યુપી સરકારે ધર્મ પરિવર્તન કાયદામાં બદલાવ કર્યો, હવે જનમટીપની સજા થશે - ન્યૂઝ અપડેટ

સૈયદ મોઝિઝ ઇમામ,

બીબીસી સંવાદદાતા, લખનઉ

ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે મંગળવારે વિધાનસભામાં યુપી વિધિ વિરુદ્ધ ધર્મ સંપરિવર્તન પ્રતિરોધ (સુધારો) ખરડો 2024 પસાર કર્યો.

આ ખરડા મારફતે જબરજસ્તી ધર્મ પરિવર્તન કરાવવા બદલ સરકારે આજીવન કેદની જોગવાઈ કરી છે. તેમાં અગાઉ એકથી દસ વર્ષની કેદની સજાની જોગવાઈ હતી.

તેમાં અગાઉથી જ વ્યાખ્યાયિત અપરાધોમાં સજામાં બમણા સુધીનો વધારો કર્યો છે, અને તેમાં નવા અપરાધનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને તેમાં આજીવન કેદની જોગવાઈ કરવામાં આવી છે.

ધર્મ પરિવર્તનને મામલે ફંડિંગને આ કાયદા હેઠળ અપરાધની કક્ષામાં મૂકવામાં આવ્યું છે. તેમાં દેશની અથવા વિદેશની કોઈપણ સંસ્થા પાસેથી ફંડિંગ લેવાની બાબતને અપરાધની શ્રેણીમાં મૂકવામાં આવી છે. તેમાં પણ આજીવન કેદની સજાની જોગવાઈ કરવામાં આવી છે.

જો કોઈ વ્યક્તિ કોઈને ધર્મ પરિવર્તન કરવા માટે ધમકી આપે છે અથવા જાન-માલ કે સંપત્તિને નુકસાન કરે છે તો તેને પણ અપરાધની કક્ષામાં મૂકવામાં આવ્યા છે.

આ ઉપરાંત કોઈ વ્યક્તિ બળજબરીથી લગ્ન અથવા દગાખોરીથી લગ્ન કરે તેને પણ આ ખરડામાં સમાવી લેવામાં આવ્યાં છે.

કોર્ટ પીડિતના ઇલાજના ખર્ચ અને પુર્નવસવાટ માટે દંડ સ્વરૂપે રકમ નક્કી કરી શકશે.

સરકારનું કહેવું છે કે, “અપરાધની સંવેદનશીલતા, મહિલાઓની ગરિમા અને સામાજિક સ્થિતિ, મહિલા, એસસી-એસટી વગેરેનું ગેરકાયદેસર ધર્માંતરણ રોકવા માટે એમ જણાય છે કે સજા અને દંડ વધુ કડક બનાવવાની જરૂર છે. એટલા માટે આ વિધેયક લાવવામાં આવી રહ્યું છે.”

દિલ્હી: રાજેન્દ્રનગર દુર્ઘટના પછી પહેલી વાર વિકાસ દિવ્યકિર્તીએ આપ્યું નિવેદન

દિલ્હીના રાજેન્દ્રનગરમાં થયેલી દુર્ઘટના પછી અનેક કોચિંગ સેન્ટરને દિલ્હીમાં સીલ કરવામાં આવ્યા છે, જેમાં દૃષ્ટિ આઈએએસ પણ સામેલ છે.

આ મામલે હવે દૃષ્ટિ આઈએએસની પ્રતિક્રિયા પણ આવી છે. આ સંસ્થાના મેનેજિંગ ડાયરેક્ટર વિકાસ દિવ્યકિર્તી છે. આ પત્ર તેમના નામથી જાહેર કરવામાં આવ્યો છે. દૃષ્ટિ આઈએએશના અધિકૃત ટ્વિટર એકાઉન્ટ પર આ નિવેદન જાહેર કરવામાં આવ્યું છે.

ટીમ દૃષ્ટિ તરફથી ઘટના અને તેના પછીની પરિસ્થિતિઓ પર ખેદ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ સાથે જ તેમનો પક્ષ મોડેથી રાખવા બદલ તેમણે માફી પણ માંગી છે.

રાજેન્દ્ર નગરમાં યુપીએસસી કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં પાણી ભરાવાને કારણે ત્રણ વિદ્યાર્થીઓનાં મોત થયાં હતાં. આ ઘટના બાદ કેટલાક વિદ્યાર્થીઓ મુખર્જીનગરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

દ્રષ્ટિ આઈએએસની પ્રેસ રિલીઝમાં વિદ્યાર્થીઓના ગુસ્સાને યોગ્ય ઠેરવવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, "આ ગુસ્સાને યોગ્ય દિશા મળવી જોઈએ. સરકારે કોચિંગ સેન્ટરો માટે માર્ગદર્શિકા જારી કરવી જોઈએ."

રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, "આ સમસ્યાના ઘણાં પાસાઓ છે. તેના તાર કાયદાની અસ્પષ્ટતા સાથે જોડાયેલા છે. ડીડીએ,એમસીડી અને દિલ્હી ફાયર વિભાગના નિયમોમાં તફાવત છે. દિલ્હી માસ્ટરપ્લાન-2021, નેશનલ બિલ્ડીંગ કોડ, દિલ્હી ફાયર રુલ્સ અને એકીકૃત બાંધકામના પેટાનિયમોની જોગવાઈઓમાં પણ ઘણા વિરોધાભાસ છે.”

"દિલ્હી માસ્ટરપ્લાન-2021 સિવાય, અન્ય કોઈ દસ્તાવેજમાં કોચિંગ સેન્ટર્સ માટે કોઈ સ્પષ્ટ જોગવાઈઓ નથી. અમે આશા રાખીએ છીએ કે જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા નિયુક્ત કમિટી એક મહિનામાં તેનો રિપોર્ટ રજૂ કરશે, ત્યારે અહીં દર્શાવેલ મોટાભાગની બાબતો ઉકેલાઈ જશે."

દ્રષ્ટિ આઈએએસએ પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, "અમે વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને સતર્ક છીએ. તેના માટે અમારા મેનેજમેન્ટમાં ફાયર ઍન્ડ સેફ્ટી ઓફિસરની એક ખાસ પોસ્ટ છે, જે તમામ બિલ્ડીંગમાં નિયમિત સેફ્ટીનું ઓડિટ કરે છે. આ ઉપરાંત દરેક ઇમારત માટે એક-એક અધિકારી પણ દરરોજ સુરક્ષાના 16 બિંદુઓની તપાસ કરે છે. તેની માહિતી બિલ્ડીંગ મેઇન્ટેનન્સ ગ્રૂપ પર અપડેટ થાય છે.”

દૃષ્ટિ આઈએએસએ વધુમાં જણાવ્યું હતું કે, "જ્યાં પણ અમારા વર્ગખંડો છે, ત્યાં બિલ્ડિંગમાં પ્રવેશવા અને બહાર નીકળવાના ઓછામાં ઓછા બે રસ્તા છે. જેથી કરીને વિદ્યાર્થીઓ કટોકટીની સ્થિતિમાં સુરક્ષિત રીતે બહાર નીકળી શકે."

"સમસ્યાનો કાયમી ઉકેલ એ છે કે સરકારે કોચિંગ કેન્દ્રો માટે દિલ્હીમાં 3-4 સ્થાનો પસંદ કરવા જોઈએ. જો સરકાર પોતે જ વર્ગખંડો, પુસ્તકાલયો અને હૉસ્ટેલ તૈયાર કરે, તો ઊંચા ભાડા અને સુરક્ષા સંબંધિત જોગવાઈઓની કોઈ સમસ્યા નહીં રહે."

