અમેરિકાનો શીખ અલગતાવાદીની હત્યાના કાવતરાનો ભારતીય નાગરિક પર આરોપ, ભારતના સરકારી કર્મચારી પર આક્ષેપ

અમેરિકાનું કહેવું છે કે તેણે ન્યૂયૉર્કમાં એક અમેરિકન નાગરિકની હત્યાના કથિત કાવતરાને નિષ્ફળ બનાવ્યું છે. આ વ્યક્તિએ અલગ શીખ રાજ્યની હિમાયત કરી હતી.

ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા પર બુધવારે આ આરોપ મૂકવામાં આવ્યો હતો.

આ આરોપ મુજબ તેમને ભારતના કોઈ સરકારી કર્મચારી દ્વારા નિર્દેશન કરવામાં આવ્યું હતું.

તેમના પર કાવતરા હેઠળ પૈસા લઈને હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ફરિયાદીઓ અનુસાર આ કાવતરું ભારતથી ઘડવામાં આવ્યું હતું.

જોકે, કોર્ટના દસ્તાવેજોમાં કથિત ટાર્ગેટનું નામ આપવામાં આવ્યું ન હતું.

ભારત સરકારે શું કહ્યું હતું?

ભારત સરકારે અગાઉ કહ્યું હતું કે તેમણે આ કાવતરાના સંબંધમાં અમેરિકા દ્વારા રજૂ કરવામાં આવેલી સુરક્ષા વિષયક ચિંતાઓની તપાસ શરૂ કરી છે.

આરોપ જાહેર કર્યાના થોડા સમય પછી, વ્હાઇટ હાઉસે કહ્યું છે કે તેમણે આ મુદ્દો ભારત સરકાર સાથે સૌથી ઉચ્ચતમ સ્તરે ઉઠાવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે ભારતીય અધિકારીઓએ આ મામલે ‘આશ્ચર્ય અને ચિંતા’ વ્યક્ત કર્યા હતા.

યુએસ એટર્ની ડૅમિયન વિલિયમ્સે જણાવ્યું હતું કે, "ન્યૂ યોર્ક શહેરમાં રહેતા ભારતીય મૂળના અમેરિકી નાગરિક કે જેમણે શીખો માટે અલગ દેશની સ્થાપનાની જાહેરમાં વકીલાત કરી હતી તેની હત્યાનું કાવતરું ભારતમાંથી ઘડાયું હતું."

"અમે અમેરિકાની ધરતી પર અમેરિકન નાગરિકોની હત્યાના પ્રયાસોને સહન કરીશું નહીં," તેમણે ઉમેર્યું હતું.

આરોપમાં નિખિલ ગુપ્તા વિશે બીજું શું કહેવાયું?

આરોપ મુજબ, નિખિલ ગુપ્તા આંતરરાષ્ટ્રીય સ્તરે માદક દ્રવ્યો અને હથિયારોની હેરફેરમાં સામેલ હતા. ત્યારબાદ મે મહિનામાં ભારત સરકારના અધિકારી દ્વારા એક ટાર્ગેટની હત્યા કરવા માટે તેમની કથિતપણે નિમણૂક કરવામાં આવી હતી.

અમેરિકાનો આરોપ છે કે નિખિલ ગુપ્તાને સંભવિત હત્યાની યોજના વિશે અમેરિકામાં એક સહયોગીનો સંપર્ક કરવા એક અધિકારી દ્વારા નિર્દેશિત કરવામાં આવ્યા હતા અને નિખિલ ગુપ્તાને ન્યૂ યૉર્ક શહેરમાં એક હિટમૅનને મળવાનું હતું જે ટાર્ગેટની હત્યા કરી શકે.

કોર્ટના દસ્તાવેજો પ્રમાણે, એ સ્ત્રોતે તેમનો અંડરકવર ઍન્ફોર્સમેન્ટ ઑફિસર સાથે પરિચય કરાવ્યો હતો જેણે કહ્યું હતું કે તે એક લાખ ડૉલર લઈને આ ટાર્ગેટની હત્યા કરશે.

ગુપ્તાએ 9 જૂનના રોજ એક સહયોગી મારફત 15,000 ડૉલરની અગાઉથી ચૂકવણી કરી હતી એવો પણ આરોપ છે.

ચેક રિપબ્લિકના અધિકારીઓએ 30 જૂનના રોજ ગુપ્તાની ધરપકડ કરી હતી. આ ધરપકડ અમેરિકાએ પ્રારંભિક આરોપો રજૂ કર્યા બાદ તરત જ કરવામાં આવી હતી. કોર્ટના દસ્તાવેજો અનુસાર તેમણે હજુ પણ અમેરિકાની વિનંતીથી જ તેની અટકાયત ચાલુ રાખી છે.

દસ્તાવેજોમાં કથિત હત્યાના કાવતરાના ટાર્ગેટનું નામ નથી પરંતુ અમેરિકન સત્તાવાળાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તે શીખ અલગતાવાદી જૂથમાં નેતા હતો.

શીખો એક ધાર્મિક લઘુમતી છે જે ભારતની વસ્તીના લગભગ બે ટકા છે. કેટલાંક જૂથોએ લાંબા સમયથી શીખો માટે અલગ વતન બનાવવાની હાકલ કરી છે.

અહીં ઉલ્લેખનીય છે કે ભારત સરકારે ઘણીવાર પશ્ચિમી દેશોમાં શીખ અલગતાવાદીઓ દ્વારા ખાલિસ્તાન અથવા અલગ દેશ માટેની માંગણીઓ પર તીવ્ર પ્રતિક્રિયા આપી છે.