રીવાબા જાડેજા સાથેના વિવાદ મામલે ચર્ચામાં આવનારાં પૂનમ માડમ કોણ છે?

પૂનમ માડમ કોણ છે?

ઇમેજ સ્રોત, RIVABA RAVINDRASINH JADEJA/FB

ઇમેજ કૅપ્શન, ધારાસભ્ય રિવાબા જાડેજા અને સાંસદ પૂનમબહેન માડમ વચ્ચે બોલાચાલી થઈ હતી તે કાર્યક્રમની તસવીર
    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

'હું નાસીપાસ નથી થયો, હું વાસ્તવિક્તા સ્વીકારું છું. સમાજ સ્વાર્થી લોકોથી ભરપૂર છે, ત્યાં મૂલ્યોની જરૂર નથી. કદાચ, એટલે જ હું આ સમાજમાં બંધબેસતો નથી. હું હૃદયના ઊંડાણપૂર્વક પક્ષના કાર્યકરોનો આભાર માનું છું. જેમને મને મત આપ્યો, તેમનો પણ હું ઋણી છું.'

વર્ષ 2014ની લોકસભા ચૂંટણીના પરિણામોનાં 14 દિવસ પહેલાંથી જ ભાજપનાં મહિલા ઉમેદવાર સામે હાર સ્વીકારતી વખતે કૉંગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમે આ વાત કહી હતી. તેમણે 20 હજાર આસાપસ મતેથી હાર થવાની આશંકા વ્યક્ત કરી હતી.

જ્યારે પરિણામ આવ્યા, ત્યારે વિજેતા ઉમેદવારને એક લાખ 74 હજાર 615 મતની સરસાઈથી વિજય મળ્યો હતો. વિક્રમ માડમનો સિતારો ઝાંખો પડ્યો હતો, પરંતુ સામે તેમનાં પારિવારિક ભત્રીજી પૂનમબહેન માડમનો સિતારો ચમક્યો હતો. જેઓ ભાજપનાં ઉમેદવાર હતાં.

છેલ્લી ચાર ટર્મથી જામનગર લોકસભાની બેઠક માડમ પરિવાર પાસે રહેવા પામી છે. રાજકીય ફલક પર માડમ પરિવારનો રાજકીય ઉદય અવિભાજિત જામનગર જિલ્લાની ખંભાળિયા બેઠક પરથી થયો હતો, જ્યાંથી પૂનમબહેનને રાજકીય વર્ચસ્વ વારસામાં મળ્યું છે.

જામનગર ઉત્તરની બેઠક પરથી રીવાબા જાડેજા ધારાસભ્ય છે, જેમનો પૂનમબહેન માડમ અને બીનાબહેન કોઠારીની સાથેનો બોલાચાલીનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થયો હતો, ત્યારે એક નજર જામનગર જિલ્લાના રાજકારણ પર માડમ પરિવારના દબદબા પર, જે રાજકીય દૃષ્ટિએ તેમને આ બેઠક માટે મજબૂત દાવેદાર બનાવે છે.

પૂનમ માડમ કોણ છે?

જામખંભાળિયા: શક્તિનું કેન્દ્ર

પૂનમ માડમ કોણ છે?

ઇમેજ સ્રોત, @PoonambenMaadam ·

ઇમેજ કૅપ્શન, કાલાવડ ખાતેના એક કાર્યક્રમમાં પૂનમબહેન માડમ

આજે માડમ પરિવારનો રાજકીય દબદબો જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છે. આમ છતાં જે કોઈ રાજકીય વિશ્લેષક, આહીર સમાજના અગ્રણી કે રાજનેતાને પૂછવામાં આવે તો માડમ પરિવારની રાજકીય શક્તિનું કેન્દ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા બેઠક છે.

પૂનમબહેનના દાદા રામભાઈ માડમ આહીર સમાજના અગ્રણી હતા અને તાલુકા તથા જિલ્લાસ્તરે તેમની શાખ હતી અને રાજકીય દબદબો હતો. તેમના દીકરા હેમતભાઈએ પરિવારનું નામ ગાંધીનગરમાં ગૂંજતું કર્યું હતું.

ઘી અને ઑઇલમિલ માટે વિખ્યાત આ બેઠક પર મુસ્લિમ અને સતવારા, દલિત અને ગઢવી સમાજની નોંધપાત્ર વસતી છે. જોકે, આ બેઠક પર સૌથી વધુ વસતી આહીર સમાજની છે અને તેનો લાભ પૂનમબહેનના પિતા હેમતભાઈને મળ્યો હતો.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

1962માં પહેલી વખત આ બેઠક પર ચૂંટણી યોજાઈ ત્યારે કૉંગ્રેસે સતવારા સમુદાયના હીરાલાલ નકુમને ટિકિટ આપી હતી, જેની સામે પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટીએ લોહાણા સમાજના દ્વારકેશ બારાઈ વચ્ચે ટક્કર થઈ, જેમાં નકુમનો વિજય થયો. 1967ની ચૂંટણીમાં બારાઈએ પોતાની હારનું વેર વાળ્યું અને સ્વતંત્ર પક્ષના ઉમેદવાર તરીકે વિધાનસભા સુધી પહોંચ્યા.

આ છેલ્લી વખત હતું કે કોઈ બિન-આહીર ઉમેદવાર વિજયી થયા હોય. એ પછી એકાદ અપવાદને બાદ કરતા આ બેઠક ઉપર આહીર સમુદાયના ઉમેદવારનો જ દબદબો રહ્યો છે જેને હેમતભાઈ રામભાઈ માડમે પ્રસ્થાપિત કર્યો હતો.

1972માં ખંભાળિયાની બેઠક પરથી હેમતભાઈ માડમે વિધાનસભાની ચૂંટણી લડી. તેમણે કૉંગ્રેસના હીરાલાલ નકુમને સાત હજાર 200 મતથી પરાજય આપ્યો, જે કુલ માન્ય મતના 22.24 ટકા જેટલા હતા.

સંસ્થા કૉંગ્રેસ વિરૂદ્ધ ઇંદિરા કૉંગ્રેસ, મૂળ કૉંગ્રેસી એવા ચીમનભાઈ દ્વારા કિશાન મજદૂર લોકપક્ષની (કિમલોપ) સ્થાપના અને જનતા મોરચાના પ્રયોગની વચ્ચે વર્ષ 1975માં હેમતભાઈ ફરી એક વખત ખંભાળિયાની બેઠક ઉપરથી અપક્ષ ઊભા રહ્યા. તેમણે લોહાણા સમાજના જમનાદાસ પાબારીને ત્રણ હજાર 728 મતથી પરાજય આપ્યો. જે કુલ માન્ય મતના 9.18 ટકા જેટલા હતા. 1980માં હેમતભાઈ માડમની લીડ ઘટીને માત્ર 560 મત (1.38 ટકા) રહેવા પામી હતી. કૉંગ્રેસના જગજીવનદાસ તન્ના બીજાક્રમે રહ્યા હતા. ઠક્કર સમાજના આ ઉમેદવાર સ્થાનિકોમાં જગુભાઈના નામથી વિખ્યાત હતા.

1984માં ઇંદિરા ગાંધીની હત્યા થઈ, તેના ગણતરીના મહિનાઓમાં જ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ. કૉંગ્રેસે 182માંથી 149 બેઠક ઉપર વિજય મેળવ્યો હતો. ઇંદિરા ગાંધીના મૃત્યુ પછી ઉઠેલી સહાનુભૂતિની લહેર અને તથા માધવસિંહ સોલંકી દ્વારા સાધવામાં આવેલા ક્ષત્રિય, હરિજન, આદિવાસી, મુસ્લિમ સમીકરણને આ ઐતિહાસિક વિજયનો શ્રેય આપવામાં આવે છે.

ભાજપને આ રેકૉર્ડ તોડવામાં 38 વર્ષ જેટલો સમય લાગવાનો હતો. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપે 182માંથી 156 બેઠક પર વિજય મેળવ્યો છે.

પૂનમ માડમ કોણ છે?

જામનગર: શક્તિનું વિસ્તરણ

પૂનમ માડમ કોણ છે?

ઇમેજ સ્રોત, Facebook/AnandMaadam

ઇમેજ કૅપ્શન, રાષ્ટ્રીય સંજય મંચના નેજા હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં મેનકા ગાંધી અને ઘેલુભાઈ માડમ સહિતના નેતા

એક તરફ માડમ પરિવારની એક શાખાનું જામખંભાળિયામાં રાજકીયકદ વધી રહ્યું હતું, તો બીજી તરફ જિલ્લાના મુખ્યાલયમાં પરિવારની એક શાખાનું વર્ચસ્વ વધી રહ્યું હતું.

