You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આણંદના યુવાને અમેરિકામાં નાના-નાની અને મામાની ગોળી મારીને હત્યા કેમ કરી?
અમેરિકામાં ભાણાએ પોતાના નાનાનાની અને મામાની ગોળી મારીને હત્યા કરી દીધી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. અમેરિકાના ન્યૂજર્સીના એક કૉન્ડોમાં રહેતા બ્રહ્મભટ્ટ પરિવારમાં આ ઘટના બની.
જ્યારે નાના પોતાના બેડરૂમમાં ઊંઘી ગયા હતા, ત્યારે ભાણાએ ત્યાં જઈને તેમને ગોળી મારી દીધી હતી. પોલીસે જાહેર કરેલી નોંધ અનુસાર આરોપી ભાણાની ધરપકડ કરી લેવામાં આવી છે.
પોતાના નાનાનાની અને મામાની હત્યાના આરોપમાં મૂળ આણંદના 23 વર્ષના ઓમ બ્રહ્મભટ્ટને અમેરિકાની પોલીસે કસ્ટડીમાં લીધો છે.
અમેરિકાના ન્યૂજર્સી કૉન્ડોમાં આ ઘટના બની. સમાચાર ઍજન્સી પીટીઆઈએ પોતાના રિપોર્ટમાં લખ્યું કે સોમવારે અંદાજે સવારે નવ વાગ્યે આ અંગે પાડોશીઓએ ફાયરિંગની ફરિયાદ કરી હતી.
મિડલસેક્સ કાઉન્ટી પ્રોસેક્યૂટરની ઑફિસે આ અંગે અખબારી યાદીમાં જણાવ્યું, "પાડોશીઓએ કરેલી ફરિયાદ બાદ પોલીસ ન્યૂજર્સીના સાઉથ પ્લેનફિલ્ડના કોપોલા ડ્રાઇવ ખાતે પહોંચી તો ત્રણ વ્યક્તિ પર ફાયરિંગથી થયેલી ઈજાનાં નિશાન સ્પષ્ટ જોઈ શકાતાં હતાં. જેમાં બે પુરુષ અને એક મહિલા હતાં."
"72 વર્ષના દિલીપકુમાર બ્રહ્મભટ્ટ (ઓમના નાના) 72 વર્ષનાં બિંદુબેન ભ્રહ્મભટ્ટ (ઓમનાં નાની)ને સ્થળ પર જ મૃત જાહેર કરાયાં. જ્યારે 38 વર્ષના યશ ભ્રહ્મભટ્ટ (ઓમના મામા)ના શરીર પર એક કરતાં વધારે ગોળીઓ વાગી હોવાનાં નિશાન હતાં. જેમને હૉસ્પિટલ ખસેડાયા, પણ તેમને ત્યાં મૃત જાહેર કરાયા."
પોલીસના જણાવ્યા મુજબ જ્યારે અધિકારપીઓ સાઉથ પ્લેનફિલ્ડમાં જ્યાં તેઓ રહેતા હતા ત્યાં પહોંચ્યા ત્યારે આરોપી ઓમ બ્રહ્મભટ્ટ સ્થળ પર જ મળી આવ્યા હતા.
જેમની વધુ પૂછપરછ માટે પોલીસે તેમને કસ્ટડીમાં લીધા છે. ઓમ પણ પરિવારના જે ત્રણ સભ્યોની હત્યા કરી તેમની સાથે જ રહેતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમેરિકામાં પોલીસે પૂછપરછ કરતા ઓમે શું કહ્યું?
સમગ્ર બાબતે સ્થાનિક અખબાર એનબીસી ન્યૂયૉર્કે પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે ઓમ થોડા સમય પહેલાં જ ન્યૂજર્સી આવ્યા હતા અને કોન્ડોમાં (નાના ફ્લેટમાં) રહેતા હતા.
પોલીસ ફરિયાદ મુજબ ઓમે હૅન્ડગનથી ફાયરિંગ કર્યું અને ઓમે પોલીસને જણાવ્યું કે એ હૅન્ડગનની તેણે ઓનલાઇન ખરીદી કરી હતી.
તો, અમેરિકાના જ અખબાર આઈવિટનેસ એબીસીએ આ અંગે લખ્યું "મંગળવારે જ્યારે ઓમને કોર્ટમાં રજૂ કરાયા ત્યારે તેઓ શાંત જણાતા હતા.
પોલીસે કહ્યું કે જ્યારે તેમને પૂછાયું કે 'આ કોણે કર્યું' તો તેમણે જવાબ આપ્યો 'કદાચ મેં' જોકે, હજીએ સ્પષ્ટ નથી થયું કે તેણે ફાયરિંગ કેમ કર્યું."
અમેરિકામાં રહેતા પાડોશીઓ શું બોલ્યા?
પાડોશી જીમ શોર્ટે સમાચાર સંસ્થા એનબીસી ન્યૂયોર્કને કહ્યું કે આ પહેલીવાર નથી કે કોન્ડોમાં પોલીસ બોલાવવી પડી હોય. "હું તેમને ખરેખર નથી જાણતી. હું માત્ર એક વાર જ એ જાણી શકી છું કે ઘરેલુ હિંસાના કારણે એક વાર ત્યાં પોલીસ આવી હતી." જીમ શોર્ટ જ્યાં આ ત્રણ લોકોની હત્યા કરાઈ તેના ઊપરના માળે રહે છે.
અન્ય એક પાડોશી વિક્ટર ઓરોઝ્કોએ જણાવ્યું "આવી ઘટના કોઈ પણ સ્થળે થઈ શકે છે, પણ એ અમારી નીચેના માળે થયું એ આઘાતજનક છે."
"આ કૉમ્પ્લેક્સમાં ભારતથી આવેલા ઘણા યુવાનો રહે છે. અને તેમાં ઘણી બધી જગ્યાએ સીસીટીવી કૅમેરા લગાવાયા છે. રસ્તા પર અને બ્રિજ પર પણ કૅમેરા છે."
પત્નીએ કરી ભાવુક ફેસબુક પૉસ્ટ
આ બાબતે મૃતક યશ બ્રહ્મભટ્ટનાં પત્ની નિક્કી ભ્રહ્મભટ્ટે ત્રણેયનાં મૃત્યુ અંગે ફેસબુક પર પોસ્ટ કરીને જાણકારી આપી.
તેમની ફેસબૂક પોસ્ટ પરથી જાણવા મળે છે કે યશ અને નિક્કીને એક ચાર વર્ષનો દીકરો પણ છે.
જેનું નામ આર્યન છે. યશની હત્યા બાદ તે પિતા વગરનો બની ગયો છે. નિક્કીએ ત્રણેયના ફોટો સાથે ફેસબુક પૉસ્ટમાં લખ્યું "હું ભારે હૃદયે આ આઘાતજનક દુખદ સમાચાર આપુ છું કે મારા પતિ અને અમારા ચાર વર્ષના પુત્ર આર્યનના પિતા યશ બ્રહ્મભટ્ટની સાથે મારા સસરા દિલીપકુમાર બ્રહ્મભટ્ટ અને સાસુ બિંદુ બ્રહ્મભટ્ટ હવે નથી રહ્યા. તેમની આત્મને શાંતિ મળે તેવી પ્રાર્થના."
તેમણે ફેસબુક પોસ્ટમાં આગળ લખ્યું "મહેરબાની કરીને અમારી ગોપનિયતાનું સન્માન કરો અને ભગવાનને પ્રાર્થના કરો કે આ હૃદયદ્રાવક ક્ષણને સહન કરવાની ભગવાન અમને શક્તિ આપે."
"પ્રાર્થના કરો કે મારા બાળકને સ્થસ્થ્ય રાખવાની અમને શક્તિ આપે જે તેના પિતાને અનહદ પ્રેમ કરતો હતો."