મનુ ભાકર માટે દેશભરમાંથી અભિનંદનની વર્ષા, માતાએ શું કહ્યું?- ન્યૂઝ અપડેટ

નિશાનેબાજ મનુ ભાકરનાં માતા સુમેધા ભાકરે પુત્રીએ રચેલા ઇતિહાસ પછી ખુશી વ્યક્ત કરી છે.

તેમણે કહ્યું, “હું મનુને કહું છું કે બરાબર જમે અને ઊંઘ પણ પૂરતી લે. હું તેને સલાહ આપું છું કે ખુશ રહે અને કોઈપણ તકલીફ હોય તો પહેલા મને કહે.”

મનુનાં માતાએ કહ્યું, “હું બહુ ખુશ છું કારણ કે મારી દીકરીને જસપાલ સરનો સાથ મળ્યો. મેં તેમના પર લખેલો એક લેખ વાંચ્યો, જેનાથી બહુ આનંદ થયો. તેમાં ગુરુ-શિષ્યનું સારી રીતે વર્ણન કરવામાં આવ્યું છે.”

તેમણે આગળ કહ્યું, “હું વર્ષ 2018થી મારી દીકરીની મૅચ જોતી નથી. મારા મનને એ સમયે એકાગ્ર રાખું છું.”

નિશાનેબાજ મનુ ભાકર અને સરબજોતસિંહે પેરિસ ઑલિમ્પિકમાં 10 મીટર ઍર પિસ્તોલ મિક્સ્ડ ટીમ સ્પર્ધામાં બ્રૉન્ઝ મેડલ જીત્યો છે.

મનુ ભાકર એક જ ઑલિમ્પિક એડિશનમાં બે મેડલ જીતનારાં પહેલાં ભારતીય બની ચૂક્યા છે.

મેધા પાટકરની સજા પર રોક, દિલ્હીની કોર્ટે એલજી પાસેથી જવાબ માગ્યો

દિલ્હીની એક કોર્ટે 'નર્મદા બચાવો આંદોલન'નાં નેતા મેધા પાટકરને મળેલી પાંચ મહિનાની સાધારણ કેદની સજા પર રોક લગાવી દીધી છે.

મેધા પાટકરને દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેના સામે માનહાનિના એક કેસમાં પાંચ મહિનાની સજા સંભળાવાઈ હતી. તેમજ તેમને ઉપરાજ્યપાલની પ્રતિષ્ઠાને થયેલા નુકસાન માટે તેમને દસ લાખ રૂપિયા આપવાનો નિર્દેશ અપાયો હતો.

આ કેસ વીસ વર્ષ જૂનો છે. એ સમયે સક્સેના ગુજરાતમાં એક એનજીઓના પ્રમુખ હતા.

પાટકર તરફથી કરાયેલી અરજી પર સુનાવણી કરતા મૅજિસ્ટ્રેટ રાઘવ શર્માએ સજા પર રોક લગાવી છે અને વીકે સક્સેનાના વકીલ ગજેન્દ્રકુમારને નોટિસ પાઠવીને જવાબ માગ્યો છે.

કોર્ટે મેધા પાટકરને પચીસ હજારના જામીન બૉન્ડ અને એટલી જ રકમના બૉન્ડ પર જામીન આપ્યા છે.

વેનેઝુએલામાં ચૂંટણી પરિણામો બાદ રાષ્ટ્રપતિ મદુરો વિરુદ્ધ દેખાવો

રવિવારનાં ચૂંટણી પરિણામો બાદ વેનેઝુએલામાં હિંસા ફાટી નીકળી છે. લોકોએ રસ્તા ઉપર ઊતરી આવ્યા છે. તેઓ "આઝાદી, આઝાદી!"ના નારા લગાવી રહ્યા છે.

સાર્વજનિક થયેલા વીડિયોમાં લોકોને રસ્તા ઉપર ટાયર સળગાવતાં તથા પોલીસને તેમની ઉપર ટિયરગૅસ છોડતાં જોઈ શકાય છે. આ સિવાય કાર અને કચરો સળગાવાયાં છે તથા રાષ્ટ્રપતિ મદુરોની તસવીરો ફાડી છે.

રાષ્ટ્રપતિ નિકોલસ મદુરોના નિવાસની બહાર પોલીસ તથા સેનાને ગોઠવી દેવામાં આવી છે. જેણે ભીડને વિખેરવા માટે પાણીમારો, રબર બુલેટ તથા ટિયરગૅસનો ઉપયોગ કર્યો હતો. પોલીસ દ્વારા 32 દેખાવકારોની ધરપકડ કરવામાં આવી છે.

બીજી બાજુ, વેનેઝુએલાના ઍટર્ની જનરલે ચેતવણી આપી છે કે રસ્તાઓને અવરોધનાર કે હિંસા ફેલાવનારાઓ સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે.

અનેક પશ્ચિમી તથા લેટિન અમેરિકાના દેશો તથા સંયુક્ત રાષ્ટ્ર સંઘે માગ કરી છે કે પોલિંગ સ્ટેશન મુજબ ચૂંટણીનાં પરિણામોની જાહેરાત કરવામાં આવે.

દેખાવકારોનું કહેવું છે કે મદુરો ચૂંટણી હારી ગયા છે અને તેમને સત્તા ઉપર રહેવાનો કોઈ હક્ક નથી. સારા ભવિષ્યની આશાએ યુવાનો દેશ છોડી રહ્યા છે અને માત્ર સિનિયર સિટીઝન્સ જ દેશમાં રહી જશે.

દેખાવકારોનું કહેવું છે કે મદુરો લાંબા સમયથી સત્તા ઉપર હોવા છતાં કોઈ પરિવર્તન નથી આવ્યું અને પૂર્વ રાષ્ટ્રપતિ હ્યુગો શાવેઝના મૃત્યુ પછીથી સ્થિતિ વકરતી રહી છે. આ ચૂંટણી પરિણામ 'છેતરપિંડી' સમાન છે.

કેટલાક યુવા દેખાવકારોનું કહેવું છે કે સરકાર દ્વારા રોકડ તથા અનાજ આપવામાં આવે છે, જેના કારણે કેટલાક વૃદ્ધો સરકાર પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે.

મદુરોનું કહેવું છે કે સરકાર દેશમાં બળવો કરવા માગે છે અને આજે જેવી સ્થિતિ ઊભી થઈ છે, એવી પરિસ્થિતિ અગાઉ પણ કરવામાં આવી હતી.

ઝારખંડમાં મુંબઈ-હાવડા મેલ ખડી પડી

ઝારખંડના સરાયકેલા-ખરસાવા જિલ્લાના બડાબંબુ પાસે મંગળવારે સવારે પોણા ચાર વાગ્યા આસપાસ મુંબઈ-હાવડા મેલના 10 ડબ્બા પાટા ઉપરથી ઊતરી ગયા હતા.

આ દુર્ઘટનામાં બે લોકોનાં મોત થયાં છે.

રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ બીબીસી સાથેની વાતચીતમાં આ મોતની પુષ્ટિ કરી છે. ઘાયલોમાં એક સ્થિતિ ગંભીર છે.

બડાબંબુ ઝારખંડના ઔદ્યોગિકનગર જમશેદપુરથી 80 કિલોમીટર દૂર આવેલું છે તથા તે દક્ષિણ-પૂર્વ રેલવેના ચક્રધરપુર ડિવિઝન હેઠળ આવે છે.

દક્ષિણ પૂર્વ રેલવેના એક વરિષ્ઠ અધિકારીના કહેવા પ્રમાણે, "બડાબંબુ પાસે મુંબઈ-હાવડા ટ્રેનના 10થી 12 ડબ્બા પાટા ઉપરથી ઊતરી ગયા હતા. આ અકસ્માતમાં છ લોકો ઘાયલ થયા છે. તેમને બડાબંબુ ખાતે મેડિકલ સારવાર આપવામાં આવી હતી, જ્યાંથી તેમને ચક્રધરપુર લાવવામાં આવી રહ્યાં છે, જ્યાં તેમને વધુ સારવાર આપવામાં આવશે."

પાકિસ્તાનમાં જમીન મુદ્દે શિયા-સુન્ની અથડામણમાં 43નાં મૃત્યુ

પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાના કુર્રમ જિલ્લાના પારા ચિનારના ઉપનગર બુશેહરામાં 30 એકર જમીન મુદ્દે બે કબીલા વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેમાં 43થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે.

અધિકારીઓના કહેવા પ્રમાણે, છએક દિવસ પહેલાં ઝઘડો શરૂ થયો હતો, જે કુર્રમ જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં ફેલાઈ ગયો હતો. સોમવારે થયેલી હિંસક અથડામણમાં ઓછામાં 43 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 150થી વધુ ઘાયલ થયા છે.

સ્થાનિક અધિકારીઓના કહેવા પ્રમાણે, રવિવારે રાત્રે થયેલી અથડામણમાં વધુ આઠ લોકો મૃત્યુ પામ્યાં હતાં. મૃતકોમાં 35 શિયા, જ્યારે આઠ સુન્ની કબીલાના છે.

રવિવારે બુશેહરામાં શબોની અદલાબદલી થઈ હતી, જેમાં સુન્ની કબીલાએ 11 મૃતદેહો શિયાઓને સોંપ્યા હતા, જ્યારે શિયાઓએ ત્રણ સુન્ની મૃતદેહો સોંપ્યા હતા.

કુર્રમ જિલ્લા હૉસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. મીર હસન જાને બીબીસીને જણાવ્યું હતું કે તા. 24 જુલાઈએ હિંસક અથડામણ શરૂ થઈ પછી, તેમની હૉસ્પિટલમાં 32 મૃતદેહો તથા 200થી વધુ ઘાયલ લાવવામાં આવ્યા હતા, જેમાંથી 32 ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. આ સિવાય છ શખ્સ ગંભીર રીતે ઘાયલ છે, જેમને વધુ સારવાર માટે અન્યત્ર ખસેડવાના પ્રયાસ ચાલી રહ્યા છે.

અધિકારીઓના કહેવા પ્રમાણે, છ દિવસની હિંસક અથડામણ બાદ બુશેહરામાં બંને જૂથો વચ્ચે સંઘર્ષવિરામ થઈ ગયો છે તથા અનેક જગ્યાઓને ખાલી કરાવીને ત્યાં પોલીસ, સુરક્ષાબળો તથા સેનાના જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે.

છતાં જિલ્લાના અન્ય કેટલાક વિસ્તારોમાં બંને કબીલા વચ્ચે છૂટક ગોળીબાર ચાલુ છે. જિલ્લાનું વહિવટીતંત્ર તથા અમન જિરગા સંઘર્ષવિરામ માટે પ્રયત્નશીલ છે.

વિવાદાસ્પદ જમીન મુદ્દે ગત વર્ષે પણ જુલાઈ મહિનામાં હિંસક અથડામણ થઈ હતી, જેમાં છથી વધુ લોકો મૃત્યુ પામ્યાં હતાં.

શાંતિસમિતિના સભ્ય મલિક મહમૂદ અલી જાનના કહેવા પ્રમાણે, ગુલાબ મિલ્લી ખેલ નામના શિયા તથા મિદગી કુલ્લે નામના સુન્ની કબીલા વચ્ચે વર્ષોથી આ જમીન મુદ્દે સંઘર્ષ ચાલી રહ્યો છે.

તેમના કહેવા પ્રમાણે, "આ મુદ્દે અનેક વખત હિંસક અથડામણો થઈ છે. જિરગા (સમુદાયના નેતાઓની બેઠક) પણ થઈ છે, છતાં હજુ વિવાદ નથી ઉકેલાયો."