બ્રાસપાર્ટ, બાંધણી, પૉર્ટ, ઑઇલમિલ સંરક્ષણની ત્રણેય પાંખોને કારણે ધંધારોજગારની તકો વધી રહી હતી. પાણીની તંગીથી ઝઝૂમી રહેલા જામનગર જિલ્લાના આજુબાજુના ગામડાંમાંથી લોકો શહેરમાં વેપારરોજગાર માટે આવી રહ્યા હતા. કોઈપણ વિકસતા શહેરમાં બને છે એમ નવી આવનારી વસતી નવાવિસ્તરોમાં રહેણાક પસંદ કરે. આહીર પણ આવી જ રીતે નવા વિસ્તારમાં વસી રહ્યા હતા.

જામનગરમાં અગાઉથી જ સ્થાપિત તત્ત્વો અને આહીરો વચ્ચે 'જ્ઞાતિઆધારિત' હિંસક અથડામણો સામાન્ય બાબત હતી. શહેરની હાઈસ્કૂલોમાં તેનો કકો ઘૂંટાતો અને કૉલેજકાળ સુધી વેરના વળામણાં ચાલતાં.

એ સમયે સૌરાષ્ટ્રના પોલીસખાતામાં સમાજવિશેષનો દબદબો હોવાને કારણે તેની કાર્યવાહી પક્ષપાતી હોવાનું આહીર સમાજના એક વર્ગને લાગતું હતું એટલે શહેરમાં રાજકીયકદ વધારવાની જરૂર ઊભી થઈ. માડમ પરિવારે સમાજનું નેતૃત્વ લીધું.

આ તબક્કે ફરી એક વખત હેમતભાઈ ચિત્રમાં આવ્યા. ઑક્ટોબર-1981માં જામનગર મ્યુનિસિપાલિટીને કૉર્પોરેશનનો દરજ્જો મળ્યો એ પછી જૂન-1986થી જૂન-'87, જૂન-1987 થી જૂન-'88 અને જૂન-1989થી જૂન-'90 દરમિયાન હેમતભાઈ જામનગરના મેયર બન્યા.

પૂનમ માડમ કોણ છે?

માડમ, રાજકારણ અને રાજકીયપક્ષ

પૂનમ માડમ કોણ છે?

ઇમેજ સ્રોત, Facebook/AnandMaadam

પૂનમબહેન માડમ ભાજપમાં છે, જ્યારે તેમના પારિવારિક કાકા વિક્રમભાઈ કૉંગ્રેસમાં સક્રિય છે. જોકે, પરિવારમાં આ રાજકીય વિરોધાભાસ નવી વાત નથી. આહીર સમાજના અગ્રણીના કહેવા પ્રમાણે:

"માડમ પરિવારના સભ્ય અલગ-અલગ રાજકીયપક્ષમાં સક્રિય હોય તે વાત નવી નથી. અત્યારે કદાચ કાકા-ભત્રીજીની વાત હોવાને કારણે તથા સોશિયલ મીડિયાને કારણે આ મુદ્દો વધુ ચર્ચાય છે. અગાઉ પણ બહુ મોટા એવા માડમ પરિવારના સભ્યો અપક્ષ કે અલગ-અલગ રાજકીય વિચારધારા સાથે જોડાયેલા રહ્યા છે."

"હેમતભાઈ રામભાઈ માડમ અપક્ષ ચૂંટણી લડી રહ્યા હતા, ત્યારે ઘેલુભાઈ રામભાઈ માડમ મેનકા ગાંધી દ્વારા સ્થાપિત 'રાષ્ટ્રીય સંજય મંચ' દ્વારા પોતાનું રાજકારણ આગળ વધારી રહ્યા હતા. એક તબક્કે જ્યારે વિક્રમભાઈ માડમ કૉંગ્રેસના સંસદસભ્ય હતા, ત્યારે પરિવારના પ્રવીણભાઈ માડમ અને કેશુભાઈ ભાજપની ટિકિટ પરથી જામનગર મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં કૉર્પોરેટર હતા."

