અમેરિકામાં ગેરકાયદે ગયેલા ભારતીયોને ભારત પાછા મોકલવાને બદલે હોટલમાં કેમ પૂરી દેવાયા?

અમેરિકાથી ગેરકાયદે પ્રવાસીઓ, અમેરિકામાં ગુજરાતીઓ, અમેરિકા ગેરકાયદે જવાના રસ્તા, ડિપૉર્ટેશન, ગુજરાતીઓ અમેરિકા, બીબીસી ગુજરાતી, ગુજરાત, ઉત્તર ગુજરાત, મહેસાણા, ગાંધીનગર, વિદેશ પ્રવાસ, વિઝા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પનામા સિટીની હોટલમાં રહેલા માઇગ્રન્ટ્સ બહારના લોકોનું ધ્યાન ખેંચવા કોશિશ કરી રહ્યા છે
    • લેેખક, સેસિલિયા બેરિયા, સેન્ટિયેગો વેનેગસ અને ઍન્જલ બર્મુડેઝ
    • પદ, બીબીસી ન્યૂઝ મુંડો

અમેરિકામાં ટ્રમ્પ સરકારે ગેરકાયદે માઇગ્રન્ટ્સનું મોટા પાયે ડિપૉર્ટેશન શરૂ કર્યું છે, જેમાં ઘણા લોકોને અમેરિકાની બહાર પનામાની હોટલોમાં રાખવામાં આવ્યા છે, જ્યાંથી તેમને ડિપૉર્ટ કરવામાં આવશે.

અમેરિકામાં મોકલેલા ત્રણ વિમાનમાં અત્યાર સુધીમાં 70થી વધુ ગુજરાતીઓને પણ પાછા મોકલાયા છે.

પનામા સિટીમાં ડેકાપોલિસ નામની એક લક્ઝરી હોટલમાં બે છોકરીઓ પોતાના હાથમાં એક કાગળ લઈને રૂમની બારી પાસે ઊભી છે. તેમના કાગળ પર સંદેશ લખ્યો છે, "પ્લીઝ, અમને મદદ કરો."

આ હોટલમાંથી સમુદ્રનો નજારો માણી શકાય છે, તેમાં બે એક્સક્લુસિવ રેસ્ટોરાં, એક સ્વિમિંગ-પૂલ, એક સ્પા અને પ્રાઇવેટ ટ્રાન્સપૉર્ટેશનની સગવડ છે. પરંતુ હાલમાં આ જગ્યા કામચલાઉ કસ્ટડી સેન્ટરમાં ફેરવાઈ ગઈ છે. પનામા સરકારે જણાવ્યા મુજબ અમેરિકાથી ડિપૉર્ટ કરાયેલા 299 ગેરકાયદે માઇગ્રન્ટ્સને અહીં રાખવામાં આવ્યા છે.

કેટલાક માઇગ્રન્ટ્સ પોતાના બંને હાથ વડે કાંડા પાસે ક્રૉસની સાઇન બનાવે છે. એટલે કે તેમની સ્વતંત્રતા છીનવાઈ ગઈ છે એવું કહેવા માગે છે. બીજા કેટલાક માઇગ્રન્ટ કાગળ પર લખે છે કે, "અમે અમારા દેશમાં સુરક્ષિત નથી."

ટ્રમ્પ સરકારે અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા લાખો લોકોને ડિપૉર્ટ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. પનામાના પ્રેસિડન્ટ જોસ રાઉલ મુલિનોએ આવા લોકો માટે પનામાએ સેતુ તરીકે કામ કરવાની તૈયારી દર્શાવી ત્યાર પછી આ લોકોને ગયા અઠવાડિયે ફ્લાઇટ દ્વારા પનામા સિટી લાવવામાં આવ્યા હતા.

હોટલમાં લાવવામાં આવેલા 299 ગેરકાયદે માઇગ્રન્ટ્સમાં ભારત, ચીન, ઉઝબેકિસ્તાન, ઈરાન, વિયેતનામ, તુર્કી, નેપાળ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને શ્રીલંકાના લોકો છે. તેમાંથી માત્ર 171 લોકો પોતાના દેશ પાછા જવા માટે તૈયાર થયા છે.

બાકીના લોકોનું શું થશે તે નક્કી નથી. આગળ શું કરવું તેનો નિર્ણય પનામાની સરકારે લેવાનો છે.

બીબીસી ગુજરાતી ન્યૂઝ, ગુજરાતના ભારતના આંતરરાષ્ટ્રીય સમાચાર, વૉટ્સઍપ અપડેટ, ગુજરાતના હવામાન સમાચાર, દેશ વિદેશના તાજા સમાચાર
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

અમેરિકાના ગેરકાયદે પ્રવાસીઓ હોટલમાં કેવી હાલતમાં રહે છે?

અમેરિકાથી ગેરકાયદે પ્રવાસીઓ, અમેરિકામાં ગુજરાતીઓ, અમેરિકા ગેરકાયદે જવાના રસ્તા, ડિપૉર્ટેશન, ગુજરાતીઓ અમેરિકા, બીબીસી ગુજરાતી, ગુજરાત, ઉત્તર ગુજરાત, મહેસાણા, ગાંધીનગર, વિદેશ પ્રવાસ, વિઝા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રૂમમાં રહેતા લોકોએ પોતાનાં કપડાં પણ ત્યાં જ સૂકવ્યાં છે, બહાર જવાની છૂટ નથી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સરકારનું કહેવું છે કે ગેરકાયદે માઇગ્રન્ટ્સને ડેરિયન પ્રાંતના એક કૅમ્પમાં લઈ જવાશે. અમેરિકામાં જંગલના રસ્તેથી ગેરકાયદે ઘૂસેલા લોકોને આ કૅમ્પમાં રાખવામાં આવ્યા છે.

સામાન્ય દિવસોમાં ડેકાપોલિસ હોટલમાં આવજા કરવી સરળ હોય છે, પરંતુ અત્યારે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બિલ્ડિંગની અંદર અને બહાર પનામા નૅશનલ એરોનેવલ સર્વિસના સૈનિકો ફરજ બજાવે છે.

હોટલના રૂમની બારીમાં કપડાં સુકાતાં જોઈ શકાય છે. તેમાં એક લૉસ એંજલસ બાસ્કેટબૉલ ટીમની 24 નંબરની જર્સી પણ છે જે વિખ્યાત ખેલાડી કોબે બ્રાયન્ટ પહેરે છે.

બીજી બારીમાં એક પુરુષ અને ત્રણ બાળકો પોતાની હથેળીમાં અંગૂઠાની સાઇન કરે છે જેનો અર્થ એવો થયો કે તેમને મદદની જરૂર છે. બારીના કાચ પર લાલ અક્ષરોમાં લખેલું છે, "અમને મદદ કરો."

બે બાળકોએ પોતાના ચહેરા ઢાંકી રાખ્યા છે અને કાગળ પર મૅસેજ લખીને દેખાડે છે, "પ્લીઝ, અફઘાન છોકરીઓને બચાવો."

પનામામાં વર્ષોથી રહેતાં એક ઈરાની મહિલાએ બીબીસીને જણાવ્યું કે તેઓ હોટલમાં એક માઇગ્રન્ટ સાથે સંપર્કમાં આવ્યાં હતાં. તેમણે કહ્યું કે ઈરાન પાછું જવું પડશે તેવા વિચારથી તેઓ 'ભયભીત' હતાં.

નામ ન આપવાની શરતે મહિલાએ જણાવ્યું કે તેઓ ફારસી અનુવાદક તરીકે સેવા આપવા હોટલ ગયાં હતાં, પરંતુ તેમને કહેવામાં આવ્યું કે તેમની પાસે પહેલેથી અનુવાદક છે.

જોકે, હોટલ અંદરના લોકોએ તેમને કહ્યું કે આ વાત ખોટી છે.

ગેરકાયદે પ્રવાસીઓને જમવા માટે રૂમની બહાર નીકળવાની મનાઈ

અમેરિકાથી ગેરકાયદે પ્રવાસીઓ, અમેરિકામાં ગુજરાતીઓ, અમેરિકા ગેરકાયદે જવાના રસ્તા, ડિપૉર્ટેશન, ગુજરાતીઓ અમેરિકા, બીબીસી ગુજરાતી, ગુજરાત, ઉત્તર ગુજરાત, મહેસાણા, ગાંધીનગર, વિદેશ પ્રવાસ, વિઝા
ઇમેજ કૅપ્શન, પનામા સિટીની હોટલમાંથી લેવાયેલી તસવીર જે દર્શાવે છે કે બહારની સ્થિતિ કેવી છે

ડેકાપોલિસ હોટલમાં રખાયેલા માઇગ્રન્ટ્સને બહારના લોકો સાથે સંપર્ક કરવાની મનાઈ છે, તેથી મહિલાએ છુપા મોબાઇલ ફોનનો ઉપયોગ કર્યો હતો.

તેમણે કહ્યું કે હોટલમાં કેટલાંક બાળકો પણ છે. તેમને વકીલની સેવા નથી અપાઈ અને તેમને જમવા માટે પણ રૂમની બહાર નીકળવાની છૂટ નથી.

પનામાની હોટલમાં માઇગ્રન્ટ્સને રખાયા છે તેવા સમાચાર મંગળવારે જાહેર થયા ત્યાર પછી અહીં સુરક્ષા બંદોબસ્ત વધારી દેવાયો છે. લોકોને ઇન્ટરનેટનું ઍક્સેસ પણ બંધ કરી દેવાયું છે.

બીબીસીએ બિલ્ડિંગ અંદરની સ્થિતિ જાણવા માટે ડેકાપોલિસ હોટલ તથા પનામા સરકારનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો.

જોકે, પનામાના જાહેર સુરક્ષા મંત્રી ફ્રાન્ક એબ્રેગોએ જણાવ્યું કે માઇગ્રન્ટ્સને હોટલમાંથી બહાર જવાની છૂટ નથી, કારણ કે સરકારે પનામાના લોકોની સુરક્ષા અને શાંતિ માટે ખાતરી આપેલી છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયોમાં એક માઇગ્રન્ટ ફારસી ભાષામાં સમજાવે છે કે તેણે અમેરિકાની બૉર્ડર પાર કરી ત્યાર પછી તેને ડિટેઈન કરવામાં આવ્યા હતા. તેમને ટૅક્સાસ જવાની વાત કરવામાં આવી હતી, પરંતુ તેના બદલે પનામા લાવવામાં આવ્યા છે.

વીડિયોમાં મહિલા કહે છે કે તેને ઈરાન પાછાં મોકલવામાં આવશે તો તેનો જીવ જોખમમાં હશે, કારણ કે ઈરાન સરકાર તેમની સામે કાર્યવાહી કરી શકે છે.

તેમણે કહ્યું કે તેઓ અમેરિકામાં રાજકીય શરણાગતિ લેવા માગે છે.

નિષ્ણાતોના કહેવા મુજબ વકીલોની મદદ વગર શરણાગતિ મેળવવી મુશ્કેલ છે. પનામા સરકારે જાહેરાત પણ કરી છે કે ડિપૉર્ટ થનારા લોકોને વકીલની સુવિધા નહીં મળે.

જે પ્રવાસીઓને પોતાના દેશ પાછા જવું ન હોય તેમનું શું થશે?

અમેરિકાથી ગેરકાયદે પ્રવાસીઓ, અમેરિકામાં ગુજરાતીઓ, અમેરિકા ગેરકાયદે જવાના રસ્તા, ડિપૉર્ટેશન, ગુજરાતીઓ અમેરિકા, બીબીસી ગુજરાતી, ગુજરાત, ઉત્તર ગુજરાત, મહેસાણા, ગાંધીનગર, વિદેશ પ્રવાસ, વિઝા

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, અમેરિકાથી ડિપૉર્ટ કરાયેલા લોકોને જ્યાં રખાયા છે ત્યાં આસપાસ કડક સુરક્ષા બંદોબસ્ત છે

સુરક્ષા મંત્રી ફ્રાન્ક એબ્રેગોએ મંગળવારે જણાવ્યું કે ઑથૉરિટીના રક્ષણ હેઠળ આ માઇગ્રન્ટ્સને પનામામાં કામચલાઉ ધોરણે રાખવામાં આવશે.

તેમણે કહ્યું કે, "અમે અમેરિકા સરકાર સાથે નક્કી કર્યું છે કે આ લોકો તેમની સુરક્ષા માટે અમારા દેશમાં થોડા સમય પૂરતા કસ્ટડીમાં રહેશે."

તેમણે એમ પણ કહ્યું કે જે માઇગ્રન્ટ્સ પોતાના દેશ પાછા જવા માગતા નથી, તેમણે કોઈ ત્રીજો દેશ પસંદ કરવો પડશે.

આવી સ્થિતિમાં ઇન્ટરનૅશનલ ઑર્ગેનાઇઝેશન ફૉર માઇગ્રેશન (આઈઓએમ) અને યુનાઇટેડ નેશન્સ હાઈ કમિશનર ફૉર રૅફ્યુજી (યુએનએચસીઆર) તેમને પોતાના દેશમાં પરત મોકલવા માટે જવાબદાર હશે.

આઈઓએમના પ્રવક્તાએ બીબીસીને જણાવ્યું કે તેમનું સંગઠન અમેરિકામાંથી ડિપૉર્ટ કરાયેલા લોકોને 'આવશ્યક સહાયતા પૂરી પાડવા' માટે કામ કરે છે.

તેમણે જણાવ્યું કે, "અમે અસરગ્રસ્ત લોકોને મદદ કરવા, સ્વૈચ્છિક રીતે પોતાના દેશ જવા ઇચ્છતા હોય તેમને ટેકો આપવા અને બીજા લોકો માટે વિકલ્પો શોધવા સ્થાનિક અધિકારીઓ સાથે કામ કરી રહ્યા છીએ."

તેમણે કહ્યું કે, "લોકોના ડિટેન્શન કે બીજા નિયંત્રણોમાં અમારી કોઈ સીધી ભૂમિકા નથી, પરંતુ બધા માઇગ્રન્ટ્સ સાથે ગરિમાપૂર્વક અને આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ વ્યવહાર કરવામાં આવે તેના માટે અમે પ્રતિબદ્ધ છીએ."

એબ્રેગોએ કહ્યું કે માઇગ્રન્ટ્સને ડેકાપોલિસ હોટલમાં એટલા માટે રાખવામાં આવ્યા છે કે ત્યાં જગ્યા છે.

અન્ય એક અધિકારીએ કહ્યું કે, "વધુ માઇગ્રન્ટ આવે તેવી શક્યતા ઓછી છે, કારણ કે અમેરિકા સાથે આવી વધુ ફ્લાઇટ માટે કંઈ નક્કી નથી થયું."

અમેરિકાએ ગેરકાયદે પ્રવાસીઓની સમસ્યા પનામાને કેમ સોંપી?

અમેરિકાથી ગેરકાયદે પ્રવાસીઓ, અમેરિકામાં ગુજરાતીઓ, અમેરિકા ગેરકાયદે જવાના રસ્તા, ડિપૉર્ટેશન, ગુજરાતીઓ અમેરિકા, બીબીસી ગુજરાતી, ગુજરાત, ઉત્તર ગુજરાત, મહેસાણા, ગાંધીનગર, વિદેશ પ્રવાસ, વિઝા

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, પનામાના સુરક્ષા મંત્રી ફ્રાન્ક એબ્રેગોએ કહ્યું કે માઇગ્રન્ટ્સને 'કામચલાઉ કસ્ડટી'માં રખાયા છે

ટ્રમ્પે પનામા કૅનાલ નિયંત્રણમાં લેવાની ધમકી આપી ત્યાર પછી અમેરિકા અને પનામા વચ્ચે તણાવ વધ્યો હતો. યુએસના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ પનામાની મુલાકાત લીધી હતી અને ત્યાર બાદ પનામા ડિપૉર્ટેશન માટે 'સેતુ' બનવા તૈયાર થયું છે.

અમેરિકાની એક થિંક ટેન્ક માઇગ્રેશન પૉલિસી ઇન્સ્ટિટ્યૂટ ખાતે સિનિયર રિસર્ચર મુઝફ્ફર ચિશ્તીએ જણાવ્યું કે ઘણા ડિપૉર્ટી એવા દેશમાંથી આવ્યા છે જેમને પાછા સ્વીકારવા માટે તેમનો દેશ તૈયાર નથી.

"તેથી આવી સરકારો સાથે સતત રાજદ્વારી વાટાઘાટ કરવી પડશે."

તેમણે કહ્યું કે, "આ લોકોને પનામા મોકલીને અમેરિકા ચિત્રમાંથી જ નીકળી ગયું છે. હવે જુદા જુદા દેશો સાથે વાટાઘાટ કરવી અને માઇગ્રન્ટને પાછા લેવા માટે તૈયાર કરવા એ પનામાની સમસ્યા છે."

આ અઠવાડિયે અમેરિકાથી ડિપૉર્ટ થનારા લોકોને લઈને એક ફ્લાઇટ કોસ્ટા રિકા જાય તેવી શક્યતા છે. મધ્ય અમેરિકાના આ દેશે પણ માઇગ્રન્ટ્સ માટે સેતુ બનવાની તૈયારી દેખાડી છે.

દરમિયાન પનામાસ્થિત ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર જણાવ્યું છે કે, "કેટલાક ભારતીયો અમેરિકાથી પનામા આવ્યા છે તેવી અમને જાણકારી મળી છે. તેઓ એક હોટલમાં સુરક્ષિત છે જ્યાં તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ છે."

સત્તાવાર પોસ્ટમાં જણાવાયું છે કે, "ભારતીય દૂતાવાસની ટીમે કૉન્સ્યુલર ઍક્સેસ મેળવ્યું છે અને અમે ભારતીયોને તકલીફ ન પડે તે માટે પનામા સરકાર સાથે મળીને કામ કરી રહ્યા છીએ."

(બીબીસી પર્શિયનના શિડા હોસમાંડીના રિપોર્ટિંગ સાથે)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.