You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નર્મદા યોજનાનું નાનામાં નાનું પ્લાનિંગ કરનાર વાયકે અલઘ કોણ હતા?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
જાણીતા અર્થશાસ્ત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી વાયકે અલઘનું અમદાવાદમાં નિધન થયું છે.
છેલ્લા કેટલાક સમયથી તેઓ બીમાર રહેતા હતા અને ઘરે જ તેમનું નિધન થયું છે.
તેમના નિધન પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી છે.
વડા પ્રધાને ટ્વીટમાં લખ્યું, "પ્રોફેસર વાયકે અલઘ જાહેર નીતિનાં વિવિધ પાસાં, ખાસ કરીને ગ્રામીણ વિકાસ, પર્યાવરણ અને અર્થશાસ્ત્રના એક પ્રતિષ્ઠિત વિદ્વાન હતા. તેમના નિધનથી હું દુઃખી છું. હું તેમની સાથે થયેલો સંવાદ સંઘરી રાખીશ. મારી સંવેદના તેમના પરિવાર અને મિત્રો સાથે છે. ઓમ શાંતિ."
વાયકે અલઘે દેશવિદેશની અનેક પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં ભણાવ્યું હતું. તેમણે આર્થિક બાબતો, કૃષિ, પ્લાનિંગ વગેરેમાં દેશ માટે બહુ મોટું કામ કર્યું.
કૉંગ્રેસના નેતા અને જયરામ રમેશે ટ્વીટ કરીને કહ્યું કે ભારતના ઉત્તમ અર્થશાસ્ત્રીઓમાંના એક યોગેન્દ્ર અલઘના નિધનથી દુખી છું, જેમની સાથે મારો ચાર દાયકાથી વ્યક્તિગત અને વ્યવસાયી સંબંધ હતો. તેમણે ભારત સરકારમાં ઘણાં પદો પર કામ કર્યું અને દેવગૌડા શાસનમાં મંત્રી પણ રહ્યા.
પ્રોફેસર અલઘ 2006થી 2012 સુધી ઇન્સ્ટિટ્યૂટ ઑફ રૂરલ મૅનેજમૅન્ટ આણંદ (IRMA)માં અધ્યક્ષ તરીકે અને ગુજરાત કેન્દ્રીય યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે ચાન્સેલર તરીકે સેવા આપી હતી.
પાકિસ્તાનમાં જન્મ, ગુજરાતમાં લગ્ન
ભારતની આઝાદી પહેલાં 14 ફેબ્રુઆરી, 1939માં યોગિંદરકુમાર ભગતરામ અલઘનો જન્મ ચકવાલ-પંજાબ (હાલનું પાકિસ્તાન)માં થયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બાદમાં તેઓ રાજસ્થાનમાં સ્થાયી થયા હતા. વાયકે અલઘે અર્થશાસ્ત્રના વિષયમાં રાજસ્થાન યુનિવર્સિટીમાંથી એમ.એ.નો અભ્યાસ કર્યો હતો.
ગુજરાતમાં પણ તેમનો નાતો આજીવન રહ્યો. તેમણે વડોદરાનાં રક્ષાબહેન સાથે લગ્ન કર્યાં હતાં.
આગળના અભ્યાસ માટે તેઓ વિદેશ ગયા હતા. અમેરિકાની પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાંથી તેમણે એમ.એ. અને ત્યાર બાદ પીએચ.ડી.ની પદવી મેળવી હતી.
અમેરિકામાં વાયકે અલઘે યુનિવર્સિટીમાં હેની ફાઉન્ડેશન ફૅલો અને હાર્ટિસન સ્કૉલર તરીકે સંશોધનકાર્ય પણ કર્યું હતું.
ત્યારબાદ અમેરિકાથી તેઓ ભારતમાં આવ્યા અને કલકત્તા (હાલનું કોલકાતા)ની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપાક તરીકે જોડાયા.
વાયકે અલઘ નાનામાં નાના પ્લાનિંગ માટે પણ જાણીતા હતા અને એટલે તેમને ભારતના આયોજન પંચની પર્સ્પેક્ટિવ પ્લાનિંગ શાખામાં સલાહકાર બનાવાયા હતા.
1969માં તેઓ અમદાવાદમાં સ્થાયી થયા હતા. તેમના કાર્યક્ષેત્રમાં આવતી દરેક બાબતોનું તેઓ ઝીણવટપૂર્વક અવલોકન કરતા અને તેનો અમલ કરાવતા.
તેઓ અમદાવાદની સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇકૉનૉમિક ઍન્ડ સોશિયલ રિસર્ચ (SPIESR) સંસ્થાના નિયામકપદે રહ્યા હતા અને જીવનના અંત સુધી આ સંસ્થા સાથે સંકળાયેલા રહ્યા.
સાથે જ તેમણે નવી દિલ્હી ખાતેની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ના વાઇસ ચાન્સેલર તરીકે પણ કાર્ય કર્યું હતું.
તેઓ રાજ્યસભાના સભ્ય પણ હતા અને આઈકે ગુજરાલની સરકારમાં કેન્દ્રમાં આયોજન અને સાયન્સ-ટેકનૉલૉજીમંત્રી પણ રહ્યા હતા.
આ અને આવી અનેક સંસ્થાઓમાં તેમણે તેમની સેવા આપી હતી.
નર્મદા યોજનાનું પ્લાનિંગ
ગુજરાતના આયોજન મંડળ તથા ગુજરાત સરકાર દ્વારા નિમાયેલા નર્મદા યોજના આયોજન ગ્રૂપના એક્ઝિક્યુટિવ ચૅરમૅન તરીકે પણ તેમણે સેવા આપી હતી.
ગુજરાતના જાણીતા અર્થશાસ્ત્રી વિદ્યુત જોશીએ વાયકે અલઘ સાથે કામ કરેલું અને તેમને પારિવારિક સંબંધ હતો.
નર્મદા પુનર્વસનના રિચર્સનું કામ વિદ્યુત જોશીને સોંપવામાં આવ્યું હતું.
વિદ્યુત જોશી બીબીસી સાથે વાત કરતા કહે છે કે તેઓ જીવનના અંત સુધી કાર્ય કરતા રહ્યા અને આજીવન ભરપૂર જોશથી જીવ્યા.
"અલઘે નર્મદા પ્લાનિંગનાં લગભગ 70 રિસર્ચ કરાવ્યાં હતાં. પાણીના પ્રશ્નના એ નિષ્ણાત હતા. તામિલનાડુ અને કર્ણાટક વચ્ચે પાણીનો ઝઘડો થયો એમાં તેમણે મધ્યસ્થી કરેલી."
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડૅમની તેમની કામગીરી અંગે વિદ્યુત જોશી કહે છે, "નર્મદા યોજનાનું નાનામાં નાનું જે પ્લાનિંગ કરવાનું હોય એ બધું તેમણે કર્યું હતું."
"ડૅમની જગ્યાએ ધરતીકંપ થશે તો શું થશે, આદિવાસીઓની જમીન જશે એનું શું થશે, પાણીનું વિતરણ કઈ રીતે કરવું, કૅનાલ કેવી રીતે બનશે, પાણી કેવી રીતે આપવું- આ બધાનું નાનામાં નાનું પ્લાનિંગ કરાવેલું. એના પર અભ્યાસ-રિસર્ચ કરાવ્યું અને પછી તેનો અમલ કરાવ્યો."
તો એસપીઆઈએસઈઆરના પ્રોફેસર સાસ્વત બિસ્વાસ કહે છે કે "વિકાસ પ્રત્યેનો અલઘનો દૃષ્ટિકોણ સમાવેશી હતો અને ખેડૂતોની કિંમત પર કશું કરી ન શકાય. તેઓ જાણતા હતા કે ગ્રામીણ ભારતમાં શું જોઈએ અને તેમને વાસ્તવિકતાનું જ્ઞાન હતું. તેઓ ન માત્ર એક અર્થશાસ્ત્રી હતા, પણ એક પ્રશાસક પણ હતા, જેમને ભારતીય રાજનીતિની ઊંડી સમજ હતી.