હેમતભાઈના ભાઈ ઘેલુભાઈ માડમ વર્ષ 1980ની લોકસભાની ચૂંટણી અપક્ષ લડ્યા હતા. ક્રિકેટર અજય જાડેજાના પિતા દોલતસિંહ આ ચૂંટણીમાં વિજેતા થયા હતા, જ્યારે જનતા પાર્ટીના વિનોદભાઈ શેઠ બીજાક્રમે રહ્યા હતા, જ્યારે ઘેલુભાઈએ ત્રીજાક્રમથી સંતોષ માનવો પડ્યો હતો.

1989માં જામનગરની બેઠક પરથી ભાજપના ચંદ્રેશ પટેલનો વિજય થયો. તેમણે દોલતસિંહને પરાજય આપ્યો હતો. આ ચૂંટણીમાં ત્રીજાક્રમે માડમ પરિવારના પ્રવીણભાઈ રહ્યા હતા.

1991ની લોકસભા ચૂંટણી સમયે ચંદ્રેશ પટેલે મુખ્ય મંત્રી ચીમનભાઈ પટેલનાં પત્ની ઉર્મિલાબહેનને પરાજય આપ્યો હતો, જેઓ જનતા દળ ગુજરાતના ઉમેદવાર હતા, જ્યારે જનતાદળના ઉમેદવાર ઘેલુભાઈ માડમ હતા. જેઓ ત્રીજાક્રમે રહ્યા હતા.

1995ની વિધાનસભા ચૂંટણી દરમિયાન માડમ પરિવારના પ્રવીણભાઈએ ભાણવડની બેઠક પરથી કૉંગ્રેસની ટિકિટ ઉપર ઉમેદવારી કરી હતી. ભાજપના મૂળુભાઈ બેરા સામે તેમનો માત્ર એક હજાર 69 મતથી પરાજય થયો હતો. જે માન્ય મતના માત્ર 1.79 ટકા જેટલા હતા.

1996 અને 1998ની લોકસભા ચૂંટણીઓ દરમિયાન ભાજપે પાટીદાર મતો ઉપર દાવ ખેલ્યો હતો અને ચંદ્રેશભાઈને રિપીટ કર્યા હતા, જેઓ વિજેતા પણ બન્યા. જ્યારે કૉંગ્રેસે આહીર ઉમેદવાર ભીખુભાઈ વારોતરિયાને બંને વખત ચૂંટણીજંગમાં ઉતાર્યા હતા.

હવે પછીની ચાર ટર્મ સુધી આ બેઠક પર આહીર સમાજ અને એમાં પણ માડમ પરિવારનો દબદબો રહેવાનો હતો.

પૂનમ માડમ કોણ છે?

માડમ પરિવારના 'વિક્રમ'

પૂનમ માડમ કોણ છે?

ઇમેજ સ્રોત, @arjunmodhwadia

ઇમેજ કૅપ્શન, વિક્રમ માડમ

વર્ષ 1998નીની ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન કૉંગ્રેસે માડમ પરિવારના જ અન્ય એક સભ્ય વિક્રમભાઈ અરજણભાઈને ભાણવડની બેઠક પરથી ચૂંટણીજંગમાં ઉતાર્યા. મૂળુભાઈ બેરાની સામે વિક્રમભાઈનો છ હજાર 885 મતે પરાજય થયો, જે માન્ય મતના 12 ટકા જેટલા હતા.

ગોધરાકાંડના ઓછાયા હેઠળ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક પ્રદર્શન કર્યું અને નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ યોજાયેલી ચૂંટણીમાં તે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. છતાં ભાણવડની બેઠક પરથી વિક્રમભાઈ માડમે ભાજપના ઉમેદવાર મૂળુભાઈને એક હજાર 861 મતથી પરાજય આપ્યો, જે કુલ માન્ય મતના સવા બે ટકા જેટલા હતા.

બે વર્ષમાં જ કૉંગ્રેસે તેમને જામનગરની બેઠક ઉપરથી લોકસભાની ટિકિટ આપી. તેમણે ભાજપના ચાર ટર્મથી સંસદસભ્ય (89-91-96-98) ચંદ્રેશ પટેલને પાંચ હજાર 593 મતથી પરાજય આપ્યો હતો.

