ભારતને ટેસ્ટ મૅચમાં હરાવી દેનારા પોપ અને હાર્ટલી કોણ છે? રોહિતે તેમના વખાણમાં શું કહ્યું?

ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મૅચના ત્રીજા દિવસની સવાર સુધી કદાચ જ કોઈએ વિચાર્યું હશે કે મહેમાન ટીમ યજમાન ટીમને આ રીતે કારમો પરાજય આપશે.

આ મૅચમાં ઇંગ્લૅન્ડની ટીમ આ રીતે ભારત સામે જીતશે તેવી કલ્પના કદાચ કોઈએ નહીં કરી હોય. પરંતુ, ઇંગ્લૅન્ડની ટીમે એ કરી બતાવ્યું છે. મૅચના એક દિવસ પહેલાં જ તેમણે ભારતને 28 રનથી પરાજય આપ્યો છે.

આ વર્ષે 2013 બાદ સ્થાનિક મેદાન પર ભારતનો ચોથો પરાજય છે.

ઇંગ્લૅન્ડની ટીમના આ વિજયમાં બે ખેલાડીઓનો ખૂબ જ મહત્ત્વનો ફાળો રહ્યો. તેમાંથી એક છે ટૉમ હાર્ટલી, જેમની આ પ્રથમ ટેસ્ટ મૅચ હતી.

ટૉમે ભારતની બીજી ઇનિંગ્માં માત્ર 62 રન આપી સાત વિકેટ પોતાના નામે કરી. જેમાં કૅપ્ટન રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલ જેવી મહત્ત્વપૂર્ણ વિકેટો પણ સામેલ હતી.

રવિન્દ્ર જાડેજાની સદી ન થઈ શકી પણ મજબૂત લીડ મેળવી

ત્રીજા દિવસે સવારે જ્યારે મૅચ શરૂ થઈ ત્યારે ઇંગ્લૅન્ડની પ્રથમ ઇનિંગના 246 રનના જવાબમાં ભારતીય ટીમે મોટી લીડ મેળવી હતી.

ત્રીજા દિવસે સવારે રવીન્દ્ર જાડેજાની સદી અને ભારતના સાડા ચારસો રનને પાર જવાનું સપનું ભલે તૂટી ગયું હોય પરંતુ ભારતીય ટીમ 190 રનની મજબૂત લીડ મેળવવા સફળ રહી હતી.

આ મૅચનું પાસું ઇંગ્લૅન્ડની બીજી ઇનિંગની 10મી ઓવરમાં ત્યારે પલટાઈ ગયું જ્યારે ઑલી પૉપ રમવા માટે મેદાન પર ઊતર્યા. તેઓ ઇંગ્લૅન્ડની જીતના સૌથી મોટા હીરો તરીકે સાબિત થયા.

પોતાની પ્રભાવશાળી બેટિંગથી પોપે ભારતીય બૉલરોનો આત્મવિશ્વાસ તોડી નાખ્યો. પોપે 373 મિનિટ સુધી બેટિંગ કરી. 278 બૉલનો સામનો કર્યો અને મૅચને ઇંગ્લૅન્ડના પલડામાં મૂકી દીધી.

પોપે એ પિચ પર બીજી ઇનિંગમાં 196 રન બનાવ્યા જ્યારે તેમની ટીમનો કોઇપણ બૅટ્સમૅન અડધી સદી પણ નહોતો નોંધાવી શક્યો. તેમની શાનદાર બેટિંગને કારણે ઇંગ્લૅન્ડની ટીમ બીજી ઇનિંગમાં 420 રન બનાવવામાં સફળ રહી.

ભારતીય ટીમને 231 રન પણ ન કરવા દેનારા સ્પિનર

ભારતીય ટીમને જીત માટે 231 રનનું લક્ષ્ય મળ્યું હતું. સ્થાનિક પિચ અને દિગ્ગજ બૅટ્સમૅનોને જોતાં આ ટાર્ગેટ બહુ મુશ્કેલ નહોતો માનવામાં આવતો, પણ ભારતની સમગ્ર ટીમ 70 ઓવર પણ ન રમી શકી અને 202 રન બનાવીને જ ઑલઆઉટ થઈ ગઈ. જીતવાનો લક્ષ્યાંક તો કયાંય પાછળ રહી ગયો.

