You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પનામા નહેર કેટલી મહત્ત્વની છે? ડોનાલ્ડ ટ્રમ્પ તેના પર અમેરિકાનું નિયંત્રણ કેમ ઇચ્છે છે?
અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પનામાને જણાવ્યું છે કે તેણે પનામા નહેરની ફી ઓછી કરવી જોઈએ અથવા તો તેનું નિયંત્રણ અમેરિકાને પાછું સોંપી દેવું જોઈએ.
ટ્રમ્પે આક્ષેપ કર્યો છે કે મધ્ય અમેરિકાનો પનામા દેશ અમેરિકન માલવાહક જહાજો પાસેથી વધારે કિંમત વસૂલી રહ્યો છે.
રવિવારે ઍરિઝોનામાં પોતાના સમર્થકોને ટ્રમ્પે કહ્યું હતું, "પનામા અમેરિકા પાસેથી મનસ્વી રીતે ફી વસૂલી રહ્યું છે. આ સંપૂર્ણપણે અયોગ્ય છે. એ આપણાં માટે બહુ મોંઘું છે અને અમે તેને તત્કાળ અટકાવીશું."
ટ્રમ્પ આવતા મહિને અમેરિકામાં સત્તા સંભાળવાના છે. ટ્રમ્પે ટર્નિંગ પૉઇન્ટ યુએસએ નામના એક કન્ઝર્વેટિવ ગ્રૂપને સંબોધન કરતાં ઉપર મુજબ જણાવ્યું હતું.
જોકે, પનામાના રાષ્ટ્રપતિ હોસે રાઉલ મુનીલોએ ટ્રમ્પને વિના વિલંબે જવાબ આપ્યો હતો.
રાષ્ટ્રપતિ મુનીલોએ કહ્યું હતું, "આખેઆખી પનામા નહેર અમારી છે અને તેની ચારે તરફનો વિસ્તાર પણ અમારો છે. પનામાની સ્વાયતત્તા અને સ્વતંત્રતા બાબતે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં."
કોઈ અમેરિકન નેતા એવું કહે કે તે કોઈ દેશના હિસ્સાને પોતાના નિયંત્રણમાં લઈ લેશે, એવા દાખલા ભાગ્યે જ જોવા મળતા હોય છે.
અલબત, આ વાતનો અમલ પોતે કેવી રીતે કરશે, એ ટ્રમ્પે જણાવ્યું નથી. ટ્રમ્પ 20 જાન્યુઆરીએ અમેરિકાનું રાષ્ટ્રપ્રમુખપદ સંભાળશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટ્રમ્પ એ વાતનો સંદેશ આપી રહ્યા છે કે તેમના કાર્યકાળ દરમિયાન વિદેશનીતિનું વલણ કેવું હશે.
પનામા નહેર મહત્ત્વની શા માટે?
ટ્રમ્પે અગાઉ કહ્યું હતું કે પનામા નહેર એક સમયે અમેરિકા માટે "મહત્ત્વની રાષ્ટ્રીય સંપત્તિ" હતી.
ટ્રમ્પે રવિવારે જણાવ્યું હતું કે પનામા શિપિંગના દર ઓછા નહીં કરે તો તેઓ પનામા નહેર પરનું નિયંત્રણ પાછું આપવાની માગણી કરશે.
82 કિલોમીટર લાંબી પનામા નહેર ઍટલાન્ટિક અને પ્રશાંત મહાસાગરને જોડે છે. આ નહેરનું નિર્માણ 1900ના દાયકાની શરૂઆતમાં કરવામાં આવ્યું હતું.
1977 સુધી તેના પર અમેરિકાનું નિયંત્રણ હતું. એ પછી પનામા અને અમેરિકાનું સંયુક્ત નિયંત્રણ હતું, પરંતુ 1999થી તેના પર સંપૂર્ણપણે પનામાનું નિયંત્રણ છે.
પનામા નહેરમાંથી દર વર્ષે લગભગ 14,000 માલવાહક જહાજો પસાર થાય છે. તેમાં કારનું વહન કરતી કન્ટેનર શિપ્સ ઉપરાંત ગૅસ, ઑઇલ તથા અન્ય ઉત્પાદનોનું વહન કરતા જહાજોનો પણ સમાવેશ થાય છે.
પનામા સિવાય ટ્રમ્પ મેક્સિકો અને કૅનેડા પર પણ કથિત અયોગ્ય ટૅક્સ બાબતે શાબ્દિક હુમલો કરી ચૂક્યા છે. ટ્રમ્પનું કહેવું છે કે ગેરકાયદે પ્રવાસી અને ડ્રગ્સ કૅનેડા મારફત અમેરિકામાં આવી રહ્યાં છે.
1914માં પનામા નહેર ખોલવામાં આવી હતી. એટલે કે તેને 110 વર્ષ થઈ ગયાં છે.
પનામા નહેરને કુશળ એન્જિનિયરિંગનું પરિણામ ગણાવવામાં આવે છે અને વૈશ્વિક વ્યાપારમાં તેને ક્રાંતિકારી પરિવર્તન ગણવામાં આવે છે.
પનામા શહેર ગગનચૂંબી ઇમારતો માટે જાણીતું છે. ઘણીવાર તેને 'લેટિન અમેરિકાનું દુબઈ' પણ કહેવામાં આવે છે. પનામાની પ્રગતિનું એન્જિન તેની આ નહેર છે.
આ કેનાલ પર પનામાનું નિયંત્રણ આવ્યું ત્યારથી તેના સંચાલનના વખાણ થતાં રહ્યાં છે. પનામા સરકારને આ નહેરને લીધે દર વર્ષે લગભગ એક અબજ ડૉલરથી વધારે ટ્રાન્ઝિટ ફી મળે છે.
જોકે, પનામા નહેર રૂટથી કુલ વૈશ્વિક વ્યાપારનો માત્ર પાંચ જ ટકા વેપાર થાય છે.
કહેવાય છે કે પનામા નહેરે ખુદનું મહત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરવો પડે છે. ન્યૂ સુપરટૅન્કર્સ આ નહેર મારફત આસાનીથી આવ-જા કરી શકતી નથી.
તેના વિસ્તાર માટે પનામા અબજો ડૉલરનો ખર્ચ કરી રહ્યું છે. વૈશ્વિક વ્યાપારમાં ચીન એક શક્તિ તરીકે ઉભર્યા પછી પનામા નહેરનું મહત્ત્વ વધી રહ્યું હોવાનું કહેવાય છે. આ નહેર ચીન સાથે અમેરિકાના પૂર્વ કિનારાને જોડે છે.
પનામા નહેર સામેના પડકાર
પનામા નહેરને સુએજ નહેરથી પણ પડકાર મળતા રહ્યા છે. સુએઝ નહેરનો પણ વિસ્તાર કરવામાં આવી રહ્યો છે.
બીજી તરફ નિકારાગુઆ ઍટલાન્ટિક અને પ્રશાંત મહાસાગર વચ્ચે પોતાની નહેર બનાવી રહ્યું છે.
પનામા નહેર યોજનાનો વિચાર સૌથી પહેલાં પંદરમી સદીમાં કરવામાં આવ્યો હતો. પ્રારંભિક નિષ્ફળતા પછી ફ્રાન્સે 1881માં આ યોજનાનું કામ શરૂ કર્યું હતું, પરંતુ આર્થિક નુકસાન, બીમારી તથા દુર્ઘટનાઓમાં લોકોના મૃત્યુને કારણે એ કામ અધવચ્ચે છોડી દેવામાં આવ્યું હતું.
એ પછી 1904માં અમેરિકાએ આ યોજનામાં રસ લેવાનું શરૂ કર્યું હતું અને કામ ફરી શરૂ થયું હતું. પનામા નહેરમાં 1914માં આવાગમન શરૂ થઈ ગયું હતું.
પનામા નહેરમાંથી અમેરિકન જહાજોનું આવાગમન સૌથી વધારે થાય છે. પનામા કેનાલ ઑથોરિટીના જણાવ્યા મુજબ, પનામા નહેરથી લગભગ 75 ટકા કાર્ગો અમેરિકા જાય છે અથવા અમેરિકાથી આવે છે.
દર વર્ષે લગભગ 270 અબજ ડૉલરનો વેપાર આ રૂટ મારફત થાય છે, પરંતુ તાજેતરના વર્ષોમાં પનામા નહેરમાં પાણી ઓછું થવાની અસર સીધી વેપાર પર થઈ રહી છે.
2017માં તાઇવાને ચીન સાથેનો રાજદ્વારી સંબંધ તોડી નાખ્યો હતો. જે દેશોને તાઇવાન સાથે સંબંધ હોય તેની સાથે ચીન સંબંધ રાખતું નથી, કારણ કે ચીન તાઇવાનને પોતાનો હિસ્સો માને છે. જંગી રોકાણને કારણે ચીન પનામાનો મહત્ત્વનો સહયોગી દેશ બની ગયો છે.
પનામા નહેર પરના બે પૉર્ટ્સનું સંચાલન હૉંગકૉંગની એક કંપની કરે છે. ટ્રમ્પે રવિવારે જણાવ્યું હતું કે પનામા નહેર ચીન માટે નથી. આ નહેર ખોટા હાથમાં જતી રહી છે.
જોકે, પનામાના રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે આ નહેર પર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચીનનું નિયંત્રણ નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન