You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજકોટ : 'પતિ વિકૃત રીતે સંબંધ બાંધતો, સાસુસસરા ન્યૂડ શો કરાવી વીડિયો પોસ્ટ કરતાં'
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
નોંધ : કેસની ગંભીરતા અને સંવેદનશીલતાને ધ્યાને રાખીને પીડિતાનું નામ ના છાપવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત પીડિતાની ઓળખ છતી ના થાય એ માટે આરોપીઓઓ અને અન્ય લોકોનાં નામ પણ જાહેર નથી કરાયાં.
"હું લગ્ન પછી ગર્ભવતી થઈ એટલે મારાં સાસુસસરાએ મને કહ્યું કે જો બાળક જલદી નહીં જન્મે તો મારા પતિનું મૃત્યુ થઈ જશે, એવું એમને એક સાધુમહારાજે જણાવ્યું છે. એમને મને ડરાવી અને સાતમા મહિને સિઝેરિયનથી પ્રસૂતિ કરાવી. એ સાથે જ મારા ખરાબ દિવસો શરૂ થઈ ગયા. બાળક થયા બાદ મારો પતિ મારી સાથે વિકૃત રીતે શારીરિક સંબંધ બાંધી; એનો વીડિયો બનાવી પોર્ન વેબસાઇટ પર મૂકતો. એક કલાક સુધી ન્યૂડ શો કરાવીને પૈસા કમાતો હતો. એના લીધે હું બીમાર પણ થઈ છતાં મારે ફરજિયાત ન્યૂડ શો કરવા પડતા. છેવટે હું કંટાળી અને પોલીસનું શરણ લીધું."
રાજકોટ સાઇબર ક્રાઇમબ્રાન્ચમાં બેઠેલી 21 વર્ષની પીડિતાના આ શબ્દો છે.
બીબીસી સાથેની વાતચીતમાં પીડિતાએ જણાવ્યું, "અમારી જ્ઞાતિના એક મેળાવડામાં મારો પરિચય રાજકોટમાં હોટલના ધંધા સાથે સંકળાયેલા એક યુવક સાથે થયો. અમે એકબીજાના ફોનનંબરોની આપ-લે કરી. પરિચય વધતો ગયો અને અમે લગ્ન કરવાનું નક્કી કર્યું. મેં મારા પિતાને આ અંગે જાણ કરી પણ એમણે પરવાનગી ના આપી. અમારા સમાજમાં મારાં સાસુસસરાની ખાસ આબરૂ નથી પણ હું પ્રેમમાં અંધ હતી. એવામાં એણે (પીડિતાના પતિ) મને કહ્યું કે એની સગાઈ થઈ ગઈ છે અને જો હું લગ્ન માટે તૈયાર નહીં થાઉં તો એણે ફરજિયાત બીજે લગ્ન કરી લેવાં પડશે."
"એણે (પીડિતાના પતિએ) સગાઈ તોડી નાખી એટલે મને સંપૂર્ણ ભરોસો થયો કે એ મને પ્રેમ કરે છે. આખરે અમે કોર્ટમાં લગ્ન કરી લીધાં. મારાં માતાપિતાને આ અંગે જાણ થયાં બાદ એમણે થાકીહારીને રીતરિવાજ અનુસાર અમારાં લગ્ન કરાવી આપ્યાં. આવી રીતે લગ્ન કરવા બદલ મારા પિતા નારાજ હતા, પણ હું ગર્ભવતી થતાં એમણે નારાજગી ત્યજી અને મને મારા સાસરે મળવા આવવાનું શરૂ કર્યું. મને થયું કે ધીમેધીમે બધું સમુંસૂતરું પાર ઊતરી રહ્યું છે. "
"એવામાં મને સાતમો મહિનો ચાલતો હતો અને મારા સસરાએ મને કહ્યું કે તેઓ જે સાધુને માને છે તેણે કહ્યું છે કે જો સાતમા મહિને બાળકનો જન્મ નહીં થાય તો મારા પતિનું મૃત્યુ થશે. 'ગુરુજી મારા બાળકનો કેટલો વિકાસ થયો છે એ જાણવા માગે છે અને એના આધારે એ કહેશે કે પ્રસૂતિ કરાવવી કે કેમ?' આવું કહીને મારા પતિએ મારો નગ્ન વીડિયો ઉતાર્યો અને મારા સસરાને આપ્યો. એ વખતે મારા પતિ સાથે મારો ઝઘડો પણ થયો. મારા સસરાએ કહ્યું કે ઝડપથી પ્રસૂતિ કરાવવી પડશે, નહીં તો મારા પતિનું મૃત્યુ થશે. હું કંઈ સમજું એ પહેલાં જ સાતમા મહિને તેમણે સિઝેરિયન કરાવી નાખ્યું. જેના લીધે મારાં માતાપિતા પણ ભારે નારાજ થયાં હતાં. આ દરમિયાન ડૉકટરે મનાઈ ફરમાવી હોવા છતાં મારો પતિ બળજબરીથી મારી સાથે શારીરિક સંબંધ બાંધતો રહ્યો હતો."
'મારા પગ તળેથી ધરતી ખસી ગઈ'
પીડિતાએ કરેલી પોલીસ ફરિયાદ અનુસાર, "એ પછી મારો દી' ફરી ગયો. હું હૉસ્પિટલમાં હતી ત્યારે મારા સસરાએ મારા બેડરૂમમાં સીસીટીવી કૅમેરા લગાવી દીધા. સિઝેરિયનથી પ્રસૂતિ થયા બાદ મને શારીરિક તકલીફ રહેતી અને એવામાં પણ મારો પતિ મારી સાથે શારીરિક સંબંધ બાંધતો હતો તથા મારાં સાસુસસરા એ જોતાં પણ હતાં."
"અધૂરા મહિને જન્મેલા બાળકને માતાનું પૂરતું ધાવણ નહોતું મળતું અને મારો સસરો મારાં અંગો પર બળજબરી કરીને ધાવણ બહાર લાવતો. મેં મારી સાસુને આ અંગે વાત કરી તો એણે કહ્યું કે મારી અંગત પળોનો વીડિયો એણે જોયો છે અને મારો સસરો મારા બાળક માટે જો આવું કરે તો મારે એને કરવા દેવું જોઈએ."
"બીજી તરફ મારા પિતા પહેલાંથી જ આ લગ્નના વિરુદ્ધમાં હોવાથી હું તેમને ફરિયાદ કરી શકું એમ નહોતી. મારી આ મજબૂરીને લીધે મારા સસરાની હિંમત ખુલ્લી ગઈ હતી અને એણે મારા પતિ સાથેની મારી અંગત પળોનો વીડિયો બનાવીને ન્યૂડ વેબસાઇટ પર મૂકી દીધા. મને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે મેં મારા પતિને ફરિયાદ કરી, તો એણે કહ્યું કે મારા નગ્ન વીડિયોથી એમને પૈસા મળે છે અને હવે એનું દેવું ભરાઈ રહ્યું છે. મેં આ સાંભળ્યું ત્યારે મારા પગ તળેથી ધરતી ખસી ગઈ હતી."
પોલીસ ફરિયાદમાં પીડિતા આ અંગે વધુમાં જણાવે છે, "થોડા સમય બાદ મારા સસરાએ મને કહ્યું કે હું અને મારો પતિ જે રીતે અંગત પળો માણીએ છીએ એ બરોબર નથી. એ માટે એણે એક આફ્રિકન કૉલગર્લ બોલાવી છે અને એની સાથે એનો દીકરો જે રીતે શારીરિક સંબંધ બાંધે એ જ રીતે મારે મારા પતિ સાથે કરવાનું રહેશે."
"એ બાદ એ લોકો જ્યાં કૉલગર્લ આવી હતી ત્યાં મને લઈ ગયા. ત્યાં મારી સાસુ પણ હાજર હતી અને મારો પતિ કૉલગર્લ સાથે વિકૃત રીતે સેક્સ કરી રહ્યો હતો અને એવું જ એણે મારી સાથે પણ કર્યું. આ દરમિયાન વીડિયો પણ શૂટ કરવામાં આવ્યા."
"થોડા દિવસો બાદ મારા સસરાએ કહ્યું કે એનું દેવું વધી ગયું છે એટલે મારે ઓનલાઇન ન્યૂડ શો કરવા પડશે. એક કલાકના એ ન્યૂડ શોમાં મારે ચહેરો ઢાંકીને ઓનલાઇન બેઠેલા પુરુષ સામે ગંદા ચેનચાળા કરવા પડતા અને સેક્સ ટૉયનો ઉપયોગ કરવો પડતો."
"દોઢ મહિનામાં એમણે મારી પાસે આવા દસ શો કરાવ્યા. આવા જ એક શો દરમિયાન સેક્સ ટૉયનો ઉપયોગ કરતી વખતે મને ઇન્ફેક્શન થઈ ગયું અને મેં આવા શો કરવાની ના પાડી તો મને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી."
"એમના ત્રાસમાંથી મુક્ત થવા માટે મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી અને એ ફરિયાદ સાઇબર ક્રાઇમમાં મોકલાતાં હાલ મારાં સાસુસસરા અને પતિ વિરુદ્ધ કાર્યવાઈ થઈ રહી છે."
'...એ દીકરીએ માતાપિતાને જાણ ના કરી'
આ દરમિયાન બીબીસીએ પીડિતાના પરિવારનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો પણ દીકરી સાથે થયેલા આ દુરાચારથી વ્યથિત માતાપિતાએ કંઈ પણ બોલવાનો ઇન્કાર કરી દીધો હતો.
જોકે, એમના કૌટુંબિક કાકાએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, "આરોપીઓનું ખાનદાન પૈસાદાર હોવા છતાં અમારો પરિવાર એની સાથે અમારી દીકરીનાં લગ્ન કરાવવા નહોતો ઇચ્છતો, પણ એણે (પીડિતાના પતિએ) અમારી દીકરીને પ્રેમજાળમાં ફસાવી લીધી અને કોરોના બાદ કોર્ટ મૅરેજ કરી લીધાં."
"એને પગલે ના છૂટકે અમારે કાયદેસર રીતરસમથી લગ્ન કરાવવા પડ્યાં. મારા ભાઈ એમની સાથે કોઈ સંબંધ રાખતા નહોતા પણ દીકરી ગર્ભવતી થતાં એને મળવા જતા. એ દરમિયાન સાસરી પક્ષનું વર્તન સારું રહેતું. જોકે, તેમણે સાતમા મહિને દીકરીનાં માતાપિતાને જાણ કરાવ્યા વગર જ સિઝેરિયન કરાવી દેતાં સંબંધો ફરીથી વણસી ગયા. કદાચ એટલે જ દીકરીએ એના પર આવો ત્રાસ ગુજારાતો હોવા છતાં ફરિયાદ નહોતી કરી."
આ દરમિયાન આરોપી સસરા સાથે હોટલ વ્યવસાયમાં સંકળાયેલા એમના સાથીદારે બીબીસીને જણાવ્યું, "આરોપી પહેલાંથી જ રંગીન મિજાજનો હતો અને છાશવારે પાર્ટીઓ યોજી, મિત્રવર્તુળ વધારતો રહેતો, પણ ખૂદની પુત્રવધૂ સાથે એ આવી હરકતો કરતો હશે એની કલ્પના પણ નહોતી. એની સાથેના ધંધાકીય સંબંધોને પગલે પોલીસે અમારી પણ પૂછપરછ કરી છે. જોકે, અમે એ લોકોની આવી પ્રવૃત્તિથી અજાણ હોવાથી પોલીસે અમને સત્તાવાર સાક્ષી નથી બનાવ્યા."
રાજકોટ સાઇબર ક્રાઇમના એ.સી.પી. વી. એમ. રબારીએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, "પોલીસ સ્ટેશનમાંથી આ ફરિયાદ અમને મોકલવામાં આવી હતી અને ફરિયાદની ગંભીરતા જોતાં આરોપીઓના રહેઠાણ પર દરોડા પાડી એમની ધરપકડ કરવામાં આવી હતી. એમના ઘરેથી સીસીટીવી, સેક્સ ટૉય્ઝ, લાઇવ વેબકાસ્ટિંગ માટેનાં સાધનો, ઉપરાંત ફરિયાદી બહેનના અશ્લીલ વીડિયો પણ મળી આવ્યા છે. આ જ વીડિયો ઍડલ્ટ વેબસાઇટ પર મૂકવામાં આવ્યા હતા. પ્રાથમિક પૂછપરછ અનુસાર આરોપીઓ જાતીય વિકૃત હોવાનું જણાઈ રહ્યું છે. આ લોકો પીડિતાનો ન્યૂડ લાઇવ શો દર્શાવીને ક્રિપ્ટો કરન્સીથી બીટ કૉઇન મારફત પૈસા મેળવતા હતા. અમને એક ઍડલ્ટ વેબસાઇટનું ઍડ્રેસ પણ મળ્યું છે. આ લોકોએ અન્ય કોઈ વેબસાઇટ પર કે સ્થાનિક સ્તરે આ વીડિયો શૅર કર્યા છે કે કેમ એની પણ તપાસ કરાઈ રહી છે. "
એ.સી.પી. રબારીએ રાજકોટમાં આવેલી એક હોટલમાં આરોપીઓ તેમના 'ગોરખધંધા' કરતા હોવાનું પણ જણાવ્યું છે.