MBA કર્યું હોવા છતાં 2 ફૂટની ઊંચાઈને લીધે નોકરી ના મળી, હવે લોકોને રોજગારી આપે છે

“મને કોઈએ કામ ન આપ્યું. બધાએ મારી ક્ષમતાને સ્થાને માત્ર મારું કદ જોયું.”
તામિલનાડુના ઇરોડે જિલ્લાના ગીતા કપ્પુસામી પોતાનો અનુભવ કંઈક આ પ્રમાણે જણાવે છે.
ગીતાએ માસ્ટર્સ ઇન બિઝનેસ ઍડમિનિસ્ટ્રેશન (એમબીએ) તેમજ ડિપ્લોમા ઇન કોઑપરેટિવ મૅનેજમૅન્ટ કર્યું છે. તેઓ 31 વર્ષનાં છે, જ્યારે તેમનું કદ માત્ર બે ફૂટ છે. તેઓ પોતાના પરિવારની આર્થિક મદદ માટે નોકરી કરવા માગતાં હતાં. પરંતુ તેમના કદને કારણે તેમને નોકરી મેળવવામાં સંઘર્ષ કરવો પડી રહ્યો હતો. જ્યારે પણ તેઓ કોઈની પાસે કામ માગવા જતા તો લોકો તેમને તક આપતા ખચકાતા. ઘણી વખત તો ફોન કરીને કામ આપવાની ના પણ પાડી દેતા.
આવી ઘણી નિષ્ફળતાઓનો સામનો કર્યા બાદ ગીતાએ પોતાનો ધંધો શરૂ કરવાનો નિર્ધાર કર્યો. પોતાના કાપડના બિઝનેસને બળે એક સમયનાં બેરોજગાર ગીતા હવે બીજાને રોજગારી આપતાં થયાં છે.
પોતાની દુકાને બેઠાં-બેઠાં ગીતા પોતાના એ સંઘર્ષના દિવસોને યાદ કરે છે. દુકાનની દીવાલ વાદળી રંગે રંગાયેલી છે. દુકાનમાં ચારેકોર કપડાંના ઢગલા દેખાઈ રહ્યા છે અને સતત સીલાઈ મશીનનો અવાજ સંભળાઈ રહ્યો છે.
ગીતાએ વિકલાંગોને નોકરી આપવાનું નક્કી કર્યું
ગીતા કહે છે કે, “હું જ્યોતિ અને મણિને મળી. તે બાદ તેઓ મારી સહેલીઓ બની ગઈ. તેમની પાસે સિલાઈ મશીન હતું. અમે સાથે મળીને વિકલાંગોને નોકરી આપવાનું નક્કી કર્યું. અમે દુકાન શરૂ કરી અને અમારા જેવા લોકોને નોકરી આપી.”
ગીતા કહે છે કે તેમની સંસ્થામાં ઘણા વિકલાંગો છે. ગીતા કહે છે કે તેમનો હેતુ શક્ય એટલા વધુ વિકલાંગોને નોકરી આપવાનો છે.
આ હેતુ માટે તેઓ એક નાનું ટેક્સાઇટ યુનિટ શરૂ કરવા માગે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગીતાએ મહિલાઓને ઘર ચલાવવામાં કરી મદદ

ઇશ્વરી નામનાં એક મહિલા ગીતા સાથે તેમની દુકાને કામ કરે છે.
ઇશ્વરી ચાલી નથી શકતાં.
તેઓ કહે છે કે, “મારા પતિય વિકલાંગ છે. અમે માંડ માંડ બે ટંકનું ભોજન મેળવી શકતાં. પરંતુ અમે ગમે ત્યાં નોકરી માગવા જતાં ત્યાં લોકો અમને વિકલાંગ ગણીને નોકરી રાખવાથી ઇનકાર કરી દેતા.”
ઇશ્વરી કહે છે કે તેઓ નોકરી ન આપવા માટે કહેતાં કે, “તમે બરાબર કામ નહીં કરી શકો. કામે સમયસર નહીં આવો.”

તેઓ કહે છે કે, “પછી ગીતાએ કહ્યું કે તેણે કાપડનું એક યુનિટ શરૂ કર્યું છે. જે બાદ અમે ત્યાં કામ કરવાનું શરૂ કર્યું. આનાથી મને મારું ઘર ચલાવવામાં સહાય મળી રહે છે.”
અન્ય એક મહિલા જ્યોતિ લક્ષ્મીએ કહ્યું, “મારે બે દીકરીઓ છે. મોટી દીકરી વિકલાંગ છે, એ ચાલી નથી શકતી. તેના પતિનું પાંચ વર્ષ પહેલાં નિધન થયું છે.”
“મારી સ્થિતિ એવી છે કે હું મારી મોટી દીકરી સિવાય ક્યાંય જઈ શકું એમ નથી. ગીતા વિકલાંગોને નોકરીએ રાખે છે. પરંતુ મારી દીકરીથી નોકરી ન થતી હોવાને કારણે હું જાતે નોકરી કરું છું. જેના કારણે હું તેમની સારી દેખરેખ રાખી શકું છું.”
જો તમારી પાસે કૌશલ્ય અને જુસ્સો હશે તો તમે જરૂર સફળ થશો
બે ફૂટ કદવાળાં ગીતા, જેઓ એક સમયે ખુદ બેરોજગાર હતાં, આજે ઘણાને રોજગારી આપી રહ્યાં છે.
ગીતા કહે છે કે, “મારું માનવું છે કે મારા જેવા કોઈ વિકલાંગની નોકરીના સ્થળે ઉપેક્ષા ન થવી જોઈએ. તેથી હું વધુને વધુ વિકલાંગોને નોકરીએ રાખી રહી છું. આ બધા લોકો તિરસ્કારનો સામનો કરી ચૂક્યા છે.”
શારીરિક વિકલાંગપણું એ કોઈ મોટો અવરોધ નથી, બધાની પાસે કોઈને કોઈ કૌશલ્ય જરૂર હોય છે.
“જો લોકો હું વિકલાંગ છું એવું જ વિચાર્યા કરશે તો હું કોઈ કામ નહીં કરી શકું. મારી પાસે કૌશલ્ય અને આત્મવિશ્વાસ હતો. તેથી મેં કાપડનું યુનિટ શરૂ કરી મારા જેવા લોકોને રોજગારી આપી.”
ગીતાએ પોતાના વિકલાંગપણાને ક્યારેય દબાણ તરીકે ન લીધું. તેઓ બીજાને નોકરી આપવાની સાથોસાથ તેમને પ્રોત્સાહિત પણ કરે છે.
તેમણે પોતાના જેવા લોકો માટે એક ઉદાહરણ રજૂ કર્યું છે.
ગીતા કહે છે કે, “તમેય જીવનમાં સફળ થઈ શકો છો. માત્ર તમારી નિષ્ફળતા કે ખામીને તમારા પર હાવી ન થવા દો. જો તમારી પાસે આત્મવિશ્વાસ અને કૌશલ્ય હોય તો તમે જરૂરથી જીવનમાં કામિયાબ થશો. હું આ વાતનું જીવિત ઉદાહરણ છું.”














