You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
CSK-DC: ધોની - જાડેજાએ રમેલી એ છેલ્લી ત્રણ ઓવર દિલ્હીને કેવી રીતે ભારે પડી ગઈ?
- લેેખક, વાત્સલ્ય રાય
- પદ, બીબીસી સંવાદદાતા
મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીમાં આઈપીએલ 2023માં ચેન્નઈ સુપર કિંગ્સની ધમાલ જારી છે.
ચેન્નઈની ટીમે બુધવારે રમાયેલી આઈપીએલની વર્તમાન સીઝનની 55મી મૅચમાં દિલ્હી કૅપિટલ્સને 27 રને હરાવ્યું છે.
માહી એટલે કે મહેન્દ્રસિંહ ધોની આ બધું આ પહેલાં પણ કરી ચૂક્યા છે.
બેટથી છગ્ગા ફટકારવા, ઝડપથી રન બનાવવા અને સારી વિકેટકીપિંગ કરવી, આ બધું જ કરી ચૂક્યા છે. કપ્તાનીમાં પણ જાદુ કરી બતાવ્યો છે અને તેમની ટીમને તમામ મૅચમાં જીત અપાવી છે.
‘કપ્તાન કૂલ’ ધોની આઈપીએલ 2023 એટલે કે બીસીસીઆઈની ટી-20 લીગના 16માં એડિશનમાં ફરી એકવાર એ જ કામ કરી રહ્યા છે, જેના માટે તેમની ખ્યાતિ દુનિયાભરમાં છે.
જોકે આ વખતે કંઈક અલગ છે. આઠ અઠવાડિયાં પછી ધોની 42 વર્ષના થઈ જશે.
મેદાન પર દરેક પરિસ્થિતિમાં શાંત અને બાઉન્ડરી બહાર હસતાં જોવા મળતા ધોની ભલે ઉંમરને એક આંકડા તરીકે સાબિત કરે, પરંતુ મોટા ભાગના લોકો એ વાત જાણે છે કે તેમની ઉંમરના મોટાભાગના સ્ટાર ખેલાડી ‘પ્લેયરવાળી જર્સી’ ઉતારી ચૂક્યા છે.
ધોનીને ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહે ઘણો લાંબો સમય થઈ ગયો છે. ઑગસ્ટ 2020ની એક સાંજે તેમણે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી અચાનક સંન્યાસ લેવાનું એલાન કર્યું હતું. 2014માં જ તેમણે ટેસ્ટ ક્રિકેટ છોડી દીધું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સની પીળી જર્સી હજુ પણ તેમના પર શોભી રહી છે. ચાર વખત આ ટીમ માટે આઈપીએલની ટ્રૉફી જીતી ચૂકેલા ધોની આ વખતે પણ પોતાની ટીમને ખિતાબની સૌથી મોટી દાવેદાર બનાવી છે.
દિલ્હી કૅપિટલ્સ સામે બુધવારે મળેલી જીત બાદ ચેન્નઈના ખાતામાં 15 પૉઇન્ટ જમા થઈ ગયા છે અને આ ટીમ પ્લેઑફના ઉંબરે ઊભી છે.
ચેન્નઈ સુપર કિંગ્સ સામે દિલ્હી કૅપિટલ્સ
- સીએસકેએ ડીસીને 27 રને હરાવ્યું
- સીએસકે 167/8 (20 ઓવર), શિવમ દુબે 25 રન, મિચેલ માર્શ 3/18
- ડીસી 140/8 (20 ઓવર), રાઇલી રુસો 35 રન, મથીશા પથિરાના 3/37
- રવીન્દ્ર જાડેજા ‘મૅન ઑફ ધ મૅચ’
ધોનીનો સૌથી ખાસ અંદાજ
આઈપીએલ-16માં ધોની અને ચેન્નઈ માટે અલગ વાત એ છે કે હંમેશાં છઠ્ઠા અને સાતમા નંબરે બેટિંગ કરનારા ધોની હવે આઠમા ક્રમે બેટિંગ કરવા આવે છે.
એક સમયે વિકેટો વચ્ચે દોડવામાં સૌથી ઝડપી ગણાતા ધોની આ વખતે દોડીને રન લેવાનું ટાળી રહ્યા છે.
તેનું કારણ એ છે કે ધોની સંપૂર્ણ રીતે ફિટ નથી. ઘૂંટણમાં થયેલી ઈજા તેમના માટે સમસ્યા બની ગઈ છે. જોકે ત્યાર પછી પણ તેમણે ત્રણેય મોરચે બેટિંગ, કીપિંગ અને કપ્તાનીમાં કોઈ કસર છોડી નથી.
ધોનીની બેટિંગે ચાહકોને દીવાના બનાવી દીધા છે. આ ચાહકો માત્ર ચેન્નઈ સુપરકિંગ્સના સમર્થક નથી, તેમાં વિરોધી ટીમના સમર્થક, પૂર્વ ખેલાડી અને ક્રિકેટ સમીક્ષકો પણ સામેલ છે.
દિલ્હી સામે ધોનીની કમાલ અને ધમાલ
દિલ્હી કૅપિટલ્સ સામે બુધવારે રમાયેલી મૅચમાં ચેન્નઈ સુપરકિંગ્સના લગભગ તમામ બૅટ્સમૅન ઝડપથી રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. એ જ પીચ પર ધોનીએ 222.22ના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા હતા.
તમામ ટીકાકારોનું માનવું છે કે નવ બૉલમાં ધોનીના બૅટમાંથી ફટકારેલા 22 રન મૅચનો ટર્નિગ પૉઇન્ટ હતો અને આ ઇનિંગ્સે જ ચેન્નાઈની ટીમને મૅચ ‘વિનિંગ ટોટલ’ સુધી પહોંચાડી દીધી હતી. તેમણે મહત્ત્વપૂર્ણ સમયે બે છગ્ગા અને એક ચોગ્ગો ફટકાર્યો હતો.
આ માત્ર એક જ મૅચની કહાણી નથી.
ધમાકેદાર બેટિંગ
- ધોનીએ આ સીઝનની આઠ ઇનિંગ્સમાં 204.26ના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા છે
- તેમણે અત્યાર સુધી 10 છગ્ગા અને ત્રણ ચોગ્ગા ફટકાર્યા છે
- આ પૉઇન્ટનું મહત્ત્વ એ છે કે ધોની આ સીઝનમાં માત્ર 47 બૉલ જ રમ્યા છે
- તેમણે દર ત્રણ બૉલ પછી બાઉન્ડરી લગાવી છે
- આખી ટુર્નામેન્ટમાં તેઓ માત્ર બે વાર આઉટ થયા છે.
ધમાકેદાર પ્રદર્શન અંગે ધોનીએ શું કહ્યું
દિલ્હી સામે જીત્યા બાદ જ્યારે સીઝનમાં તેમના સ્ટ્રાઇક રેટની વાત આવી ત્યારે ધોનીએ કહ્યું કે, “આ જ મારું કામ છે. મે ટીમને કહ્યું છે કે મારે આ જ કરવાનું છે. મને વધુ ન દોડાવો, હું આની જ પ્રૅક્ટીસ કરી રહ્યો છું અને તેમાં યોગદાન આપીને ઘણો ખુશ છું.”
એટલે કે ધોની જે કરી રહ્યા છે, એ માત્ર તુક્કો કે કિસ્મત કે અનુભવનો કમાલ નથી, પરંતુ તે હકીકતમાં કરવામાં આવેલી તૈયારીનું પરિણામ છે.
જ્યારે ધોની પીચ પર ઊભા રહીને આ કમાલ કરે છે, ત્યારે તેમના ચહેરા પર ભલે કોઈ અલગ ભાવ જોવા ન મળતો હોય, પરંતુ દરેક શૉટ પર તેમના ચાહકો ખુશ થઈ જાય છે.
જાડેજાનો ડર
ધોનીની આવી બેટિંગની અસર એ થઈ છે કે, સ્ટાર ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા તેમની બેટિંગની પોઝીશન બદલવા માગતા નથી.
દિલ્હી સામે બુધવારે 21 રન બનાવવા અને માત્ર 19 રને એક વિકેટ લેવા માટે ‘પ્લેયર ઑફ ધ મૅચ’ તરીકે પસંદગી પામેલા રવીન્દ્ર જાડેજાએ કહ્યું કે, “હું નીચે જાઉં છું, ત્યારે ચાહકો માહીભાઈના નામની બૂમો પાડે છે. અને જ્યારે હું આગળ જઈશ (બેટિંગ ઑર્ડરમાં ઉપરના ક્રમે) ત્યારે આઉટ થવાની રાહ જોશે, આ જે પણ છે તે સારું થઈ રહ્યું છે. ટીમ જીતી રહી છે, હું ખુશ છું.”
કમાલની કપ્તાની
ટીમના અન્ય ખેલાડીઓ પણ ખુશ છે. ધોનીએ દરેક માટે એક ભૂમિકા નક્કી કરી છે.
સારું પ્રદર્શન કરી રહેલા મોટાભાગના ખેલાડીઓએ નિવેદનો આપ્યાં છે કે ધોની તેમનામાં વિશ્વાસ દર્શાવે છે. આ કારણે તેમના પ્રદર્શનમાં સુધારો થઈ રહ્યો છે અને તેનો સીધો ફાયદો ટીમને થઈ રહ્યો છે.
આઈપીએલ-16માં ચેન્નાઈની ટીમે સાત મૅચ જીતી છે.
ધોનીની કપ્તાનીમાં રમી રહેલા અજિંક્ય રહાણેની બેટિંગમાં નવીનતા આવી છે. તેઓ પણ તેનો શ્રેય ધોનીને આપે છે. આઠ ઇનિંગ્સમાં 266 રન બનાવનાર રહાણેનો સ્ટ્રાઇક રેટ 171થી વધુ છે. તેમણે વર્તમાન સીઝનમાં 12 છગ્ગા ફટકાર્યા છે.
ધોનીની કપ્તાનીમાં રમતી વખતે બૉલિંગમાં મથીશા પથિરાનાને પણ આવી જ ખ્યાતિ મળી છે. તેમણે આઠ મૅચમાં 18.8ની શાનદાર એવરેજથી 13 વિકેટ લીધી છે અને તેનો ડર દરેક વિરોધીના માથા પર દેખાવા લાગ્યો છે.
ચેન્નઈની ટીમના અન્ય ખેલાડીઓ પણ કમાલ કરી રહ્યા છે.
ઓપનર ડેવોન કૉનવેએ 468 રન બનાવ્યા છે. અન્ય ઓપનર ઋતુરાજ ગાયકવાડે 408 રન બનાવ્યા છે. ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારા બૅટ્સમૅનોની યાદીમાં કૉનવે ચોથા અને ઋતુરાજ છઠ્ઠા સ્થાને છે.
ધોની ઓપનરોની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. ધોની મુજબ, ઋતુરાજને રમતની સારી સમજણ છે.
ધોની પાસેથી મળેલા પ્રોત્સાહનના કારણે શિવમ દુબે પણ કમાલ કરી રહ્યા છે. તેમણે લગભગ 160ના સ્ટ્રાઇક રેટથી 315 રન બનાવ્યા છે. તેઓ 27 છગ્ગા ફટકારી ચૂક્યા છે. આ સીઝનમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારા બૅટ્સમૅનોની યાદીમાં તેઓ બીજા નંબરે છે. પ્રથમ નંબરે રહેલા ફૅફ ડુપ્લેસીએ 32 છગ્ગા ફટકાર્યા છે, જોકે દુબે તેમના કરતાં એક મૅચ ઓછી રમ્યા છે.
19 વિકેટ સાથે તુષાર દેશપાંડેનું નામ સીઝનના સૌથી સફળ બૉલરોમાં સામેલ છે.
આટલા મૅચ વિનિંગ ખેલાડીઓ હોવા છતાં ધોનીની ટીમ કોઈ એક ખેલાડી પર નિર્ભર નથી. દિલ્હી સામેની મૅચમાં ટીમ માટે 25 રનની સૌથી મોટી ઇનિંગ શિવમ દુબેએ રમી હતી. એ પછી પણ ટીમ 167 રને પહોંચી ગઈ હતી.
ધોની ટીમવર્ક પર ભાર મૂકે છે અને એ જ ચેન્નઈ સુપરકિંગ્સની તાકાત બની ગયું છે.
ચાહકોનાં દિલ હજુ ભરાયાં નથી....
જોકે હજુ પણ એવા ઘણા લોકો છે જે ચેન્નાઈની ટીમને પસંદ કરે છે, જેમના માટે ટીમનો અર્થ માત્ર માહી એટલે કે મહેન્દ્રસિંહ ધોની છે.
તેઓ તેમના માટે જ સ્ટેડિયમમાં આવે છે અને આ સ્ટેડિયમ માત્ર ચેન્નઈનું નથી. ધોની વર્તમાન સીઝનમાં જ્યાં પણ જાય છે, ત્યાં મોટાભાગે પીળી જર્સી પહેરેલા ચાહકો સ્ટૅન્ડમાં જોવા મળે છે.
ધોની જે રીતે વિરોધી ટીમોને સરપ્રાઈઝ કરે છે, તેવી જ રીતે તેઓ ફેન્સને પણ ચોંકાવી દે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બે વખત (પહેલાં ટેસ્ટમાં અને બાદમાં વનડે અને ટી-20માં) તેમણે અચાનક નિવૃત્તિ જાહેર કરી છે.
આ વખતે પણ તેમણે ઘણી વાર ઇશારા કરીને સસ્પેન્સ વધારી દીધું છે.
ઉદાહરણ તરીકે, 23 એપ્રિલે ઇડન ગાર્ડન્સ ખાતે કોલકાતા નાઇટ રાઇડર્સ સામેની મૅચમાં જ્યારે કેકેઆરની જર્સી કરતાં ચેન્નાઈની જર્સીમાં વધુ ચાહકો સ્ટૅન્ડમાં જોવા મળ્યા હતા, ત્યારે ધોનીએ કહ્યું હતું કે, "આ બધા લોકો હવે કેકેઆરની જર્સીમાં આવશે. તેઓ મને ફેરવેલ આપી રહ્યા છે. મૅચ જોવા આવેલા લોકોનો આભાર."
એ અલગ વાત છે કે એક સમય પછી ક્રિકેટના સૌથી મોટા સુપરસ્ટાર પર પણ સવાલ થવા લાગે છે કે આખરે તેઓ ક્યારે નિવૃત્ત થશે? સચીન તેંડુલકર જેવા દિગ્ગજ પણ આવા સવાલોથી બચ્યા ન હતા.
જોકે ચેન્નઈના કપ્તાન અસંખ્ય કમાલ જોઈ ચૂકેલા ઘણા ચાહકોનાં દિલ હજુ ભરાયાં નથી. ધોનીના ચાહકો ઇચ્છે છે કે તેમની ધમાલની આ કહાણી આવી જ ચાલતી રહે.
તેનો ઇશારો એ પોસ્ટર્સ દ્વારા મળે છે, જે ‘ધોની ધોની’ની બૂમો પાડનારા ચાહકો સ્ટેડિયમમાં લઈને આવે છે, જેની પર લખાયેલું હોય છે, “પ્લીઝ આઈપીએલ 2024માં રમજો.”