એક સમયે અમિત શાહ સાથે હેલિકૉપ્ટરમાં ફરતા નેતાને મહાગઠબંધને નાયબ મુખ્ય મંત્રીપદના ઉમેદવાર કેમ બનાવ્યા?

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, દીપક મંડલ
- પદ, બીબીસી સંવાદદાતા
બિહારમાં મહાગઠબંધન ચૂંટણી જીતશે તો વિકાસશીલ ઇન્સાન પાર્ટી (વીઆઇપી)ના સંસ્થાપક મુકેશ સહનીને ઉપમુખ્ય મંત્રી બનાવવામાં આવશે.
ગુરુવારે પટણામાં મહાગઠબંધનના ઘટક પક્ષોની એક પત્રકારપરિષદ મળી હતી. તેમાં કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અશોક ગેહલોતે આ જાહેરાત કરી હતી.
અશોક ગેહલોતે મહાગઠબંધન તરફથી બિહારમાં મુખ્ય મંત્રીપદના ચહેરા તરીકે તેજસ્વી યાદવને રજૂ કર્યા છે.
મુકેશ સહનીએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
મુકેશ સહનીએ મહાગઠબંધનનાં દળોના નેતાઓની સાથે એક સંયુક્ત પત્રકારપરિષદમાં કહ્યું કે, "અમે ત્રણ વર્ષથી આ ઘડીની રાહ જોતા હતા. ભાજપે અમારા પક્ષને તોડ્યો, અમારા ધારાસભ્યોને ખરીદ્યા. હવે અમે ભાજપને તોડીશું નહીં, ત્યાં સુધી છોડીશું નહીં."
તેમણે કહ્યું કે "અમે હાથમાં ગંગાજળ લઈને પ્રતિજ્ઞા લીધી હતી. હવે સમય આવી ગયો છે. મહાગઠબંધનની પડખે મજબૂતીથી ઊભા રહીને અમે બિહારમાં અમારી સરકાર બનાવીશું અને ભાજપને રાજ્યમાંથી બહાર કરીશું."
મુકેશ સહનીએ તાજેતરમાં બીબીસીને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, "ભાજપ સહયોગી પક્ષોની મદદ લે છે, પરંતુ કામ પૂરું થાય પછી તેમને જ ગળી જાય છે. અમે ભાજપ સાથે કામ કરીને જોઈ ચૂક્યા છીએ. હવે મહાગઠબંધનની સાથે મજબૂતીથી જોડાયેલા છીએ."
સીટ શેરિંગની વાતચીત અગાઉ તેમણે બીબીસીને કહ્યું હતું કે "બિહારમાં અમે 60 વિધાનસભા બેઠકો પર લડીશું. બિહારમાં 37 ટકા અત્યંત પછાત સમુદાયના મતદારો છે. આના આધારે બિહારમાં અતિ પછાત વર્ગના દીકરાને ઉપમુખ્ય મંત્રીપદ મળવું જોઈએ."
મુકેશ સહનીને આટલું મહત્ત્વ શા માટે?

ઇમેજ સ્રોત, ANI
મુકેશ સહનીના મલ્લાહ સમુદાયની વસ્તી ગંગા નદીના કિનારે અનેક જિલ્લામાં ફેલાયેલી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
એવું માનવામાં આવે છે કે મહાગઠબંધન તરફથી તેમને ઉપમુખ્ય મંત્રી બનાવવાનું વચન એટલા માટે આપવામાં આવ્યું, કારણ કે તેનાથી ઇસીબી (અત્યંત પછાત જાતિ)ના મતદારોનો એક મોટો હિસ્સો તેમની પડખે આવી શકે છે.
રાજ્યમાં ઇસીબી વર્ગમાં સામેલ મલ્લાહ જાતિના મતદારો ઘણી બેઠકો પર સારી એવી સંખ્યા ધરાવે છે.
મુકેશ સહનીએ એક વખત વીઆઇપીનો અર્થ સમજાવતા કહ્યું હતું કે, "લોકતંત્રમાં જેની પાસે વધુ લોકો હોય, એ વીઆઇપી ગણાય છે."
રાજકીય વિશ્લેષકો માને છે કે ઉપમુખ્ય મંત્રી તરીકે તેમને આગળ કરીને મહાગઠબંધને અત્યંત પછાત અને હાંસિયામાં ધકેલાયેલી જાતિઓના મતદારોને આકર્ષવા પ્રયાસ કર્યો છે.
જોકે, કેટલાક રાજકીય નિષ્ણાતો આને મહાગઠબંધનનો અયોગ્ય નિર્ણય માને છે.
તેમનું કહેવું છે કે મુકેશ સહનીને આટલું મહત્ત્વ આપવાથી મુસ્લિમ મતદારો નિરાશ થઈ શકે છે.
વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક નલિન વર્માએ કહ્યું કે "બિહારમાં મુસ્લિમોની વસતી 18 ટકા છે. તેમાંથી મોટા ભાગના મહાગઠબંધનના મતદારો છે. તેનાથી મુસ્લિમ મતદારોમાં નિરાશા પેદા થશે. અસલમાં, મહાગઠબંધનના પક્ષો માટે આ નિર્ણય બેધારી તલવાર સાબિત થઈ શકે છે. આ નિર્ણયના કારણે મુસ્લિમ મતદારો આરજેડી અને કૉંગ્રેસથી દૂર જઈ શકે છે."
નલિન વર્મા કહે છે કે "મુકેશ સહનીની કોઈ પણ ગઠબંધન સાથે નિષ્ઠા નથી. તેઓ ક્યારેક મહાગઠબંધનમાં રહે છે, ક્યારેક એનડીએમાં જતા રહે છે. તેઓ સોદાબાજીમાં આગળ છે. મહાગઠબંધનના મતદારોમાં તેનાથી સારો સંદેશ નહીં જાય."
વરિષ્ઠ પત્રકાર શરદ ગુપ્તા કહે છે, "મલ્લાહ સમુદાય અત્યંત પછાત વર્ગમાં આવે છે. તેજસ્વીને મુખ્ય મંત્રી અને સહનીને ઉપમુખ્ય મંત્રીના ઉમેદવાર બનાવવામાં આવે તો મહાગઠબંધનને અતિ પછાત વર્ગને પોતાની તરફ ખેંચવામાં સફળતા મળી શકે છે. આ એટલા માટે પણ જરૂરી છે, કારણ કે એનડીએ તરફથી ભાજપે લગભગ 49 સવર્ણ ઉમેદવારો ઊભા રાખ્યા છે. આવામાં પછાત વર્ગ એનડીએના બદલે મહાગઠબંધનને મહત્ત્વ આપી શકે છે."
ગુપ્તા કહે છે કે, "સહનીને ઉપમુખ્ય મંત્રીના ઉમેદવાર બનાવવા એટલા માટે પણ જરૂરી હતા, કારણ કે તેઓ ચૂંટણી પછી જૂથ બદલીને એનડીએમાં પણ જઈ શકતા હતા. હવે મહાગઠબંધને આ આશંકાને દૂર કરી છે."
મુકેશ સહની કોણ છે?

1981માં દરભંગાના એક માછીમાર પરિવારમાં જન્મેલા મુકેશ સહની પોતાને 'સન ઑફ મલ્લાહ' કહે છે.
19 વર્ષની વયે તેમણે બિહાર છોડી દીધું અને મુંબઈમાં એક સેલ્સમેન તરીકે નોકરી કરી.
ત્યાર પછી બોલીવૂડમાં તેઓ સેટ ડિઝાઇનર બની ગયા. શાહરુખ ખાનની 'દેવદાસ' અને સલમાન ખાનની 'બજરંગી ભાઈજાન' જેવી હિટ ફિલ્મોમાં તેમણે સેટ ડિઝાઇન કરવાનું કામ કર્યું હતું.
મુંબઈમાં તેમણે મુકેશ સિને વર્લ્ડ પ્રાઇવેટ લિમિટેડ નામે કંપની સ્થાપી હતી.
સહનીએ એનડીએની સાથે પોતાના રાજકીય જીવનની શરૂઆત કરી હતી.
2014ની લોકસભાની ચૂંટણીમાં તેઓ ભાજપના સ્ટાર પ્રચારક હતા. ભાજપના અધ્યક્ષ અમિત શાહે લગભગ 40 ચૂંટણી સભાઓમાં મુકેશને પોતાની સાથે રાખ્યા હતા. તેઓ દરરોજ તેમને હેલિકૉપ્ટરમાં પોતાની સાથે લઈ જતા અને સંયુક્ત સભાને સંબોધિત કરતા હતા.
ત્યાર પછી તેમણે એનડીએ સાથે છેડો ફાડી નાખ્યો.
આનું કારણ જણાવતા મુકેશ સહનીએ કહ્યું હતું કે "તે સમયે અમિત શાહે વચન આપ્યું હતું કે તેઓ નિષાદ સમુદાય અને તેમાં વહેંચાયેલી 21 અન્ય જાતિઓ-પેટાજાતિઓ માટે વિશેષ અનામતની વ્યવસ્થા કરશે. 2015માં તેઓ પોતાના વચનમાંથી ફરી ગયા. તેથી અમે પણ તેમનો સાથ છોડી દીધો."
2015માં તેમણે નિષાદ વિકાસ સંઘની સ્થાપના કરી અને ત્યાર પછી 2018માં વિકાસશીલ ઇન્સાન પાર્ટી બનાવી.
2015માં વિધાનસભાની ચૂંટણી વખતે તેમણે નીતીશકુમારને ટેકો આપ્યો, ત્યાર બાદ તેમનાથી અલગ થઈ ગયા.
તેમણે કહ્યું કે "નીતીશકુમારે પણ અમારી સાથે છેતરપિંડી કરી. તેમણે શરૂઆતમાં અમારા સમુદાયને અનામત અને બીજી સુવિધાઓનું વચન આપ્યું હતું, પરંતુ પછી તેને નિભાવ્યું નહીં. હવે તેઓ પોતે ભાજપની સાથે થઈ ગયા છે. તેથી અમારી લડાઈ તેમની સાથે પણ છે."
2020માં સહની એનડીએમાં સામેલ થઈ ગયા. 2020માં બિહારની ચૂંટણીમાં ભાજપે એનડીએના ક્વોટામાંથી વીઆઇપીને 11 સીટો આપી હતી. વીઆઈપી આ બેઠકો પર લડી અને તેમાંથી ચાર બેઠકો જીતી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












