સાઉદી અરેબિયામાં થયેલા ફેશન શૉમાં એવું શું હતું કે મૌલવીઓ અને કટ્ટરપંથીઓ ભડક્યા

    • લેેખક, બીબીસી મૉનિટરિંગ
    • પદ,

સાઉદી અરેબિયામાં કેટલાક દિવસો પહેલાં થયેલો એક ફેશન શૉ વિવાદમાં આવી ગયો છે. મૌલવીઓ અને કટ્ટરપંથીઓએ આ વિવાદીત ફેશન શૉ પર કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.

આ ફેશન શૉમાં પવિત્ર કાબા જેવો દેખાતો ગ્લાસ દેખાડવામાં આવ્યો છે.

સાઉદી અરેબિયામાં દર વર્ષે 'રિયાધ સિઝન' નામનો સંસ્કૃતિ ઉત્સવ ઉજવાય છે. આ વર્ષે તેમાં દેખાડેલા એક ઇન્સ્ટોલેશન પર આરબ મીડિયા અને સોશિયલ મીડિયા પર તીખી પ્રતિક્રિયા સામે આવી રહી છે.

આલોચકોનું કહેવું છે કે આ ઇસ્લામના સૌથી પવિત્ર સ્થળનું અપમાન છે.

જોકે, સાઉદી અરેબિયાના સરકારી મીડિયાએ આ આલોચનાને દરકિનાર કરી છે.

અફવાને રોકવા માટે કામ કરનારી સાઉદી સંસ્થાએ એ પણ કહ્યું છે કે ફેશન શૉ દરમિયાન દેખાયેલી વસ્તુ માત્ર 'એક ગ્લાસ ક્યૂબના આકારની સંરચના' હતી.

હંગામો થયા બાદ સાઉદી અરેબિયામાં અફવાઓ રોકવા માટે બનેલા પ્રાધિકરણે એ વાતનો ઇન્કાર કર્યો છે કે ફેશન શૉ દરમિયાન પવિત્ર કાબાની આકૃતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

પ્રાધિકરણે કહ્યું કે આ માત્ર એક ગ્લાસ ક્યૂબ આકારની સંરચના હતી અને તેનો કાબા સાથે કોઈ સંબંધ નહોતો.

આ પ્રાધિકરણ એક સ્વતંત્ર સાઉદી મીડિયા પ્લૅટફૉર્મ છે જે ઑનલાઇન અફવાઓને ટ્રૅક કરીને વેરિફાઈ કરે છે.

આલોચના પર સરકારી મીડિયાના ખુલાસા છતાં ઘણા કટ્ટરપંથી ઇસ્લામીક સ્કૉલરોએ આ ઘટના પર ટિપ્પણી કરી. આ લોકોએ આ ઘટનાને ઇસ્લામનું અપમાન ગણાવ્યું છે.

કેટલાક ટિપ્પણીકારોએ આલોચનાથી આગળ વધીને તેને 'વિકૃત પ્રદર્શનમાં શૈતાની કામ' કરવાનો આરોપ પણ લગાવ્યો.

સરકારી મીડિયાએ આ આલોચનાને 'મુસ્લિમ બ્રધરહૂડના નેતૃત્વમાં દેશને બદનામ કરવાની કોશિશ' ગણાવી છે અને તમામ આરોપો ફગાવ્યા છે.

ક્રાઉન પ્રિન્સ પર નિશાન

ઇન્ટરનેટ પર ટેલિગ્રામ અને ફેસબુક મારફતે આ ઇવેન્ટની તસવીરો અને વીડિયો શૅર કરવામાં આવી રહ્યાં છે.

કૅનેડામાં રહેતા ઇસ્લામી લેખક તારિક અબ્દ અલ-હલીમે ટૅલિગ્રામ પર હિદાયત અલ્સારીના નામથી પોસ્ટ કરે છે.

તેમણે પોસ્ટમાં લખ્યું, “આરબ પ્રાયદ્વીપમાં બહુદેવવાદ એક આધિકારિક ધર્મના સ્વરૂપે પરત ફર્યો છે.”

અલ-હલીમ જે લખે છે તે કાબા જેવા દેખાતા ડિસ્પ્લૅની આસપાસ ફેશન શૉ પર થઈ રહેલી આલોચનાઓને દર્શાવે છે.

કેટલાક લોકોએ તેની તુલના 'મૂર્તિપૂજાની પ્રથાઓ' સાથે કરી છે.

‘શૈતાની પ્રવૃત્તિઓ’

મોરોક્કોના ઇસ્લામી ધર્મગુરુ અલ-હસન અલી અલ-કિત્તાનીએ કહ્યું છે કે આ ઘટના ભ્રષ્ટાચાર અને મૂલ્યોના પડવાનો સંકેત છે.

કિત્તાનીએ લખ્યું કે મોટાભાગના સ્કૉલરો આ ઘટના પર ચૂપ છે પરંતુ કેટલાક સત્ય બોલતા અચકાયા નથી.

ઘણા ટિપ્પણીકારોએ આ ફેશન શૉનો ઉપયોગ વર્ષોથી જેહાદીઓ અને કટ્ટરપંથીઓના દુશ્મન રહેલા સાઉદી અરેબિયાના સત્તારૂઢ પરિવારની આલોચના માટે કર્યો છે.

સીરિયામાં રહેતા વિચારક અબ્દેલ રહેમાન અલ-ઇદરીસીએ તર્ક આપ્યો છે કે મૉડલો દ્વારા કાબા જેવી સંરચનાની આસપાસ નૃત્ય કરવું એ બધું વાસ્તવિક રીતે તો સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના આદેશ પર જ થયું છે.

ફેસબુક પર ઇસ્લામિક સ્ટેટ(આઈએસ)ના એક સમર્થકે ક્રાઉન પ્રિન્સને એક ‘અનૈતિક વ્યભિચારી’ સુદ્ધા ગણાવી દીધા. તેમણે તેમના પર 'ઇસ્લામના વિશ્વાસઘાતી' હોવાનો પણ આરોપ લાગવ્યો.

કથિત ઇસ્લામિક સ્ટેટના સમર્થકોનું લક્ષ્ય હંમેશા સાઉદી અરેબિયા અને અન્ય આરબ દેશો પર નિશાન તાકવાનું રહ્યું છે.

આ વિચારધારાના લોકો આ દેશોને ‘ઇઝરાયલ અને પશ્ચિમી હિતોની રક્ષા કરનારા’ ગણાવે છે.

શું છે રિયાધ સિઝન?

રિયાધ સિઝન, સાઉદી અરેબિયામાં આયોજીત મનોરંજન, સાંસ્કૃતિક અને ખેલ આયોજનોનો વાર્ષિક ઇવેન્ટ છે.

રિયાધ સિઝન 2024 અંતર્ગત લેબનોનના ડિઝાઇનર અલી સાબે ફેશન શૉ પ્રદર્શિત કર્યો.

આ જ શૉ પર વિવાદ થયો અને આરબજગતમાં સોશિયલ મીડિયામાં ઘણી પ્રતિક્રિયાઓ આવી.

સ્ટેજ પર થયેલા એક ડિસ્પ્લે સિવાય કેટલાક લોકો ગાઝા પટ્ટી અને લેબનોનમાં યુદ્ધ વચ્ચે થયેલા આ ફેશન શૉની પણ આલોચના કરે છે.

લંડનથી છપાતા અરબી અખબાર 'રાય અલ-યૂમ'ના એક રિપોર્ટ અનુસાર રિયાધ સિઝનના ડિઝાઇનર અને આયોજકો પર ક્ષેત્રમાં ચાલી રહેલા યુદ્ધની અનદેખી કરવાનો આરોપ લાગી રહ્યો છે.

સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એક યૂઝરે લખ્યું કે ગાઝામાં નરસંહાર વચ્ચે સાઉદી અરેબિયાએ ડાંસરો અને સિંગરોને બોલાવ્યા છે.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook , Instagram , YouTube, TwitterઅનેWhatsAppપર ફૉલો કરી શકો છો.