રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મંદિરના ગર્ભગૃહની બહારથી પૂજા કરતાં વિવાદ કેમ થયો?

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ગત મંગળવારે 20 જૂને દિલ્હીના શ્રીજગન્નાથ મંદિરમાં પૂજા કરી હતી. જેની એક તસવીરને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે.

દિલ્હીના હોજ ખાસ ખાતે આવેલા જગન્નાથ મંદિરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કરેલાં દર્શનની એક તસવીર વાયરલ થઈ રહી છે. આ તસવીરને લઈને સોશિયલ મીડિયા પર વિવાદ પણ શરૂ થઈ ગયો છે.

વાસ્તવમાં 20 જૂને પોતાના 65માં જન્મદિવસ અને જગન્નાથ રથયાત્રાના પ્રસંગે રાષ્ટ્રપતિ મુર્મૂ હોજ ખાસના જગન્નાથ મંદિર ગયાં હતાં. ત્યાં તેમણે પૂજા કરતી પોતાની તસવીર રાષ્ટ્રપતિના સત્તાવાર ટ્વિટર હેંડલ પર શૅર કરી. ટ્વિટર પર તેમણે રથયાત્રા અંગે શુભેચ્છા પણ આપી. આ તસવીરમાં દેખાઈ રહ્યું છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ મંદિરના ગર્ભગૃહના દરવાજા બહાર હાથ જોડીને ઊભાં છે. અને અંદર પૂજારીઓ પૂજા કરી રહ્યાં છે.

ગર્ભગૃહની બહારથી પૂજા કરવાની તેમની તસવીરને લઈને સોશિયલ મીડિયા પર અનેક લોકોએ સવાલ ઉઠાવ્યા છે. કેટલાક લોકો આરોપ લગાવી રહ્યા છે કે અનુસૂચિત જનજાતિ સમુદાયથી આવતાં હોવાથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને મંદિરનાં ગર્ભગૃહમાં નહોતાં દેવાયાં.

અનેક કેન્દ્રીય મંત્રી પૂજા કરી ચુક્યા છે

સોશિયલ મીડિયા પર રાષ્ટ્રપતિ મુર્મૂની સાથે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને ધર્મેન્દ્ર પ્રધાનની તસવીર પણ ટ્વિટ કરાઈ રહી છે. જેમાં બન્ને અલગઅલગ સમયે મંદિરનાં ગર્ભગૃહમાં પૂજા કરતા જોવા મળી રહ્યા છે.

એ પ્રશ્ન પુછાઈ રહ્યો છે કે અશ્વિની વૈષ્ણવ અને ધર્મેન્દ્ર પ્રધાન જો ગર્ભગૃહમાં જઈને પૂજા કરી શકે તો રાષ્ટ્રપતિ મુર્મૂ કેમ નહીં?

'ધ દલિત વૉઇસ' નામનાં ટ્વિટર હેંડલ પરથી અશ્વિની વૈષ્ણવ અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની તસવીરો ટ્વિટ કરાઈ છે અને લખાયું છે કે ‘અશ્વિની વૈષ્ણવ (રેલવેમંત્રી)’ પરવાનગી. દ્રૌપદી મુર્મૂ (રાષ્ટ્રપતિ) – પરવાનગી નહીં

‘દિલ્હીના જગન્નાથ મંદિરમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન મંદિરની અંદર પૂજા કરી રહ્યા છે અને મૂર્તિઓને સ્પર્શ કરી રહ્યા છે પણ એ ચિંતાની વાત છે કે આ મંદિરમાં રાષ્ટ્રપતિ મુર્મૂ, જે ભારતીય ગણરાજ્યનાં પ્રથમ નાગરિક છે, તેમને બહારથી પૂજા કરતાં દર્શાવાયાં છે.’

તેમણે તેના પર સ્પષ્ટીકરણની માંગ કરી છે અને એ પણ કહ્યું છે કે આ મુદ્દે સંબંધિત પૂજારીઓ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી થવી જોઈએ.

મહાવિકાસ અધાડીના સત્તાવાર ટ્વિટર હેંડલ પરથી બીઆર આંબેડકરને ક્વૉટ કરીને સવાલ ઉઠાવાયા છે અને લખાયું છે ‘જે દિશા ગમે છે ત્યાં જાઓ પણ જાતિ દૈત્ય છે, જે દરેક જગ્યાએ તમને નડશે.’

આ વાતને મુદ્દો બનાવવાની પણ અનેક લોકો નિંદા કરી રહ્યાં છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની આ તસવીરને લઈને મંદિર પ્રશાસન પર સવાલ ઉઠાવાઈ રહ્યા છે અને અનેક ટ્વિટર યુઝર ટીકા કરી રહ્યા છે. જોકે, કેટલાકનો એવો પણ તર્ક એ છે કે રાષ્ટ્રપતિ મુર્મૂ આ અગાઉ અનેક મંદિરોનાં ગર્ભગૃહમાં પૂજા કરી ચુક્યાં છે.

લેખક કાર્તિકેય તન્નાએ મુર્મૂની દેવઘરના વૈદ્યનાથ મંદિર અને વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરવાની તસવીર ટ્વિટ કરી.

તો, ઈશિતા નામનાં ટ્વિટર યુઝરે પણ દેવઘર અને વારાણસીની તસવીરો ટ્વિટ કરતાં લખ્યું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અંગે ‘ખોટાં સમાચાર ફેલાવવાના બંધ કરવા જોઈએ’ કારણ કે તેઓ રાષ્ટ્રપતિ છે અને બધા જ તેમનું સન્માન કરે છે.

શું કહેવું છે મંદિર પ્રશાસનનું?

બીબીસીએ આ અંગે દિલ્હીના હોજ ખાસસ્થિત 'શ્રીજગન્નાથ મંદિર'નો સંપર્ક કર્યો અને જાણવાનો પ્રયત્ન કર્યો કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મૂર્તિ પાસે જઈને પૂજા કેમ ન કરી?

જગન્નાથ મંદિરના પૂજારી સનાતન પાડીએ બીબીસી સંવાદદાતા સેરાજ અલી સાથે વાત કરતાં તસવીરોને લઈને વિવાદ ઊભો થયો એ ઘટનાની નિંદા કરી. તેમણે કહ્યું કે લોકોએ સૌથી પહેલા વિચારવું જોઈએ કે મંદિરમાં પૂજા કરવાના પણ નિયમ હોય છે. તેમણે કહ્યું કે મંદિરમાં બધા જ હિંદુ આવી શકે છે. ચાહે એ કોઈ પણ જાતિના કેમ ન હોય.

સનાતન પાડીએ મંદિરના ગર્ભ ગૃહમાં પૂજા કરવાં અંગે કહ્યું – "મંદિરનાં ગર્ભગૃહમાં એ જ પૂજા કરી શકે છે જેને અમે મહારાજા તરીકે આમંત્રિત કરીએ છીએ. જેને બોલાવવામાં આવ્યા હોય તેઓ અંદર આવીને ભગવાન સામે પ્રાર્થના અને પૂજા કરશે અને ત્યાર બાદ ઝાડું લગાવીને પરત ફરશે. રાષ્ટ્રપતિજી વ્યક્તિગત રીતે ભગવાનનાં આશીર્વાદ માટે મંદિરમાં આવ્યાં હતાં તો તેઓ કેવી રીતે અંદર જઈ શકે? તેથી તેઓ અંદર ન આવ્યાં."

"ટ્વિટર પર તેને લઈને વિવાદ ઉભો થઈ ગયો છે. જે અર્થહિન છે જ્યારે મંદિરમાં બધા જ લોકો જઈ શકે છે. જે નિયમ છે તે બધા જ માટે એક છે."

જ્યારે પૂર્વ રાષ્ટ્રપતિ થયા હતા નારાજ

દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે એક મંદિરમાં દુર્વ્યવહારનો કેસ સામે આવ્યો હતો. આ મુદ્દે રાષ્ટ્રપતિભવને પણ અસંતોષ વ્યક્ત કર્યો હતો. જોકે, એ બાદ પણ મંદિરે કોઈ કાર્યવાહી નહોતી કરી.

રામનાથ કોવિંદ દલિત સમુદાયમાંથી આવે છે અને જ્યારે તેઓ રાષ્ટ્રપતિ પદ પર હતા ત્યારે માર્ચ 2018માં તેમની સાથે પૂરીના પ્રસિદ્ધ જગન્નાથમંદિરમાં દુર્વ્યવહાર કરાયો હતો.

18 માર્ચ, 2018ના દિવસે રાષ્ટ્રપતિ કોવિંદ અને તેમનાં પત્ની જગન્નાથમંદિરે ગયાં હતાં. આ પ્રવાસની મિનિટ્સ મીડિયામાં લીક થઈ ગઈ હતી. જેમાં કહેવાયું હતું ‘મહામહિમ રાષ્ટ્રપતિ જ્યારે રત્નસિંહાસન (જેના પર જગન્નાથ બિરાજમાન થાય છે) પર માથું ટેકવવા ગયા તો ત્યાં ઉપસ્થિત સેવકોએ તેમના માટે રસ્તો નહોતો કર્યો. કેટલાક સેવકો મહામહિમ રાષ્ટ્રપતિનાં શરીર પર ચોંટી રહ્યા હતા. ત્યા સુધી કે રાષ્ટ્રપતિનાં પત્ની જે ભારતનાં ફર્સ્ટ લૅડી છે, તેમની સામે પણ આવી ગયા હતા.’

સૂત્રો મુજબ રાષ્ટ્રપતિએ પુરી છોડતા પહેલા જ કલેક્ટર અરવિંદ અગ્રવાલ સમક્ષ પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો હતો. આ જ બાબતને લઈને રાષ્ટ્રપતિભવન તરફથી પણ અતંસોષ વ્યક્ત કરાયો હતો.

માર્ચમાં થયેલી આ ઘટના અંગે ત્રણ મહિના બાદ જૂનમાં ખ્યાલ આવ્યો.

જોકે, ચોંકાવનારી વાત એ પણ હતી કે રાષ્ટ્રપતિએ અસંતોષ વ્યક્ત કર્યા બાદ પણ મંદિરવ્યવસ્થાકમિટીની બેઠકમાં આ અંગે ચર્ચા થયાના ત્રણ મહિના બાદ પણ મંદિરપ્રશાસને આ સંવેદનશીલ મુદ્દા પર કોઈ વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહોતી કરી.

દેશનાં પહેલા આદિવાસી રાષ્ટ્રપતિ

વર્તમાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આ પદ ગ્રહણ કરનારી પ્રથમ આદિવાસી વ્યક્તિ છે.

તેઓ ઓડિશાનાં મયૂરભંજ જિલ્લાના કુસુમ પ્રખંડનાં રહેવાસી છે. તેમનાં ગામનું નામ ઉપરબેડા છે અને તેઓ ઓડિશાનાં રાયરંગપુર બેઠકથી ધારાસભ્ય રહી ચૂક્યાં છે. આ સિવાય તેઓ ઓડિશા સરકારમાં મંત્રી અને ઝારખંડનાં રાજ્યપાલ પણ રહી ચૂક્યાં છે.

વર્ષ 1979માં ભુવનેશ્વરના રમાદેવી મહિલા કૉલેજથી બી.એ. પાસ કરનારાં દ્રૌપદી મુર્મૂએ પોતાની કારકિર્દીની શરૂઆત ઓડિશા સરકાર માટે ક્લાર્કની નોકરીથી કરી હતી. ત્યારે તેઓ સિંચાઈ અને ઊર્જા વિભાગમાં જુનિયર સહાયક હતાં. એ બાદ તેઓ શિક્ષિક પણ રહ્યાં.

તેમણે રાયરંગપુરના શ્રી અરવિંદો ઇન્ટિગ્રલ ઍજ્યુકેશન ઍન્ડ રિસર્ચ સેન્ટરમાં માનદ શિક્ષક તરીકે સેવા આપી. નોકરીનાં દિવસોમાં તેમની ઓળખ મહેનતુ કર્મચારી તરીકે હતી.

રાજકીય કારકિર્દી

દ્રૌપદી મુર્મૂએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત વૉર્ડ કાઉન્સેલર તરીકે વર્ષ 1997માં કરી હતી. ત્યારે તેઓ રાયરંગપુર નગરપંચાયતની ચૂંટણીમાં વૉર્ડ કાઉન્સેલર ચૂંટાયાં હતાં અને પંચાયતનાં ઉપાધ્યક્ષ બનાવાયાં હતાં.

એ બાદ તેઓ રાજનીતિમાં સતત આગળ વધતાં ગયાં અને રાયરંગપુર વિધાનસભા બેઠક પરથી ભાજપની ટિકિટ પરથી બે વાર - વર્ષ 2000 અને વર્ષ 2009માં ધારાસભ્ય બન્યાં. પહેલીવાર ધારાસભ્ય બન્યાં બાદ તેઓ વર્ષ 2000થી 2004 સુધી નવીન પટનાયક મંત્રિમંડળમાં સ્વતંત્ર પ્રભારનાં રાજ્યમંત્રી રહ્યાં.

તેમણે મંત્રી તરીકે અંદાજે બે-બે વર્ષ વાણિજ્ય અને પરિવહનવિભાગ અને મત્સ્યપાલન સિવાય પશુસંસાધનવિભાગ સંભાળ્યો. એ વખતે નવીન પટનાયકની પાર્ટી બીજૂ જનતા દળ (બીજેડી) અને ભાજપ ઓડિશામાં ગઠબંધનની સરકાર ચલાવી રહ્યાં હતાં.

વર્ષ 2015માં જ્યારે તેમણે પહેલીવાર રાજ્યપાલ બનાવાયાં તે પહેલાં તેઓ મયૂરભંજ જિલ્લાનાં ભાજપ અધ્યક્ષ હતાં. તેઓ વર્ષ 2006થી 2009 સુધી ભાજપનાં એસટી (અનુસૂચિત જાતિ) મોરચાનાં ઓડિશા પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યાં છે.

તેઓ બે વાર ભાજપ એસટી મોરચાનાં રાષ્ટ્રીય કાર્યકારિણી સભ્ય પણ રહી ચૂક્યાં છે. વર્ષ 2002થી 2009 અને વર્ષ 2013થી એપ્રિલ 2015 સુધી આ મોરર્ચાનાં રાષ્ટ્રીય કાર્યકારીણી સભ્ય રહ્યાં. ત્યાર બાદ તેમને ઝારખંડનાં રાજ્યપાલ જાહેર કરાયાં અને ભાજપની સક્રિય રાજનીતિથી તેઓ અલગ થઈ ગયાં.