જામનગર : 'મારે સ્વમાન માટે બોલવું પડ્યું', રીવાબા અને પૂનમ માડમ વચ્ચે બોલાચાલી કેમ થઈ?

ઇમેજ સ્રોત, Darshan Thakker
જામનગરનાં સાંસદ પૂનમ માડમ, જામનગર ઉત્તરનાં ધારાસભ્ય રીવાબા જાડેજા અને જામનગરનાં મેયર બીનાબહેનનો એક કથિત બોલાચાલીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
'મેરી મિટ્ટી મેરા દેશ' અંતર્ગત જામનગર મહાનગરપાલિકાએ શહીદોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં સાંસદ પૂનમ માડમ, જામનગર ઉત્તરનાં ધારાસભ્ય રીવાબા જાડેજા અને શહેરનાં મેયર બીનાબહેન કોઠારી વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.
રીવાબાએ દાવો કર્યો કે તેમણે પગરખાં ઉતારીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી તેના પર સાંસદ પૂનમબહેને ટિપ્પણી કરી એટલે મામલો બિચક્યો હતો.
વાઇરલ વીડિયોમાં પણ મેયર ધારાસભ્ય સામે બોલતાં હોય એવું જણાતું હતું. જોકે, બાદમાં તેમણે સમગ્ર બાબતને પારિવારિક ગણાવીને મીડિયા સમક્ષ કંઈ પણ બોલવાનો ઈનકાર કર્યો હતો.
વીડિયો વાઇરલ બાબતે રીવાબા જાડેજાએ બાદમાં મીડિયા સામે સ્પષ્ટતા કરી હતી.
વાઇરલ થયેલા વીડિયોમાં રીવાબા કથિત 'ઓકાત' શબ્દ બોલતાં પૂનમ માડમ અને મેયર બીનાબહેન કોઠારી પણ ગુસ્સામાં જવાબ આપતાં દેખાયાં હતાં.

ઇમેજ સ્રોત, RIVABA RAVINDRASINH JADEJA/fb
વાઇરલ વીડિયોમાં અન્ય અવાજ વધુ હોવાથી કેટલાક શબ્દો સ્પષ્ટ સાંભળી શકાતા નથી. પણ ત્રણેય વચ્ચે કોઈ કારણસર બોલાચાલી થઈ હોય એવું જણાતું હતું.
રીવાબા જાડેજા પૂનમ માડમને કંઈક કહે છે અને પૂનમ માડમ પણ તેનો જવાબ આપે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રીવાબા જાડેજા એવું પણ કહેતાં સંભળાય છે કે ‘અવાજ નીચો રાખો’, તો મેયર બીનાબહેન કહે છે કે ‘તમે ત્યાં જતા રહો.’
તો પૂનમ માડમ પણ એવું કહે છે કે એ મેયર છે, તમારાથી મોટાં છે.

રીવાબાએ શું કહ્યું?
બોલાચાલી બાદ સમગ્ર મામલો શું હતો તે જાણવા મીડિયા ત્રણેય નેતાઓને ઘેરી વળ્યું હતું. મીડિયા સાથેની વાતચીતમાં રીવાબાએ સીધી રીતે સાંસદ પૂનમબહેન માડમને જવાબદાર ગણાવ્યાં હતાં.
મીડિયા સાથેની વાતમાં તેમણે કહ્યું, "કાર્યક્રમ યોગ્ય રીતે ચાલી રહ્યો હતો. શહીદ સ્મારક પર ફૂલની માળા ચઢાવતી વખતે સાંસદે ચંપલ પહેરેલાં હતાં. તેમનાં પછી મારો વારો હતો. મેં ચંપલ કાઢીને શહીદોને હાર ચઢાવી શ્રદ્ધાંજલિ પાઠવી. મારા પછીના આગેવાનોએ પણ ચંપલ કાઢીને શ્રદ્ધાંજલિ આપી."
તેઓ વધુમાં કહે છે, "આ દરમિયાન એમપી મેડમ, મેયરશ્રી અને હું અમે બાજુમાં ઊભાં હતાં. તે સમયે એમપી મેડમ જોરથી બોલ્યાં કે 'પ્રધાનમંત્રીશ્રી અને રાષ્ટ્રપતિશ્રી પણ આવા કાર્યક્રમમાં ચંપલ નથી ઉતારતાં હોતાં. પણ અમુક ભાન વગરના લોકો કે જેમને કાંઈ ભાન નથી પડતી. એવા લોકો ઓવર સ્માર્ટ થઈ અને ચંપલ કાઢે છે.' શહીદોના કાર્યક્રમમાં આવી ટીપ્પણી મને માફક ના આવી."

ઇમેજ સ્રોત, Poonamben Maadam/facebook
રીવાબાએ મીડિયા સાથેની વાતચીતમાં દાવો કર્યો કે ચંપલ કાઢીને શ્રદ્ધાંજલિ આપવાની શરૂઆત તેમણે જ કરી હતી. એટલે સાંસદ પૂનમ માડમે આ ટિપ્પણી તેમના પર જ કરી હતી.
રીવાબાએ મીડિયા સાથેની વાતમાં આગળ ઉમેર્યું, "સાંસદને જ્યારે તેમણે આ ટિપ્પણી અંગે પૂછ્યું તો તેમણે જવાબ આપ્યો કે હું તમને નહીં પણ બીનાબહેનને કહું છું. જ્યારે આ વાત બીનાબહેન સંલગ્ન કંઈ ન હતી. આ સંવાદ મારા અને એમપી મેડમ વચ્ચે જ થયો હતો."
જોકે, વીડિયોમાં મેયર બીનાબહેન પણ ધારાસભ્ય રીવાબા જાડેજા સામે બોલતાં નજરે આવ્યાં હતાં.
આ અંગે પત્રકારોએ જ્યારે રીવાબાને પૂછ્યું તો તેમણે જવાબ આપ્યો, "તેઓ એમપીની તરફેણ કરીને મારી સાથે વાત કરતાં હતાં. અને કોઈ તમારા મોઢા પર જ્યારે જોરથી બોલે તો સ્વાભાવિક રીતે તમને અપમાન જેવું લાગે. તેથી મારે મારા સ્વમાનને જાળવવા માટે જ આ કહેવું પડ્યું, કારણ કે આ બાબતમાં તેમને ક્યાંય લેવાદેવા ન હતી. એમની કોઈ વાત નહોતી થતી. છતાં પણ તેઓ વચ્ચે કૂદી પડ્યાં અને મારી સાથે જે રીતે ઉદ્ધતાઈ અને તોછડાઈથી વાત કરતાં હતાં એટલે મારે તેમને ન છૂટકે કહેવું પડ્યું."

શું બોલ્યાં મેયર બીનાબહેન કોઠારી?

ઇમેજ સ્રોત, Darshan Thakker
વીડિયોમાં મેયર બીનાબહેન કોઠારી અને ધારાસભ્ય રીવાબા જાડેજા વચ્ચે થયેલી બોલાચાલી સ્પષ્ટ પણે જોઈ શકાતી હતી. આ અંગે જ્યારે મેયર બીનાબહેનને મીડિયાએ પૂછ્યું તો તેમણે સમગ્ર બાબત પાર્ટીની આંતરિક બાબત હોવાનું જણાવ્યું હતું.
તેમણે મીડિયા સમક્ષ કહ્યું, "આ અમારો ભારતીય જનતા પાર્ટીનો પારિવારિક મામલો છે અને એ મુદ્દે હું કોઈ કૉમેન્ટ કરવા નથી માગતી."
મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ મુદ્દે સુરતમાં પાર્ટીએ પત્રકારપરિષદનું આયોજન કર્યું હતું. જેમાં સી. આર. પાટીલ પણ ઉપસ્થિત હતા.
પત્રકારોએ જ્યારે સમગ્ર બાબતે તેમને પૂછ્યું તો તેમણે માત્ર એક જ લાઇનમાં જવાબ આપ્યો "માહિતી મેળવી લઉં છું."
રીવાબાએ જે આરોપ મૂક્યા તે મામલે બીબીસીએ સાંસદ પૂનમ માડમની પ્રતિક્રિયા લેવાનો પણ પ્રયત્ન કર્યો. જોકે, તેમની સાથે વાતચીત થઈ શકી ન હતી.

પૂનમ માડમ શું બોલ્યાં?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તો, સમગ્ર બાબતે સાંસદ પૂનમ માડમ દિવસભર પ્રતિક્રિયા આપવાથી બચ્યાં હતાં. પણ ગુરુવારે રાત્રે મીડિયા સાથેની વાતમાં તેમણે જણાવ્યું હતું કે "આ સરકારનો કાર્યક્રમ હતો. અને મારું વર્તન પણ પાર્ટીને છાજે એ પ્રકારનું હતું. પાર્ટીની શિસ્તતાનો મેં ભંગ નહોતો કર્યો. મેં પ્રદેશઅધ્યક્ષજીની અનુમતિ લઈને આપની સાથે વાત કરી. ગ્રૂપ ફોટો માટે અમે જ્યારે આવ્યાં એ અડધી મિનિટનો જ એ સંવાદ હતો. એનાથી વધારે કોઈ વાતચીત નથી. મને એવું લાગે છે કે કૉમ્યુનિકેશનમાં ક્યાંક ગેરસમજ થઈ હોય. હું આને ઓવર રિએક્શન અને ગેરસમજ ગણું છું. એનાથી વધારે કંઈ ન હતું."
સાંસદ પૂનમ માડમ વીડિયોમાં સૉરી કહેતાં પણ દેખાયાં હતાં. તેમને સૉરી કહેવાની જરૂર કેમ પડી એ પ્રશ્નના જવાબમાં તેમણે ઉમેર્યું "મેયર બીનાબહેનને મેં એટલે સૉરી કહ્યું કે મારી ઉપસ્થિતિમાં વાતાવરણ થોડું ટેન્સ થયું અને બીનાબેન મારા વડીલ છે. તેમને સૉરી કહેવામાં કોઈ વાંધો ન હોય. અને રિવાબાને મેં સૉરી એટલા માટે કહ્યું કે એ ચર્ચા માટેનું એ સ્થાન નહોતું. મને અહીં 'ઇમ્બેરેસમેન્ટ ફીલ' થાય છે. આપણે અહીંથી ક્યાંક બીજે જઈએ."
પૂનમ માડમે ઉમેર્યું કે "રીવાબા પહેલીવાર ધારાસભ્ય બન્યાં છે. મીડિયાની સામે આ બન્યું એટલે વાતનું વતેસર થયું."















