સીરિયાના વાણિજ્ય દૂતાવાસ પર હુમલો, ઈરાન બોલ્યું, ‘જવાબ આપીશું’

    • લેેખક, જૅરેમી બોવેન, ઇન્ટરનેશનલ એડિટર અને ડેવિડ ગ્રિટન
    • પદ, ઇઝરાયલ અને યુકેમાંથી

ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડે જણાવ્યું છે કે સીરિયાની રાજધાની દમાસ્કસમાં એના વાણિજ્ય દૂતાવાસ પર થયેલા ઇઝરાયલી હુમલામાં સાત અધિકારીઓનાં મૃત્યુ થયાં છે.

મરનારાઓમાં રિવોલ્યુશનરી ગાર્ડની ઍલિટ કુદ્સ ફૉર્સના કમાન્ડ બ્રિગેડિયર જનરલ મહમદ રઝા અને તેના ડેપ્યુટી બ્રિગેડિયર જનરલ મહમદ હાદી હાજી-રહીમીનાં નામ સામેલ છે.

બ્રિગેડિયર નજરલ મહમદ રેઝા ઝાહેદીનો સમાવેશ ઈરાનના ટોચના કમાન્ડરોમાં થતો હતો.

ઈરાન અને ઇઝરાયલ વચ્ચે આ પ્રકારની ટાર્ગેટેડ હત્યાનો એક આખો ઇતિહાસ રહ્યો છે. જોકે, ઇઝરાયલે અત્યાર સુધી આ હુમલા અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

બીજી તરફ ઈરાને પણ કહ્યું છે કે તે આ હુમલો કરનારને જવાબ આપવાનો અધિકાર ધરાવે છે.

રૉયટર્સના મતે ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તે નાસિર કનાનીએ કહ્યું, “તહેરાન નક્કી કરશે કે હુમલાખોરોને કયા પ્રકારનો જવાબ અને કેવી સજા અપાય.”

તો વ્હાઇટ હાઉસનાં પ્રવક્તાએ જણાવ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનને આ હુમલાના રિપોર્ટ અંગે જાણકારી છે.

ઈરાન અને સીરિયાની સરકારોએ આ હુમલાની નિંદા કરી છે. હુમલો એટલો તિવ્ર હતો કે ઈરાની દૂતાવાસની આસપાસની કેટલીય ઇમારોત ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી.

ઇઝરાયલના સૈન્યે કહ્યું છે કે તે વિદેશી મીડિયાના અહેવાલો પર કૉમેન્ટ નહીં કરે.

જોકે, ઇઝરાયલે ગત કેટલાંક વર્ષો દરમિયાન સીરિયામાં થયેલા કેટલાય ટાર્ગેટેડ હુમલાની જવાબદારી લીધી છે. આ હુમલાઓ ઈરાન અને એની સાથે જોડાયેલાં હથિયારધારી એવાં સંગઠનો ઉપર કરવામાં આવ્યા હતા, જેને રિવોલ્યુશનરી ગાર્ડ ટ્રેનિંગ આપે છે.

ગત વર્ષે ઑક્ટોબરમાં ગાઝામાં યુદ્ધનો આરંભ થયો એ બાદથી ઈરાન સમર્થિત સમૂહ હિઝ્બુલ્લાહે લેબનન અને સીરિયામાં ઇઝરાયલ સાથેની સરહદો પર હુમલાઓ કર્યા છે, જેના જવાબમાં ઇઝરાયલી સ્ટ્રાઇકમાં વધારો થયો છે.

વધી રહેલો તણાવ

જોકે, સોમવારે જે હુમલો થયો એ બાદ બન્ને દેશો વચ્ચેના તણાવે ગંભીર રૂપ ધારણ કરી લીધું છે અને આનાથી આ સંઘર્ષ આગળ વધી શકે એમ છે.

એવું લાગી રહ્યું છે કે ઇઝરાયલ ઈરાનીઓની પરીક્ષા લઈ રહ્યું છે અને દુશ્મન પર દબાણ વધારી રહ્યું હોવાના સંકેત આપી રહ્યું છે.

ઇઝરાયલ એ પણ જોઈ રહ્યું છે કે હિઝ્બુલ્લાહ અને ઈરાન બન્ને તરફથી એ પ્રકારની જવાબી કાર્યવાહીની પ્રતિક્રિયા નથી આવી રહી, જેની અપેક્ષા સામાન્ય રીતે રાખવામાં આવે છે. હવે જોવાનું એ રહે છે કે આ હુમલા બાદ શું ઈરાન કે હિઝ્બુલ્લાહ વળતો હુમલો કરશે?

સીરિયાના સરંક્ષણ મંત્રાલયનું જણાવ્યું છે કે ઇઝારયલી ઍરક્રાફ્ટે ગોલાન હાઇટ્સથી ઈરાનના વાણિજ્ય દૂતાવાસને લક્ષ્ય બનાવ્યું. આ દૂતાવાસ દમાસ્કસના પશ્ચિમમાં મેજાસ્થિત હાઇવે પર આવેલું છે. આ હુમલો સ્થાનિક સમયાનુસાર સાંજે પાંચ વાગ્યે થયો.

સીરિયાએ એવું પણ જણાવ્યું છે કે સીરિયન ઍર ડિફેન્સે ઇઝરાયલની કેટલીક મિસાઇલોને તોડી પાડી હતી. જોકે, જે રોકી ના શકાઈ એણે "આખી ઇમારતને નષ્ટ કરી દીધી અને એની અંદર રહેલા તમામ લોકો માર્યા ગયા તથા કેટલાય ઘાયલ પણ થયા."

મંત્રાલયનું એવું પણ કહેવાનું છે કે મૃતદેહો અને ઘાયલોને કાટમાળમાંથી બહાર કાઢી લેવાયા છે.

ઘટનાસ્થળનાં તસવીરો અને વીડિયોમાં ધરાશાયી થઈ ગયેલી બહુમાળી ઇમારતના કાટમાળમાંથી ધુમોડો ઊઠતો જોઈ શકાય છે.

ઈરાની રાજદૂત હોસૈન અકબરીએ જણાવ્યું છે કે ઇઝરાયલી એફ-35 ફાઇટર જેટ વિમાનોએ "મારા નિવાસ્થાન, કૉન્સ્યુલર સેક્શન અને સાથે જ ઈરાની મિલિટરી અટેચમૅન્ટને પણ નિશાન બનાવ્યાં હતાં."

તેમણે ઈરાનના સરકારી મીડિયાને જણાવ્યું છે કે આ હુમલામાં પાંચથી સાત લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે, જેમાં કેટલાક રાજદ્વારીઓ પણ સામેલ છે.

રિવૉલ્યુશનરી ગાર્ડ્સે પણ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે એના સાત અધિકારીઓ માર્યા ગયા છે, જેમાં બ્રિગેડિયર જનરલ મહમદ રઝા ઝાહેદી અને બ્રિગેડિયર જનરલ મહમહ હાદી હાજી-રહિમી પણ સામેલ છે.

માર્યા ગયેલા જનરલ કોણ છે?

ઈરાની મીડિયા અનુસાર 63 વર્ષ બાદ ઝાહેદી રિવૉલ્યુશનરી ગાર્ડની વિદેશી અભિયાન માટેની શાખા-કુદ્સ ફૉર્સમાં એક વરિષ્ઠ અધિકારી હતા અને તેમણે વર્ષ 2008 અને 2016 વચ્ચે લેબનન અને સીરિયામાં કમાન્ડર તરીકે કામ કર્યું હતું. જ્યારે હાજી-રહિમીની ઓળખ ઝાહેદીના ડેપ્યુટી તરીકે કરવામાં આવી છે.

ઝાહેદી સૌથી હાઇ-પ્રોફાઇલ કમાન્ડર છે. આ પહેલાં સીરિયામાં ઇઝરાયલે કરેલા કોઈ હુમલામાં ટોચના ઈરાની કમાન્ડરનું મૃત્યુ નથી થયું.

સીરિયામાં ગ્રાઉન્ડ સોર્સના નેટવર્ક પર નિર્ભર બ્રિટનસ્થિત સીરિયન ઑબ્ઝર્વેટરી ફૉર હ્યુમન રાઇટ્સ દ્વારા જણાવાયું છે કે આઠ લોકો માર્યા ગયા છે, જેમાં કુદ્સ ફૉર્સના ટોચના નેતા, ઈરાની સલાહકાર અને રિવૉલ્યુશનરી ગાર્ડ્સના પાંચ સભ્યો સામેલ છે.

સીરિયાના વિદેશમંત્રી ફૈઝલ મેકદાદે જણાવ્યું છે કે તેઓ "આ જઘન્ય આતંકવાદી હુમલા"ની આકરી નિંદા કરે છે. તેમણે એવું પણ જણાવ્યું છે કે આમાં ‘કેટલાય નિર્દોષ લોકો’ માર્યા ગયા છે.

ઈરાની વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર મેકદાદ સાથે ટેલિફોનિક વાતચીતમાં ઈરાનના વિદેશમંત્રી અમીર-અબ્દુલ્લાહિયનને પણ હુમલાને ‘તમામ આંતરરાષ્ટ્રીય જવાબદારીઓનું ઉલ્લંઘન’ ગણાવ્યો હતો અને આ માટે ‘યહૂદી શાસનનને જવાબદાર ઠેરવ્યું’ હતું.

એમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે આંતરરાષ્ટ્રીય સમુદાય તરફથી પણ આ હુમલા પર આકરી પ્રતિક્રિયા આવવી જોઈએ. વ્હાઇટ હાઉસે કહ્યું છે કે રાષ્ટ્રપતિ બાઇડનને હુમલા સંબંધિત અહેવાલોની જાણકારી છે.

સોમવારે પત્રકારોને સંબોધતાં ઇઝરાયીલ સૈન્ય આઈડીએફના પ્રવક્તા રિયર ઍડમિરલ ડેનિયલ હગારીએ જણાવ્યં કે દક્ષિણ ઇઝરાયલી શહેર ઇલિયતમાં એક નૅવલ બેઝ પર ડ્રોન હુમલો ‘એક મોટી ગંભીર ઘટના’ હતી. તેમણે એવું પણ જણાવ્યું કે ડ્રોન ‘ઈરાને બનાવ્યું અને એના તરફથી જ છોડવામાં આવ્યું હતું.’

આ હુમલો ગત શુક્રવારે સીરિયન શહેરો દમાસ્કસ અને ઍલેપ્પો પર શંકાસ્પદ ઇઝરાયલી હુમલા બાદ કરાયો હતો. ઇઝરાયલ પહેલાં પણ કેટલીય વખતે સીરિયામાં ‘ઈરાની સૈન્ય ઠેકાણાં’ પર હુમલો કરવાની જવાબદારી લઈ ચૂક્યું છે.

ઈરાન જણાવે છે કે સીરિયાના ગૃહયુદ્ધમાં રાષ્ટ્રપતિ બશર અલ-અસદના સૈન્યને ‘સલાહ’ આપવા માટે રિવૉલ્યુશરની ગાર્ડ્સને સીરિયા મોકલવામાં આવ્યા છે. જોકે, ઈરાન એવું નથી માનતું કે તે યુદ્ધમાં સામેલ છે કે એણે સૈન્ય બેઝ સ્થાપિત કર્યો છે.