PMની અમેરિકા મુલાકાત : ભારતમાં મુસલમાનો સાથે ભેદભાવના સવાલ પર નરેન્દ્ર મોદીએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલ અમેરિકાની ત્રણ દિવસીય મુલાકાતે છે. ગુરુવારે વડા પ્રધાન મોદી વ્હાઇટ હાઉસ પહોંચ્યા હતા અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે મુલાકાત કરી હતી.
ત્યારબાદ સંયુક્ત પત્રકારપરિષદમાં વૉલ સ્ટ્રીટ જર્નલનાં પત્રકાર સબરીના સિદ્દીકીએ માનવાધિકાર હનન અને ભારતમાં મુસલમાનો પર થઈ રહેલા અત્યાચારો વિશે બંનેને પ્રશ્ન પૂછ્યો હતો.
વડા પ્રધાને કહ્યું કે ભારત અને અમેરિકા બંને લોકતંત્રમાં વિશ્વાસ ધરાવે છે અને બંનેનું બંધારણ પણ આ જ શબ્દોથી શરૂ થાય છે, ‘વી ધ પીપલ.’
જ્યારે બાઇડનને ચીની રાષ્ટ્રપતિને તાનાશાહ કહેવા મુદ્દે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.
બાઇડને તેના જવાબમાં કહ્યું હતું કે,“અમારે એક ઘટના ઘટી જેના લીધે કંઈક અસમંજસતા પેદા થઈ, પરંતુ સેક્રેટરી બ્લિન્કનનો ચીનનો પ્રવાસ ખૂબ સારો રહ્યો. ભવિષ્યમાં હું ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાતની આશા રાખું છું.”
નરેન્દ્ર મોદીને કરેલા સવાલના તેમણે વિસ્તારથી જવાબો આપ્યા હતા.

પ્રેસ-કૉન્ફરન્સમાં નરેન્દ્ર મોદી સાથે સવાલ-જવાબ

ઇમેજ સ્રોત, Getty Images
આ પ્રેસ-કોન્ફરન્સ દરમિયાન અમેરિકાના પ્રતિષ્ઠિત અખબાર વૉલ સ્ટ્રીટ જર્નલના પત્રકાર સબરીના સિદ્દીકીએ પીએમ મોદીને એક સવાલ પૂછ્યો હતો.
સિદ્દીકીએ પીએમ મોદીને પૂછ્યું, "તમે અને તમારી સરકાર મુસ્લિમો સહિત અન્ય સમુદાયોના અધિકારોને વધુ મજબૂત કરવા અને તમારા દેશમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા સુનિશ્ચિત કરવા માટે કયાં પગલાં લેવાં તૈયાર છો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેના પર પીએમ મોદીએ કહ્યું, "મને આશ્ચર્ય થાય છે કે તમે કહો છો કે લોકો આવું કહે છે… લોકો કહે છે કે ના, ભારત લોકશાહી છે. અને રાષ્ટ્રપતિ બાઇડને પણ કહ્યું કે ભારત અને અમેરિકા બંનેના ડીએનએમાં લોકશાહી છે."
મોદીએ કહ્યું કે લોકશાહી અમારો સ્પિરિટ છે. લોકશાહી અમારી નસોમાં છે. અમે લોકશાહીને જીવીએ છીએ અને અમારા વડવાઓએ તેને શબ્દોમાં અને બંધારણના રૂપમાં રજૂ કર્યું છે. અમારી સરકાર લોકશાહીના મૂળભૂત મૂલ્યોના આધારે અને બંધારણના આધારે ચાલે છે. અમારું બંધારણ અને અમારી સરકાર... અને અમે સાબિત કર્યું છે કે ‘ડૅમોક્રેસી કૅન ડિલિવર’.
"અને જ્યારે હું ડિલિવર શબ્દનો ઉપયોગ કરું છું, ત્યારે તેમાં જાતિ, સંપ્રદાય, ધર્મ અથવા લિંગના આધારે કોઈ ભેદભાવ માટે કોઈ સ્થાન નથી. અને જ્યારે આપણે લોકશાહીની વાત કરીએ છીએ ત્યારે જો માનવીય મૂલ્યો નથી, માનવતા નથી, માનવ અધિકારો નથી, તો તે લોકશાહી છે જ નહીં."
"અને તેથી જ્યારે તમે લોકશાહી કહો છો, જ્યારે તેને સ્વીકારો છો, અને જ્યારે આપણે લોકશાહી સાથે જીવીએ છીએ, ત્યારે ભેદભાવનો પ્રશ્ન જ ઊભો થતો નથી. અને તેથી જ ભારત સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસના મૂળ સિદ્ધાંતો સાથે ચાલે છે."
"ભારતમાં સરકાર તરફથી મળતા લાભો બધાને મળે છે, જે પણ તેના હકદારો છે, તે બધાને મળે છે. એટલા માટે ભારતનાં લોકતાંત્રિક મૂલ્યોમાં કોઈ ભેદભાવ નથી. ન ધર્મના આધારે, ન જાતિના આધારે, ન ઉંમરના આધારે, ન પ્રદેશના આધારે."

મોદી અને બાઇડનની દ્વિપક્ષીય મુલાકાત

ઇમેજ સ્રોત, Reuters
વ્હાઇટ હાઉસમાં મોદીનું સ્વાગત કરતાં બાઇડને કહ્યું, "બંન્ને દેશના સંબંધોમાં સ્પષ્ટતા અને પરસ્પર વિશ્વાસ છે જે અમારા સંબંધોને વ્યાખ્યાયિત કરે છે. ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો 21મી સદીના પરિભાષિત સંબંધોમાંથી એક છે."
બાઇડન સાથેની દ્વિપક્ષીય વાતચીત બાદ પીએમ નરેન્દ્ર મોદીએ તેમનો આભાર માન્યો અને કહ્યું હતું કે ભારતીય સમુદાય માટે વ્હાઇટ હાઉસના દરવાજા ખોલવા બદલ તેઓ તેમનો ખાસ આભાર માનવા માગે છે. મોદીએ કહ્યું કે અમેરિકા હંમેશાં ભારતનું શુભચિંતક રહ્યું છે.
તેમણે ઉમેર્યું હતું કે, "કોવિડના સમયગાળામાં વિશ્વ વ્યવસ્થા એક નવું સ્વરૂપ લઈ રહી છે અને આ સમયગાળામાં ભારત અને અમેરિકાની મિત્રતા સમગ્ર વિશ્વની ક્ષમતાને વધારવામાં પૂરક બનશે. વૈશ્વિક હિત માટે વૈશ્વિક શાંતિ અને સ્થિરતા જરૂરી છે. આ દિશામાં બંને દેશો સાથે મળીને કામ કરવા તૈયાર છે."

ઇમેજ સ્રોત, ANI
આ મુલાકાત દરમિયાન અનેક વૈશ્વિક મુદ્દાઓ અને બંને દેશો વચ્ચેના કેટલાક અગત્યના મુદ્દાઓ પર વાત થઈ હોવાનું મનાય છે.
આ સિવાય દ્વિપક્ષીય મુલાકાતમાં બાઇડને જી-20 દેશોની બેઠકનું આયોજન કરવા બદલ વડા પ્રધાન મોદીનો આભાર માન્યો હતો.
મોદીએ કહ્યું હતું કે, સમુદ્રક્ષેત્ર હોય કે અંતરિક્ષ ક્ષેત્ર, પ્રાચીન સંસ્કૃતિ હોય કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ- ભારત અને અમેરિકા દરેક ક્ષેત્રે ખભેથી ખભો મિલાવીને ચાલી રહ્યા છે.
હવે અમેરિકી કૉંગ્રેસના સંયુક્ત સત્રને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંબોધિત કરશે અને વ્હાઇટ હાઉસમાં તેમના માટે આયોજિત સ્ટેટ ડિનરમાં ભાગ લેશે. આ દરમિયાન તેમણે અમેરિકાના ફર્સ્ટ લેડી જીલ બાઇડનને આપેલો ગ્રીન ડાયમંડ પણ ચર્ચામાં રહ્યો છે.
મોદી તેમના અમેરિકા પ્રવાસ દરમિયાન અનેક મહત્ત્વના સોદા પણ કરી શકે છે. ભારતમાં જ જેટ ફાઈટર એન્જિન બનાવવાનો સોદો પણ કરી શકે છે. ભારત અમેરિકા પાસેથી ઊંચાઈ પર ઊડી શકે તેવા પ્રિડેટર ડ્રોન પણ ખરીદી શકે છે.
23મી જૂને તેઓ ઈન્ડિયા-યુએસ ટેક-હૅન્ડશેક ઇવેન્ટમાં ભાગ લેશે અને દિવસ દરમિયાન અનેક વેપાર સંબંધિત મંત્રણાઓ કરશે તથા અનેક મહાનુભાવોને મળશે. રાત્રે તેઓ અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે પણ મુલાકાત કરે તેવી સંભાવના છે. પછી તેઓ ઈજિપ્ત માટે રવાના થશે.

અત્યાર સુધી શું-શું થયું?
- 21મી જૂનથી જ પ્રધાનમંત્રીના અમેરિકા પ્રવાસની શરૂઆત થઈ હતી
- પ્રથમ દિવસે ટ્વિટર અને ટેસ્લાના સીઇઓ ઇલોન મસ્ક સાથે મુલાકાત મુખ્ય રહી હતી.
- સંયુક્ત રાષ્ટ્રના હેડક્વાર્ટરમાં યોજાયેલ વિશ્વ યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું હતું.
- ભારતીય મૂળના ગ્રેમી ઍવૉર્ડ વિજેતા ફાલ્ગુની શાહ તથા અન્ય ઉદ્યોગપતિઓ સાથે પણ તેમણે મુલાકાત કરી હતી.
- 22મી જૂનના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વ્હાઇટ હાઉસ ગયા હતા અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી હતી.

એલન મસ્ક સાથેની મુલાકાત

ઇમેજ સ્રોત, Getty Images
આમ તો બુધવારના દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક ઉદ્યોગપતિઓ અને અન્ય લોકો સાથે મુલાકાતો કરી હતી પરંતુ ટ્વિટર અને ટેસ્લાના સીઇઓ એલન મસ્ક સાથેની તેમની મુલાકાત વિશેષ રૂપે ચર્ચામાં રહી હતી.
મોદી સાથે મુલાકાત પછી એલન મસ્કે જણાવ્યું હતું કે, "તેઓ પીએમ મોદીના ફેન છે અને તેમની મોદી સાથે ટેસ્લાની ફેક્ટરી ભારતમાં ખોલવા વિશે વાત થઈ છે."
ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ એલન મસ્કે કહ્યું હતું કે, "હું ભારતના ભવિષ્યને લઈને અતિ ઉત્સાહિત છું. વિશ્વના કોઈ પણ મોટા દેશ કરતાં ભારતમાં વધુ શક્યતાઓ રહેલી છે. તેઓ (પીએમ મોદી) ખરેખર ભારતની ચિંતા કરે છે, કારણ કે તેઓ અમને રોકાણ કરવા આગ્રહ કરી રહ્યા છે. હું મોદીનો પ્રશંસક છું. આ એક અદભુત મુલાકાત હતી."
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ જ્યારે એલન મસ્ક મીડિયા સામે આવ્યા ત્યારે તેમને જેક ડોર્સીએ લગાવેલા આરોપો અંગે સવાલ પણ કરવામાં આવ્યા હતા.
એલન મસ્કે કહ્યું, "સ્થાનિક સરકારો જે કહે છે તેનું પાલન કરવા સિવાય ટ્વિટર પાસે કોઈ વિકલ્પ નથી. જો અમે સ્થાનિક સરકારના કાયદાનું પાલન નહીં કરીએ, તો કામ નહીં કરી શકીએ. તેથી કોઈ પણ દેશમાં અમારે તેના કાયદાની અંદર રહીને કામ કરવું પડશે. અમારા માટે આનાથી વધુ કરવું અશક્ય છે. નહીંતર અમને કામ કરતા રોકવામાં આવશે અથવા ધરપકડ પણ કરવામાં આવશે."

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

ઇમેજ સ્રોત, Getty Images
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રના હેડ ક્વાર્ટર્સમાં યોજાયેલ 21 જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું હતું.
ન્યૂયૉર્કમાં યુએન હેડ ક્વાર્ટર્સ ખાતે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યોગ દિવસના કાર્યક્રમમાં રચાયેલા યોગસત્રમાં સૌથી વધુ રાષ્ટ્રના લોકોએ ભાગ લીધો હોઈ તે માટે ગિનીસ વર્લ્ડ રેકૉર્ડ પણ બન્યો છે.
આ યોગસત્રમાં 180 દેશોના લોકોએ ભાગ લીધો હતો.
UN દ્વારા યોગને વૈશ્વિક ઓળખ અપાયા પછી ભારતના વડા પ્રધાનનું તેમાં સામેલ થવું એ મહત્ત્વનું ગણાય છે.
ન્યૂયૉર્કમાં યુએન મુખ્યાલય ખાતે વિશ્વ યોગ દિવસના કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, "આપણે યોગની શક્તિનો ઉપયોગ માત્ર સ્વસ્થ રહેવા કે ખુશ રહેવા માટે જ નહીં, પરંતુ સ્વયં અને એકબીજા પ્રત્યે દયાળુ બનવા માટે કરીએ છીએ. મિત્રતાની લાગણી ટકાવી રાખવા, એક શાંતિપૂર્ણ વિશ્વ અને સ્વચ્છ, હરિયાળા અને ટકાઉ ભવિષ્યના સેતુ બનાવવા માટે યોગની શક્તિનો ઉપયોગ કરીએ. ચાલો આપણે એક પૃથ્વી, એક પરિવાર અને એક ભવિષ્યના ધ્યેયને સાકાર કરવા માટે સાથે મળીને કામ કરીએ."

વૉલ સ્ટ્રીટ જર્નલને આપેલ ઇન્ટરવ્યૂ પણ ચર્ચામાં

ઇમેજ સ્રોત, ANI
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકી અખબાર વૉલ સ્ટ્રીટ જર્નલને આપેલા એક ઇન્ટરવ્યૂમાં અમેરિકા સાથે વધુ ગાઢ સંબંધો અને વૈશ્વિક સંસ્થાઓમાં જડમૂળ પરિવર્તનો માટે આહ્વાન કર્યું હતું.
આ ઇન્ટરવ્યૂમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો અત્યાર સુધીમાં સૌથી મજબૂત છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભૌગોલિક-રાજનૈતિક ઊથલપાથલ વચ્ચે પણ ભારત વૈશ્વિક મંચ પર પોતાની જગ્યાને વધુ મજબૂત અને સુરક્ષિત બનાવી રહ્યું છે.
ધાર્મિક સ્વતંત્રતા મુદ્દે મોદીએ આપેલ જવાબ પણ ચર્ચામાં રહ્યો છે. આ ઇન્ટરવ્યૂમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત તેની વિવિધતા પ્રત્યે માત્ર સહિષ્ણુ નથી પરંતુ તેની ઉજવણી પણ કરે છે.
મોદીએ એક નિવેદનમાં કહ્યું હતું કે, “હજારો વર્ષોથી, ભારત એક એવી ભૂમિ છે જ્યાં દરેક ધર્મ અને માન્યતા ધરાવતા લોકોને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ અને સમૃદ્ધિની સ્વતંત્રતા મળી છે. દુનિયાના દરેક ધર્મના લોકોને તમે ભારતમાં શાંતિ અને સૌહાર્દથી રહેતા જોઈ શકશો.”
ચીન સાથેના સંબંધો મુદ્દેના સવાલ પર વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે, “ચીન સાથે સામાન્ય દ્વિપક્ષીય સંબંધો માટે સરહદી વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા જરૂરી છે.”














