દુનિયાના તાપમાનમાં 1.5 ડિગ્રી કરતાં વધારે વૃદ્ધિ થશે તો કેવી અસર થશે

    • લેેખક, ઍસમી સ્ટૉલાર્ડ
    • પદ, ક્લાઇમૅટ ઍન્ડ સાયન્સ રિપૉર્ટર, બીબીસી ન્યૂઝ

યુરોપિયન સંઘની ક્લાઇમૅટ સર્વિસના અનુમાન મુજબ, 2024નું વર્ષ તાજેતરના ઇતિહાસનું સૌથી વધુ ગરમ વર્ષ રહેવાની શક્યતા છે. આ વર્ષે પહેલી વખત પૃથ્વીનું તાપમાન ઔદ્યોગિકરણ પહેલાં જેટલું તાપમાન હતું, તેના કરતાં દોઢ ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ વધારે વૃદ્ધિ પામશે.

જળવાયુ પરિવર્તનને કારણે જે હાનિકારક અસર થાય એમ છે, તેને ટાળવી હોય તો લાંબાગાળામાં સરેરાશ તાપમાનમાં થનારા વધારાને દોઢ ડિગ્રીથી નીચે રાખવો જોઈએ તથા આ સ્તરને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

પેરિસ સંધિ શું છે?

વર્ષ 2015માં વિશ્વના અગ્રણી નેતાઓ ફ્રાન્સની રાજધાની પેરિસ ખાતે એકઠાં થયાં, જ્યાં તેમણે વૈશ્વિક તાપમાનમાં 1.5 ડિગ્રી કરતાં વધારેનો ઉછાળો ન આવે તે માટે પ્રયાસો કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરી.

એ સમયે વિશ્વના લગભગ બધા જ દેશ, પહેલી વખત ગ્લૉબલ વૉર્મિંગ માટે જવાબદાર ગ્રીનહાઉસ ગૅસનું ઉત્સર્જન ઘટાડવા માટે સહમત થયા.

વિશ્વના 194 પક્ષકારોએ (193 દેશ તથા યુરોપિયન સંઘ) તા. 12 ડિસેમ્બર, 2015ના આ સંધિનો સ્વીકાર કર્યો. તા. ચાર નવેમ્બર 2016થી પેરિસ સંધિ અમલમાં આવી

પેરિસ સંધિમાં કેવી જોગવાઈઓ હતી?

પેરિસ સંધિમાં તાપમાન સંબંધિત કેટલીક પ્રતિબદ્ધતાઓ વ્યક્ત કરવામાં આવી હતી, જે મુજબ :

  • વૈશ્વિક તાપમાનમાં વૃદ્ધિને (ઔદ્યોગિકીકરણ પહેલાંની સરખામણીએ) દોઢ ડિગ્રી સુધી મર્યાદિત રાખવા પ્રયાસો કરવા. વૈશ્વિક તાપમાનમાં થનાર વૃદ્ધિને 2.0 ડિગ્રી કરતાં 'ખાસ્સી નીચે' રાખવી.
  • માનવજાતે વૃક્ષો, જમીન અને સાગર કુદરતી રીતે જેટલા ગ્રીનહાઉસ ગૅસ શોષી શકે એટલું જ ઉત્સર્જન કરવું, જેને 'નૅટ ઝીરો' તરીકે ઓળખવામાં આવે છે. 2050થી 2100ની વચ્ચે 'નૅટ ઝીરો' સ્થિતિને હાંસલ કરી લેવાનું લક્ષ્યાંક મૂકવામાં આવ્યું છે.
  • દરેક દેશ ઉત્સર્જનઘટાડાના લક્ષ્યાંક જાતે નક્કી કરે અને તેની દર પાંચ વર્ષે સમીક્ષા કરવી જેથી કરીને 'વધુ સારું પ્રદર્શન' કરવા માટેના મહત્ત્વકાંક્ષી લક્ષ્યાંક નિર્ધારિત કરી શકાય.
  • ગરીબ દેશો જળવાયુપરિવર્તન સામે ઝઝૂમી શકે તથા પુનઃપ્રાપ્ય ઊર્જા સ્રોતો તરફ વળે તે માટે ધનવાન દેશોએ આર્થિક મદદ કરવી, જે ક્લાઇમૅટ ફાઇનાન્સ તરીકે ઓળખાય છે.

1.5 ડિગ્રીથી વધુની તાપમાન વૃદ્ધિથી શું થાય

કોઈ એક વર્ષ દરમિયાન નહીં, પરંતુ વીસ વર્ષની સરેરાશની તુલનામાં આ વૃદ્ધિ 1.5 ડિગ્રી કરતાં ઓછી હોય એવું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે.

તાપમાન વૃદ્ધિ સામે ચેતવણી આપતા વિજ્ઞાનીઓ કહે છે કે દર 0.1 ડિગ્રીની તપામાનવૃદ્ધિ થયે હિટવૅવ લંબાશે, ભારે પૂર આવશે તથા જંગલોમાં આગ લાગવાની ઘટનાઓ વધશે.

જો વિશ્વના તાપમાનમાં 2 ડિગ્રી વધારાને (ઔદ્યોગિકીકરણ પહેલાંના તાપમાનની સરખામણીએ) કારણે વિશ્વભરમાં તેની ભયાનક અસરો જોવા મળી હોત, જેમાંથી અમુક ક્ષતિ કાયમી અને પાછળથી સુધાર ન થઈ શકે તેવી હોત, એટલે 1.5 ડિગ્રી સેલ્સિયસ (કરતાં ઓછી રાખવાનો) લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો હતો.

1.5ના બદલે 2.0 ડિગ્રી વૃદ્ધિ થાય તો...?

વિજ્ઞાન સંપૂર્ણ ખાતરી સાથે નથી કહી રહ્યું, પરંતુ જો ગ્લૉબલ વૉર્મિંગમાં 2 ડિગ્રી જેટલી વૃદ્ધિ થઈ, તો વૃત્તિય કે ધ્રુવીય સિવાયના વિસ્તારોમાં દિવસ દરમિયાનનું સરેરાશ તાપમાન ચાર ડિગ્રી વધી જશે.

અને જો વૈશ્વિક તાપમાનને 1.5 ડિગ્રી તાપમાન પર મર્યાદિત રાખવામાં આવે. તો આ વૃદ્ધિ ત્રણ ડિગ્રી જેટલી જ રહશે.

દરિયાના જળસ્તરમાં (1.5 ડિગ્રીની સરખામણીમાં) વધારાના 0.1 મીટરની જળવૃદ્ધિ થશે, જેના કારણે એક કરોડ લોકો વારંવાર પૂરનો ભોગ બને તેવી શક્યતા ઊભી થશે.

જો તાપમાનવૃદ્ધિ 1.5 ડિગ્રી આસપાસ રહી તો 70થી 90 ટકા જેટલી કૉરલ રિફ નાશ પામશે. આથી વિપરીત જો બે ટકા જેટલી વૃદ્ધિ થઈ, તો '99 ટકા કરતાં વધુ' કૉરલ રિફ નાશ પામશે.

વિશ્વભરના દેશો પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને ચર્ચવા માટે દરવર્ષે મળે છે. આ આંતરરાષ્ટ્રીય શિખર સંમેલનો 'કૉપ' (કૉન્ફરન્સ ઑફ પાર્ટીઝ) તરીકે ઓળખાય છે.

પ્રગતિના પથ પર કે અધોગતિના રસ્તે?

2015 પછીની દરેક કૉપ દરમિયાન જે-તે દેશોની સરકારોએ પેરિસમાં જે નેમ વ્યક્ત કરી હતી, એ દિશામાં કેટલી પ્રગતિ કરી, તેની સમીક્ષા કરવામાં આવે છે.

પેરિસમાં જ્યારે સંધિ ઉપર હસ્તાક્ષર થયા અને લક્ષ્યાંકો નક્કી થયાં, ત્યારે પણ સરકારોએ સ્વીકાર્યું હતું કે તેના કારણે વૈશ્વિક તાપમાનને 1.5 ડિગ્રી કરતાં નીચું નહીં રાખી શકાય.

યુએનના અનુમાન પ્રમાણે, હાલમાં જે ઝડપથી તાપમાન વધી રહ્યું છે, તેને જોતા વર્ષ 2100માં (ઔદ્યોગિકરણ પહેલાંની સરખામણીએ) તાપમાન 2.6થી 2.8 ડિગ્રી જેટલું વધી ગયું હશે.

જો પેરિસ સંધિ ઉપર હસ્તાક્ષર કરનારા તમામ પક્ષકારો નૅટ ઝીરોનાં લક્ષ્યાંકોને હાંસલ કરી લે, તો વૃદ્ધિ 1.9 ડિગ્રી જેટલી જ રહેશે. મતલબ કે તમામ દેશોએ તેમનાં લક્ષ્યાંકોને હાંસલ કરવા માટે વધુ નીતિઘડતર કરવાની જરૂર છે.

છેલ્લે ડિસેમ્બર-2023માં કૉપ-28 બેઠક મળી હતી. જેમાં પહેલી વખત આ દેશો "અશ્મિગત ઈંધણને ત્યજવાની દિશામાં આગળ વધવા"ની દિશામાં પ્રગતિ થાય તે માટે "ફાળો" આપવા માટે સહમત થયા. જોકે તેમના ઉપર કાર્યવાહી કરવા માટે કોઈ પણ પ્રકારનું દબાણ કરવામાં નથી આવ્યું.

યુએન દ્વારા કૉપ-28નું વિશ્લેષણ કરવામાં આવ્યું, જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું કે ગ્રીનહાઉસ ગૅસઉત્સર્જનમાં "વધુ ઊંડાણપૂર્વકના, ઝડપી અને સાતત્પૂર્ણ ઘટાડા"ની જરૂર છે. જો આમ થશે, તો જ 1.5 ડિગ્રીના લક્ષ્યાંકને કાયમ માટે થનારું નુકસાન અટકાવી શકાશે.

પેરિસ સંધિમાં ગરીબ રાષ્ટ્રો માટે શું?

વર્ષ 2009માં કૉપની પહેલી બેઠક મળી, ત્યારે એવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી કે વિશ્વના ધનિક દેશોએ વર્ષ 2020 સુધીમાં વાર્ષિક 100 અબજ ડૉલરની (હાલના વિદેશીમુદ્રા વિનિમય મુજબ, અંદાજે રૂ. આઠ લાખ 44 હજાર કરોડ) સહાય વિકાસશીલ રાષ્ટ્રોને આપવી. જેથી કરીને તેઓ જળવાયુ પરિવર્તનને કારણે થતી અસરોને પહોંચી વળવા માટે સક્ષમ બને તથા અર્થતંત્રો વધુ હરિત બને.

વર્ષ 2020 સુધીમાં માત્ર 83.3 અબજ ડૉલર જ ઊભા થયા હતા. વર્તમાન ભાવો મુજબ આ આંકડો રૂ. સાત લાખ 29 હજાર કરોડ જેટલો હતો. છેક 2023માં આ લક્ષ્યાંક હાંસલ થયું હતું.

ચાલુ વર્ષની કૉપ શિખર મંત્રણા અઝરબૈજાનની રાજધાની બાકૂ ખાતે મળી રહી છે. જેમાં જળવાયુ પરિવર્તનને પહોંચી વળવા તથા તેના માટેની સજ્જતા કેળવવા કેટલી રકમ એકઠી કરવી તેના ઉપર સહમતિ સાધવા વિચારવિમર્શ થઈ રહ્યો છે.

વર્ષોની ચર્ચાવિચારણા પછી ગત વર્ષે દુબઈ ખાતેની બેઠકમાં નુકસાન તથા ક્ષતિ માટે નવું ફંડ ઊભું કરવા માટે સહમતિ સધાઈ હતી.

જેમ કે, નવું ધિરાણ લક્ષ્યાંક મેળવવા માટે કોણ ફાળો આપશે, તે કયા સ્વરૂપે હશે, શું તે ધિરાણ હશે કે સહાય, જેવી અનેક બાબતો ઉકેલાવાની બાકી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.