ભારતીય કૅપ્ટન રોહિત શર્માએ કહ્યું કે ‘‘230 રનનું લક્ષ્ય હાંસલ કરી શકાય એમ હતું પણ અમે એ ન કરી શકયા.’’

હારનું ઠીકરું બૅટ્સમૅન પર ઢોળતા રોહિત શર્માએ કહ્યું કે ‘‘આ સ્કોર સુધી પહોંચવા માટે અમે સારી બૅટિંગ ન કરી. નીચલા ક્રમના બૅટ્સમૅનોએ સારો સંઘર્ષ કર્યો અને ટૉપ ઑર્ડરને જણાવ્યું કે બેટિંગ કેવી રીતે કરવી જોઈએ.’’

'મૅન ઑફ ધ મૅચ' બન્યા ઑલી પૉપ

ઑલી પૉપને 'મૅન ઑફ ધ મૅચ' જાહેર કરવામાં આવ્યા.

તેમણે કહ્યું કે, "ભારત બૅટ્સમૅનો માટે કપરું સ્થળ છે ત્યાં આવીને વિજયી પ્રદર્શન કરવું એ મારા માટે ગર્વની વાત છે. બીજી ઇનિંગમાં હું નસીબદાર રહ્યો. કેટલીક તકો ચૂકી ગયો. હું સ્વીપ અને રિવર્સ કરતી વખતે પૉઝિટવ રહેવા માગતો હતો. મેં આ સિરીઝ માટે પોતાની ટેકનિક બદલી છે."

કૅપ્ટન રોહિત શર્માએ પણ પૉપના વખાણ કર્યાં.

તેમણે કહ્યું કે, “તમારે તમારી ટોપી ઊતારીને (હૅટ્સ ઑફ) કહેવું પડશે 'વેલ પ્લેડ પૉપ'. તેમણે અવિશ્વસનીય બેટિંગ કરી. ભારતીય પરિસ્થિતિઓમાં મેં જેટલું જોયું છે તેમાં કદાચ સૌથી શ્રેષ્ઠ.”

સાત વિકેટો લઈને હાર્ટલી પણ છવાઈ ગયા

ઇંગ્લૅન્ડના કૅપ્ટન બૅન સ્ટૉક્સે પણ પૉપના ખૂબ જ વખાણ કર્યાં.

બૅન સ્ટૉક્સે કહ્યું કે, ‘‘ખભાની સર્જરી બાદ ઑલી પૉપની આ પહેલી ટેસ્ટ મૅચ હતી. પૉપે જો રૂટની કંઇક સ્પેશિયલ ઇનિંગ જોઈ છે. પણ એક મુશ્કેલ પિચ પર આવી ઇનિંગ રમવી, મારા માટે આ ઇંગ્લૅન્ડના કોઈપણ ખેલાડીની ભારતમાં સર્વશ્રેષ્ઠ ઇનિંગ છે. ’’

આ સાથે જ ઇંગ્લૅન્ડના કૅપ્ટને મૅચમાં નવ અને ભારતની બીજી ઇનિંગમાં સાત વિકેટ લેનારા ટૉમ હાર્ટલીનાં પણ વખાણ કર્યાં.

સ્ટૉકસે કહ્યું કે, ‘‘આ ટૉમ હાર્ટલીની પહેલી મૅચ હતી. તેમણે ઘણી વાતો સાંભળેલી હતી અને આત્મવિશ્વાસથી ભરપૂર હતા. હું તેમને વધુ બૉલિંગ આપવા માગતો હતો. પહેલી ઇનિંગમાં જે થયું હતું ત્યારબાદ પણ. કદાચ એ જ કારણ હતું કે તેમણે સાત વિકેટ લીધી અને અમારા માટે મૅચ જીતી.’’

ટૉમ હાર્ટલી પહેલી ઇનિંગમાં ખાસ પ્રદર્શન નહોતા કરી શક્યા. તેમણે 131 રન આપ્યા હતા અને માત્ર બે વિકેટો જ લીધી હતી.

પાંચ મૅચની ટેસ્ટ સિરિઝમાં ઇંગ્લૅન્ડે 1-0થી લીડ મેળવી છે. સિરિઝની બીજી મૅચ બીજી ફૅબ્રુઆરીથી રમવામાં આવશે.