતા જોવા મળ્યા.
તાજેતરમાં પણ અમેરિકા અને રશિયાના પ્રતિનિધિઓએ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા માટે વાતચીત કરી હતી.
આ વાતચીતમાં યુક્રેનનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. ત્યારબાદ ઝેલેન્સ્કીએ ટ્રમ્પ પર સવાલ ઉઠાવ્યા હતા અને દાવો કર્યો હતો કે ટ્રમ્પ ખોટી માહિતીના વમળમાં ફસાયેલા છે.
જોકે, ટ્રમ્પે છેલ્લા કેટલાક દિવસોમાં ઘણી વખત ઝેલેન્સ્કી પર નિશાન સાધ્યું છે અને તેમને 'સરમુખત્યાર' પણ કહ્યા છે.
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લાં ત્રણ વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે.
શુક્રવારે યોજાયેલી બેઠકમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી વચ્ચે યુક્રેનનાં દુર્લભ ખનિજો અંગે કરાર થવાની શક્યતા હતી.
પરંતુ ટ્રમ્પ અને જેડી વાન્સ સાથેની ગરમાગરમ ચર્ચા પછી, ઝેલેન્સ્કી આ કરાર પર ક્યારે હસ્તાક્ષર કરશે તે જોવાનું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












