સુબ્રત રૉય: 'સહારાશ્રી'ની કેવી હતી ફર્શથી અર્શ અને પછી તિહાડ જેલ સુધીની સફર

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુરુવારે લખનઉના સહારા શહર ખાતે લાંબા સમય પછી વીઆઈપી લોકોની ગાડીઓના કાફલાઓની અવરજવર જોવા મળી હતી. જોકે, અગાઉની હલચલ કરતાં આ અવરજવર સામાન્ય હતી. અનેક લોકો સુબ્રત રૉયને આખરી અલવિદા કહેવા માટે આવ્યા હતા.
સહારા જૂથના સર્વેસર્વા રૉયને નજીકના લોકો 'સહારાશ્રી' કહીને બોલાવતા. તા. 14મી નવેમ્બરે રાત્રે 10.30 કલાકે મુંબઈની ખાનગી હૉસ્પિટલમાં 75 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું.
સહારા જૂથ ટોચ ઉપર હતું, ત્યારે ભારતીય રેલવે પછી રોજગાર આપવાની બાબતમાં કંપની બીજાક્રમે હતી. કંપની ફાઇનાન્સ, ઍરલાઇન્સ, રિયલ ઍસ્ટેટ, હૉટલ, મીડિયા અને અખબારક્ષેત્રે હિતો ધરાવતી હતી.
રૉય પાસે વૈભવી ગાડીઓ, હેલિકૉપ્ટરો અને વિમાનોનો કાફલો હતો. ક્રિકેટર્સ, સ્પૉર્ટ્સમૅન, ટેલિવિઝન સ્ટાર્સ, બોલીવૂડ સ્ટાર્સ તથા રાજનેતાઓ સાથે રૉયની તસવીરો અખબારોમાં છપાતી.
પછીના વર્ષોમાં આ અખબારો અને ટેલિવિઝન ચેનલ્સમાં રૉયની ઉપર રોકાણકારો સાથે છેતરપીંડી કરવાના તથા કાયદાઓનો ભંગ કરવાના અહેવાલો છવાયેલા રહ્યા હતા.
આમ છતાં 'અર્શથી ફર્શની' કહાણી હોવાને કારણે લોકોમાં તેમના વિશે આકર્ષણ રહેતું.
ચિટ ફંડથી શરૂઆત કરી

ઇમેજ સ્રોત, Getty Images
સુબ્રત રૉયનો જન્મ બિહારના અરરિયામાં તા. 10મી જૂન 1948ના દિવસે થયો હતો. તેણે કોલકતામાં પ્રાથમિક અભ્યાસ કર્યો અને ઉત્તર પ્રદેશના ગોરખપુરમાંથી મિકેનિકલ એંજિનિયરિંગનો અભ્યાસ કર્યો. અહીંથી તેનું ભવિષ્ય બદલાવાનું હતું.
રૉયે સિમી ગ્રેવાલ સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે તેમણે એક કારકુન, એક ઓફિસબૉય અને રૂ. બે હજારની મૂડી સાથે 'સહારા'ની શરૂઆત કરી હતી. એનો મતલબ એવો થાય કે રૉયે પોતે સ્કૂટર ઉપર મુસાફરી કરીને નાના અને ગરીબ લોકોને મળતો. દુકાનદાર, પાનવાળા, ચાવાળા, રીક્ષાવાળા જેવા લોકોને મળીને નાની-નાની રકમ રોકવા માટે પ્રેરિત કર્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ દૈનિક બચતની ઉપર રોકાણકારોને વ્યાજ મળતું અને બીમારી, લગ્નપ્રસંગ કે બીજા કોઈ આકસ્મિક ખર્ચ માટે ઉપાડ પણ મળતો. આ વ્યવસ્થા ચીટ ફંડ તરીકે ઓળખાય છે અને પૂર્વ તથા દક્ષિણભારતમાં ખૂબ જ પ્રચલિત છે. રૉયના કહેવા પ્રમાણે, આજુબાજુના ગામડાંમાં પરિવારની શાખ હોવાને કારણે પ્રારંભિક રોકાણકારોને જોડવામાં તેને અનુકૂળતા રહી.
આ એ સમય હતો કે જ્યારે દેશનું બૅન્કિંગક્ષેત્ર ખાનગી બૅન્કો માટે બંધ હતું તથા ગ્રામીણ અને અર્ધશહેરી વિસ્તારોમાં બૅન્કોની શાખા ખોલવા માટે કોઈ નિયમ નહોતા.
કહેવાય છે કે અવિભાજિત ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસના મુખ્ય મંત્રી વીર બહાદુરસિંહ પણ ગોરખપુરના હતા. તેમની સાથે રૉયે સારા સંબંધ કેળવ્યા હતા. વર્ષ 1989માં સિંહના અવસાન પછી રૉયની નિકટતા મુલાયમસિંહ સાથે વધી.
જેઓ જનતા દળના નેતા હતા અને યુપીના મુખ્ય મંત્રી બન્યા. આગળ જતાં દેશના સંરક્ષણ મંત્રી બન્યા અને તેમણે પોતાના પક્ષ સ્થાપ્યો. આ સમયે રાજકીય સમીકરણો બેસાડવાના ઉસ્તાદ અમરસિંહ સાથે તેમની નિકટતા વધી.
અર્શ પર ઉડ્ડાણ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મુલાયમસિંહ મુખ્ય મંત્રી બન્યા એટલે લખનઉની ગોમતી નદીના કિનારે આવેલા ગોમતીનગર વિસ્તારમાં 170 એકર જમીન લીઝ ઉપર આપી. વધુ 100 એકર જમીન લખનઉ વિકાસ પ્રાધિકરણે આપી. અહીં તેણે પત્નીનાં નામ પર 'સપના કુટિ' નામથી ઘર બનાવ્યું. જેનો દેખાવ, કદ અને આકાર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખનાં સત્તાવાર નિવાસસ્થાન વ્હાઇટ હાઉસ જેવા હતા.
અહીંથી હેલિકૉપ્ટર ઉડાણો ભરતાં. ગાડીઓનો મોટો કાફલો રૉયની સાથે આવતો જતો. મોટા-મોટા અધિકારીઓ, ઉદ્યોગપતિઓ, નેતાઓ અને સેલિબ્રિટીઝ તેને મળવા માટે અહીં આવતા. તેમણે 'ઍર સહારા'ના નામથી કંપનીએ વિમાનસેવા શરૂ કરી હતી.
સહારાએ રાષ્ટ્રીય અને પ્રાદેશિક ચેનલો શરૂ કરી હતી. આ સિવાય 'રાષ્ટ્રીય સહારા'ના નામથી અખબાર પણ નીકળતું. જે સર્ક્યુલેશનની દૃષ્ટિએ ટોચમાં હતું.
વર્ષ 2004માં રૉયના બંને દીકરાનાં લગ્ન થયાં ત્યારે લખનઉમાં દેશ-વિદેશના 10 હજારથી વધુ મહેમાન હાજર રહ્યા હતા. રાજ્યના મુખ્ય મંત્રી મુલાયમસિંહ, અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન અને કપીલ દેવને રૉયની આસપાસ નાચતા જોવા મળ્યા હતા. એ સમયના સૌથી ખર્ચાળ લગ્ન હતાં અને તેનો જશ્ન પખવાડિયા સુધી ચાલ્યો હતો.
વર્ષ 2001થી 2013 દરમિયાન સહારાએ ભારતીય ક્રિકેટ તથા હોકી ટીમની ઓફિશિયલ સ્પૉન્સર હતી. એ અરસામાં ભારતે વનડે વર્લ્ડકપ તથા ટી-20 વર્લ્ડકપ જીત્યા. સહારાએ ઇન્ડિયન પ્રીમિયર લીગની પુના વૉરિયર ટીમ ખરીદી હતી. ન્યૂ યૉર્કની પ્રતિષ્ઠિત પ્લાઝા હોટલ તથા લંડનની ગ્રૉસવેનોર હોટલ પણ ખરીદી હતી. વિજય માલ્યાની સાથે ફૉર્મ્યુલા વન ટીમ પણ ખરીદી હતી.
પુના પાસે એમ્બે વેલી નામનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં અલગ-અલગ થિમની રેસ્ટોરાં, વીલા, કૉટેજ અને રહેણાંકો ઉપરાંત સવલતો ઊભા કરવામાં આવ્યાં હતાં. મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ટાઉનશિપો લૉન્ચ કરવામાં આવી હતી.
નજીકના લોકોનું કહેવું છે કે કર્મચારીએ અનિચ્છાએ પણ સહારા પ્રણામના આદેશનું પાલન કરવું પડતું. તેઓ એંકરના દેખાવ અંગે ખૂબ જ ચોક્કસ હતા. પોતે માથામાં ડાઈ કરતા અને સમાચારવાચકના સફેદ વાળ ન દેખાય તેવી સૂચના હતી. સહારાએ અનેક લોકોને જવાબદારીપૂર્ણ ભૂમિકા સોંપી હતી અને તેઓ અનુરૂપ પ્રદર્શન કરી શકે તે માટે સશક્તિકરણ પણ કર્યું હતું.
અખબારોમાં ફૂલપેજ જાહેરાતો અને મીડિયા મૅનેજમૅન્ટથી રૉયે પરિવારકેન્દ્રિત, દેશપ્રેમી રૉબિનહૂડ તરીકેની છાપ ઊભી કરી હતી.
ચિટ ફંડથી થયેલી શરૂઆત અને ચિટ ફંડને કારણે જ અંત

ઇમેજ સ્રોત, Getty Images
જૂથને 'સહારા પરિવાર' તરીકે ઓળખાતું અને રૉય સ્વઘોષિત 'ચીફ મૅનેજિંગ વર્કર' અને 'સહારા પરિવારના સંરક્ષક' હતા. તેઓ એકબીજાને મળતા ત્યારે હૃદય ઉપર જમણો હાથ મૂકીને 'સહારા પ્રણામ' કરતા.
પરિવારનો મુખ્ય હિસ્સો એજન્ટ હતા. જેઓ કોઈ પગારદાર કર્મચારી ન હતા, પરંતુ નવાં રોકાણો લાવવા બદલ તેમને કમિશન આપવામાં આવતું. એજન્ટ બનતાં પહેલાં જાતે રોકાણ કરવું પડતું.
સફેદ શર્ટ અને કાળું પેન્ટ-ટાઈ પહેરેલાં એજન્ટ પોતાના પાડોશીઓ, મિત્રો તથા સગાંસંબંધીઓને સહારાની યોજનાઓ સાથે જોડવા માટે પ્રયાસ કરતા. વળી, તેઓ અન્ય કોઈ કામ કરવાની સાથે પણ આ કામ કરી શકતા. સહારા ઇન્ડિયા પરિવારની જાહેરાતોમાં આ એજન્ટોને પ્રમુખતાથી દર્શાવવામાં આવતા.
જ્યાર સુધી નવા-નવા રોકાણકાર ઉમેરાતા ગયા, ત્યાર સુધી જૂના રોકાણકારોને તેમની મૂડી પરત મળતી ગઈ. મોટાભાગના રોકાણકારોને વધુ વળતર ધરાવતી અન્ય કોઈ સ્કિમમાં રોકાણ કરવા માટે મનાવી લેવામાં આવતા, પરંતુ કદાચ કોઈ ન માને તો પણ ચૂકવણું કરવામાં મુશ્કેલી નહોતી પડતી.
જેમ-જેમ કંપનીની સદ્ધરતા અંગે સવાલ ઉઠવા લાગ્યા, તેમ-તેમ નવા રોકાણકારો મેળવવામાં મુશ્કેલી પડવા લાગી. કંપની સેબી, ઇન્કમટૅક્સ, કંપની બાબતો તથા અન્ય તપાસ એજન્સીઓના રડારમાં આવવા લાગી. રૉયે કાયદાકીય લડાઈ લડીને શાખ બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ નિષ્ફળતા મળી.
સહારા ઍરલાઇન્સ જેટ ઍરવેઝને વેચાઈ ગઈ અને તેણે 'જેટ લાઇટ' નામ ધારણ કર્યું, આગળ જતાં તે કંપની પણ બંધ થઈ ગઈ. ઍમ્બે વેલી તથા લખનઉના સહારા શહરનાં અનેક નિર્માણકાર્યો શરૂ જ ન થઈ શક્યાં અથવા તો શરૂ થયાં બાદ બંધ પડી ગયાં. ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ટાઉનશિપના પ્રોજેક્ટ ઘોંચમાં પડ્યા.
સહારાએ ટીમ ઇન્ડિયાની સ્પૉન્સરશિપ તથા આઈપીએલની ટીમ છોડી દેવાં પડ્યાં. દેવું ઘટાડવા માટે વિદેશી હોટલોમાં રહેલી હિસ્સેદારી પણ વેચવી પડી.
એક તબક્કે રોકાણકારોને ચૂકવવા માટેના નાણાંની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ રહેતા સુપ્રીમ કોર્ટના આદેશને પગલે રૉયે નવી દિલ્હીની બહુચર્ચિત તિહાર જેલમાં બે વર્ષનો કારવાસ ભોગવવો પડ્યો હતો. વર્ષ 2016માં રૉયને પેરોલ મળી હતી.
ઑગસ્ટ-2023માં કેન્દ્રીય સહકાર પ્રધાન અમિત શાહે સહારાના રોકાણકારોને તેમની રકમ પરત મળે તે માટે પૉર્ટલ શરૂ કર્યું હતું, જેમાં 20 લાખ જેટલા રોકાણકારોએ નોંધણી કરાવી હોવાના અહેવાલ છે.
જોકે, આ અરસામાં સેંકડો રોકાણકારોના પરિવારજનોના સામાજિક પ્રસંગ, બીમારી, ભણતર જેવી અનેક જરૂરિયાતો સંતોષાઈ ન હતી અને 'સહારા'એ જ તેમનો આર્થિક આધાર છીનવી લીધો હતો.














