You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કિસાન કવચ શું છે અને તે જંતુનાશકોની અસરથી ખેડૂતોને કેવી રીતે બચાવશે?
- લેેખક, હરમનદીપસિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
કેન્દ્ર સરકારના જૈવ પ્રૌદ્યોગિકી વિભાગ (ડીબીટી)એ 'કિસાન કવચ' નામનો એક જંતુનાશકોની અસરથી ખેડૂતોને બચાવતો સૂટ બનાવ્યો છે.
આ સૂટનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતો અને ખેતમજૂરોને જંતુનાશક દવાઓનો છંટકાવ કરતી વખતે તેની થતી અસરોથી બચાવવાનો છે.
આ સૂટ માથાથી લઈને સમગ્ર શરીરને ઢાંકે છે. તેના કારણે સીધા જ જંતુનાશકોના પ્રભાવથી બચી શકાય છે અને આ સૂટ જંતુનાશકોના પ્રભાવને ખતમ કરી દે છે.
આ કોટને એક પ્રાઇવેટ કંપનીની મદદથી જૈવ પ્રૌદ્યોગિકી વિભાગના નેતૃત્ત્વમાં ઇન્સ્ટિટ્યુટ ઑફ બાયોટૅક્નૉલૉજી રિસર્ચ ઍન્ડ ઇનોવેશન કાઉન્સિલ (આઈબ્રિક) દ્વારા વિકસાવવામાં આવ્યો છે.
કિસાન કવચની કિંમત કેટલી છે?
કેન્દ્રીય વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી તથા પૃથ્વી વિજ્ઞાન રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) ડૉ. જિતેન્દ્રસિંહે 17 ડિસેમ્બરે દેશના પ્રથમ જંતુનાશકરોધી બૉડીસૂટ, કિસાન ક્વચને લૉન્ચ કર્યું હતું.
ખેડૂતોને જંતુનાશકોના હાનિકારક પ્રભાવોથી બચાવવા માટે બનાવવામાં આવેલો આ કોટ ખેડૂતોની સુરક્ષા સુનિશ્ચિત કરે છે.
પીઆઈબી દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસનોટ અનુસાર, આ પહેલનું મહત્ત્વ સમજાવતા ડૉ. જિતેન્દ્રસિંહે કહ્યું હતું કે, "કિસાન ક્વચ એ ખેડૂતોની સુરક્ષા માટે એક બુનિયાદી સમાધાન છે."
પ્રેસનોટમાં કહેવામાં આવ્યું હતું કે, જંતુનાશકમાં રહેલાં ઝેરી તત્ત્વો એ સામાન્ય રીતે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બને છે. તેના કારણે શ્વાસ સંબંધી સમસ્યાઓ, દૃષ્ટિહાનિ, અને કેટલાક મામલાઓમાં મૃત્યુ પણ થઈ શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડૉ. જિતેન્દ્રસિંહે કહ્યું હતું કે, "કિસાન ક્વચ એ માત્ર એક પ્રૉડક્ટ નથી પરંતુ આપણા ખેડૂતોના સ્વાસ્થ્યનું રક્ષણ કરવાનો એક વાયદો છે. તેઓ આપણા દેશને અન્ન પૂરું પાડે છે."
ધોઈ શકાય અને ફરીથી વાપરી શકાય તેવા કોટની કિંમત ચાર હજાર રૂપિયા છે. આ કોટને બે વર્ષ સુધી ઉપયોગમાં લઈ શકાય છે. તે બે વર્ષ સુધી ચાલે છે.
પ્રેસનોટ પ્રમાણે, આ કોટ ઉચ્ચકક્ષાના ફૅબ્રિક અને ટૅક્નિકથી ડિઝાઈન કરવામાં આવ્યો છે. કોટના સંપર્કમાં આવ્યા બાદ જંતુનાશકો નિષ્ક્રિય બની જાય છે. આ પ્રકારે તેને જંતુનાશકોની ઝેરી અસર અને ઘાતકતાને રોકે છે.
ડૉ. જિતેન્દ્રસિંહ આ પરિયોજનાનું નેતૃત્ત્વ કરવા માટે જૈવ પ્રૌદ્યોગિકી વિભાગના વખાણ કર્યા હતા.
તેમણે કહ્યું હતું કે, "કિસાન ક્વચ જેવી પહેલથી ન માત્ર આપણે ખેડૂતોની રક્ષા કરી શકીશું પરંતુ આપણે જળવાયુ-અનુકૂળ કૃષિ અને સતત વિકાસ તરફ પણ આગળ વધી શકીશું."
'કિસાન કવચ મોંઘું છે'
સંગરુરના રહેવાસી અને પ્રગતિશીલ ખેડૂત હરવિંદરસિંહે આ કોટને મોંઘો ગણાવ્યો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે આવો કોટ પહેરીને કામ કરવું ઘણું મુશ્કેલ હશે.
"આ કોટ ઘણો મોંઘો છે. તે સિવાય ક્યારેક એક સાથે એકથી વધુ કામદાર કે ખેડૂતો પાક પર જંતુનાશક દવાનો છંટકાવ કરે છે. આવી સ્થિતિમાં એકથી વધુ કોટ ખરીદવા પડે છે. આ કોટની કિંમત પહેલેથી જ વધારે છે. પહેલેથી જ ખેતીમાં ખર્ચ વધી રહ્યો છે અને આ કોટ તેના ખર્ચમાં વધુ વધારો કરશે."
હરવિંદરે એમ પણ કહ્યું હતું કે, "આવા કોટના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે એવા જંતુનાશકોના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે જે ન તો સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે કે ન તો પર્યાવરણને."
લુધિયાણા જિલ્લાના દિવાલા ગામના ખેડૂત સુખજિતસિંહે કહ્યું હતું કે આ કોટ બહુ સફળ નહીં થાય.
સુખજિતસિંહે કહ્યું, "તેની નિષ્ફળતાનું એક મુખ્ય કારણ એ હશે કે મોટાભાગના ખેડૂતો પાક પર જંતુનાશકોનો છંટકાવ જાતે કરતા નથી, પરંતુ મજૂરો દ્વારા કરાવે છે."
"મજૂરોનો ઉદ્દેશ્ય એક દિવસમાં શક્ય તેટલા વિસ્તારમાં છંટકાવ કરવાનો હોય છે. તેમને પંપ દીઠ ચૂકવણી કરવામાં આવે છે. આ કોટ પહેરવાથી કામદારોની કાર્યક્ષમતા ઘટશે. કોટ તેમના કામને ધીમું કરશે."
"બીજું કારણ એ છે કે આજકાલ ખેડૂતો ટ્રેક્ટર-સંચાલિત પંપ દ્વારા જંતુનાશકોનો છંટકાવ કરે છે. તેથી તેમને કોઈપણ પ્રકારના કોટની જરૂર રહેતી નથી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન