ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં ભારતનો વિજય યજમાન પાકિસ્તાન માટે કેમ ઝાટકારૂપ બન્યો?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, પ્રિયંકા ઝા
- પદ, બીબીસી સંવાદદાતા
ચૅમ્પિયન્સ ટ્રૉફીની સેમિફાઇનલમાં જ્યારે કે. એલ. રાહુલે 48મી ઓવરની પહેલી બૉલ પર સિક્સર ફટકારીને ભારતની જીત પાકી કરી, ત્યારે એક સાથે બે દેશોના ક્રિકેટપ્રેમીઓ નિરાશ થયા.
આ પરિણામને કારણે ઑસ્ટ્રેલિયા ચૅમ્પિયન્સ ટ્રૉફીથી બહાર ફેંકાઈ ગયું અને ભારતની જીતને કારણે હવે ચૅમ્પિયન્સ ટ્રૉફીની ફાઇનલની મૅચનું યજમાનપદ પાકિસ્તાનના હાથમાંથી સરકી ગયું. હવે આ ફાઇનલમાં ભારતના પ્રવેશને કારણે અગાઉ નક્કી થયા પ્રમાણે દુબઈમા રમાશે.
સેમિફાઇનલ મૅચ ભારતે ચાર વિકેટે જીતી લીધી. જો ઑસ્ટ્રેલિયા જીત્યું હોત તે આ ફાઇનલ પાકિસ્તાનના લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ ખાતે યોજાઈ હોત.
પાકિસ્તાન 1996 બાદ પહેલી વખત કોઈ આઈસીસી ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યું છે, પરંતુ તે ગ્રૂપ સ્ટેજની મૅચ પૈકી કોઈ જીતી ન શક્યું અને ટુર્નામેન્ટના પહેલા સપ્તાહમાં જ બહાર ફેંકાઈ ગયું.
તેની સફર માત્ર છ દિવસમાં જ સમાપ્ત થઈ ગઈ, પરંતુ ક્રિકેટ પ્રશંસકો ત્યારથી આશા રાખીને બેઠા હતા કે કમ સે કમ ફાઇનલ મૅચ પાકિસ્તાનમાં આયોજીત હોત તો તેમને થોડી રાહત મળત.

ભારતને ફાયદો કેવી રીતે?

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાન માટે ચૅમ્પિયન્સ ટ્રૉફી એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ હતી, કેમ કે તે ડિફેન્ડિંગ ચૅમ્પિયન હતું.
વર્ષ 2017માં તે ભારતને હરાવીને ચૅમ્પિયન બન્યું હતું. જોકે, પાકિસ્તાનને પહેલી મૅચમાં જ ન્યૂઝીલૅન્ડ સામે કારમી હાર મળી, ત્યાર પછી ભારત સામે પણ તેણે હાર ખમવી પડી.
આ મૅચમાં તેનું પ્રદર્શન સાવ ફીકું રહ્યું. જ્યારે ન્યૂઝીલૅન્ડે બાંગ્લાદેશને પાંચ વિકેટે હરાવ્યું ત્યારે પાકિસ્તાનની ચૅમ્પિયન્સ ટ્રૉફીની સફર સમાપ્ત થઈ ગઈ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાવલપિંડીમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની મૅચ પણ વરસાદને કારણે ધોવાઈ ગઈ. આમ, પાકિસ્તાને તેની એક પણ મૅચ નહોતી જીતી.
છેલ્લે પાકિસ્તાને 1996માં વિશ્વકપનું આયોજન ભારત અને શ્રીલંકાની મદદથી કર્યું હતું. તે સમયે શ્રીલંકાએ આ કપ જીત્યો હતો.
વર્ષ 2009માં જ્યારે શ્રીલંકાની ટીમ પાકિસ્તાનના પ્રવાસે હતી ત્યારે તેમની બસ પર ચરમપંથી હુમલો થયો હતો અને તેને કારણે પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી હતી. પછી તેને કોઈ આઈસીસી ટુર્નામેન્ટ ઇવેન્ટની યજમાની નહોતી મળી.
જોકે, 2021માં પાકિસ્તાને ચૅમ્પિયન્સ ટ્રૉફીના આયોજનને મંજૂરી મળી, પરંતુ 2025માં યોજાનારી આ ટુર્નામેન્ટમાં ભારતે સુરક્ષાના કારણસર પાકિસ્તાન જવાનો ઇન્કાર કરી દીધો.
ભારતને એક જ ગ્રાઉન્ડ ઉપર રમવાનો ફાયદો મળ્યો?
ભારતે તેની તમામ મૅચો દુબઈમાં રમી. તેને કારણે પણ પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ અને પાકિસ્તાની ક્રિકેટ ફૅન્સમાં નારાજગી જોવા મળી.
પાકિસ્તાની ન્યૂઝ આઉટલેટ 'ધ ડૉન'ના ખેલ સંપાદક અબ્દુલ ગફ્ફાર પણ તે પૈકીના એક છે.
તેમણે સેમિફાઇનલમાં ભારતની જીતને કારણે એક વીડિયો જારી કરીને તેમની નારાજગી વ્યક્ત કરી છે. તેમણે ભારતીય ક્રિકેટ કંટ્રૉલ બોર્ડને નિશાને લીધું છે.
તેમણે કહ્યું કે ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં તમામ ટીમોએ એક જગ્યાએથી અન્ય જગ્યાએ ફરવું પડ્યું. આ કેવી રીતે યોગ્ય કહી શકાય? આ તે કેવી બરાબરી? જો ભારત પાકિસ્તાનમાં રમ્યું હોત અને ચૅમ્પિયન્સ ટ્રૉફી જીત્યું હોત તો મજા આવત.
ગફ્ફારે એમ પણ કહ્યું કે જો યુએઈમાં જ રમવું હતું તો ઓછામાં ઓછાં બે-ત્રણ મેદાનો હોવા જોઈતાં હતાં.
દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર રેસી વેન ડેર ડસેને પણ આવી જ પ્રતિક્રિયા આપી. તેમણે એમ પણ કહ્યું કે કોઈને સમજાવવા માટે રૉકેટ સાયન્સ હોવું જરૂરી નથી કે એક શહેરમાંથી બીજા શહેર જવાની સફર કરવા કરતાં એક જ મેદાન પર રમવું ભારત માટે કેટલું ફાયદાકારક છે.
રોહિત શર્માએ એક જ પીચ પર રમવા અંગે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જોકે, ભારતના કૅપ્ટન રોહિત શર્મા આ પ્રકારે ઉઠાવાયેલા સવાલોના જવાબ આપી ચૂક્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે યુએઈ ભારતનું હૉમગ્રાઉન્ડ નથી.
રોહિત શર્માએ કહ્યું હતું, "અમે અહીં જેટલી મૅચો જીતી તેમાં પીચનું અલગ-અલગ વલણ હતું. પીચ દેખાય એક જેવી છે, પરંતુ જ્યારે તમે તેના પર રમો ત્યારે અલગ જ ખેલ જોવા મળે છે. એક બૅટ્સમૅન તરીકે તમારા માટે આ પડકાર છે."
તેમણે આપેલા આ નિવેદન છતાં કેટલાક લોકોનું માનવું છે કે ભારતને એક જ મેદાન પર રમવાનો ફાયદો મળ્યો છે.
જોકે, ભારતના પૂર્વ ક્રિકેટર સબા કરીમ આ આરોપોને ફગાવે છે.
તેઓ કહે છે, "આ બેબુનિયાદ (વાત) છે, જ્યારે ભારતે કહ્યું કે તે પાકિસ્તાન રમવા ન જઈ શકે ત્યારે દુબઈમાં રમવાનો નિર્ણય આઈસીસીનો છે. ઉદાહરણ તરીકે ગત બે ચૅમ્પિયન્સ ટ્રૉફી ઇંગ્લૅન્ડમાં યોજાઈ હતી."
"તો ઘરેલું પીચ હોવાને કારણે ઇંગ્લૅન્ડને તેનો ફાયદો થવો જોઈતો હતો અને ઇંગ્લૅન્ડે જ આ ટુર્નામેન્ટ જીતવી હતી. જ્યારે વિશ્વકપ ભારતમાં હતો ત્યારે ભારતે તે જીતવો જોઈતો હતો."
સબા કરીમ કહે છે કે સારી વાત એ છે કે ભારતના કૅપ્ટન રોહિત શર્મા અને ટીમ આ બધી બાબતો પર ધ્યાન નથી આપી રહ્યા.
પાકિસ્તાનને શું મળ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
ભારત અને ઑસ્ટ્રેલિયાની સેમિફાઇનલ પહેલાં પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તર, શોએબ મલિક અને મોહમ્મદ હાફિસ સહિતના ક્રિકેટરો આશા વ્યક્ત કરી રહ્યા હતા કે ફાઇનલમાં ભારત નહીં આવે અને તે મૅચ પાકિસ્તાનમાં જ રમાશે.
ક્રિકેટ પ્રેમ ઉપરાંત આર્થિક બાબત પણ છે જે પાકિસ્તાન માટે ઝટકો છે. પાકિસ્તાને ચૅમ્પિયન્સ ટ્રૉફી માટે ભારે ખર્ચ કરીને ત્રણ સ્ટેડિયમ તૈયાર કર્યા હતા. તેના માટે પાકિસ્તાને 18 અબજ રૂપિયા ખર્ચ કર્યા છે. આ માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે બાકીના ખર્ચાઓને બાદ કરવા પડ્યા.
પીસીબીના અધ્યક્ષ મોહસિન નક્વીએ કહ્યું કે વધારાના ખર્ચાને પહોંચી વળવા માટે આઈસીસી સાથે સમજૂતી થઈ હતી. જે અંતર્ગત ચૅમ્પિયન્સ ટ્રૉફીની મૅચ માટેની ટિકિટોથી થનારી કમાણીથી ત્રણ ગણી રકમ આઈસીસી પીસીબીને આપશે.
ચૅમ્પિયન્સ ટ્રૉફીને 'મિનિ વર્લ્ડકપ' કહેવાય છે, જેમાં આઈસીસીના રૅન્કિંગમાં પ્રથમ આઠ ટીમો ભાગ લઈ શકે છે.
આટલો ખર્ચો કરવા છતાં પાકિસ્તાન સેમિફાઇનલ સુધી પણ ન પહોંચી શક્યું. અધુરામાં પૂરું કેટલીક મૅચો વરસાદને કારણે રદ કરવી પડી. તેમાં વરસાદી પાણી બહાર ન કાઢી શકવા મામલે પણ પીસીબીને ટીકા સહન કરવી પડી.
બીજી તરફ પાકિસ્તાની બદહાલી કોઈથી છૂપી નથી. તેણે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ પાસેથી સાત અબજ ડૉલરના કરજ લીધાને એક વર્ષ પણ નથી થયું. એવામાં સવાલ એ છે કે પાકિસ્તાનને આ ઇવેન્ટ હોસ્ટ કરીને શું મળ્યું?
સબા કરીમ કહે છે કે ભલે પાકિસ્તાની ટીમ માટે આ સફર સારી નહોતી, પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ માટે આ ખોટનો સોદો નહોતો.
સબા કહે છે, "આ પ્રકારની ટુર્નામેન્ટ હોસ્ટ કરીને પાકિસ્તાન વિશ્વને દેખાડવા માગતું હતું કે તેનો દેશ આ પ્રકારની ટુર્નામેન્ટ યોજવા માટે સુરક્ષિત છે. તેનો આ ઉદ્દેશ સિદ્ધ થઈ ગયો છે."
બીજી તરફ અબ્દુલ ગફ્ફારે પોતાના વીડિયોમાં બીસીસીઆઈનું નામ લીધા વગર તેને નિશાન પર લેતા કહ્યું, "કોઈ પણ ખેલમાં એવું ક્યારે થયું છે કે એક બોર્ડ પૈસાના દમ પર તેના પર રાજ કરે."
"એક પ્રકારે આ ખેલને હાઇજેક કરી લે. ઠીક છે કે તમે પૈસા કમાઓ છો. પરંતુ ભારત સાથે અન્ય ટીમ રમે છે ત્યારે તે કમાય છે. ભારત માત્ર એકલું રમીને પૈસા નથી કમાતું."
જોકે, સબા કરીમ કહે છે કે ભારત પાકિસ્તાન જઈને નથી રમતું તેમાં બીસીસીઆઈની કોઈ ભૂમિકા નથી. તેમનું કહેવું છે કે આ નિર્ણય ભારત સરકારનો છે અને બીસીસીઆઈ ગમે તેટલી ઉદારતા દેખાડે, પરંતુ ભારત સરકારના નિર્ણય વગર ટીમ પાકિસ્તાન ન જઈ શકે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













