અરવલ્લી પર્વતમાળા મામલે સુપ્રીમ કોર્ટે પોતાના જ નિર્ણય પર સ્ટે કેમ આપ્યો?

ઇમેજ સ્રોત, Getty Images
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ભલામણો બાદ અરવલ્લીની જે વ્યાખ્યાનો સ્વીકાર કર્યો હતો તેના પર રોક લગાવી દીધી છે.
અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યાને લઈને થયેલા વિવાદ બાદ સુપ્રીમ કોર્ટે સુઓમોટો લઈને સોમવારે તેના પર સુનાવણી કરી હતી.
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું, "અમે નિર્દેશ આપીએ છીએ કે સમિતિની ભલામણો અને ત્યાર બાદ સુપ્રીમ કોર્ટના નિષ્કર્ષો હાલ સ્થગિત રહેશે. આ મામલે હવે પછીની સુનાવણી 21મી જાન્યુઆરીએ થશે."
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા અરવલ્લીની પરિભાષા બદલવાના નિર્ણય બાદ આખા ઉત્તર ભારતમાં વિરોધપ્રદર્શનો થયાં હતાં.
જોકે, 'અરવલ્લી વિરાસત જન અભિયાન'નાં સંયોજક નીલમ આહલુવાલિયાએ બીબીસીને જણાવ્યું છે કે "સુપ્રીમ કોર્ટે નવી પરિભાષાના પ્રભાવ પર વિસ્તૃત સ્વતંત્ર અધ્યયનનો આદેશ આપ્યો છે. અરવલ્લી સંરક્ષણની માગને લઈને જનઆંદોલન યથાવત્ જ રહેશે."
અરવલ્લી પર્વતમાળા વિશ્વની સૌથી જૂની ભૂગર્ભીય સંરચનાઓમાંની એક છે, જે ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને રાજધાની દિલ્હી સુધી ફેલાયેલી છે.
કેન્દ્ર સરકારની ભલામણોને પગલે સુપ્રીમ કોર્ટે અરવલ્લીની જે વ્યાખ્યાનો સ્વીકાર કર્યો હતો તે અનુસાર, અરવલ્લીની આસપાસની જમીનમાં ઓછામાં ઓછી 100 મીટર (328 ફૂટ) ઊંચાઈ ધરાવતી જમીનના ભાગને જ અરવલ્લીની ટેકરીઓ માનવામાં આવશે.
બે કે તેથી વધુ ટેકરીઓ, જે 500 મીટરની ત્રિજ્યામાં આવેલી હોય, ઉપરાંત તેમની વચ્ચે જમીન પણ હોય ત્યારે તેમણે અરવલ્લી પર્વતમાળાનો ભાગ માનવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પર્યાવરણવિદો કહે છે, અરવલ્લીને ફક્ત ઊંચાઈના આધારે વ્યાખ્યાયિત કરવાથી 100 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતી, ઝાડીઓથી ઢંકાયેલી અને પર્યાવરણ માટે મહત્ત્વપૂર્ણ ટેકરીઓ પર ખાણકામ અને બાંધકામના કામ શરૂ થઈ જશે.
જોકે, કેન્દ્ર સરકારનું કહેવું છે કે નવી વ્યાખ્યાનો હેતુ નિયમોને મજબૂત બનાવવા અને એકરૂપતા લાવવાનો છે, સુરક્ષા ઘટાડવાનો નથી.
લોકો શા માટે વિરોધ કરી રહ્યા છે?

ઇમેજ સ્રોત, Getty Images
ફેબ્રુઆરી 2019માં લોકો આ પ્રાચીન ટેકરીઓને બચાવવા માટે રસ્તાઓ પર ઊતરી આવ્યા હતા, તેઓ માનતા હતા કે અરવલ્લી હરિયાણા સરકારના પંજાબ જમીન સંરક્ષણ અધિનિયમ, 1900 હેઠળ જોખમમાં છે.
પરંતુ ગયા અઠવાડિયે આ મુદ્દાને લઈને ગુરુગ્રામ અને ઉદયપુર સહિત ઘણાં શહેરોમાં શાંતિપૂર્ણ વિરોધપ્રદર્શન થયાં.
તેમાં સ્થાનિક લોકો ઉપરાંત, ખેડૂતો, પર્યાવરણ કાર્યકરો, તો ક્યાંક વકીલો અને રાજકીય પક્ષોએ પણ ભાગ લીધો હતો.
પીપલ ફૉર અરવલ્લીસ જૂથનાં સ્થાપક સભ્ય નીલમ આહલુવાલિયાએ બીબીસીને જણાવ્યું હતું કે, નવી વ્યાખ્યા અરવલ્લીઓની મહત્ત્વપૂર્ણ ભૂમિકાને નબળી પાડી શકે છે.
તેમણે કહ્યું કે ઉત્તર પશ્ચિમ ભારતમાં "રણને આગળ વધતું અટકાવવા, ભૂગર્ભજળ રિચાર્જ કરવા અને લોકોની આજીવિકા બચાવવા" માટે અરવલ્લી મહત્ત્વપૂર્ણ છે.
નિષ્ણાતો કહે છે કે, નાની ઝાડીઓથી ઢંકાયેલી આ ટેકરીઓ રણને આગળ વધતું અટકાવવા, ભૂગર્ભજળનું રિચાર્જિંગ અને સ્થાનિક લોકોને રોજગારી પૂરી પાડવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અરવલ્લીને બચાવવાના આંદોલનમાં સામેલ પર્યાવરણીય કાર્યકર્તા વિક્રાંત ટોંગડ કહે છે, "અરવલ્લીને ફક્ત તેની ઊંચાઈ દ્વારા જ નહીં, પરંતુ તેમના પર્યાવરણીય, ભૂસ્તરીય અને આબોહવા મહત્ત્વ દ્વારા પણ વ્યાખ્યાયિત કરવા જોઈએ"
તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે, પર્વતો અને પર્વતમાળાઓને તે કામથી ઓળખવામાં આવે છે જે તેમની હાજરી દ્વારા થતાં હોય, ના કે તે ટેકરીઓની ઊંચાઈનાં ધારાધોરણોથી.
તેઓ કહે છે, "ભૌગોલિક રીતે અરવલ્લી પર્વતમાળાનો ભાગ હોઈ અને પર્યાવરણીય સંરક્ષણ અથવા રણને આગળ વધતું અટકાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતો કોઈ પણ અરવલ્લીનો ભાગ તેની ઊંચાઈ ગમે તે હોય, તેને અરવલ્લી પર્વતમાળા ગણવી જોઈએ."
કાર્યકરો માગ કરી રહ્યા છે કે સરકાર અરવલ્લી પ્રદેશને તેના ભૂગોળ, પર્યાવરણ, વન્ય જીવો સાથેના જોડાણ અને જળવાયુ સંઘર્ષ ક્ષમતા સામેલ હોય તેવા વૈજ્ઞાનિક પરિમાણોના આધારે વ્યાખ્યાયિત કરે.
ટોંગડે ચેતવણી આપી છે કે કોર્ટની નવી વ્યાખ્યા ખાણકામ, બાંધકામ અને વ્યાપારી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપી શકે છે, જેમાં ઇકૉસિસ્ટમને નુકસાન થવાનું જોખમ રહેલું છે.
વિરોધ પક્ષોએ પણ આ મુદ્દે સક્રિય રહ્યા છે, અને દલીલ કરી છે કે નવી વ્યાખ્યા પર્યાવરણ અને ઇકૉલૉજીને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.
સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે કહ્યું કે અરવલ્લી પર્વતમાળાનું રક્ષણ 'દિલ્હીના અસ્તિત્વને બચાવવાથી અલગ કરી શકાય નથી.'
રાજસ્થાન કૉંગ્રેસના નેતા ટીકા રામ જુલ્લીએ અરવલ્લીને રાજ્યની 'જીવનરેખા' ગણાવી અને કહ્યું કે જો તે ત્યાં ન હોત, તો 'દિલ્હી સુધીનો આખો વિસ્તાર રણ બની ગયો હોત.'
સરકાર શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
ગયા અઠવાડિયે, કેન્દ્ર સરકારે આ બાબતે એક નિવેદન જાહેર કર્યું હતું. નવી વ્યાખ્યાનો હેતુ નિયમોને મજબૂત બનાવવા અને એકરૂપતા લાવવાનો છે.
તે નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, બધાં રાજ્યોમાં સમાન રીતે ખાણકામનું નિયમન કરવા માટે સ્પષ્ટ અને ઉદ્દેશ્યપૂર્ણ વ્યાખ્યા જરૂરી હતી.
તેમાં ઉમેર્યું હતું કે, નવી વ્યાખ્યામાં સમગ્ર પર્વતમાળાનો સમાવેશ થાય છે, જેમાં ઢોળાવો, આસપાસની જમીનો અને વચ્ચેના વિસ્તારોનો સમાવેશ થાય છે, જેથી પર્વતીય સમૂહો અને તેમના આંતરજોડાણોનું રક્ષણ થઈ શકે.
કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે કહ્યું કે એવું માનવું ખોટું છે કે 100 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતી દરેક જમીન પર ખાણકામની મંજૂરી આપવામાં આવશે.
સરકારનું કહેવું છે કે અરવલ્લીની ટેકરીઓ કે પર્વતમાળામાં કોઈ નવી ખાણકામ લીઝ આપવામાં આવશે નહીં અને જૂની લીઝ ફક્ત ત્યારે જ ચાલુ રાખી શકાય છે જો તે ટકાઉ ખાણકામના નિયમોનું પાલન કરે.
મંત્રાલયે તે પણ સ્પષ્ટ કર્યું હતું કે સંરક્ષિત જંગલો, ઇકૉ-સેન્સિટિવ ઝોન અને વૅટલૅન્ડ્સ જેવા વિસ્તારોમાં ખાણકામ પર સંપૂર્ણ પ્રતિબંધ છે.
જોકે, કાયદા દ્વારા માન્ય ચોક્કસ ખાસ, વ્યૂહાત્મક અને અણુ ખનિજો માટે અપવાદો હોઈ શકે છે.
પર્યાવરણમંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે 1,47,000 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલી અરવલ્લી પર્વતમાળાના માત્ર 2% ભાગનો ઉપયોગ ખાણકામ માટે થઈ શકે છે, અને તે પણ વિગતવાર અભ્યાસ અને સત્તાવાર મંજૂરી પછી.
જોકે,વિરોધ કરી રહેલા લોકોએ કહ્યું છે કે પ્રદર્શનો ચાલુ રહેશે અને તેઓ કોર્ટની નવી વ્યાખ્યાને પડકારવા માટે કાનૂની વિકલ્પો પણ શોધી રહ્યા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













