મસ્જિદમાં 'બહારના મુસ્લિમો પર પ્રતિબંધ' કેમ મૂકાયો, સોલાપુરમાં મુસ્લિમ વેપારીઓના બહિષ્કારનું આહ્વાન કોણે કર્યું?

મહારાષ્ટ્ર, મસ્જિદ, હિન્દુઓ અને મુસ્લિમો, પહલગામ હુમલો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Nitin Nagarkar/BBC

    • લેેખક, પ્રાચી કુલકર્ણી
    • પદ, બીબીસી માટે

પહલગામની ઘટના પછી વિવિધ સ્થળોએ મુસ્લિમ વેપારીઓના બહિષ્કારનું આહ્વાન કરતાં બોર્ડ મહારાષ્ટ્રમાં દેખાવાં લાગ્યાં છે.

કેટલીક જગ્યાએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે તો કેટલીક જગ્યાએ લોકો હાથમાં બોર્ડ લઈને મુસ્લિમોના બહિષ્કારની માગ કરી રહ્યા છે.

આ ચાલી રહ્યું છે ત્યારે કેટલીક જગ્યાએ, ક્યાંક ભીડ તો ક્યાંક સુરક્ષાનાં કારણોસર "બહારના" મુસ્લિમોને ગામની મસ્જિદમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે.

મહત્ત્વની વાત એ છે કે આ પ્રતિબંધ ગામ સ્તરે બેઠકો યોજીને, ઠરાવો પસાર કરીને તેમજ ગામમાં સત્તાવાર ફ્લેક્સ બૅનર્સ લગાવીને જાહેર કરવામાં આવી રહ્યો છે. સરપંચોનું કહેવું છે કે આ ઠરાવ સ્થાનિક મુસ્લિમોની હાજરીમાં કરવામાં આવ્યા છે.

મસ્જિદમાં પ્રવેશબંધી

મહારાષ્ટ્ર, મસ્જિદ, હિન્દુઓ અને મુસ્લિમો, પહલગામ હુમલો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, NitinNagarkar/BBC

મહારાષ્ટ્રના પુણે જિલ્લાના મુળશી તાલુકાની પિરંગુટ ગ્રામ પંચાયતના વિસ્તારમાં પ્રવેશીએ ત્યારે દરેક ચોક પર મોટા ફ્લેક્સ બૅનર જોવાં મળે છે.

જાહેર સૂચના ધરાવતાં એ બૅનર પર લખવામાં આવ્યું છે કે, "પિરંગુટ ગામમાં બહારથી આવતા તમામ મુસ્લિમ ભાઈઓ જાણ કરવામાં આવે છે કે તમામ ગ્રામજનો અને મુસ્લિમ ભાઈઓની ખાસ સભામાં પસાર કરાયેલા ઠરાવ અનુસાર સ્થાનિક મુસ્લિમ બાંધવો સિવાયના સ્થળાંતરિત મુસ્લિમ બંધુઓ, વ્યવસાય અર્થે પંચક્રોશીમાં રહેતા મુસ્લિમ ભાઈઓ અને આસપાસનાં અન્ય ગામોના મુસ્લિમ ભાઈઓના સ્થાનિક મસ્જિદમાં પ્રવેશ તથા નમાઝ પઢવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે."

"એ ઉપરાંત બહારથી આવતા ભાઈઓની સંખ્યા મસ્જિદની ક્ષમતા કરતાં વધારે હોવાથી ગામની કાયદા-વ્યવસ્થા અને શાંતિની જાળવણીમાં અવરોધ સર્જાય છે. આ મસ્જિદમાં ફક્ત સ્થાનિક મુસ્લિમ ભાઈઓ જ નમાઝ પઢી શકશે, તેની નોંધ અન્ય સ્થળાંતરિત અને પંચક્રોશીના મુસ્લિમ ભાઈઓએ લેવી જોઈએ."

આ બૅનરમાં સમસ્ત ગ્રામ સમુદાય, પિરંગુટ એવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પિરંગુટ ગામના સરપંચના જણાવ્યા અનુસાર, આ નિર્ણય ગ્રામ પંચાયત હૉલમાં બેઠક યોજીને લેવામાં આવ્યો હતો.

સરપંચ ચાંગદેવ પોવલેએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું, "આ મસ્જિદમાં ક્ષમતા કરતાં વધારે ભીડ હોય છે. ત્યાં આવતા લોકોની ઓળખ કરવાનું શક્ય ન હતું. એ લોકો પાસે ઓળખપત્રો નહોતા. તેથી સુરક્ષાના મુદ્દાને ધ્યાનમાં રાખીને અમે પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. એ બેઠકમાં સ્થાનિક મુસ્લિમ ભાઈઓ પણ હાજર હતા અને તેઓ પણ પ્રતિબંધનું સમર્થન કરે છે."

પિરંગુટના પોલીસ અધિકારી પ્રકાશ પોવલેએ જણાવ્યું હતું કે હવેથી શુક્રવારની નમાઝ માટે આવતા લોકોના ઓળખપત્રોની ચકાસણી સ્થાનિક લોકો કરશે.

બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું, "અમારી ગ્રામ્ય મંડળીની બેઠક ગુરુવારે યોજાઈ હતી. તેમાં મુસ્લિમો, મરાઠાઓ વગેરે બધા હાજર હતા. અમારું ગામ એક સંયુક્ત ગામ છે. ફક્ત એક જ સમાજના વધુ લોકો આવે છે. તેથી ટ્રાફિકમાં અવરોધ સર્જાય છે. કૉલેજમાં અભ્યાસ કરતી સ્થાનિક યુવતીઓ માટે ચાલવાનો રસ્તો રહેતો ન હતો."

"તેમણે ફરિયાદ કરી ત્યારે અમે મૌલાનાને પૂછ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે બહારના લોકો અહીં આવે છે. તેઓ છેલ્લા બે-ત્રણ શુક્રવારથી અહીં આવતા થયા છે. તેથી અમે તેમના પર પ્રતિબંધ મૂક્યો છે. બહારના લોકો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. સ્થાનિક વેપારીઓ સામે કોઈ વાંધો નથી."

મહારાષ્ટ્ર, મસ્જિદ, હિન્દુઓ અને મુસ્લિમો, પહલગામ હુમલો, હિન્દુત્વ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Nitin Nagarkar/BBC

પિરંગુટની માફક પુણે જિલ્લાની આસપાસનાં ઘણાં ગામોમાં પણ સમાન ઠરાવ પસાર કરવામાં આવ્યા છે.

પિરંગુટના પાડોશી ઘોટાવડે, લવલે તથા વડકી ગામોમાં પણ આવો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ખેડ શિવપુરમાં પણ આવો પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો, પરંતુ તે સત્તાવાર ન હતો અને કોણે તે લાદ્યો હતો, તેની ખબર ન હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, લવલે ગામમાં આ નિર્ણય, વૉટ્સઍપ ગ્રૂપ પરની ફરિયાદને કારણે લેવામાં આવ્યો હતો. ત્યાં ભીડ અને પાર્કિંગની સમસ્યા સર્જાતી હોવાનું કારણ આપવામાં આવ્યું હતું.

સ્થાનિક લોકોના પરિચિત હોય તેવા લોકોને જ પ્રવેશ આપવાનો નિર્ણય અહીં લેવામાં આવ્યો છે.

બહારના બધા લોકો પર પ્રતિબંધનો નિર્ણય શરૂઆતમાં લેવામાં આવ્યો હતો, એમ જણાવતાં લવલેના રહેવાસી શાહીસ્તેખાન ઈનામદારે કહ્યું હતું, "કઈ વ્યક્તિ ક્યા હેતુસર અહીં આવે છે તે અમે પણ કહી શકતા નથી. તેથી બહારના લોકો પર પ્રતિબંધ મૂકવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો."