વિક્રમભાઈ માડમ ખેતી, ઉદ્યોગ ઉપરાંત સિનેમાઘરમાં વ્યવસાયિકહિત ધરાવે છે. 1980-90નો દાયકો સિંગલસ્ક્રીનનો જમાનો હતો. ટિકિટનાં બ્લૅકમાર્કેટિંગ અને મહિલાઓની છેડતીને અટકાવવા માટે માડમ પરિવારનું પોતાનું અને આગવું 'વ્યવસ્થાતંત્ર' હતું, જેથી કરીને તે પસંદગીનું સ્થળ બની રહેતું.

ફિલ્મઅભિનેતા આમીર ખાને ગુજરાતની જીવાદોરી મનાતી 'નર્મદા ડૅમ યોજના' વિશે ટિપ્પણી કરી હતી, જેના કારણે વર્ષ 2006માં રજૂ થયેલી તેમની ફિલ્મ 'ફના'ને ગુજરાતમાં તત્કાલીન નરેન્દ્ર મોદી સરકાર દ્વારા કથિત રીતે 'શૅડો બૅન' કરી દેવામાં આવી હતી. કોઈપણ થિયેટરગૃહ તેને રજૂ કરવા તૈયાર ન હતા.

એવા સમયે કૉંગ્રેસના સંસદસભ્ય વિક્રમ માડમના થિયેટરમાં એ ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી હતી. અલબત તેમને કેન્દ્રની યુપીએ સરકારનું સમર્થન હતું.

વર્ષ 2009માં ભાજપે રમેશભાઈ મુંગરાને ટિકિટ આપી હતી, જ્યારે કૉંગ્રેસે વિક્રમભાઈને રિપીટ કર્યા હતા. લગભગ 26 હજાર 418 મતે વિક્રમભાઈનો વિજય થયો. સંસદમાં સવાલ પૂછવા અને સક્રિયતાની દૃષ્ટિએ વિક્રમભાઈ માડમ ગુજરાતના સક્રિય સંસદભ્યમાંથી એક હતા. પરંતુ હવે પછીનો સમય તેમના માટે આંતરિક અને બાહ્ય રીતે મુશ્કેલીરૂપ બની રહેવાનો હતો.

2013માં એક સ્ટિંગ ઑપરેશનમાં તેમનું નામ બહાર આવ્યું. જેમાં જામનગરના દરિયાકિનારાના વિસ્તારમાં પેટ્રોલિયમના સારકામ માટે પૈસા સાટે સારકામ ભલામણપત્ર લખી દેવાની કથિત રીતે રીતે તૈયારી દાખવી હતી. વિક્રમભાઈએ આ સ્ટિંગ ઑપરેશનને તેની રાજકીય કારિકર્દી ખતમ કરી દેવાનું કાવતરું ઠેરવ્યું હતું. અને મતવિસ્તારના ધનાઢ્ય ઉદ્યોગગૃહો ઉપર શંકા વ્યક્ત કરી હતી.

2014માં ખંભાળિયા વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં પોતાના નિકટના ઉમેદવારને વિજયી બનાવવામાં સફળતા મળી હતી. મૂળુભાઈ બેરાનો એક હજાર 208 મતથી પરાજય થયો હતો.

2017માં તેઓ પોતે ખંભાળિયાની બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. તેમણે ભાજપના કાળુભાઈ ચાવડાને 11 હજાર 46થી પરાજય આપયો હતો, જે કુલ માન્ય મતના સાત ટકા જેટલી લીડ હતી.

2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન ખંભાળિયાની બેઠક ઉપર ત્રિપાંખિયો જંગ જામ્યો હતો. એક તરફ પરંપરાગત હરીફ વિક્રમભાઈ માડમ અને મૂળુભાઈ બેરા હતા, તો ત્રીજા ઉમેદવાર આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી હતા. જેઓ પાર્ટીના મુખ્ય મંત્રીપદના ઉમેદવાર હતા. ભાજપના રોડરોલરમાં માડમ-ગઢવીનો પરાજય થયો અને મૂળુભાઈ ફરી એક વખત ધારાસભ્ય બન્યા.

પૂનમ માડમ કોણ છે?

પૂનમબહેનનો રાજકીય સૂર્યોદય

પૂનમ માડમ કોણ છે?

પિતાના હેમતભાઈ મૃત્યુ પછીથી પૂનમબહેન માડમે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી ગ્રૅજ્યુએશન કર્યું. વર્ષ 2009 આસપાસ સુધી પૂનમબહેનનું કાર્યક્ષેત્ર જામનગર-ખંભાળિયાની બહારનું જ રહ્યું. તેમણે પરમિંદર કુમાર સાથે લગ્ન કર્યું અને એક પુત્રીનાં માતા બન્યાં.

પૂનમબહેને હેમતભાઈ રામભાઈ માડમ મૅમોરિયલ ટ્રસ્ટના માધ્યમથી સેવાકાર્યો શરૂ કર્યાં, જેનું કેન્દ્ર ખંભાળિયા હતું.

પિતા તથા દાદાના રાજકીય વારસાની યાદ અપાવવાનો આ પ્રયાસ હતો. વિસ્તારની ટીમોને સ્પૉર્ટ્સ કિટ, ક્રિકેટ ટુર્નામેન્ટ અને નવરાત્રિ જેવા આયોજન સહિતનાં સેવાકાર્યો કર્યાં.

વર્ષ 2012ની વિધાસનભાની ચૂંટણી દરમિયાન તેમણે કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને ગણતરીના કલાકોમાં ખંભાળિયાની બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે તેમના નામની જાહેરાત થઈ.

પૂનમબહેનનું કહેવું હતું કે તેઓ કૉંગ્રેસના માત્ર પ્રાથમિક સભ્ય હતા, તેમણે પાર્ટીમાં કોઈ હોદ્દો લીધો ન હતો કે કોઈ ચૂંટણી લડ્યા ન હતા.

વિધાનસભા બેઠકોના પુનઃસીમાંકન પછી યોજાયેલી આ પ્રથમ વિધાનસભા ચૂંટણી હતી. પૂનમબહેને વિક્રમભાઈની નજીક મનાતા એભાભાઈ કરમૂરને 38 હજાર 382 જેટલા મતથી પરાજય આપ્યો. જે કુલ માન્ય મતના 24.33 ટકા જેટલા હતા.

2014ની લોકસભા ચૂંટણી દરમિયાન કાકા અને ભત્રીજી વચ્ચે સીધો જંગ થયો હતો. ભાજપે પૂનમબહેન માડમને ઉમેદવાર બનાવ્યાં હતાં, તો કૉંગ્રેસે વિક્રમભાઈ માડમને ટિકિટ આપી હતી. ભાજપે વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીને જાહેર કર્યા હતા. ગુજરાતમાં તમામ 26 બેઠક ઉપર ભાજપનો વિજય થયો અને ભત્રીજીના હાથે વિક્રમભાઈનો પરાજય થયો.

વિક્રમભાઈ સાર્વજનિક રીતે સ્વીકારે છે કે મોટાબાપુના દીકરાને જીતાડવામાં પ્રયાસ કર્યા હોય તો તેમના વિજય પછી તેમને પણ રાજકીયલાભ મળ્યો હોય.

2019ની લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ, તેના ગણતરીના મહિના પહેલાં પૂનમબહેન ઉપર વજ્રાઘાત થયો. તેમનાં એકમાત્ર સંતાન શીવાની (ઉંમર વર્ષ 21) નોઇડા ખાતે ગિઝર ફાટવાથી દાઝી ગયાં. તેમને સિંગાપોર ખાતે ઉચ્ચસારવાર અર્થે ખસેડવામાં આવ્યા, પરંતુ તેમનું અવસાન થયું.

2019ની લોકસભા ચૂંટણી દરમિયાન પૂનમબહેને બે લાખ 36 હજાર 804 મતથી કૉંગ્રેસના મૂળુભાઈ કંડોરિયાને પરાજય આપ્યો હતો. સતત બીજી વખત ગુજરાતની તમામ 26 બેઠક ઉપર ભાજપનો વિજય થયો હતો.

નજીકનાં લોકોમાં ભાજપનાં મહિલા સંસદસભ્ય 'બહેન' કે 'દીદી'નાં હુલામણાં નામથી પણ ઓળખાય છે. બ્રાન્ડેડ અને ફૅન્સી ઘડિયાળો તથા પર્સ તેમનાં સ્ટાઇલ સ્ટેટમેન્ટ છે. જામનગરમાં હોય ત્યારે તમામને સરળતાથી ઉપલબ્ધ રહેવું પૂનમબહેનની ખાસિયત છે.

પૂનમ માડમ કોણ છે?

પૂનમબહેન પર વિવાદના 'ગ્રહણ'

પૂનમ માડમ કોણ છે?

