ગુજરાતમાં ઉનાળામાં થશે ચોમાસા જેવો માહોલ, કયા જિલ્લાઓમાં પડશે વરસાદ?

ગુજરાત હવામાન

ઇમેજ સ્રોત, Getty Images

એક તરફ ભારતનાં ઘણાં રાજ્યોમાં વરસાદી માહોલ શરૂ થઈ ગયો છે, ત્યારે ગુજરાતના અનેક વિસ્તારો ભારે ગરમીનો સામનો કરી રહ્યા છે.

રાજ્યના ઘણા વિસ્તારોમાં તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે અને આ પહેલાં તાપમાનનો પારો 42 ડિગ્રી સેલ્સિયસ સુધી ગયો હતો.

જોકે, આ તમામની વચ્ચે હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. જેના લીધે ભારે ગરમીની વચ્ચે રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામે તેવી શક્યતા દેખાઈ રહી છે.

ભારત પર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ આવી રહી છે. તેની અસર ગુજરાતમાં પણ થાય તેવી શક્યતા છે. ગુજરાતના 10થી વધારે જિલ્લાઓમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે.

ગુજરાતમાં કેટલા દિવસ કયા જિલ્લામાં પડશે વરસાદ?

 હવામાન

ઇમેજ સ્રોત, IMD

સમગ્ર દેશમાં વિવિધ સિસ્ટમો બનવાને કારણે ઉનાળામાં જ ચોમાસા જેવો માહોલ જામશે અને મોટા ભાગનાં રાજ્યોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે રાજ્યમાં 13 એપ્રિલથી વરસાદ શરૂ થવાની શક્યતા છે અને 12 એપ્રિલથી જ કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાય તેવી શક્યતા છે.

સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં 15 એપ્રિલ સુધી હવામાન પલટાયેલું રહેશે અને કેટલાક વિસ્તારોમાં હળવો અને છુટોછવાયો વરસાદ પડે તેવી સંભાવના છે.

વીડિયો કૅપ્શન,

જ્યારે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત તથા પૂર્વ અને મધ્ય ગુજરાતમાં 17 એપ્રિલ સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ રહે તેવી સંભાવના દેખાઈ રહી છે.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ આપેલી માહિતી પ્રમાણે 13 એપ્રિલે કચ્છ, ગીર-સોમનાથ, ભરૂચ, સુરત, નવસારી તથા વલસાડમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

14 એપ્રિલના રોજ કચ્છ, ગીર-સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

15થી 17 તારીખ સુધી પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે.

ક્યાં આંધી તો ક્યાં પડશે કરા?

 હવામાન

ઇમેજ સ્રોત, IMD

11થી 15 એપ્રિલ સુધી ગુજરાતમાં હળવા વરસાદની આગાહી સાથે ભારતનાં કેટલાંક રાજ્યોમાં વરસાદ થવાની શક્યતા છે.

હવામાન વિભાગે જે માહિતી આપી તે પ્રમાણે પંજાબ, પશ્ચિમ રાજસ્થાન. હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ તથા મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ અને કેટલાક વિસ્તારોમાં કરા પડવાની શક્યતા છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે ભારતના ઘણા વિસ્તારોમાં 30થી 55 કિમીની ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે.

ઉપરાંત રાજસ્થાનમાં 13થી 14 એપ્રિલની વચ્ચે ધૂળ ભરી આંધી આવે તેવી પણ આગાહી કરવામાં આવી છે. એપ્રિલથી મે મહિનાના ગાળામાં ઉત્તર ભારત અને રાજસ્થાનનામાં ધૂળ ભરી આંધીની સિઝન શરૂ થતી હોય છે.

આવા સમયે પવનની ઝડપ 50થી 60 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી જતી હોય છે. પવનની વધારે ગતિને કારણે ઘણી વખત નુકસાન થવાનો ભય પણ રહે છે.

રાજ્યમાં હજી કેટલા દિવસ ભારે ગરમી પડશે?

 હવામાન

ઇમેજ સ્રોત, IMD

ગુજરાતમાં સહિત દેશના બીજા વિસ્તારો પણ ઉનાળાની ભારે ગરમીનો સામનો કરી રહ્યા છે અને હજી આવનારા દિવસોમાં પણ આ ગરમી ચાલુ રહેવાની શક્યતા છે.

હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતમાં 11 એપ્રિલના રોજ હિટ વેવની આગાહી કરવામાં આવી છે, પરંતુ 13 તારીખ સુધી સખત ગરમી ચાલુ રહે તેવી શક્યતા છે.

ઘણા વિસ્તારોમાં અરબી સમુદ્ર પરથી આવતા પવનો ભેજ લાવતા હોવાથી દિવસ દરમિયાન બફારાનો અનુભવ થશે, જ્યારે કેટલાક વિસ્તારોમાં રાત પણ ગરમ રહે તેવી શક્યતા છે.

જોકે, 13 એપ્રિલના રોજ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેથી 14 એપ્રિલ બાદથી ગરમીમાં થોડી રાહત મળે તેવી સંભાવના છે.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)