You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વાવાઝોડાની આગાહીથી કેમ ના છેતરાવું, નાનું વાવાઝોડું પણ મોટા વાવાઝોડા જેટલું ઘાતક કેમ બની જાય છે?
- લેેખક, લ્યુસી શેરિફ
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
ચક્રવાતી વાવાઝોડાને તેની તીવ્રતાના આધારે અલગઅલગ કૅટેગરીમાં મૂકવામાં આવે છે, પરંતુ કૅટેગરી નીચી હોય તો પણ વાવાઝોડું ઘાતક બની શકે છે.
તેથી 'કૅટેગરી વન'માં આવતા હરિકેનને પણ સુરક્ષિત માની લેવાય નહીં. તોફાન અને પ્રચંડ પૂરની સ્થિતિમાં 'કૅટેગરી વન'નું વાવાઝોડું પણ અત્યંત જોખમી હોઈ શકે છે.
હરિકેન અર્નેસ્ટોને કૅટેગરી વનમાં વર્ગીકૃત કરવામાં આવ્યું હતું. છતાં આ વાવાઝોડાના કારણે પ્યુર્ટો રિકોના 40 ટકા ભાગમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો હતો અને અચાનક પૂર આવ્યું હતું. વૈજ્ઞાનિકો ચેતવણી આપે છે કે નીચી કૅટેગરીનાં વાવાઝોડાંથી પણ 'કૅટેગરી ફાઇવ'નાં વાવાઝોડાં જેટલું જ નુકસાન થઈ શકે છે.
ચક્રવાતી વાવાઝોડા અથવા હરિકેનને સેફિર-સિમ્પસન સ્કેલ પર એકથી પાંચ સુધી ક્રમ આપવામાં આવે છે, "જેમાં પાંચ સૌથી વધુ તીવ્રતા દેખાડે છે. 1970ના દાયકામાં એક વિન્ડ ઍન્જિનિયર અને એક હવામાનશાસ્ત્રી દ્વારા આ સ્કેલ વિકસાવવામાં આવ્યો હતો."
"વાવાઝોડાને તેના પવનની ગતિના આધારે રૅન્ક આપવામાં આવે છે, પરંતુ આ સ્કેલ તેની અન્ય અસરોને ધ્યાનમાં લેતું નથી. જેમ કે આ રૅન્કના આધારે તોફાન અને વરસાદનો અંદાજ કાઢી ન શકાય. તમામ પ્રકારના વાવાઝોડા ભારે વરસાદ અને પૂર લાવી શકે છે."
ફેડરલ ઇમર્જન્સી મૅનેજમેન્ટ એજન્સી (ફેમા)ના ભૂતપૂર્વ ડિરેક્ટર અને હાલમાં ક્રાઇસિસ રિસ્પૉન્સ સલાહકાર ક્રેગ ફુગેટ કહે છે, "વાવાઝોડાની કૅટેગરી પર વધુ પડતું ધ્યાન કેન્દ્રિત કરવું ભ્રામક સાબિત થઈ શકે છે."
તેઓ કહે છે, "કૅટેગરી પાંચમાં આવતા વાવાઝોડાના પવનો ચોક્કસપણે વિનાશકારી હોય છે, ત્યારે તોફાનની અન્ય લાક્ષણિકતાઓમાં પણ વાસ્તવિક ખતરો હોઈ શકે છે."
કૅટેગરી વનનું વાવાઝોડું કેવી રીતે નુકસાન કરી શકે છે?
તેમના કહેવા મુજબ, "કૅટેગરી વનના વાવાઝોડામાં લોકો જોખમને ઓછું આંકવાની ભૂલ કરી શકે છે, કારણ કે તેની કૅટેગરી નીચી છે. પવનની ગતિ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી તેમને સુરક્ષાનો ખોટો અંદાજ થઈ શકે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અર્નેસ્ટો જેવા 'કૅટેગરી વન'માં આવતા હરિકેનમાં જોરદાર વરસાદ, વિનાશક પૂર અને પ્રચંડ ચક્રવાત આવી શકે છે. તેનાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન થઈ શકે છે જેમ કે વીજળી જતી રહે, રોડ બંધ થઈ જાય અને પાણી દૂષિત થઈ શકે છે.
તેનાથી ગંભીર અને કાયમી અસરો થઈ શકે છે. વાસ્તવમાં જીવન માટે સૌથી મોટો ખતરો ત્યારે સર્જાય છે જ્યારે હરિકેનના પવનના દબાણથી સમુદ્રનું પાણી દરિયાકિનારાના વિસ્તારમાં જમા થાય છે.
આવી સ્થિતિમાં પાણીની સપાટી ઓછામાં ઓછી 30 ફૂટ (9.1 મીટર) સુધી વધી શકે છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે અમેરિકામાં વાવાઝોડા સંબંધિત 49 ટકા મૃત્યુ પાણીની સપાટી વધવાથી થયાં હતાં, 27 મોત ભારે વરસાદના પૂરને કારણે અને માત્ર 8 ટકા મોત પવનને કારણે થયાં હતાં.
લૉરેન્સ બર્કલી નૅશનલ લૅબોરેટરીના વરિષ્ઠ વૈજ્ઞાનિક માઇકલ વેહનર કહે છે કે, "મોટાભાગનું નુકસાન પવનથી નહીં પણ પાણીથી થાય છે. સમસ્યા એ છે કે [સેફિર-સિમ્પસન] સ્કેલ એ માત્ર તોફાનના કોઈપણ બિંદુએ પવનની સૌથી વધુ ગતિનું માપ છે."
પવનની ગતિ દ્વારા વાવાઝોડાને વર્ગીકૃત કરવામાં જાહેર સુરક્ષાને લઈને ચિંતા પેદા થઈ છે. કૅટેગરી ત્રણ અને તેનાથી ઉપરના વાવાઝોડાને રાષ્ટ્રીય હવામાન સેવા દ્વારા "મોટા" વાવાઝોડા તરીકે ગણવામાં આવે છે. એટલે કે લોકો કદાચ નીચી કૅટેગરીના વાવાઝોડાને ચિંતાજનક જ નહીં ગણે.
'મોટાભાગનું નુકસાન પવનથી નહીં પણ પાણીથી થાય છે'
વેહનર કહે છે કે પવનની ગતિને બદલે તોફાનનું કદ વધારે મહત્ત્વનું હોય છે. કૅટેગરી વનનું વાવાઝોડું પણ ભારે નુકસાન કરી શકે છે, ભલે પછી તેની પવનની ઝડપ 95 માઇલ પ્રતિ કલાક (153 કિમી પ્રતિ કલાક)થી ઓછી હોય.
હરિકેન ડેબી એ કૅટેગરી વનનું વાવાઝોડું હતું જેમાં પાંચ લોકો માર્યા ગયા હતા. પ્રારંભિક અંદાજ પ્રમાણે તેમાં 12.3થી 28 અબજ ડૉલર (9.5થી 22 અબજ પાઉન્ડ) સુધી નુકસાન થયું હતું.
હરિકેન સેન્ડી પણ કૅટેગરી વનમાં આવે છે અને તેને અમેરિકા પર ત્રાટકનારા પાંચમા સૌથી મોંઘા વાવાઝોડા તરીકે ગણવામાં આવે છે, જેમાં 88.5 અબજ ડૉલર (68.2 અબજ પાઉન્ડ)નું નુકસાન થયું હતું.
1,800થી વધુ લોકોનો ભોગ લેનાર હરિકેન કેટરિનાની કૅટેગરી 5 હતી અને ત્યાર પછી નબળું પડીને કૅટેગરી 3ના વાવાઝોડા તરીકે લ્યુઇસિયાનામાં લૅન્ડફૉલ કર્યું હતું. આ વાવાઝોડાના કારણે મિસિસિપીમાં સામાન્ય કરતાં 25-28 ફૂટ (7.6-8.5 મીટર) અને દક્ષિણ-પૂર્વ લ્યુઇસિયાનામાં 10-20 ફૂટ (3-6 મીટર) ઊંચી ભરતી આવી હતી.
નૅશનલ હરિકેન સેન્ટર (એનએચસી) દ્વારા 2005માં ઉષ્ણકટિબંધીય ચક્રવાત વિશે એક અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો. તે મુજબ કેટરિના વાવાઝોડાએ સાબિત કર્યું કે વાવાઝોડા વખતે આવતું પાણી એ સૌથી મોટો જીવલેણ ખતરો છે.
યુનિવર્સિટી ઑફ ફ્લોરિડાના ડેટા વિશ્લેષક અને વાવાઝોડા દરમિયાન સ્થળાંતર વર્તનના મોડલિંગમાં નિષ્ણાત ઝિલેઇ ઝાઓ કહે, "કૅટેગરી વનનું વાવાઝોડું હજુ પણ સ્થાનિક સમુદાયોને નોંધપાત્ર નુકસાન પહોંચાડી શકે છે, ખાસ કરીને જે લોકો પૂરના વિસ્તારોમાં અને/અથવા મોબાઇલ ઘરોમાં રહે છે તેમના માટે."
વાવાઝોડા વખતે શું સાવચેતી રાખવી જોઈએ?
ઝાઓ ઉમેરે છે, "સ્થાનિક અધિકારીઓ વિસ્તાર ખાલી કરાવવાના આદેશ આપે ત્યારે લોકોએ તેના પર ધ્યાન આપવું જોઈએ. કૅટેગરી વનના હરિકેન માટે આવી સૂચના જારી કરી શકાય છે."
જીન કેમલો અને ટાલિયા માયોએ વાવાઝોડા વખતના સંદેશાવ્યવહાર પર સેફિર-સિમ્પસન સ્કેલની અસરો વિશે અભ્યાસ કર્યો છે. તેઓ જણાવે છે કે વાવાઝોડાના કારણે પવન સાથે ધસમસતાં પાણી આવે ત્યારે તેને લગતા મૅસેજથી લોકોના જીવ બચાવી શકાય છે.
તેમણે એમ પણ કહ્યું છે કે આબોહવામાં પરિવર્તનના કારણે દરિયાકાંઠાના પ્રદેશોમાં વાવાઝોડાના સંકટમાં નોંધપાત્ર વધારો થશે.
આ ઉપરાંત વધુ લોકો દરિયાકિનારે જતા હોય છે તેથી વધુ લોકો પાણીના તોફાની ઉછાળાથી જોખમમાં મૂકાય છે. આવી સ્થિતિમાં વાવાઝોડાને લઈને સંદેશાવ્યવહારમાં સુધારો કરવાની જરૂરિયાત પેદા થાય છે.
કૅટેગરી વનનું વાવાઝોડું ઘણીવાર કૅટેગરી પાંચના વાવાઝોડા જેટલું નુકસાનકારક હોય છે, પરંતુ વેહનર કહે છે કે તે એટલા જીવલેણ નથી હોતાં. કૅટેગરી પાંચનાં વાવાઝોડાં સમુદ્રકિનારે પહોંચે ત્યારે મૃત્યુઆંક ઘણી વખત વધારે હોય છે. ફિલિપીન્ઝ ટાયફૂન હૈયાન ત્રાટક્યું ત્યારે 6,000થી વધુ લોકો માર્યા ગયા હતા.
50 વર્ષ કરતાં વધુ સમયથી હરિકેન કૉમ્યુનિકેશન પર પ્રભુત્વ ધરાવતી સિસ્ટમ તરીકે સેફિર-સિમ્પસન સ્કેલનો એક મોટો ફાયદો છે. તે વાવાઝોડાની તીવ્રતા માટે તરત જ ઓળખી શકાય તેવું માપ છે. પરંતુ વેહનર કહે છે તે મુજબ "લોકોએ જાણવાની જરૂર છે કે સેફિર-સિમ્પસન સ્કેલમાં જ બધું નથી આવી જતું."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન