ચંદ્રયાન-3: વિક્રમ લૅન્ડરે ફરી વાર ચંદ્ર પર સૉફ્ટ લૅન્ડિંગ કેમ કર્યું?

ઇમેજ સ્રોત, ISRO
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન એટલે કે ઇસરોએ ચંદ્રયાન-3 મિશનમાં ચંદ્રની સપાટી પર ઊતરનારું વિક્રમ લૅન્ડર પણ સ્લીપ મોડમાં ચાલ્યું ગયું છે.
ઇસરોએ સોમવારે બપોરે એક ટ્વીટ કરીને આ માહિતી આપી છે.
આ ટ્વીટમાં ઇસરોએ લખ્યું, "વિક્રમ લૅન્ડર આજે ભારતીય સમયાનુસાર સવારે લગભગ આઠ વાગ્યે સ્લીપ મોડમાં ચાલ્યું ગયું."
ઇસરો અનુસાર, "અગાઉ ચેસ્ટ, રંભા-એલપી અને આઈએલએસએ પેલોડ નવા સ્થાન પર 'ઈન-સીટુ એક્સપરિમેન્ટ' કર્યા. એકઠા કરેલા આંકડાને પૃથ્વી પર રિસીવ કરાયા છે."
ટ્વીટમાં કહેવાયું કે "આ પેલોડને હવે બંધ કરી દેવાયું છે. લૅન્ડરના રિસીવરોને ચાલુ રાખવામાં આવ્યાં છે."
ઇસરોએ કહ્યું કે "સૌર ઊર્જા અને બૅટરી ખતમ થઈ જતા વિક્રમ પ્રજ્ઞાનની પાસે સૂઈ જશે. 22 સપ્ટેમ્બર 2023ની આસપાસ તેના જાગવાની આશા છે."

વિક્રમ લૅન્ડરનું ફરી સૉફ્ટ લૅન્ડિંગ

ઇમેજ સ્રોત, ISRO
અગાઉ ઇસરોએ સોમવારે કહ્યું હતું કે ચંદ્રયાન-3ના વિક્રમ લૅન્ડરે ચંદ્રની સપાટી પર ફરીથી સૉફ્ટ લૅન્ડિંગ કર્યું છે.
ઇસરો અનુસાર, વિક્રમ લૅન્ડરે પોતાનાં લક્ષ્યો હાંસલ કરી લીધાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'હૉપ પ્રયોગ (ઊછળવાનો પ્રયોગ)' હેઠળ ઇસરોએ વિક્રમ લૅન્ડરનું એન્જિન શરૂ કર્યું અને અંદાજે 40 સેન્ટીમીટર સુધી ઉઠાવ્યું અને ફરી 30-40 સેન્ટીમીટર દૂર ફરી લૅન્ડિંગ કરાવાયું.
ઇસરોએ કહ્યું કે આ કિક સ્ટાર્ટ ભવિષ્યમાં માનવમિશન અને વાપસી માટે મહત્ત્વનું છે.

પ્રજ્ઞાન રોવર સ્લીપ મોડમાં જઈ ચૂક્યું છે

ઇમેજ સ્રોત, ISRO
શનિવારે પ્રજ્ઞાન રોવરને પણ એક જગ્યાએ સુરક્ષિત રાખીને સ્લીપ મોડમાં નાખી દીધું હતું.
ઇસરો અનુસાર, "એપીએક્સએસ અને એલઆઈબીએસ પેલોડ બંધ કરી દીધું છે. આ પેલોડથી ડેટા લૅન્ડરના માધ્યમથી પૃથ્વી સુધી મોકલાયા છે. હાલમાં બૅટરી પૂરી ચાર્જ છે."
ઇસરોએ એ પણ કહ્યું કે 22 સપ્ટેમ્બરે જ્યારે સૂર્યોદય થશે ત્યારે આ પેલોડમાં લાગેલા સોલર પૅનલને પ્રકાશ મળશે. રિસીવરને ઑન રખાયું છે.
લૅન્ડર અને રોવર બંને સૌર ઊર્જા પર આધારિત છે. બંને પોતાનું કામ કરવા માટે સૂર્યપ્રકાશને ઊર્જામાં તબદીલ કરે છે.
આવું આગામી 14 દિવસ સુધી શક્ય છે, કારણ કે 14 દિવસની અંદર ચંદ્રનો આ ભાગ અંધારામાં ગરકાવ થઈ જશે.
કારણ કે ચંદ્રનો એક દિવસ પૃથ્વીના 14 દિવસ જેટલો લાંબો હોય છે. ચંદ્ર પર ગત 23 ઑગસ્ટના સૂર્યોદય થયો હતો જે પાંચ-છ સપ્ટેમ્બર સુધી આથમી જશે.

પ્રજ્ઞાન રોવરની સદી

ઇમેજ સ્રોત, ISRO
ઈસરોએ 2 સપ્ટેમ્બર, 2023ના રોજ ટ્વીટ કરીને જાહેર કર્યું હતું કે પ્રજ્ઞાન રોવરે ચંદ્ર પર 100 મીટરનું અંતર કાપ્યું છે.
આ 100 મીટરની મુસાફરી દરમિયાન પ્રજ્ઞાને ઘણાં મહત્ત્વપૂર્ણ અવલોકનો નોંધ્યાં છે.
ઇસરોએ એક ફોટો પોસ્ટ કર્યો છે જે દર્શાવે છે કે વિક્રમ લૅન્ડર 'શિવશક્તિ પૉઇન્ટ' પર ઊતર્યા બાદ આસપાસના પ્રદેશોમાં ક્યાં મુસાફરી કરી છે.
તે પહેલાં વિક્રમ લૅન્ડર પર કૅમેરા દ્વારા કેપ્ચર કરવામાં આવેલા વીડિયો ઇસરો દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો. તેમાં પ્રજ્ઞાન સુરક્ષિત માર્ગ તરફ વળ્યાનું દૃશ્ય કેદ થયું હતું.

શું વિક્રમ લૅન્ડરે ચંદ્ર પર 'ભૂકંપ' નોંધ્યો?

ઇમેજ સ્રોત, ISRO
વિક્રમ લૅન્ડર પર સવાર સાધન ઇન્સ્ટ્રુમેન્ટ ફૉર લુનાર સેઇસમિક એક્ટિવિટી (ઇલસા) સાધન ભૂકંપ નોંધી શકે છે.
આ સાધને પ્રજ્ઞાન રોવર અને બીજાં સાધનોની હલનચલન નોંધી છે. પરંતુ આ સાધને 26 ઑગસ્ટ, 2023ના રોજ સ્પંદનો રેકૉર્ડ કર્યાં હતાં, જે કુદરતી હોવાની શક્યતા છે.
વિક્રમ લૅન્ડર પર રંભા (રેડિયો ઍનાટોમી ઑફ મૂન બાઉન્ડ હાઇપરસેન્સિટિવ આયોનોસ્ફિયર ઍન્ડ એટમોસ્ફિયર - લેંગમુઇર પ્રોબ) ઇન્સ્ટ્રુમેન્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પ્રદેશમાં નજીકની સપાટીના પ્લાઝ્માનું અવલોકન કર્યું હતું.
પ્રારંભિક ગણતરીઓ અનુસાર, ચંદ્રના આ ભાગમાં પ્લાઝ્માનું પ્રમાણ છૂટુંછવાયું છે. આ અવલોકન ભવિષ્યના ચંદ્ર મિશન માટે પણ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે પ્લાઝ્મા ઉપગ્રહ સાથેના રેડિયો સંચારમાં દખલ કરી શકે છે.

પ્રજ્ઞાન રોવરને ચંદ્ર પર કયા પદાર્થો મળ્યા?

ઇમેજ સ્રોત, ISRO
ચંદ્રયાન-3 મિશને ચંદ્રના દક્ષિણ ધ્રુવ ક્ષેત્રમાં સલ્ફરના અસ્તિત્વનો પ્રથમ સીધો પુરાવો આપ્યો છે.
પ્રજ્ઞાન રોવરે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સલ્ફર અને ઓક્સિજન જેવાં તત્ત્વો નોંધ્યાં છે.
ઇસરોએ 29 ઑગસ્ટ, 2023ના રોજ માહિતી આપી, "પ્રારંભિક અવલોકનોમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઍલ્યુમિનિયમ, સલ્ફર, કૅલ્શિયમ, આયર્ન, ક્રૉમિયમ, ટાઇટેનિયમ, મેંગેનીઝ, સિલિકોન અને ઓક્સિજન મળ્યાં છે."
અહીં હાઇડ્રોજનની ઉપલબ્ધતાની ચકાસણી કરવામાં આવી રહી છે.
આ અવલોકન પ્રજ્ઞાન રોવર પર લેસર ઇન્ડુસડ બ્રેકડાઉન સ્પેક્ટ્રોસ્કોપી (LIBS) સાધન દ્વારા રેકૉર્ડ કરવામાં આવ્યું હતું.
આ ઉપકરણ લૅસર વડે સપાટી પર પ્રતિબિંબિત પ્રકાશથી વર્ણપટની તપાસ કરે છે અને તેના પરથી અંદાજ લગાવવામાં આવે છે કે તે ગ્રહ પર કયાં ખનીજો છે.

ચંદ્રયાન-3 મિશનનો ઉદ્દેશ

ઇમેજ સ્રોત, ISRO
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ચંદ્રયાન-2 નિષ્ફળ રહ્યા બાદ ચંદ્રયાન-3 મિશન 14 જુલાઈના રોજ લૉન્ચ કરવામાં આવ્યું હતું. 5 ઑગસ્ટના રોજ ચંદ્રયાન-3એ ચંદ્રમાની કક્ષામાં પ્રવેશ કર્યો હતો.
ચંદ્રયાન-3માં એક લૅન્ડર, એક રૉવર અને એક પ્રૉપલ્શન મૉડ્યુલ લાગેલાં છે. જેનું કુલ વજન 3,900 કિલોગ્રામ છે.
ચંદ્રયાન-3 ભારતના ચંદ્ર-અભિયાનનું ત્રીજું અવકાશયાન છે. 17 ઑગસ્ટના રોજ બંને મૉડ્યૂલ રૉવર અને લૅન્ડર સ્પેસક્રાફ્ટથી અલગ થયાં હતાં.
ઉલ્લેખનીય છે કે રશિયાનું ચંદ્ર-અભિયાન 'લૂના-25' નિષ્ફળ ગયા બાદ ચંદ્રયાન-3 અભિયાન પર વિશ્વ આખું મીટ માંડીને બેઠું હતું.
ચંદ્રયાન-3 મિશનનું બજેટ રૂ. 615 કરોડનું હોવાનું કહેવાય છે. ઇસરોના જણાવ્યા મુજબ, ચંદ્રયાન-3 મિશનના મુખ્ય ત્રણ ઉદ્દેશ છે. (1) ચંદ્ર પર સફળ ઉતરાણ (2) ચંદ્રની સપાટી પર સંચાર કરી શકવાની રોવરની ક્ષમતાનું પ્રદર્શન (3) વૈજ્ઞાનિક અવલોકનની નોંધ.
રશિયાનું ચંદ્ર-અભિયાન 'લૂના-25' નિષ્ફળ રહેતાં ચંદ્રયાદન-3ને લઈને વિશ્વની ઉત્સુકતા વધી હતી. ચંદ્રયાન-3 ભારત માટે જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે પણ વિજ્ઞાન માટે મહત્ત્વપૂર્ણ છે.
આ મિશનમાં લૅન્ડરને ચંદ્રની સપાટી પર એવી જગ્યાએ ઉતારવામાં આવ્યું છે, જ્યાં પહેલાં કોઈ પહોંચ્યું નથી.