"મેં તેનો વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે જે લોકો આપણી સાથે 10-20 વર્ષથી રહે છે તેમના પર પ્રતિબંધ ન મૂકવો જોઈએ. ત્યાર બાદ એવો નિર્ણય કરવામાં આવ્યો હતો કે બહારના બધા લોકો પર નહીં, પરંતુ અજાણ્યા લોકો પર પ્રતિબંધ મૂકવો જોઈએ."

આ નિર્ણય સ્થાનિક મુસ્લિમોની સંમતિથી લેવામાં આવ્યો છે, એવું જણાવવામાં આવ્યું હતું, પરંતુ પિરંગુટ મસ્જિદના પદાધિકારી આમિરે બીબીસીને કહ્યું હતું કે આવો કોઈ ઠરાવ પસાર કરવાનો છે તેનો ખ્યાલ તેમને ન હતો.

તેમણે એવો સવાલ કર્યો હતો કે બેઠકમાં ઉપસ્થિત હોવા છતાં કોઈ પર આવો પ્રતિબંધ કેવી રીતે લાદી શકાય?

બહિષ્કારનું એલાન

મહારાષ્ટ્ર, મસ્જિદ, હિન્દુઓ અને મુસ્લિમો, પહલગામ હુમલો, હિન્દુત્વ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Solapur Police

ઇમેજ કૅપ્શન, સોલાપુરના પોલીસ કમિશનર એમ. રાજકુમાર

એક તરફ મસ્જિદોમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય લેવામાં આવી રહ્યા છે તો બીજી તરફ વિવિધ સ્થળોએ શરૂ થયેલા વિરોધ પ્રદર્શનોમાં મુસ્લિમ વેપારીઓનો બહિષ્કાર કરવાનું એલાન આપવામાં આવી રહ્યું છે.

પહેલગામની ઘટના પછી સોલાપુરના નવી પેઠ વિસ્તારમાં કેટલાક યુવાનોએ આવા આશયનાં પૉસ્ટર્સ પ્રદર્શિત કરીને વિરોધ કર્યો હતો.

એટલું જ નહીં, કઈ દુકાનોના માલિકો મુસ્લિમ છે તેની યાદી પણ એક વૉટ્સઍપ ગ્રૂપ પર શેર કરવામાં આવી હતી.

એ પોસ્ટમાં અને પોસ્ટર્સમાં લખવામાં આવ્યું હતું કે "જાતિ નહીં, ધર્મ પૂછ્યો હતો તેથી તમે પણ ધર્મ વિશે પૂછીને ખરીદી કરો."

એવી જ રીતે કોલ્હાપુરમાં છત્રપતિ શિવાજી માર્કેટ બિલ્ડિંગની બહાર સમગ્ર હિન્દુ સમુદાય દ્વારા લગાવવામાં આવેલાં ફ્લેક્સ બૅનરમાં, આતંકવાદનો આ રીતે જ અંત લાવવો પડશે એવું જણાવીને સંપૂર્ણ આર્થિક બહિષ્કારની હાકલ કરવામાં આવી છે. બેનર પર છત્રપતિ સંભાજીરાજેની હત્યાનો સંદર્ભ આપીને અફઝલખાનના વધનું ચિત્ર પણ દર્શાવવામાં આવ્યું છે.

આ ઘટના બાબતે વાત કરતાં જન આંદોલનના રાષ્ટ્રીય સંયોજક ઇબ્રાહિમ ખાને કહ્યું હતું, "મુસ્લિમો વિરુદ્ધ જે રીતે વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે તેની ઝાળ હવે ગામડાઓ સુધી પહોંચી છે. શહેરમાં તાકાત હોય છે, પરંતુ ગામડાઓમાં ખરા અર્થમાં લઘુમતી સમુદાય હોય છે. બંધારણે જે અધિકાર આપ્યો છે તેનું આ ઉલ્લંઘન છે. કોઈએ પૂજા, નમાઝ કે ધાર્મિક વિધિ કરવી હોય તો તમે તેનો વિરોધ કરી શકો નહીં."

તેમણે એમ પણ કહ્યું હતું, "ધાર્મિક સંસ્થાઓને નિયમો બનાવવાનો અધિકાર છે. તેની અવગણના થઈ રહી છે. વિકાસ થતો હોવાથી બહારના લોકો આવશે. જે વ્યક્તિ રોજ દિવસમાં પાંચ વખત નમાઝ પઢી શકતી ન હોય તે શુક્રવારે મસ્જિદમાં જાય છે. ભીડના કારણે શુક્રવારે બે વાર નમાઝ પઢવામાં આવે છે. અનુકૂળતા મુજબ નમાઝ પઢવામાં આવે છે."

તેમણે ઉમેર્યું હતું, "અમને સમજાતું નથી કે હિન્દુઓ આટલી અસલામતી કેમ અનુભવે છે. દર ચતુર્થીએ દગડુશેઠ ગણપતિ મંદિર સામેનો આખો શિવાજી માર્ગ બંધ હોય છે ત્યારે તેનાથી કાયદો-વ્યવસ્થા અને ટ્રાફિકની સમસ્યા નથી સર્જાતી? કાલે બધાં ગામડાઓમાં આવા ઠરાવ થશે. શું તેઓ સંઘર્ષ કરવા ઇચ્છે છે? આ મુદ્દાનું નિરાકરણ ચર્ચા દ્વારા થઈ શકે છે. ફરિયાદો થઈ છે. સરકાર કાર્યવાહી કરતી નથી. તેથી આવી સમસ્યાઓ વધી રહી છે."

સામાજિક કાર્યકર સરફરાઝ અહમદે સોલાપુરમાં એક જનજાગૃતિ કાર્યક્રમ શરૂ કરવાની જાહેરાત કરી છે. સોલાપુરમાં 'સબસે કરો વ્યાપાર, બાંટતે રહો પ્યાર, હમ ભારતવાસી' અભિયાન હેઠળ વિવિધ બજારોમાં દરરોજ એક કલાક માટે જનજાગૃતિ કરવામાં આવશે.

બીબીસી સાથે વાત કરતાં સરફરાઝ અહમદે કહ્યું હતું, "સોલાપુરની નવી પેઢમાં કેટલાક યુવાનો હાથમાં બૅનર પકડીને ઊભા રહ્યા હતા. તેમાં કેટલાક સગીરો હોવાની શક્યતા છે, તેવું પોલીસ કહે છે. તેમના હાથમાંનાં બૅનર્સમાં લખ્યું હતું કે તેમણે ધર્મ પૂછીને લોકોની હત્યા કરી હતી. તેથી આપણે પણ ધર્મના આધારે વ્યાપાર કરીએ."

સરફરાઝ અહમદે કહ્યું હતું, "આ વલણ સામાજિક ન્યાય સાથે સુસંગત નથી. આવી ભૂમિકા અસ્પૃશ્યતાને જન્મ આપવા જેવી છે. આ વિરોધ ધર્મના સ્તરે નહીં, પણ વ્યક્તિગત સ્તરે છે. આવું હિન્દુઓ સાથે થાય તો અમે પણ તેનો વિરોધ જ કરીશું."

કાયદો શું કહે છે? પોલીસની ભૂમિકા શું છે?

