You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચારણ-ગઢવી સમાજ અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર ગીગા ભમ્મર કોણ છે?
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગત સપ્તાહે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના જેસર વિસ્તારમાં આહીર સમાજનાં સમૂહલગ્ન યોજાયાં હતાં, ત્યારે જ્ઞાતિના આગેવાન ગીગાભાઈ ભમ્મરે મંચ પરથી ચારણ-ગઢવી સમાજ વિશે અમુક નિવેદન કર્યાં હતાં, જેના કારણે ચકચાર મચી જવા પામી હતી.
બોટાદ, તળાજા, ભાવનગર, દ્વારકા, રાજકોટ, અમદાવાદ સહિત રાજ્યનાં અનેક શહેરોમાં ગીગાભાઈ વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યાં હતાં. આ સિવાય તેમની વિરુદ્ધ ઓછામાં ઓછી એક એફઆઇઆર દાખલ થઈ છે.
પરસ્પર 'મામા-ભાણેજ'ના સંબંધ સાથે જોડાયેલા બંને સમાજની સંવાદિતામાં કડવાશ ઊભી ન થાય તે માટે બંને સમાજના અગ્રણીઓએ પ્રયાસ હાથ ધર્યા છે. જેમાં લોકસાહિત્યકારોની પણ ભૂમિકા ઊભી થઈ છે.
આ વિવાદ શમે તે પહેલાં જ તેમનો એ જ કાર્યક્રમનો વધુ એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં તેઓ અનુસૂચિત જાતિના લોકો પ્રત્યે જાતિસૂચક શબ્દનો પ્રયોગ કરતા જણાય છે.
તેની વિરુદ્ધ ભાવનગરના દલિત સમાજે જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર આપ્યું હતું અને ઍટ્રોસિટી ઍક્ટ હેઠળ કેસ દાખલ કરીને કાર્યવાહી કરવાની માગ કરી હતી. જો આમ ન થાય તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારાઈ હતી.
વીડિયો અને વિવાદ
14 ફેબ્રુઆરીએ વસંતપંચમીના દિવસે તળાજાના જેસર વિસ્તારમાં 'વીર આહિર દેવાયત બોદર સમૂહલગ્ન સમિતિ'નો આઠમો સામુદાયિક વિવાહ સમારંભ યોજાયો હતો. જેનું આયોજન તળાજાના જ 'શ્રીકૃષ્ણ સેવા સમિતિ ચૅરિટેબલ ટ્રસ્ટ' દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સમાજના અગ્રણી ગીગાભાઈ ભમ્મરને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને તેમણે મંચ પરથી ઉદ્બોધન કર્યું હતું. જેમાં તેમણે જ્ઞાતિના મોભીને છાજે તેમ આહિરોને કૈફી પદાર્થ 'કાલા'થી દૂર રહેવા, આંતરિક વિખવાદ ત્યજીને સંપ જાળવવા, અસામાન્ય દરે પૈસા વ્યાજે ન આપવા, શરાબ નહીં પીવા જેવી સલાહો આપી હતી. આમ કહેવાની તેમની ભાષા સાંભળનારને 'તળપદી અને કડવી' જણાય આવે.
ભાષણ દરમિયાન તેમણે ચારણ-ગઢવી સમાજ અને તેમના આરાધ્ય સોનલમા વિશે ટિપ્પણી કરી હતી. જે એક-બે દિવસ પછી સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થઈ હતી. જેની સત્યતાની બીબીસી સ્વતંત્ર રીતે ખરાઈ નથી કરતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંપરાગત રીતે આહીર-ગઢવી સમાજની વચ્ચે 'મામા-ભાણેજ'ના સંબંધ રહ્યા છે, જોકે, આ નિવેદન પછી ચારણ સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો.
કોણે શું પ્રતિક્રિયા આપી?
સામાન્ય રીતે શ્રોતાઓને હસાવતા હકાભા ગઢવીએ વીડિયો નિવેદન બહાર પાડીને તળાજા પંથકનું પાણી નહીં પીવાની જાહેરાત કરી હતી. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે મંચ ઉપર રહેલા લોકોએ ગીગાભાઈને કેમ ન અટકાવ્યા?
એ સમયે મંચ પર માયાભાઈ આહિર પણ હતા, જેમણે પાછળથી વીડિયો બહાર પાડીને 'આવડ અને અહિ' સુધીના સંબંધની યાદ અપાવીને કહ્યું કે 'ઇતિહાસની ખબર ન હોય એવી વ્યક્તિએ આ નિવેદન કર્યું છે. જેના માટે હાથ જોડીને માફી માગું છું. આ નિવેદનને કારણે કેવળ ચારણ જ નહીં, પરંતુ આહિર સમાજને પણ દુખ થયું છે, કારણ કે ચારણોએ આહિરોની વીરતાની વાતોને જીવતી રાખી છે. ભલે તમે અમને આહિરોને 'મામા' કહો, પરંતુ અમે તમારા ચરણની રજ છીએ.'
ચારણ-ગઢવી સમાજની આસ્થાનું કેન્દ્ર મનાતા મઢડા સોનલધામના ગિરીશ આપાએ સમાજના યુવાનોને ઉશ્કેરાઈ જઈને કોઈ પણ પ્રકારના વીડિયો પોસ્ટ નહીં કરવા તથા શાંતિપૂર્વક કાયદેસરની કાર્યવાહી કરવાની સલાહ આપી હતી.
જ્યારે ચારણ-ગઢવીઓના અન્ય એક ધાર્મિકસ્થળલ કચ્છના કબરાઉ મોગલધામના બાપુએ ધૂપેલિયું ઝાલીને ગીગા ભમ્મર માટે અમંગળની કામના કરતો વીડિયો પોસ્ટ કર્યો હતો, જેના કારણે સમાજ માટે આ એક ભાવનાત્મક મુદ્દો બની ગયો હતો.
બીજી બાજુ, ગીગાભાઈ વતી પુત્ર જીલુભાઈએ ચારણ અને ગઢવી સમાજની માફી માગી હતી. વિવાદ ઉપર પડદો પાડવાનો પ્રયાસ કરતા તેમણે કેહ્યું હતું કે 'ઉંમરલાયક દાદાની જીભ લપસી ગઈ હોય અને તેઓ કંઈ બોલે તો તેનો હેતુ કોઈ સમાજને ઠેસ પહોંચાડવાનો ન હતો.'
ભાવનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જામનગર, અમદાવાદ સહિત અલગ-અલગ શહેરોમાં ગીગાભાઈ વિરૂદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યા હતા. તળાજા પંથકના દાઠા પોલીસ સ્ટેશન ખાતે તેમની વિરૂદ્ધ ફરિયાદ પણ આપવામાં આવી હતી.
દલિતો વિરૂદ્ધ નિવેદન
ગીગાભાઈ ભમ્મરની ચારણ-ગઢવી સમાજ વિશેની ટિપ્પણીનો વિવાદ શમ્યો ન હતો, ત્યાં તેમના ભાષણનો વધુ એક વીડિયો વાયરલ થયો હતો. મંચની પૃષ્ઠભૂમિ જોતા તે આઠમા સમૂહલગ્નનો જ હોવાનું જણાય આવે છે.
જેમાં તેઓ વર્ષો અગાઉ આહિર સમાજના કેટલાક લોકોનાં નામ લઈને તેમની સામે થયેલી ઍટ્રોસિટીની ફરિયાદનો ઉલ્લેખ કરે છે અને પોતાની વગ વાપરીને તેમને પોલીસથી બચાવ્યા હોવાનો પણ દાવો કરે છે.
આ ઉલ્લેખ કરતી વખતે તેઓ દલિત સમાજના લોકો માટે જાતિસૂચક શબ્દોનો ઉપયોગ કરતા જણાય છે. આ વીડિયોની બીબીસી સ્વતંત્ર રીતે ખરાઈ નથી કરતું.
આ બનાવ વિરૂદ્ધ ભાવનગરના દલિત આગેવાનોએ જિલ્લાના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટને આવેદન આપીને ઍટ્રોસિટીની જોગવાઈઓ હેઠળ ભમ્મર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા માગ કરી છે અને આમ ન થયે ઉગ્ર કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારી હતી. આગેવાનોનું કહેવું છે કે આ અંગે ઘટતું કરવાની જિલ્લા પોલીસવડા દ્વારા ખાતરી આપવામાં આવી છે.
ગીગા ભમ્મરે તેમના નિવેદનોમાં સોનલ આઈ વિશે પણ ટિપ્પણી કરી હતી, જેના કારણે ચારણ-ગઢવી સમાજની લાગણી દુભાઈ હતી. જૂનાગઢ જિલ્લાના મઢડા ખાતે તેમનું મંદિર આવેલું છે.
જાન્યુઆરી-2024માં તેમનો જન્મ શતાબ્દી મહોત્સવ યોજાયો હતો, જેને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધિત કર્યો હતો. તેમણે સોનલ આઈને 'અવતાર તથા પ્રેરણાસ્રોત' ગણાવ્યાં હતાં.
ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારને જ્ઞાત-જાતની ભાવનાઓ અંગે સંવેદનશીલ માનવામાં આવે છે
તાજેતરમાં બે સમાજ વચ્ચે થયેલા કેટલાક વિવાદોમાં જે-તે સમાજના લોકો દ્વારા સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરવામાં આવેલાં નિવેદનોને કારણે વિવાદ વકર્યો હોવાનું નોંધાયું છે, ત્યારે તાજેતરની ઘટનાને કારણે સામાજિ સૌહાર્દ ન બગડે તેની ચિંતા લોકો કરી રહ્યા છે.
‘મામા-ભાણેજ સંબંધ’
આહીર અને ચારણ સમાજ વચ્ચેના વિવાદ સાથે એક ભાવનાત્મક પાસું જોડાયેલું છે. ચારણ કે ગઢવી સમાજની કોઈ વ્યક્તિ આહીર સમાજના બાળકને નાનું હોય તો પણ 'મામા' કહીને જ સંબોધે છે. એવી જ રીતે આહીર સમાજનો યુવક તેના ગઢવી મિત્રની પત્નીને 'ભાભી'ના બદલે 'આઈ' કહીને સંબોધે છે.
આ પરંપરા અનેક સદીઓથી ચાલી આવે છે. જેની સાથે એક દંતકથા જોડાયેલી છે. લોકસાહિત્યકાર યશવંત ગઢવી તેના વિશે જણાવે છે, "12-13 સદી પહેલાં ગઢવી પરિવારમાં સાત બહેનો થઈ ગયાં, જેમાં સૌથી મોટાં અવાડ અને સૌથી નાનાં જાનબાઈ હતાં. સાત-સાત બહેનો ઉપર મેરખિયો નામના એક ભાઈ હતા. એક વખત ભાઈને સાપ કરડ્યો એટલે મોટાં બહેન અવાડે પાતાળમાંથી અમૃત લાવવાનું કામ સૌથી નાની બહેનને સોંપ્યું."
"કહેવાય છે કે જ્યારે જાનબાઈ પાતાળમાં ગયાં ત્યારે નાગવંશના શેષનાગ અહિએ જણાવ્યું કે તેમના ભાઈના જીવ ઉપર કોઈ જોખમ નથી. આ તો ઘણા સમયથી તેમનાં દર્શન નહોતાં થયાં એટલે આમ થયું. જાનબાઈને આવતાં મોડું થયું. જો સૂર્યાસ્ત થઈ જાય તો મુશ્કેલીઓ ઊભી થાય માટે બહેન અવાડે સૂર્યને અટકાવી રાખ્યા."
"જાનબાઈ અમૃત લઈ આવ્યાં અને તેમના ભાઈનો બચાવ થયો. ત્યારથી સૂર્યના વંશજો કાઠી-દરબાર અને નાગવંશના અહિનાં સંતાનો એટલે કે આહીરોને 'મામા' તરીકે સંબોધવામાં આવે છે."
ગઢવી ઉમેરે છે કે આ ત્રણેય સમુદાયમાં જ 'સૂર', 'દાન' અને 'ઉત' પ્રત્યયવાળાં નામો જોવા મળે છે. જે તેમને પરસ્પર જોડતી વધુ એક કડી છે.
કોણ છે ગીગા ભમ્મર?
પોતાના ભાષણમાં ગીગાભાઈ પહેલાં દરરોજ રૂ. 1200ની કિંમતની દારૂની બૉટલ પીતા હોવાનો દાવો કરે છે અને ઉમેરે છે કે છેલ્લાં 20 વર્ષથી તેમણે માવો નથી ખાધો કે બીડી નથી પીધી. તેઓ દાવો કરે છે કે 'જ્યારે લોકોને રાજકારણની નહોતી ખબર ત્યારે તેઓ રાવણ હતા અને ડીએસપી પોતાની બદલી માટે તેમને રજૂઆતો કરતા.'
બીબીસી ગુજરાતીના સહયોગી અલ્પેશ ડાભીના જણાવ્યા પ્રમાણે, "ગીગા ભમ્મર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાદરી ગામના સમૃદ્ધ અને સંપન્ન ખેડૂત છે. તેમની ગણતરી જૂના કૉંગ્રેસી તરીકે થાય છે. તેઓ જિલ્લા અને તાલુકા પંચાયતમાં સભ્ય રહી ચૂક્યા છે."
"છેલ્લા કેટલાક સમયથી તેઓ રાજકીય દૃષ્ટિએ સક્રિય નથી, પરંતુ જેસર વિસ્તારના આહિરોની બહુમતીવાળા ગામોમાં તેમની પ્રતિષ્ઠા છે. તેઓ સામાજિક કાર્યો સાથે જોડાયેલા રહે છે."
માર્કેટિંગ યાર્ડમાં પણ ભમ્મર પરિવારનું વર્ચસ્વ છે. સ્થાનિક અહેવાલો પ્રમાણે, ગીગાભાઈ 700 વીઘા જમીનના માલિક છે. તેઓ સુરતમાં વ્યવસાય ધરાવે છે અને મિલકત લે-વેચ ઉપરાંત ધીરધારના કામ સાથે પણ જોડાયેલા છે. પોતાના ભાષણમાં ગીગાભાઈ સુરતમાં 27 વર્ષ રહ્યા હોવાનું પણ જણાવે છે.