અમદાવાદમાં શુક્રવારે સાત અલગ-અલગ સ્થળોએ આગના બનાવ, ફાયર વિભાગે શું જણાવ્યું? - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, PTI
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે આગ લાગવાની અનેક ઘટનાઓ પણ બની રહી છે.
અમદાવાદમાં શુક્રવારના દિવસે સાત-અલગ ઠેકાણે આગ લાગી હતી, જેમાં વટવા જીઆઈડીસી(ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન) – ફેઝ ચારમાં આગ લાગી હતી.
અમદાવાદ ફાયર વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ચંડોળા તળાવ વસાહતમાં બપોરે બે વાગ્યા અને 40 મિનિટ આસપાસ આગ લાગી હતી. બપોરે પોણા ત્રણ વાગ્યે ગોતા વિસ્તારમાં વસંતનગર ટાઉનશિપના ખુલ્લા પ્લૉટમાં આગ લાગી હતી.
શહેરના પ્રહ્લાદનગર વિસ્તારમાં આવેલી વિનસ ઍટલાન્ટિક બિલ્ડિંગનાં પાર્કિગમાં બપોરે લગભગ ત્રણ આગનો બનાવ બન્યો હતો.
આ જ અરસામાં બાપુનગર વિસ્તારમાં શુભલક્ષ્મી સોસયાટી પાસે રોડ પર કારમાં આગ લાગી હતી. તે પછી સાંજે સવા છ વાગ્ય ગોતામાં જ સિલ્વર સ્ટાર કૉલેજની પાછળ આવેલી ઝૂંપડપટ્ટીમાં આગ લાગી હતી.
આ સિવાય સાંજેકના સમયે નવા નરોડા વિસ્તારમાં ઍર કન્ડિશનર(એસી)ના બહારના આઉટલેટમાં પણ આગ લાગી હતી
ફાયર કંટ્રોલમાં અધિકારી ધરમસિંહે બીબીસી ગુજરાતી સંવાદદાતા તેજય વૈદ્ય સાથે વાત કરતા જણાવ્યું હતું કે વટવાને બાદ કરતા મોટાભાગની આગ ઉપર કાબૂ મેળવાય ગયો છે.
ધરમસિંહે એમ પણ જણાવ્યું હતું કે સાંજ સુધીમાં મળતા સમાચાર મુજબ, આગની ઘટનાઓમાં બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપૉર્ટ પ્રમાણે, વટવાસ્થિત જયશ્રી ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગી હતી. ચીફ ફાયર ઑફિસર અમિત ડોંગરેએ સમાચાર સંસ્થા સાથે વાત કરતા જણાવ્યું હતું, "બપોરે અઢી વાગ્યા આસપાસ ઑઇલ પ્રોસેસિંગ યુનિટમાં આગ લાગી હતી. આગ ઉપર કાબૂ મેળવી લેવાયો છે અને ઈજાગ્રસ્તો હોવાના કોઈ અહેવાલ નથી."
આર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, ચિલી સુધી સુનામીની ચેતવણી

ઇમેજ સ્રોત, Getty Images
શુક્રવારે આર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભારતીય સમય મુજબ સાંજે સાડા છ વાગ્યા આસપાસ, ઉશૂઆઈયાથી દક્ષિણમાં 222 કિલોમીટર દૂર ડ્રેક પૅસેજમાં આ ભૂકંપ આવ્યો હતો.
ભૂકંપના અમુક મિનિટો બાદ જ સુનામીની ચેતવણી આપવામાં આવ હતી અને લોકોને નીચાણવાળા વિસ્તાર છોડીને ઊંચાઈવાળા વિસ્તારોમાં જવાની સૂચના આપવામાં આવી હતી.
અમેરિકાના સુનામિ ચેતવણી કેન્દ્રના સંદેશમાં જણાવ્યા પ્રમાણે, ભૂકંપના કેન્દ્રબિંદુથી 300 કિલોમીટરવાળા તટીય વિસ્તારોમાં ખતરનાક મોજાં ઉછળવાની શક્યતા છે.
દક્ષિણ આર્જેન્ટિના અને ચિલીમાં પણ સુનામીની ચેતવણી આપવામાં આવી છે.
નરેન્દ્ર મોદીએ કેમ કહ્યું કે 'ગૌતમ અદાણીની ઉપર ગુજરાતીઓ ગુસ્સો કરશે'

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે રૂ. આઠ હજાર 800 કરોડના ખર્ચે તૈયાર થયેલું વિઝિનજામ ડીપ વૉટર પૉર્ટ રાષ્ટ્રને અર્પિત કર્યું છે. આ બંદરની ઊંડાઈ લગભગ 20 મીટર છે. આ પ્રસંગે કેરળના મુખ્ય મંત્રી પિનારાઈ વિજયન, પૂર્વ કેન્દ્રીય મંત્રી શશિ થરૂર અને અદાણી જૂથના ગૌતમ અદાણી પણ હાજર હતા.
વિઝિનજામ બંદર દુનિયાના સૌથી વ્યસ્ત જળમાર્ગોમાંથી એકની પાસે આવેલું છે, જેના કારણે ભારતની નિકાસ સસ્તી બનશે.
આ તકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, એક તરફ અપાર તકોથી ભરેલો અફાટ સાગર છે, તો બીજી તરફ પ્રકૃતિની મનમોહક સુંદરતા તેમાં ચાર ચાંદ લગાડી રહી છે. આ બંદર નવા નવા યુગની શરૂઆતનું પ્રતીક બની ગયું છે.
મોદીએ કહ્યું હતું, "જ્યારે ગુજરાતીઓને ખબર પડશે કે આટલું સારું બંદર અદાણીએ અહીં કેરળમાં વિકસાવ્યું છે ; તેઓ ગુજરાતમાં 30 વર્ષથી બંદરક્ષેત્રે કાર્યરત છે, પરંતુ એમણે હજુ સુધી ત્યાં (ગુજરાતમાં) આવું બંદર નથી બનાવ્યું."
સાથે જ હસતાં-હસતાં ઉમેર્યું કે, 'એમણે (અદાણીએ) ગુજરાતીઓનો ગુસ્સો સહન કરવા માટે તૈયાર રહેવું પડશે.'
મોદીએ કહ્યું હતું કે ભવિષ્યમાં આ ટ્રાન્સશિપમેન્ટ બંદરની ક્ષમતામાં ત્રણગણી વૃદ્ધિ થશે. દુનિયાના મહાકાય જહાજો અહીં અવરજવર કરી શકશે. સાથે જ ઉમેર્યું કે અગાઉ ભારતના 75 ટકા ટ્રાન્સશિપમેન્ટ ઑપરેશન્સ વિદેશી બંદરો મારફત થતા હતા.
આ પૉર્ટ કેરળ તથા વિઝિનજામના લોકો માટે રોજગારની તકો ઊભી કરશે. ઉલ્લેખનીય છે કે આ બંદર કેરળ સરકાર, કેન્દ્ર સરકાર તથા અદાણી પૉર્ટ ઍન્ડ સ્પેશિયલ ઇકૉનૉમિકનું સંયુક્ત સાહસ છે.
ભારત સંયમ જાળવે, પાકિસ્તાન સહકાર આપે – અમેરિકા

ઇમેજ સ્રોત, Reuters
ટ્રમ્પ સરકારના 100 દિવસના અનુસંધાને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે ફૉક્સ ચેનલને ઇન્ટરવ્યૂ આપ્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે અમેરિકા બંને મિત્રો ભારત અને પાકિસ્તાન સાથે સંપર્કમાં છે. બંને દેશ અણુશસ્ત્ર સંપન્ન છે.
વાન્સે કહ્યું હતું, "અમે ઇચ્છીએ છીએ કે ભારત આ આતંકવાદી હુમલાનો જવાબ એવી રીતે આપે કે તે પ્રાદેશિક સંઘર્ષમાં ન પરિણામે."
"અમને આશા છે કે આતંકી હુમલા પછી ભારતનો જવાબ એવો જ હશે કે જેનાથી કોઈ મોટો સંઘર્ષ ન થાય. અમે એ પણ આશા રાખીએ છીએ કે પાકિસ્તાને જ્યાં સુધી જવાબદાર છે, ત્યાં સુધી ભારતને સહયોગ આપશે. જેથી કરીને આતંકીઓને શોધી શકાય અને કાર્યવાહી કરી શકાય."
વાન્સે આશા કરી હતી કે પાકિસ્તાન આ તપાસમાં ભારતને સહયોગ આપશે.
ઉલ્લેખનીય છે કે તા. 22 એપ્રિલના જમ્મુ-કાશ્મીરના પહલગામ ખાતે બૈસરન ઘાટીમાં પર્યટકો ઉપર ઉગ્રવાદીઓએ હુમલો કર્યો હતો, જેમાં 25 પર્યટકો સહિત 26 લોકોનાં મૃત્યુ થયા હતા. એ પછી ભારત સરકારે તેના સશસ્ત્રદળોને કોઈપણ કાર્યવાહી કરવા માટે 'છૂટોદોર' આપ્યો હતો.
ઉત્તરાખંડ : શ્રદ્ધાળુઓ માટે ખૂલ્યાં કેદારનાથનાં કપાટ

ઇમેજ સ્રોત, UTTARAKHAND INFORMATION DEPARTMENT
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગસ્થિત કેદારનાથના કપાટ શુક્રવારે ખોલવામાં આવ્યા.
મંત્રોચ્ચાર અને સેનાના ગ્રેનેડિયર્સ રેજિમેન્ટના બૅન્ડની ધૂનો વચ્ચે સવારે સાત કલાકે મંદિરના કપાટ શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યા. આ સમયે મંદિરનું મુખ્ય દક્ષિણ દ્વાર પણ ખોલવામાં આવ્યું.
કપાટ ખોલવા સમયે ઉત્તરાખંડના મુખ્ય મંત્રી પુષ્કરસિંહ ધામી પણ ઉપસ્થિત હતા.
મુખ્ય મંત્રી પુષ્કરસિંહ ધામીએ આ પ્રસંગને રાજ્યનો ઉત્સવ ગણાવ્યો.
કપાટ ખોલવા પર હેલિકૉપ્ટરમાંથી ફૂલ પણ વરસાવવામાં આવ્યાં.

ઇમેજ સ્રોત, UTTARAKHAND INFORMATION DEPARTMENT
કેદારનાથ ઉત્તરાખંડમાં આવેલું છે. જે સમુદ્રતલથી 3,583 મીટર ઊંચાઈ પર છે અને તે હિમાલયના ગઢવાલ ક્ષેત્રમાં આવેલું છે.
કેદારનાથ હિંદુઓના પવિત્ર એવાં ચાર ધામોમાંથી એક મનાય છે.

ઇમેજ સ્રોત, UTTARAKHAND INFORMATION DEPARTMENT
હિંદુ ધાર્મિકગ્રંથોમાં જે બાર જ્યોતિર્લિંગોનો ઉલ્લેખ છે તેમાં કેદારનાથ સૌથી વધુ ઊંચાઈ પર છે. આ મંદિર ગરમીમાં છ મહિના માટે જ ખુલ્લું રહે છે, ઠંડીની ઋતુમાં તેને બંધ કરી દેવામાં આવે છે.
પરમાણુ સમજૂતી પર અમેરિકા અને ઈરાન વચ્ચે કાલે થનારી બેઠક ટળી

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકા-ઈરાન વચ્ચે પરમાણુ સમજૂતીને લઈને શનિવારે થનારી ચોથા ચરણની વાતચીતને હાલ ટાળી દેવાઈ છે.
બંને દેશો વચ્ચેની વાતચીતમાં મધ્યસ્થતા કરી રહેલા ઓમાની વિદેશ મંત્રી બદ્ર અલ્બુસૈદીએ તેની જાણકારી આપી. તેમણે ઍક્સ પર પોસ્ટ કરતાં કહ્યું તે શનિવારે 3જી મેના રોજ થનારી અમેરિકા-ઈરાન વચ્ચેની બેઠકને ટાળી દેવામાં આવી છે.
તેમણે લખ્યું કે આગામી બેઠકની તારીખની ઘોષણા બંને દેશો વચ્ચેની આપસી સહમતિ બાદ નક્કી કરવામાં આવશે.
ઓમાની વિદેશ મંત્રીએ આ પોસ્ટ મામલે બીબીસી ફારસીના એક સવાલના જવાબમાં અમેરિકાના વિદેશ વિભાગનાં પ્રવક્તા ટૅમી બ્રૂસે કહ્યું, "ચોથા ચરણની વાતચીતમાં અમેરિકાની ભાગીદારીના સમય અને સ્થાન ક્યારેય નક્કી નહોતાં કરવામાં આવ્યાં."
બ્રૂસે આગળ કહ્યું, "પરંતુ હું તમને જણાવી શકું છું કે વાતચીતમાં અમારા પ્રતિનિધિ જે કહેતા રહ્યા છે તે આધારે મને સંદેહ છે કે નજીકના ભવિષ્યમાં કશું થશે. જેવી અમને વિગતો મળશે અમે તમારી સાથે શૅર કરીશું."
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાના તમામ દેશોને ચેતવણી આપી છે કે ઈરાનથી તેલ ખરીદવાનું બંધ કરે અથવા તો અમેરિકાના વધારાના પ્રતિબંધોનો સામનો કરવા તૈયાર રહે.
ચોથા ચરણની વાતચીત સ્થગિત થવાની ખબર ત્યારે આવી છે જ્યારે અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે બુધવારે 'ઈરાનને હૂતિઓને સમર્થન કરવાની કિંમત ચૂકવવાની ચેતવણી' આપી હતી.
દિલ્હી-એનસીઆરમાં ભયંકર વરસાદ, 100થી વધુ ફ્લાઇટ્સ પ્રભાવિત

ઇમેજ સ્રોત, ANI
ભારે વરસાદની અસર દિલ્હી ઍરપૉર્ટ પર પણ પડી છે. સમાચાર સંસ્થા પીટીઆઈના જણાવ્યા પ્રમાણે તોફાન અને ઝડપી પવનને કારણે દિલ્હી ઍરપૉર્ટ પર ત્રણ ફ્લાઇટ્સને ડાયવર્ટ કરવામાં આવી અને 100થી વધુ ફ્લાઇટ્સ મોડી થઈ.
એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે દિલ્હી ઍરપૉર્ટ પર ઉતરનારી બે ફ્લાઇટ્સને જયપુર અને એકને અમદાવાદ તરફ મોકલી દેવાઈ.
દિલ્હી ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ લિમિટેડે ઍક્સ એકાઉન્ટ પર જારી ઍડવાઇઝરીમાં જણાવ્યું કે ઍરપૉર્ટનું ઑપરેશન યથાવત્ છે. જોકે, કેટલીક ફ્લાઇટ્સ પ્રભાવિત છે.

ઇમેજ સ્રોત, ANI
સમાચાર સંસ્થા એએનઆઈએ દિલ્હી પોલીસના હવાલાથી ખબર આપી છે કે દ્વારકા વિસ્તારમાં એક મકાન પર વૃક્ષ પડી જવાને કારણે એક માતા અને તેમનાં ત્રણ બાળકોનાં મૃત્યુ થયાં છે.
દિલ્હી-એનસીઆરમાં ભયંકર વરસાદ બાદ વૃક્ષ પડી જવાને કારણે ત્રણ બાળકો સહિત ચારનાં મૃત્યુ, હવામાન વિભાગે આપી આ સલાહ

ઇમેજ સ્રોત, ANI
દિલ્હી-એનસીઆરમાં શુક્રવારે સવારે ઝડપી પવન સાથે ભયંકર વરસાદ પડ્યો. ઘણી જગ્યાઓએ રસ્તા પર પાણી ભરાઈ ગયાં અને કેટલીક જગ્યાએ વૃક્ષો પડવાની ઘટના પણ બની.
હવામાન વિભાગે દિલ્હી-એનસીઆરમાં હવામાન ખરાબ હોવાની ચેતવણી આપતા લોકોને સાવધાન રહેવાની સલાહ આપી છે.
હવામાન વિભાગે કહ્યું છે કે હવામાન ખરાબ હોવાને કારણે લોકો સુરક્ષિત જગ્યાએ જતા રહે અને ઘરનાં બારી-દરવાજા બંધ રાખે.
વરસાદથી બચવા માટે કોઈ વૃક્ષની નીચે ન ઊભા રહે.
દિલ્હી ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ લિમિટેડે પોતાના અધિકારિક ટ્વિટર એકાઉન્ટ પર યાત્રીઓ માટે એક ઍડવાઇઝરી જારી કરી છે.
તેમાં કહેવાયું છે કે દિલ્હીમાં ખરાબ હવામાન હોવાને કારણે તથા આંધી-તોફાનને કારણે દિલ્હીની કેટલીક ફ્લાઇટની સેવા પ્રભાવિત થઈ છે.
ઍરપૉર્ટના મુસાફરોને અનુરાધ કરવામાં આવ્યો છે કે તેઓ પોતાની ફ્લાઇટની જાણકારી માટે સંબંધિત ઍરલાઇન્સનો સંપર્ક કરે.
સમાચાર સંસ્થા એએનઆઈએ દિલ્હી પોલીસના હવાલાથી ખબર આપી છે કે દ્વારકા વિસ્તારમાં એક મકાન પર વૃક્ષ પડી જવાને કારણે એક માતા અને તેમનાં ત્રણ બાળકોનાં મૃત્યુ થયાં છે.
અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઇક વાલ્ટ્જે પોતાનું પદ છોડ્યું

ઇમેજ સ્રોત, Reuters
બીબીસીના અમેરિકી પાર્ટનર સીબીએસ ન્યૂઝ અને સમાચાર એજન્સી રૉયટર્સના સમાચાર અનુસાર અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઇક વાલ્ટ્જે પોતાનું પદ છોડવાનો નિર્ણય કર્યો છે.
આ સમાચાર પ્રમાણે માઇક વાલ્ટ્જના સહયોગી ઍલેક્સ વૉન્ગ પણ પોતાનુ પદ છોડી રહ્યા છે.
જોકે વ્હાઇટ હાઉસે કહ્યું છે કે તે આ પ્રકારના સમાચારો પર પ્રતિક્રિયા નથી આપતું.
આ સમાચાર માઇલ વાલ્ટ્જના એક ગ્રૂપ ચૅટની જવાબદારી લેવાના એક મહિના બાદ આવી છે. જેમાં ઊંચા પદ પર બેઠેલા અધિકારીઓએ યમનમાં સૈન્ય હુમલાની યોજના બનાવી હતી. આ ગ્રૂપ ચૅટમાં અજાણ્યા પત્રકારને જોડવામાં આવ્યા હતા.
વાલ્ટ્જે ફૉક્સ ન્યૂઝને જણાવ્યું હતું, "હું તેની પૂર્ણ જવાબદારી લઉં છું, મેં જ આ ગ્રૂપ બનાવ્યું હતું."
રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાના બીજા કાર્યકાળમાં પોતાનું પદ છોડનારા વાલ્ટ્જ પહેલા એવા અધિકારી છે જેઓ ઊંચા પદ પર રહ્યા હોય.
ટ્રમ્પે ચૂંટણી જીત્યા બાદ શરૂઆતમાં જે લોકોને નિયુક્ત કરવામાં આવ્યા હતા તેમાં વાલ્ટ્જ પણ સામેલ હતા.
આ વચ્ચે રાષ્ટ્રપતિ ટ્રમ્પે વ્હાઇટ હાઉસના બહાર આ સિગ્નલ ચૅટની પ્રશંસા કરી છે.
સમાચાર મળી રહ્યા છે કે ટ્રમ્પ તેમની સંયુક્ત રાષ્ટ્રસંઘમાં અમેરિકાના દૂત તરીકે નિમણૂક કરશે.
ટ્રમ્પે સોશિયલ મીડિયા પર કરેલી એક પોસ્ટમાં તેમણે વાલ્ટ્જનો આભાર માન્યો છે અને કહ્યું છે કે હાલ વિદેશ મંત્રી માર્કો રૂબિયો રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારનું પદ સંભાળશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