આ પૈકીના ઘણા ઠરાવો સીધા ગ્રામસભામાં કરવામાં આવ્યા ન હતા. આવા ઠરાવો પસાર કરવા અથવા કોઈને પ્રવેશ ન આપવો તે મૂળભૂત રીતે ગેરકાયદે છે, એમ કાયદાના વિદ્વાન અને આઈએલએસ લૉ કૉલેજના પ્રોફેસર નીતિશ નવસાગરે સ્પષ્ટ કર્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે આવા કિસ્સામાં ભારતીય ન્યાય સંહિતા હેઠળ ફોજદારી કાર્યવાહી કરી શકાય છે.

તહસીન પુનાવાલા વિરુદ્ધ સરકારના કેસનો ઉલ્લેખ કરતાં નવસાગરેએ જણાવ્યું હતું કે વેપારીઓનો બહિષ્કાર અને ગ્રામજનોનો ઠરાવ બન્ને બંધારણનું ઉલ્લંઘન છે.

આવા કિસ્સામાં સરકાર અને પોલીસ માટે જાતે કાર્યવાહી કરવાનું બંધનકારક છે, એમ તેમણે સ્પષ્ટ કર્યું હતું.

નીતિશ નવસાગરેએ કહ્યું હતું, "બંધારણની કલમ 14 અને 15 તમામ નાગરિકોને સમાનતાનો અધિકાર આપે છે. ધર્મ કે જાતિને આધારે ભેદભાવ કરી શકાતો નથી. કલમ 19 જણાવે છે કે દરેક નાગરિકને ગમે ત્યાં આવવા-જવાનો અધિકાર છે. એકઠા થવાનો અધિકાર છે."

"કોઈ ગામ આવો નિર્ણય કરે તો તે બંધારણની ભાવનાનું ઉલ્લંઘન કરે છે. તહસીન પુનાવાલા કેસમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ જણાવ્યું હતું કે ટોળાનું શાસન લોકશાહી માટે ખતરો છે."

તેમણે ઉમેર્યું હતું, "કોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો કે પોલીસ વડાએ નોડલ અધિકારીની નિમણૂંક કરવી જોઈએ અને આવી ઘટનાઓ ન બને તે સુનિશ્ચિત કરવું જોઈએ. મને લાગે છે કે હવે કાર્યવાહી કરવાની જવાબદારી પોલીસની છે. આ પ્રક્રિયા વિવિધ ધર્મના લોકો વચ્ચે દ્વેષ પેદા કરી રહી છે અને લોકોમાં અસલામતી સર્જી રહી છે. તેથી કાર્યવાહી થવી જોઈએ. હવે રાજ્ય સરકાર શું કરે છે તે મહત્ત્વનું છે."

આ બાબતે સ્થાનિક પોલીસ અધિકારીઓનો સંપર્ક સાધવામાં આવ્યો ત્યારે તેમણે સ્પષ્ટતા કરી હતી કે બેનર લઈને ઊભેલા યુવાનો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

બીબીસી સાથે વાત કરતાં સોલાપુરના પોલીસ કમિશનર એમ. રાજકુમારે કહ્યું હતું, "બેનર લઈને ઊભેલા ચાર યુવાનો સામે અમે કાર્યવાહી કરી છે. પોલીસે તેમને અટકાયતમાં લીધા હતા અને તેમની સામે બૉમ્બે પોલીસ ઍક્ટની કલમ ક્રમાંક 135 હેઠળ કેસ પણ નોંધવામાં આવ્યો છે."

તેમણે એવી સ્પષ્ટતા પણ કરી હતી કે સોશિયલ મીડિયા પરના મેસેજીસ બાબતે વધુ તપાસ ચાલી રહી છે. બાવધન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર અનિલ વિભૂતેએ જણાવ્યું હતું કે પીરંગુટ કેસ એક સ્થાનિક મુદ્દો છે.

તેમણે કહ્યું હતું, "અમે આ પ્રકરણની માહિતી મેળવી છે. તે સ્થાનિક સ્તરે લેવાયેલો નિર્ણય છે અને તેમાં બધા ગ્રામજનો સામેલ હતા. એ નિર્ણય ભીડને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન