વેનેઝુએલા-અમેરિકા તણાવમાં નવો વળાંક, અમેરિકાએ પકડેલાં જહાજ પર રશિયન ધ્વજ દેખાતા શું થયું?

અમેરિકા અને વેનેઝુએલા તણાવ વચ્ચે હવે અમેરિકાએ કહ્યું છે કે તેણે વેનેઝુએલાનાં બે ઑઇલ ટૅન્કર જપ્ત કર્યા છે.

આમાંથી એક ટૅન્કર (જેમાં તેલ નહોતું) ઉત્તર ઍટલાન્ટિક મહાસાગર (આઇસલૅન્ડ અને બ્રિટન વચ્ચે)માં જપ્ત કરવામાં આવ્યું હતું. મૅરીનેરા નામનાં આ જહાજ પર રશિયન ધ્વજ લહેરાતો હતો.

રશિયાના વિદેશ મંત્રાલયે માંગ કરી છે કે અમેરિકા "મૅરીનેરા જહાજ પર સવાર રશિયન નાગરિકો સાથે માનવીય અને ન્યાયી વર્તન સુનિશ્ચિત કરે."

બીબીસી મૉનિટરિંગ અનુસાર, મંત્રાલયે કહ્યું છે કે 'અમેરિકાએ રશિયામાં ટૅન્કરોના વહેલા પાછા ફરવામાં અવરોધ ન લાવવો જોઈએ.'

વેનેઝુએલાના દરિયાકાંઠે જહાજને અટકાવ્યા પછી અમેરિકાનું કોસ્ટ ગાર્ડ ઘણાં અઠવાડિયાથી તેનો પીછો કરી રહ્યું હતું. એવું કહેવાય છે કે આ સમય દરમિયાન ટૅન્કરે તેનું નામ બદલ્યું હતું અને રશિયન ધ્વજ લહેરાવી દીધો હતો.

એવા પણ અહેવાલો છે કે ટૅન્કરને બચાવવા માટે રશિયાથી સબમરીન સહિતની લશ્કરી સહાય આવી રહી હતી, પરંતુ એવું થાય એ પહેલાં જ ટૅન્કર જપ્ત કરી લેવામાં આવ્યું હતું.

બીજું ટૅન્કર, જે તેલ લઈને કેમરૂનના ધ્વજ હેઠળ જઈ રહ્યું હતું તેને કૅરેબિયન સમુદ્રમાં જપ્ત કરવામાં આવ્યું હતું.

હાલમાં, તેને સુરક્ષા કવચ હેઠળ અમેરિકાના એક બંદર તરફ લઈ જવામાં આવી રહ્યાં છે.

રશિયાએ શું કહ્યું?

રશિયાએ તેના ધ્વજ હેઠળ કાર્યરત ટૅન્કરને જપ્ત કરવાની સખત નિંદા કરી છે. રશિયન પરિવહન મંત્રાલયે કહ્યું કે તેણે જહાજ (મૅરિનેરા)ને રશિયન ધ્વજનો ઉપયોગ કરવાની અસ્થાયી પરવાનગી આપી હતી.

મંત્રાલયે એમ પણ કહ્યું કે કોઈપણ દેશને અન્ય દેશોના અધિકારક્ષેત્રમાં યોગ્ય રીતે રજિસ્ટર્ડ જહાજો સામે બળપ્રયોગ કરવાનો અધિકાર નથી.

બીબીસી મૉનિટરિંગના રશિયા ઍડિટર વિટાલી શેવચૅન્કોના જણાવ્યા અનુસાર, આ ઘટના અંગે રશિયાની ટિપ્પણીઓ જાણી જોઈને સંયમિત રહી હોય તેવું લાગે છે. જાણે કે અમેરિકા તેનાથી ગુસ્સે ન થાય અથવા તો એવી છાપ ન ઊભી થાય કે રશિયા આ રશિયન ધ્વજવાળા ટૅન્કરને બચાવવાનો ઇરાદો ધરાવે છે.

શેવચૅન્કોના જણાવ્યા મુજબ, "ગઈકાલે સત્તાવાર સમાચાર એજન્સી તાસે વિદેશ મંત્રાલયને ટાંકીને કહ્યું હતું કે તે 'અસામાન્ય પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે.' સમાચાર એજન્સી 'તાસે' ટૅન્કરને 'આપણું જહાજ' પણ કહ્યું. આશ્ચર્યજનક રીતે, આમાંથી કોઈ પણ નિવેદન વિદેશ મંત્રાલયના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પ્રસારિત કરવામાં આવ્યું ન હતું અથવા મંત્રાલયની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યું ન હતું."

શેવચૅન્કો કહે છે કે ટૅન્કર જપ્ત થયા પછી શરૂઆતમાં વાતાવરણ શાંત હતું, પરંતુ હવે થોડું બદલાઈ ગયું છે.

તેમના મતે, "રશિયન પરિવહન મંત્રાલય કહે છે કે ટૅન્કરને રશિયન ધ્વજ લહેરાવવા માટે ફક્ત 'કામચલાઉ પરવાનગી' હતી, અને કોઈપણ દેશને અન્ય દેશોનાં અધિકારક્ષેત્રમાં નોંધાયેલાં જહાજો સામે બળનો ઉપયોગ કરવાનો અધિકાર નથી."

રશિયન અધિકારીઓએ એવા અહેવાલો પર કોઈ ટિપ્પણી કરી નથી કે રશિયાએ ટૅન્કરને સુરક્ષિત રાખવા માટે સબમરીન મોકલી હતી કે નહીં. પરંતુ રૅબર નામની વેબસાઇટે દાવો કર્યો છે કે સબમરીન ટૅન્કર પાસે "24 કલાક મોડી" પહોંચી હતી.

બ્રિટને કરી મદદ

બ્રિટનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે તેમણે આજે ઉત્તર ઍટલાન્ટિકમાં રશિયન ધ્વજવાળા ટૅન્કરને જપ્ત કરવાના યુએસ પ્રયાસોને સમર્થન આપ્યું હતું. મંત્રાલયે જણાવ્યું હતું કે રૉયલ ઍરફૉર્સ (RAF) નાં વિમાનો પણ આ કાર્યવાહીમાં સામેલ હતાં.

બ્રિટિશ સંરક્ષણ સચિવ જૉન હિલીએ આ સંદર્ભમાં આ નિવેદન જાહેર કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, "આજે બ્રિટિશ સશસ્ત્રદળોએ રશિયા જતાં જહાજ બેલા 1 ને સફળતાપૂર્વક અટકાવવામાં અમેરિકાને મદદ કરીને તેમની કુશળતાનું પ્રદર્શન કર્યું છે. આ કાર્યવાહી પ્રતિબંધોનું ઉલ્લંઘન કરનારાઓ પર કડક કાર્યવાહી કરવાના વૈશ્વિક પ્રયાસોનો એક ભાગ હતો."

"આ જહાજ, જેનો ઇતિહાસ કુખ્યાત છે, તે પ્રતિબંધોથી બચવા માટેના રશિયન-ઈરાની ગઠબંધનનો ભાગ છે. તે મધ્ય પૂર્વથી યુક્રેન સુધી આતંકવાદ અને સંઘર્ષને પ્રોત્સાહન આપી રહ્યું છે. બ્રિટન તેની રાષ્ટ્રીય સુરક્ષા, તેની અર્થવ્યવસ્થા અને વૈશ્વિક સ્થિરતાને સુરક્ષિત રાખવા માટે ગુપ્ત નૌકાદળના કાફલાઓની ગતિવિધિઓ સામે તેની કાર્યવાહીને વધુ તીવ્ર બનાવશે."

'ટ્રમ્પની ભૂખ અકબંધ છે'

બીબીસીના ડિપ્લૉમેટિક બાબતોના સંવાદદાતા જૅમ્સ લૅન્ડેલ આ ઘટનાને કંઈક આ રીતે જુએ છે.

તેમના મત અનુસાર, આ દર્શાવે છે કે ડોનાલ્ડ ટ્રમ્પની એકપક્ષીય લશ્કરી કાર્યવાહી કરવાની ઇચ્છા હજુ પણ ઓછી થઈ નથી.

તેઓ કહે છે, "વેનેઝુએલા સામેના તેમના લશ્કરી આક્રમણથી આ વાત નિર્વિવાદપણે સાબિત થઈ ગઈ છે. એવું લાગે છે કે તે ટૅન્કરો સામે કાર્યવાહી કરીને આ સંદેશને મજબૂત બનાવવા માંગે છે."

"એવા ઘણા પ્રશ્નો છે જેના જવાબો આપણને ખબર નથી. જેમ કે, વહાણમાં શું સામાન હતો એ ખ્યાલ નથી. આ કાર્યવાહી દર્શાવે છે કે અમેરિકા એકલા કામ કરવાનું ભલે પસંદ કરતું હોય, પરંતુ તેને સાથીઓની જરૂર છે. અમેરિકા આવા ઑપરેશન્સ કરવા સક્ષમ છે કારણ કે તેની પાસે વિશ્વમાં મોટાં લશ્કરી હવાઈ મથકો છે જ્યાંથી તે આવા ઑપરેશન્સ કરી શકે છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન