ભરૂચનું એ ગામ જ્યાં મુસ્લિમ યુવાનોનાં મોત થયાં તો શોકમાં હિંદુઓએ નવરાત્રીની ઉજવણી ન કરી

સુડી ગામ
ઇમેજ કૅપ્શન, અકસ્માતમાં મૃત્યુ પામેલા ચાર યુવકો

સમગ્ર ગુજરાતમાં નવરાત્રીની ઉત્સાહપૂર્વક ઉજવણી વચ્ચે મુસ્લિમોની ઍન્ટ્રી બાબતે અનેક વિવાદાસ્પદ નિવેદનો અને માગણીઓ પણ થઈ હતી. જેમકે મુસ્લિમોને ગરબામાં ઍન્ટ્રી ન આપવી જોઈએ એવી માગ કેટલાંક હિંદુ સંગઠનોએ કરી હતી.

વિશ્વ હિંદુ પરિષદે તો સરકારે આ બાબતે પગલાં લેવા જોઈએ એવી માગ પણ કરી હતી પરંતુ આ કહાણી ભરૂચના સુડી ગામની છે જ્યાં નવરાત્રી ન ઉજવાઈ, તે પણ ગામમાં રહેતા હિંદુઓ અને મુસ્લિમો વચ્ચેના ભાઈચારાને કારણે.

એક રીતે નવરાત્રિની ઉજવણી નહીં કરીને ભરૂચના સુડી ગામે કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું.

ભરૂચ જિલ્લાના સુડીના આવા નિર્ણય માટે જવાબદાર છે એક અકસ્માત. 15 ઑક્ટોબરે નવરાત્રી શરૂ થાય તેના ત્રણ દિવસ પહેલાં 12 ઑક્ટોબરે ભરૂચના દયાદરા અને કેલોદ ગામ વચ્ચે કાર અને ટ્રક અથડાઈ ગયા હતા. અકસ્માતમાં સુડી ગામના ચાર યુવાનોનાં મૃત્યુ થયાં હતાં.

ગામના જ રહેવાસી મુસ્તકીમ મોહ્યુદ્દીન દીવાન, સાકીર યૂસુફ પટેલ, ઓસામા મુસા પટેલ અને મહોમ્મદ મકસુદ પટેલનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. જીવ ગુમાવનાર ચારેય યુવકો સુડી ગામના વતની હતા.

આ ચાર મૃતક યુવાનો પૈકા એક વિવાહિત અને બાકીના ત્રણ કુંવારા હતા. મૃતક ત્રણ યુવકો તો પરિવારના એકના એક પુત્ર હતા. આ દુર્ઘટના પછી તેમના પરિવારજનોના માથે આભ તૂટી પડ્યું હતું. જ્યારે આ યુવકોની અંતિમવિધિ હતી ત્યારે મૃતકોના પરિવારજનોના આક્રંદને જોઈને ગામલોકો પણ વ્યથિત થઈ ગયા હતા.

નવરાત્રી નહીં ઉજવવાનો નિર્ણય

સુડી ગામ
ઇમેજ કૅપ્શન, રાધકૃષ્ણ મંદિર ચોકમાં સુડી ગામના લોકો નવરાત્રીનું આયોજન કરતા હોય છે

સુડી ગામમાં આશરે 1,500 લોકો રહે છે. ગામમાં હિંદુ બહુમતિ છે પણ ગામલોકોની કોમી ભાવનાની મિસાલની પરંપરા દાખલારૂપ છે. 13 ઑક્ટોબરે ચાર મુસ્લિમ યુવકોની દફનવિધિ સમયે ગામના હિંદુઓ અને મુસ્લિમ બંને સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

દુર્ઘટનાથી માત્ર મૃતકોના પરિવારજનો જ નહીં પણ આખું ગામ શોક અનુભવતું હતું અને આથી ગામલોકોએ નવરાત્રિ પર્વ શરૂ થાય તે પહેલાં જ નક્કી કર્યુ કે આ વર્ષે નવરાત્રિની ઉજવણી નહીં કરીને તેઓ મુસ્લિમ પરિવારોના દુ:ખમાં સહભાગી બનશે.

સુડી ગામના હિન્દુ સમાજના યુવાધન અને મહિલાઓએ પણ આ નિર્ણયને આવકાર્યો હતો. તો હિન્દુ સમુદાયના સુડી ગામના આગેવાનોના નવરાત્રી પર્વને રદ કરવાના નિર્ણયથી મુસ્લિમ સમુદાયને પણ ભાવુક કરી દીધો હતો.

સુડી ગામમાં રહેતા અને અકસ્માતમાં પુત્રને ગુમાવનાર રહેમાન પટેલ જણાવે છે કે ગુરૂવારે રાત્રે બનેલા અકસ્માતમાં મારા પુત્ર સહિત અમારા ફળિયામાં રહેતા અન્ય ત્રણ યુવકોનાં મોત થયાં હતાં. તે પછી રાત્રે તેમના પોસ્ટમોર્ટમની કાર્યવાહી પછી સવારે નવ વાગ્યે દફનવિધિ રખાઈ હતી. તેના બે દિવસ પછી નવરાત્રી હતી તો ગામના હિન્દુ યુવાનો છે તેમણે અમારા કહ્યા વિના જ મિટિંગ કરી એમ કહ્યું કે આ વર્ષે નવરાત્રીની ઉજવણી નહીં કરીએ. આપણાં ગામમાં શોકનો માહોલ છે તો એને લઈને આપણે નવરાત્રીની ઉજવણી કરવી નથી.

હિંદુઓ શોકમાં સામેલ

સુડી ગામ
ઇમેજ કૅપ્શન, મુસ્લિમ સમુદાયના પરિવારોને સાંત્વના આપવા પહોંચેલા હિંદુ સમુદાયના લોકો
વીડિયો કૅપ્શન, ભરૂચમાં 4 મુસ્લિમોનાં મોત થયાં, તો આખા ગામે શોકમાં નવરાત્રીની 9 દિવસની ઉજવણી ના કરી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સુડી ગામમાં રહેતા હેમંતસિંહ યાદવ કહ્યું, “નવરાત્રી આપણે દર વર્ષે ઉજવીએ છીએ પણ આ વર્ષે ચાર મુસ્લિમ યુવકોના અકસ્માતમાં મોત થયાં છે ત્યારે માત્ર સુડી ગામ જ નહીં આસપાસના ગામના હિંદુ સમાજના આગેવાનો ભેગા થયા અને ચર્ચા કરી નક્કી કર્યુ કે આ વખતે ગામના શોકના માહોલને જોતા નવરાત્રીની ઉજવણી નહીં કરીએ.”

ગામલોકોએ કરેલા આ નિર્ણયથી મુસ્લિમ સમાજના લોકો પણ ભાવુક થઈ ગયા. સુડી ગામમાં રહેતા મુસ્લિમ સમુદાયના ઇસ્માઇલ પટેલે જણાવ્યું, “હિંદુભાઈઓએ જે નવરાત્રિનો કાર્યક્રમ મોકૂફ રાખી શોક પ્રગટ કરેલો કે અમારા મુસ્લિમ યુવાનો જે મૃત્યુ પામ્યાં છે તેના શોકરૂપે અમે નવરાત્રિ નહીં ઉજવીએ. તેમના આ નિર્ણયથી તેમણે હિંદુ મુસ્લિમ એકતાને જીવંત રાખી છે.”

તો ગામના જ એક સ્થાનિક રાજેન્દ્રસિંહ યાદવે કહ્યું, “જે કંઈ ધાર્મિક કાર્યક્રમો અમે કરતા હોઈએ છીએ જેમાં સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરી ઉત્સાહ દર્શાવાતો હોય છે તે તમામ કાર્યક્રમો અમે મોકૂફ રાખ્યા અને આ રીતે અમે અમારો શોક પ્રગટ કરી મુસ્લિમ સમુદાયના શોકમાં સહભાગી બન્યા હતા.”

નવરાત્રી પર્વની ઉજવણી નહીં કરવાનું નક્કી કરાયા પછી સુડી ગામના રાધાકૃષ્ણ મંદિર ચોકમાં અંબેમાની આરાધના માટે ગામના દરેક હિન્દુ પરિવારના લોકો ઉપસ્થિત રહેતા હતા. જોકે આ વર્ષે રાધાકૃષ્ણ મંદિરનો ચોક તાળીઓના તાલ વગર સૂમસામ ભાસી રહ્યો હતો. સુડી ગામના ઇતિહાસમાં પ્રથમ વખત નવરાત્રિની ઉજવણી નહોતી કરાઈ.

મુસ્લિમ પરિવાર ઉપર આવેલી આફતની દુઃખની ઘડીમાં ગામના હિન્દુ સમાજ પણ સહભાગી બનતા મુસ્લિમ પરિવારોમાં ગમગીન પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે હિંમત મળી હતી.