સ્ત્રી અને પુરુષના ઘરસંસારમાં ઘરકામની જવાબદારી માત્ર મહિલાઓ પર જ કેમ?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
પ્રિયંકા દરરોજ બુલંદશહરના કાકોડથી લગભગ 50 કિલોમીટર દૂર ગ્રેટર નોએડાની સોસાયટીનાં ઘરોમાં ભોજન રાંધવાનું કામ કરવા પહોંચે છે.
તે માટે તેમણે સવારે સાડા ચાર વાગ્યે જાગીને ઘરનાં કામ પૂરાં કરવા પડે છે, પરંતુ આમાં તેમના પતિ પાસેથી કોઈ મદદ નથી મળતી.
પ્રિયંકાના પતિ પણ તેમની માફક જ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે.
પ્રિયંકાના પતિને દર મહિને માત્ર 17-18 દિવસ સુધી કામ મળી શકે છે, આ કારણે જ તેમનેય કામ કરવું પડે છે. હવે તેઓ પતિની સમકક્ષ કમાણી કરવા લાગ્યાં છે.
કમાણી બાબતે ભલે તેમણે પોતાના પતિની બરોબરી કરી લીધી હોય, પરંતુ હજુ પણ પોતાનાં ઘરનાં કામ કરવાની તમામ જવાબદારી તેમના પર જ છે.
બીબીસીનાં સહયોગી અંજલિ દાસને પ્રિયંકા મિશ્રિત વ્રજ ભાષામાં જણાવે છે કે, “સવારે ઊઠીને મારાં ઘરનું કામ કરું છું. ભોજન રાંધું છું. બાળકોને સ્કૂલે મોકલું છું. એ બાદ કામે જવા નીકળું છું. દરરોજ કામે જવા-આવવામાં અઢી કલાક કરતાં વધુ સમય લાગે છે. ઘરે પહોંચતાં સુધી થાકી જાઉં છું. પરંતુ બાળકો માટે ભોજન રાંધવાથી માંડીને અન્ય તમામ કામ જાતે જ કરું છું. પતિ પાસેથી કોઈ મદદ નથી મળતી.”
આ કહાણી માત્ર પ્રિયંકાની જ નથી. શીલા રાની દિલ્હી પાસેના ગુરુગ્રામમાં રહે છે.
તેઓ એક ખાનગી કંપનીમાં કામ કરે છે. કોરોના દરમિયાન તેમના પતિની નોકરી છૂટી ગઈ, તમામ પ્રયત્નો છતાં સફળતા ન મળી અને હવે તેઓ ઘરે જ રહે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ શીલાનો બોજો બમણો થઈ ગયો છે.
તેઓ કહે છે કે, “હું ઘરનુંય કામ કરું છું અને નોકરી પણ. મારા પતિ મારી ઘરકામમાં કોઈ મદદ નથી કરતા.”
ઘરકામનું અસમાન વિભાજન

ઇમેજ સ્રોત, GETTY IMAGES
જ્યારે આપણે ઘરકામ અંગે પતિ-પત્નીનાં કામની સ્થિતિ જોઈએ છીએ, ત્યારે મોટા ભાગે સ્થિતિ આવી જ જણાય છે, જે પ્રમાણે પુરુષોની સરખામણી મહિલાઓ પર ઘરકામનો બોજો ઘણો વધુ હોય છે.
રોજિદા જીવનમાં એવાં પણ કેટલાંક કામ હોય છે જેની ગણતરી તો માત્ર એક જ કામ સ્વરૂપે થાય છે, પરંતુ આખા દિવસમાં વારંવાર આ કામો કરવાં પડે છે.
ધ ટાઇમ યુઝ સર્વે 2019 (નૅશનલ સૅમ્પલ સર્વે)માં સામે આવ્યું કે ભારતીય મહિલા દરરોજ પુરુષોની સરખામણીએ ત્રણ ગણું ઘરકામ કરે છે.
આટલું જ નહીં તેઓ ઘરના સભ્યો સાથે તેમનું ભાવનાત્મક જોડાણ પણ ગાઢ હોય છે. તેઓ પુરુષોની સરખામણીએ ઘરના સભ્યોનું ધ્યાન રાખવામાં બમણો સમય આપે છે.
એટલે કે જ્યારે વાત ઘરકામની જવાબદારીની આવે છે ત્યારે પુરુષની સરખામણીએ મહિલાઓ આ અંગે ન માત્ર વધુ વિચારે છે પરંતુ ભાવનાત્મક સ્વરૂપેય વધુ મહેનત કરે છે.
આખરે આવું કેમ છે અને શું આપણે આ અંગે કંઈ કરી શકીએ ખરા?
છુપાયેલાં અને અનંત કામો

ઇમેજ સ્રોત, GETTY IMAGES
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઘરમાં ઘણાં કામ એવાં હોય છે જે છુપાયેલાં હોય છે. તેનું માપ કાઢવાનું કામ ખૂબ કપરું હોય છે, કારણ કે એ એક પ્રકારે અદૃશ્ય હોય છે અને એ અન્ય કામોની સાથોસાથ કરાય એવું જરૂરી હોય છે.
આવી સ્થિતિમાં તેની સ્પષ્ટ ઓળખ અને મુખ્ય કામથી અલગ કરીને તેને જોવું એ ખૂબ મુશ્કેલ હોય છે. જેમ કે આવાં કામ કયા છે, ક્યારે શરૂ થશે અને ક્યારે ખતમ થશે.
આવાં છૂપાં કામ ઘણાં પ્રકારનાં હોય છે ; ઉદાહરણ તરીકે આપણે જાણીએ છીએ એમ પુરુષોની સરખામણીએ બાળકોની દેખરેખની મોટા ભાગની જવાબદારી મહિલાને ભાગે આવે છે. ઉપરાંત પોતાના બાળક સાથે (નોકરી કે અન્ય કારણસર) ન હોવાને કારણેય માતા ચિંતિત હોય છે.
આના કારણે તાણ પેદા થાય છે, કારણ કે ભલે તમારું ધ્યાન અન્ય કામમાં પરોવાયેલું હોય પરંતુ તમારા મગજમાં તો પોતાના બાળકની ચિંતા હંમેશાં રહે જ છે.
બીબીસી વર્કલાઇફ પર છપાયેલા એક લેખ અનુસાર 2019માં હાર્વર્ડ યુનિવર્સિટીથી સોશિયોલૉજી અને સોશિયલ પૉલિસીમાં પીએચ. ડી. કરી રહેલાં એલિસન ડેમિંગરે 35 યુગલો પર એક સંશોધન કર્યું. તેમાં ભાગ લેનારાં મોટા ભાગનાં યુગલોને એ વાતનો અહેસાસ થયો કે ઘરકામનો ઘણો બોજો મહિલાઓના ભાગે આવે છે. જોકે, ઘરેલુ કામની આ સામાન્ય રીત ન હોવી જોઈએ.
બીબીસી સંવાદદાતા મેલિસા હોગેનબૂમને એલિસન ડેમિંગરે જણાવ્યું, “જો આપણે રોજનાં કામ કરવા માટે દરરોજ કેટલી પ્લાનિંગ કરવી પડે છે, એ અંગે વાત કરાય તો ખબર પડી જશે કે આપણે કેટલાં છૂપાં કામ કરીએ છીએ.”
ઘરકામ સાથે સંકળાયેલાં માનસિક કાર્યો

ઇમેજ સ્રોત, GETTY IMAGES
એલિસન ડેમિંગરે ઘરેલુ જવાબદારીઓ સાથે સંકળાયેલાં માનસિક કાર્યોના ચાર તબક્કાની ઓળખ કરી છે.
જેમાં જરૂરિયાતોનું અનુમાન કરવું, વિકલ્પોની ઓળખ, વિકલ્પો પૈકી સૌથી યોગ્યની પસંદગી અને પરિણામોની નિયમિત પરખ સામેલ છે.
ડેમિંગરના સંશોધનમાં ખબર પડી છે કે આ તમામ તબક્કામાં સૌથી વધુ જવાબદારી માતાઓ પાસે હતી.
સદ્નસીબે વિષમલૈંગિક યુગલોની સરખામણીએ સમલૈંગિક યુગલોમાં ઘરકામનું વિભાજન અસમાન જોવા મળ્યું, કારણ કે એમાં લૈંગિક આધારે કામનું વિભાજન નથી કરાયું.
તેમજ યૂટા યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રી ડેનિયલ કાર્લસનને પોતાના એક સંશોધનમાં જાણવા મળ્યું કે દેખરેખ રાખવાનાં કામોના અસમાન વિભાજનથી પ્રથમ વખત પતિપત્ની બનેલાં યુગલો વચ્ચે સેક્સમાં પણ કમી આવી શકે છે.
ઘરકામનો બોજો કેવી રીતે ઘટાડવો?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
જ્યારે સમગ્ર વિશ્વ કોરોના મહામારીથી ગ્રસ્ત હતું અને લૉકડાઉનના કારણે બધા ઘરે હતા, ત્યારે ઘરકામમાં મહિલાઓની ભાગીદારી અને ત્યાં લૈંગિક સમાનતા અંગે ઘણી ચર્ચા થઈ.
એ સમયગાળામાં પુરુષોને ઘરમાં આવાં છૂપાં કામોને નિકટથી જોવાની અને તેમાં મદદરૂપ થવાની તક મળી, જેથી પોતાના જીવનસાથીના ઘરેલુ કામના બોજાને ઘટાડી શકાય.
ઘરકામમાં પુરુષો સમાનપણે અને નિયમિત ભાગ લે એ માટે શું કરવું?
ડેમિંગર કહે છે કે, “સ્પષ્ટ છે કે મોટા ભાગના પુરુષો શક્ય હોય એટલું પોતાનાં બાળકોના જીવનમાં વધુ સામેલ થવા માગે છે. તો તેમની સાથે સંકળાયેલાં કામ અંગે પતિપત્નીને એકમેક સાથે વાત કરીને એ વાત સ્પષ્ટ કરી લેવી જોઈએ કે કોણ શું કરી શકે છે. તેમાં એ પણ સ્પષ્ટતા હોવી જોઈએ કે કયાં કામ કોણે કરવાનાં છે.”
જો આપણે એવું સ્પષ્ટપણે જણાવીએ કે બાળકોની દેખરેખ અને ઘરકામ કરવા માટે કેટલી યોજના ઘડવાની હોય છે તો સ્પષ્ટ થઈ જશે કે ઘરમાં કેટલાં કામ છુપાયેલાં હોય છે.
ડેમિંગર ભલામણ કરતાં કહે છે કે, “જો જવાબદારીનું વિભાજ કરવાનું હોય તો તેના માટે નવી આદતો ઘડવાની છે, તો સૌપ્રથમ આપણે છૂપાં કામને દૃશ્યમાન બનાવવાં પડશે.”
તેઓ કહે છે કે, “ઘરનાં છૂપાં કામ અંગે જાગૃતિ જ આ દિશામાં સૌપ્રથમ અને સારું પગલું હશે.”
ડેમિંગરના સંશોધનમાં એવું જોવા મળ્યું છે કે એકમેક સાથે ખૂલીને વાત કરવાથી પણ ઘરેલુ કામનો બોજો વહેંચી શકાય છે.
તેમજ કાર્લસન કહે છે કે, “ઘરનાં કામ અંગે મહિલાઓનું માનસિક દબાણ ઘટાડવા કરતાં સારો ઉપાય કામ કરવાનો હશે. જોકે, લક્ષ્ય આ હેતુ પાર પાડવાનું કામ સરળ નહીં હોય.”
તેઓ કહે છે કે જેમ જેમ મહિલા ઘરોમાં ઓછાં કામ કરશે તેમના પુરુષ પાર્ટનરનો સહકાર વધશે, આનાથી તેઓ પોતાની માનસિક ઊર્જાનો વધુમાં વધુ ઉપયોગ પોતાના માટે કરી શકશે.