ચૂંટાઈને આવ્યાંના ગણતરીનાં મહિનામાં રૉલ્સ રૉયસ સાથેની તસવીર વાઇરલ થઈ હતી. સંસદસભ્ય બન્યાંનાં ગણતરીનાં દિવસોમાં આ પ્રકારની તસવીર ધ્યાન ખેંચે તે સ્વાભાવિક હતું.

પાછળથી બહાર આવ્યું હતું કે તે સુરતસ્થિત ઉદ્યોગપતિની હતી. 2019ની લોકસભા ચૂંટણી ઍફિડેવિટમાં પૂનમબહેને તેમની પાસે બે ફૉર્ચ્યુનર અને વેગનઆર ગાડી હોવાનું જણાવ્યું હતું.

2015માં વેરાવળ ખાતે એક ડાયરામાં પૂનમ બહેન હાજર રહ્યાં હતાં અને ગરબા ગયાં હતાં. આ કાર્યક્રમમાં કથિત રીતે 30 સેકંડમાં ત્રણ કરોડ ઉડાડવામાં આવ્યા હતા. પૂનમબહેને પણ સમાજના કાર્યક્રમમાં નોટો ઉડાડી હતી.

આ અંગે વિવાદ વકરતા પૂનમબહેને સ્પષ્ટતા કરી હતી કે તે ધાર્મિક અને સામાજિક કાર્યક્રમ હતો. જ્યાં ડાયરા દરમિયાન પૈસા ઉડાડવાની લાંબી પરંપરા રહી છે અને આ રકમ દાન સ્વરૂપે હતી.

ઑક્ટોબર-2018માં દીકરીનાં અવસાન પહેલાં પૂનમબહેન જામનગરના એક ઝૂપડપટ્ટી વિસ્તારમાં સરવે માટે ગયાં હતાં, ત્યારે ડ્રૅનેજમાં ખાબક્યાં હતાં. તેમને વધુ સારવાર અર્થે મુંબઈ ખસેડવા પડ્યાં હતાં.

રાજકોટસ્થિત પત્રકાર જગદીશ આચાર્ય છેલ્લા લગભગ ત્રણ દાયકાથી જામનગરના રાજકારણ ઉપર નજીકથી નજર રાખી રહ્યા છે. તેમના કહેવા પ્રમાણે:

"વિવાદને પગલે કૉંગ્રેસમાંથી આવેલા હકુભા જાડેજાને (ધર્મેન્દ્રસિંહ જાડેજા) ભાજપે પડતા મૂકવા પડ્યા હતા. આથી, રાજપૂત સમીકરણ સાધવા માટે રીવાબા જાડેજાને ઉમેદવાર બનાવવામાં આવ્યાં હતાં. ઉપરાપર બહારથી આવેલાંને ઉમેદવાર બનાવવામાં આવે એટલે સ્વાભાવિક રીતે ભાજપના જૂના અને સંનિષ્ઠ કાર્યકરોમાં કચવાટ ફેલાય."

"તાજેતરમાં થયેલો વિવાદ આગમાં ઘીનું કામ કરી શકે છે. રીવાબાની સરખામણીમાં પૂનમબહેને સમગ્ર ઘટનાક્રમને રાજકીય પરિપક્વતાથી હૅન્ડલ કર્યો છે. ભાજપ એ વાત સમજે છે કે જો જામનગર અને દેવભૂમિ દ્વારકા પર પ્રભુત્વ જાળવી રાખવું હોય તો માડમ પરિવારના કોઇક સભ્યનો તો સાથ જોઇશે જ."

તા. 15 ઑગસ્ટ 2013ના જામનગર ખંડિત થયું અને દેવભૂમિ દ્વારકા જિલ્લો અસ્તિત્વમાં આવ્યો. હવે, ખંભાળિયાની બેઠક દ્વારકા જિલ્લા હેઠળ આવે છે. છતાં બંને જિલ્લાના રાજકારણમાં માડમ પરિવારનો દબદબો યથાવત્ છે.

2024ની લોકસભા ચૂંટણીમાં સતત ત્રીજી વખત તમામ 26 બેઠક જીતવાના ભાજપના લક્ષ્યાંકમાં પૂનમબહેન ફિટ બેસશે કે કેમ તે માટે ગણતરીના મહિનાઓની રાહ જોવી રહી.

પૂનમ માડમ કોણ છે?
પૂનમ માડમ કોણ છે?