અમદાવાદ પ્લેન ક્રૅશ : ડૉક્ટર, પત્ની અને ત્રણ માસૂમ બાળકોનાં મોત, કોણ છે આ પરિવાર?

રેડિયોલૉજિસ્ટ પ્રતીક જોશી તથા પરિવારનું મૃત્યુ, ઍર ઇન્ડિયાની અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ એઆઈ 171 દુર્ઘટના, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, SUPPLIED

ઇમેજ કૅપ્શન, ડર્બી હિન્દુ મંદિર અનુસાર, ડૉ. પ્રતીક જોશી, તેમનાં પત્ની કોમી, દીકરી તથા જોડિયા દીકરાનું પ્લેન દુર્ઘટનામાં મોત થયું છે

ગુરુવારે અમદાવાદથી ગૅટવિક જતી ફ્લાઇટ દુર્ઘટનાગ્રસ્ત થવાથી 241 મુસાફરોનાં મૃત્યુ થયાં.

આ અકસ્માતને કારણે અનેક જિંદગીઓ રોળાઈ ગઈ, તો અનેક પરિવાર વિખેરાઈ ગયા. આવો જ એક જોશી પરિવાર છે.

અકસ્માતમાં રેડિયોલૉજિસ્ટ ડૉ. પ્રતીક જોશી, તેમનાં પત્ની કોમી, દીકરી તથા જોડિયા દીકરાનો પણ સમાવેશ થાય છે.

લંડનની રૉયલ ડર્બી હૉસ્પિટલમાં ફરજ બજાવતા પ્રતીક તેમનાં પત્ની અને સંતાનો સાથે 'જીવનના નવા અધ્યાય'ની શરૂઆત કરવા માગતા હતા, પરંતુ એ પ્રકરણ અધૂરું રહી ગયું.

ડૉ. પ્રતીક જોશીનાં પરિવારનાં મૃત્યુ વિશે જાણીને તેમના પાડોશીઓ, સહકર્મીઓ તથા સમુદાયના લોકો ક્ષુબ્ધ અને આઘાતમાં છે.

'મજાના માણસની પૂરી ન શકાય એવી ઊંડી ખોટ પડી છે'

રેડિયોલૉજિસ્ટ પ્રતીક જોશી તથા પરિવારનું મૃત્યુ, ઍર ઇન્ડિયાની અમદાવાદથી લંડન જતી ફ્લાઇ એઆઈ 171 દુર્ઘટના, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
ઇમેજ કૅપ્શન, ડૉ. પ્રતીકના પૂર્વ પાડોશી નીલ

ડૉ. પ્રતીક જોશી વર્ષ 2021થી રૉયલ ડર્બી હૉસ્પિટલમાં ફરજ બજાવતા હતા. તેઓ પોતનાં પત્ની કોમી વ્યાસ, ટ્વિન્સ દીકરા નકૂલ અને પ્રદ્યુત (ઉં.વ.પાંચ) અને દીકરી મિરાયા (ઉં.વ. આઠ) સાથે ઍર ઇન્ડિયાની ફ્લાઇટમાં બેઠાં હતાં.

ડૉ. જોશી સાથે નિકટતાપૂર્વક કામ કરનારા સહકર્મીએ તેમને 'મજાના માણસ' ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તેમના અવસાનથી 'પૂરી ન શકાય તેવી ઊંડી ખોટ પડી છે.'

યુનિવર્સિટી હૉસ્પિટલ્સ ઑફ ડર્બી ઍન્ડ બર્ટન (યુએચડીબી) ખાતે ઇમૅજિંગમાં ક્લિનિકલ ડાયરેક્ટર ડૉ. રાજીવસિંહના કહેવા પ્રમાણે, "પ્રતીક ખૂબ જ આનંદી હતા."

ડૉ. સિંહ ઉમેરે છે, "દરેક બાબત પ્રત્યેનો તેમનો અભિગમ સસ્મિત હતો. તેઓ સકારાત્મકતા ફેલાવતા અને તેમનું સેન્સ ઑફ હ્યુમર સારું હતું."

"પોતાનાં તબીબી કાર્યો દ્વારા, સહકર્મી અને મિત્ર તરીકે તેઓ અનેક લોકોનાં જીવનને સ્પર્શ્યા હતા."

ડૉ. સિંહે ઉમેર્યું હતું કે જીવન પ્રત્યે ઉત્સાહ ધરાવતી વ્યક્તિ અને તેમનો સુંદર યુવા પરિવાર આવી રીતે મૃત્યુ પામે, "તે સ્વીકારવું મુશ્કેલ" છે.

યુએચડીબીના ચીફ એક્ઝિક્યુટિવ સ્ટિફન પોશીએ કહ્યું, "પ્રતીક ખૂબ જ ઉમદા ડૉક્ટર હતા, તેમના માટે કશું કપરું ન હતું. તેઓ ખૂબ જ ઉષ્માપૂર્ણ, ઉમદા અને ઉદાર વ્યક્તિ હતા. તેઓ ટીમના મહત્ત્વપૂર્ણ અને ખૂબ જ લોકપ્રિય સભ્ય હતા."

જિંદગીનો નવો અધ્યાય શરૂ કરવા માગતા હતા

રેડિયોલૉજિસ્ટ પ્રતીક જોશી તથા પરિવારનું મૃત્યુ, ઍર ઇન્ડિયાની અમદાવાદથી લંડન જતી ફ્લાઇ એઆઈ 171 દુર્ઘટના, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Derby Hindu Temple

ઇમેજ કૅપ્શન, ડૉ. પ્રતીક જોશીના પડોશીઓનું કહેવું છે તે ખૂબ 'દયાળુ પરિવાર' હતો

ડૉ. મારિયો દિમિત્રિયો ડોનાડિયો અને ડૉ. પ્રતીક જોશી પૂર્વ સહકર્મી હતા. તેમણે બીબીસી સાથે વાત કરતા કહ્યું કે આ સમાચાર વિશે સાંભળીને મારા હૃદયમાં "અંધકાર અને ભારેપણું" અનુભવાયું હતું.

ડૉ. મારિયોએ તેમના પૂર્વ સહકર્મી અને ફ્લેટમૅટને "ખૂબ જ સારા પ્રોફેશનલ" હતા. ડૉ. મારિયોએ કહ્યું કે અમે મે મહિનામાં અન્ય રેડિયોલૉજિસ્ટો સાથે જમવા માટે ગયા હતા. ત્યારે તેઓ "ખૂબ ખુશ" હતા.

ડૉ. મારિયોએ ઉમેર્યું હતું કે થોડા દિવસ પહેલાં અમારી વચ્ચે વાતચીત થઈ હતી, ત્યારે તેઓ "ખૂબ જ ઉત્સાહ"માં હતા. તેઓ પોતાના પરિવારને ભારતથી પરત લાવવાની તૈયારીઓ કરી રહ્યા હતા અને "જીવનમાં નવા પ્રકરણની શરૂઆત" કરવા માગતા હતા.

ડૉ. મારિયોના કહેવા પ્રમાણે, 'તેઓ (ડૉ. પ્રતીક) ખુશમિજાજ હતા. તેઓ દૈદીપ્યમાન વ્યક્તિત્વ ધરાવતા હતા.'

'આવા લોકોનું નિધન એ વિશ્વનું નુકસાન છે.'

ખૂબ જ સારો પરિવાર

રેડિયોલૉજિસ્ટ પ્રતીક જોશી તથા પરિવારનું મૃત્યુ, ઍર ઇન્ડિયાની અમદાવાદથી લંડન જતી ફ્લાઇ એઆઈ 171 દુર્ઘટના, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

નીલ રાયન (ઉં.વ. 42) ડૉ. પ્રતીક જોશીના પૂર્વ પાડોશી છે. તેમના મૃત્યુના સમાચાર "ખૂબ જ આઘાતજનક" હતા. નીલના મતે ડૉ. જોશી અને તેમનો પરિવાર "ખૂબ જ સારો" હતો.

નીલે કહ્યું, "તેમનો પરિવાર ખૂબ જ સરળ હતો અને તેઓ ખરેખર ખૂબ જ નિખાલસ હતા. આ (સમાચાર) હૃદયને દ્રવિત કરી દેનાર છે."

નીલના કહેવા પ્રમાણે, તેઓ અને જોશી પરિવાર ઘણાં વર્ષ સુધી પાસપાસે રહ્યા હતા, પરંતુ જ્યાં ડૉ. પ્રતીકનાં પત્ની અને બાળકો ભારત પરત ફર્યાં એટલે તેમણે ઘર બદલી નાખ્યું હતું.

નીલ ઉમેરે છે કે ડૉ. જોશી જ્યારે ક્યારેય અહીં આવતા ત્યારે પોતાની સાથે ચોક્કસપણે કોઈ ને કોઈ ભેટ લાવતા.

પિયર ટ્રીસ્થિત ડર્બી હિંદુ મંદિરના પ્રવક્તાએ કહ્યું, 'ડૉ. પ્રતીક જોશી મંદિર પ્રત્યે સેવા અને સમર્પણભાવ ધરાવતા હતા. અમે ભગવાન શિવને પ્રાર્થના કરીએ છીએ કે તેઓ દિવંગત આત્માઓને ચિરકાલીન શાંતિ અને શોકાતુર પરિવારને શક્તિ આપે.'

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન