You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હેનરી કિસિંજર : અમેરિકન નેતા જેમને નોબેલ પુરસ્કાર આપ્યા બાદ સમિતિના સભ્યોએ રાજીનામુ આપી દીધું હતું
અમેરિકાના પૂર્વ વિદેશમંત્રી અને જાણીતા ડિપ્લોમેટ હેનરી કિસિંજરનું 100 વર્ષે નિધન થયું છે.
હેનરી કિસિંજરની ઓળખ એક વિદ્વાન, રાજનીતિજ્ઞ અને દિગ્ગજ ડિપ્લોમેટની રહી છે. અમેરિકાની વિદેશનીતિમાં હેનરી કિસિંજરની અમિટ છાપ છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ રિચાર્ડ નિક્સન અને ગેરલ્ડ ફૉર્ડની સરકારમાં હેનરી કિસિંજરના હાથમાં વિદેશનીતિની કમાન હતી.
રાજનીતિમાંથી નિવૃત્ત થયા બાદ પણ કિસિંજર તેમના લેખનથી વૈશ્વિક રાજનીતિને પ્રભાવિત કરતા રહ્યા.
100 વર્ષના લાંબા જીવન પછી હેનરીએ 29 નવેમ્બરે તેમના ઘર કનેક્ટિકટમાં છેલ્લા શ્વાસ લીધા.
એક નિવેદનમાં કિસિંજર ઍસોસિએટ્સે જણાવ્યું કે, જર્મનીમાં જન્મેલા ભૂતપૂર્વ રાજદ્વારી હેનરી કિસિંજરનું કનેક્ટિકટમાં તેમના ઘરે અવસાન થયું છે.
તેમના દાયકાઓના લાંબા કરિયર દરમિયાન હેનરી કિસિંજરે અમેરિકાની વિદેશનીતિ અને સુરક્ષા નીતિમાં મહત્ત્વપૂર્ણ અને ઘણી વખત વિવાદિત ભૂમિકા પણ નિભાવી છે.
કિસિંજર ઍસોસિએટ્સ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં તેમના મૃત્યુનું કારણ જણાવવામાં આવ્યું નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજનીતિમાં આવતા પહેલાં અમેરિકાના સૈન્યમાં સેવાઓ આપી
હેનરી કિસિંજરનો જન્મ 1923માં જર્મનીમાં થયો હતો. જર્મનીમાં નાઝી યુગ દરમિયાન તેમનો પરિવાર 1938માં ભાગીને અમેરિકા પહોંચી ગયો હતો.
કિસિંજર 1943માં અમેરિકાના નાગરિક બની ગયા. તેના બાદ ત્રણ વર્ષ સુધી તેમણે અમેરિકાની સેનામાં સેવા આપી પછી તે કાઉન્ટર ઇન્ટેલિજેન્સ કોરમાં શામેલ થયા.
બૅચલર, માસ્ટર અને પીએચડી ડિગ્રી લીધા બાદ તેમણે હાવર્ડ યુનિવર્સિટીમાં ઇન્ટરનેશનલ રિલેશન્સનો અભ્યાસ કર્યો.
કિસિંજર જયારે અમેરિકા આવ્યા ત્યારે તેઓ કિશોરાવસ્થામાં હતા અને તેમને અંગ્રેજી ભાષા જરા પણ નહોતી આવડતી. પરંતુ તેમની બુદ્ધિમત્તા, ઇતિહાસ પર મજબૂત પકડ અને એક લેખકના રૂપમાં તેમની કલાના ઉપયોગથી હાર્વર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીથી શરૂ કરીને લઈને એમાં જ પ્રોફેસર બનવાની સફર ઝડપથી પૂરી કરી લીધી.
1969માં તત્કાલીન રાષ્ટ્રપતિ રિચાર્ડ નિક્સને તેમને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્ત કર્યા. આ હોદ્દાએ તેમને અમેરિકન વિદેશ નીતિ પર ઊંડો પ્રભાવ આપ્યો.
કિંસિંજર એકમાત્ર નેતા હતા જેમણે એક જ સમયે રાષ્ટ્રપતિના રાષ્ટ્રીય સુરક્ષા સલાકાર અને અમેરિકાના વિદેશમંત્રી તરીકે સેવાઓ આપી. અમેરિકાની વિદેશનીતિ પર તેમની એવી પકડ હતી જે અન્ય કોઈ વ્યક્તિની નથી રહી.
નિક્સનના પ્રશાસનમાં અને બાદમાં ગેરાલ્ડ ફોર્ડના પ્રશાસનમાં તેઓ સેક્રેટરી ઑફ સ્ટેટ હતા, ત્યારે હેનરી કિસિંજરે ચીન પર કેન્દ્રિત કૂટનીતિ પ્રયાસોનું નેતૃત્વ કર્યું હતું.
તેમણે ઇઝરાયેલ અને તેના પડોશીઓ વચ્ચે 1973ના યોમ કિપ્પુર યુદ્ધના અંતમાં વાટાઘાટો કરવામાં મદદ કરી. વિયેતનામ યુદ્ધને સમાપ્ત કરવા માટે પેરિસ શાંતિ સમજૂતીમાં પણ કિસિંજરે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
શાંતિ પુરસ્કાર વિજેતા હેનરી કિસિંજર
જોકે, કિસિંજરને માનવ અધિકારો પર સોવિયેત યુનિયન સાથે દુશ્મનાવટને પ્રાધાન્ય આપવાનો આરોપ મૂકનારાઓની તીવ્ર ટીકાનો પણ સામનો કરવો પડ્યો હતો.
તેમના પર ચિલીમાં ઑગસ્ટો પિનોશેના શાસન સહિત વિશ્વભરમાં દમનકારી શાસનને ટેકો આપવાનો પણ આરોપ હતો.
1973માં, હેનરી કિસિંજરને ઉત્તર વિયેતનામના લે ડ્યુક થો સાથે સંયુક્ત રીતે નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. જોકે, ડક થોએ પુરસ્કાર સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.
આ પુરસ્કારને લઈને વિવાદ પણ થયો હતો અને તેના બાદ નોબેલ પુરસ્કાર સમિતિના બે સદસ્યોએ રાજીનામુ આપ્યું હતું.
કિસિંજરે 1977માં સરકારી સેવા છોડી દીધી હતી, પરંતુ તે સાર્વજનિક મામલાઓમાં એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણીકાર બની રહ્યા. અમેરિકાના રાષ્ટ્રપતિ અને નીતિ નિર્માતા ઘણીવાર વિદેશનીતિની વિવિધ બાબતો પર તેમની સલાહ લેતા હતા.
તેઓ ઘણી કંપનીઓનાં બોર્ડનો ભાગ પણ રહ્યા અને તેઓ સુરક્ષા અને વિદેશનીતિ સંબંધિત વિવિધ ફોરમમાં ઘણીવાર ભાગ લેતા. આ ઉપરાંત તેમણે 21 પુસ્તકો પણ લખ્યાં.
કિંસિંજર મે મહિનામાં 100 વર્ષના થયા હતા. જીવનનાં છેલ્લા ચરણમાં પણ તે સક્રિય રહ્યા. આ વર્ષે જુલાઈમાં તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિંગપિંગને મળવા બેઇજિંગ પહોંચ્યા હતા.
તેમના પરિવારમાં તેમનાં પત્ની છે, જેની સાથે તેમણે પચાસ વર્ષનું લગ્નજીવન ગાળ્યું હતું. આ સિવાય તેમને તેમનાં અગાઉનાં લગ્નથી બે બાળકો અને પાંચ પૌત્રો છે.
ચીનમાં અમેરિકાના ભૂતપૂર્વ રાજદૂત અને વ્હાઇટ હાઉસ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલમાં કિસિંજરના ભૂતપૂર્વ વિશેષ સહાયક વિન્સ્ટન લોર્ડે કહ્યું છે કે, "દુનિયાએ શાંતિના અથાક યોદ્ધા ગુમાવ્યા છે."
રોઇટર્સ ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા, વિન્સ્ટન લોર્ડે કહ્યું, "અમેરિકાએ રાષ્ટ્રીય હિતોના એક મહાન ચૅમ્પિયન ગુમાવ્યા છે."
લોર્ડ કહે છે, "સાત દાયકાથી વધુ સમય દરમિયાન, તેમણે વિશ્વમાં અમેરિકાની ભૂમિકામાં પરિવર્તન લાવ્યું, બંધારણીય કટોકટી દરમિયાન રાષ્ટ્રને સાથે રાખ્યું, પુસ્તકો લખ્યા, વિશ્વ નેતાઓને સલાહ આપી અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંવાદને સમૃદ્ધ બનાવ્યો."