લિંકનથી કિર્ક: અમેરિકામાં થયેલી રાજકીય હત્યાનો લોહીયાળ ઇતિહાસ

ડોનાલ્ડ ટ્રમ્પ, લીંકન, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના ઉટા રાજ્યમાં ચાર્લી કિર્કની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. તેઓ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નજીક હતા.

ઉટાની એક કૉલેજમાં ચાર્લી કિર્ક જાહેર સંબોધન કરી રહ્યા હતા, ત્યારે તેમને ગોળી મારવામાં આવી હતી.

એ પછીની તપાસ દરમિયાન હત્યારાની ઓળખ ટૅલર રૉબિન્સન તરીકે થઈ છે. પરિવારજનોનું કહેવું છે કે ચાર્લી કિર્કની હત્યાના થોડા સમય પહેલાંથી જ 'ટૅલર ખૂબ જ રાજકીય' બની ગયા હતા. ટૅલર વિશે તેમના પરિવારજનોએ જ સુરક્ષા એજન્સીઓને જાણ કરી હતી.

અમેરિકામાં પોલિટિકલ હત્યાની શ્રેણીમાં કિર્કની હત્યાનું પ્રકરણ પણ સામેલ થયું છે.

યુએસ ઇતિહાસમાં નોંધાયેલા કેટલાક હાઇ-પ્રોફાઇલ પોલિટિકલ મર્ડર કેસો તરફ નજર નાખીએ.

અબ્રાહમ લિંકન: પ્રથમ યુએસ પ્રેસિડેન્ટ કે જેમની હત્યા થઈ

અબ્રાહમ લિંકન, હત્યા, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અબ્રાહમ લિંકન પ્રથમ યુએસ પ્રેસિડેન્ટ હતા કે જેમની હત્યા કરવામાં આવી હતી.

અબ્રાહમ લિંકન એ પ્રથમ યુએસ પ્રેસિડેન્ટ હતા કે જેમની હત્યા કરવામાં આવી હતી.

તારીખ 14 એપ્રિલ, 1865ના રોજ જ્હૉન વિલ્કીસ બૂથ નામના શખ્સે એમને ગોળી મારી હતી. લિંકન અને તેમનાં પત્ની વૉશિંગ્ટન ડીસીનાં એક થિયેટરમાં નાટક જોવાં ગયાં હતાં, ત્યારે આ ગોળીબાર થયો હતો.

લિંકનનું બીજા દિવસે એટલે કે તારીખ 15 એપ્રિલના રોજ મૃત્યુ થયું હતું.

રાષ્ટ્રપતિપદ માટેના ચૂંટણીપ્રચારમાં લિંકને ગુલામીપ્રથાનો ભરપૂર વિરોધ કર્યો હતો. તેમની જીતને કારણે અમેરિકાના દક્ષિણી પ્રાંતોને આ પ્રથા નાબૂદ થઈ જવાનો ભય હતો.

બૂથને થોડા દિવસો પછી વર્જિનિયામાં ગોળી મારીને મારી નાખવામાં આવ્યો હતો.

આ પછી ક્યા રાષ્ટ્રપતિઓની હત્યા થઈ?

અમેરિકામાં રાષ્ટ્રપતિઓની હત્યા અબ્રાહમ લિંકન, કેનેડી, ટ્રમ્પની હત્યાનો પ્રયાસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રેલવે સ્ટેશન પર ગારફિલ્ડની હત્યાની તસવીર

ગારફિલ્ડ બીજા રાષ્ટ્રપતિ હતા કે જેમની હત્યા કરવામાં આવી હોય.

તારીખ 2 જુલાઈ, 1881ના રોજ તેઓ વૉશિંગ્ટન ડીસીમાં એક રેલ્વેસ્ટેશનમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે ચાર્લ્સ જે. ગુઇટેઈયુ નામના શખ્સે તેમને ગોળી મારી દીધી હતી.

ડૉકટરો તેમના શરીરમાંથી બુલેટ શોધી શક્યા ન હતા, પરંતુ ગોળી વાગ્યા બાદ થયેલા કૉમ્પ્લિકેશનને કારણે એ જ વર્ષની તારીખ 19 સપ્ટેમ્બરના રોજ તેમનું મૃત્યુ થયું હતું.

ચાર્લ્સ કથિત રીતે માનસિક બીમાર હતો તથા એને જૂન-1882માં દોષિત જાહેર કરવામાં આવ્યો હતો.

બફેલો, મેકિનલે, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બફેલોમાં સભા સંબોધી રહેલા મેકિનલે

વીલિયમ મેકિનલે, 25માં રાષ્ટ્રપતિ

તારીખ 6 સપ્ટેમ્બર 1901ના રોજ ન્યૂ યૉર્કના બફેલોમાં એક પ્રચાર અભિયાન દરમિયાન મેકિનલેની ગોળી મારી દેવામાં આવી હતી.

અરાજકતાવાદી લિયોન ઝોલ્ગોઝે ગોળી મારી હતી, જેને કારણે મેકિનલેનું મૃત્યુ થયું હતું.

ઑક્ટોબર 1901માં ઝોલ્ગોઝને દોષી ઠેરવવામાં આવ્યો અને તેને મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો.

જૉન એફ કૅનેડીની હત્યાથી આખું વિશ્વ ચોંકી ગયું

જૉન એફ કૅનેડી, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કૅનેડીની હત્યા ફરતે આજે પણ રહસ્યનો પડદો ઢંકાયેલો છે

તારીખ 2 નવેમ્બર 1963ના રોજ ટૅક્સાસના ડલાસની મુલાકાત લેતી વખતે જૉન એફ કૅનેડીને એક હાઈ-પાવર્ડ રાઇફલથી સજ્જ બંદૂકધારીએ ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

રાષ્ટ્રપતિના કાફલા દરમિયાન મધ્ય ડલાસમાંથી ગોળીબાર થયો હતો.

કૅનેડીને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું ટૂંક સમયમાં મૃત્યુ થયું હતું.

હત્યા પછી, પોલીસે પૂર્વ મરીન સૈનિક લી હાર્વે ઑસ્વાલ્ડની ધરપકડ કરી હતી.

બે દિવસ પછી, ઑસ્વાલ્ડને પોલીસ મુખ્યાલયથી કાઉન્ટી જેલમાં લઈ જવાઈ રહ્યો હતો, ત્યારે ડલાસ નાઇટક્લબના માલિક જેક રૂબીએ તેની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.

જૉન એફ કૅનેડીની હત્યાથી અમેરિકા સહિત આખી દુનિયા ચોંકી ગઈ હતી. કૅનેડીની રાજકીય હત્યા આજે પણ એક રહસ્ય છે.

રાષ્ટ્રપતિ પદના ઉમેદવારો

રાષ્ટ્રપતિની હત્યાના પ્રયાસ થયા

અત્યાર સુધીમાં અમેરિકામાં જે-તે સમયે પદ પર આસન્ન હોય તેવા ચાર રાષ્ટ્રપતિની હત્યા થઈ ચૂકી છે.

એ સિવાય અનેક ઉમેદવારો અને નેતાઓ પર હુમલાઓ અને તેમની હત્યાના પ્રયાસો થયા છે. જેમકે..

રૉબર્ટ એફ કૅનેડી, ડેમોક્રેટિક પાર્ટી સેનેટર:

રૉબર્ટ એફ કૅનેડી ન્યૂ યૉર્કના યુએસ સેનેટર હતા અને રાષ્ટ્રપતિ જૉન એફ કૅનેડીના ભાઈ હતા.

કૅનેડી ડેમોક્રેટિક રાષ્ટ્રપતિ પદ માટે નૉમિનેશન મેળવવા માગતા હતા, ત્યારે 1968ની કૅલિફોર્નિયા પ્રાઇમરીમાં જીત માટે વિજય ભાષણ આપ્યાના થોડા સમય પછી, લોસ ઍન્જલસની એક હોટલમાં તેમની હત્યા કરવામાં આવી હતી.

શૂટર, સિરહાનને હત્યાનો દોષી ઠેરવવામાં આવ્યો હતો અને તેને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી.

આ સજાને પછીથી આજીવન કેદમાં ફેરવવામાં આવી હતી. 2023માં સિરહને રિલીઝ માટે અરજી કરી હતી, જેને નકારી કાઢવામાં આવી હતી.

સિવિલ રાઇટ લીડરોની હત્યા

માર્ટિન લ્યુથર કિંગ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, ડૉ. માર્ટિન લ્યૂથર કિંગ યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના સામાજિક કાર્યકર અને ચળવળકાર હતા

1968માં ટેનેસીના મૅમ્ફિસમાં બ્લૅક સિવિલ રાઇટ લીડર ડૉ. માર્ટિન લ્યૂથર કિંગને (જુનિયર) ગોળી મારવામાં આવી હતી.

તેઓ ઓછા વેતનનો વિરોધ કરી રહેલા સફાઈ કામદારોના સમર્થનમાં ટેનેસીના મૅમ્ફિસ ગયા હતા.

તારીખ 4 એપ્રિલ, 1968ના રોજ જ્યારે તેઓ એક હોટલની બાલ્કનીમાં ઊભા હતા, ત્યારે તેમને એક વ્હાઇટ સુપ્રિમીસ્ટ સ્નાઇપર, જૅમ્સ અર્લ રે, દ્વારા ગોળી મારી દેવામાં આવી હતી.

ત્યારબાદ 39 વર્ષીય ડૉ. કિંગનું હૉસ્પિટલમાં મૃત્યુ થયું.

આ પહેલાં 1956માં ડૉ. કિંગના ઘર પર થયેલા બૉમ્બમારો તથા અન્ય કેટલાક હુમલાઓમાંથી ડૉ. કિંગ બચી ગયા હતા.

માલ્કમ એક્સ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હત્યા થઈ એના અઠવાડિયા પહેલાં માલ્કમ ઍક્સના ઘર પર બૉમ્બમારો કરવામાં આવ્યો હતો. એ સમયે પોતાની કારમાંથી બહાર નીકળી રહેલા માલ્કમ ઍક્સ

માલ્કમ ઍક્સ પણ આવા જ એક સિવિલ રાઇટ ઍક્ટિવિસ્ટ હતા કે જેમની હત્યા કરવામાં આવી હતી.

અશ્વેત સશક્તિકરણના હિમાયતી, માલ્કમ ઍક્સને 1965માં ન્યૂ યૉર્ક સિટી બૉલરૂમમાં તેમના પરિવારની સામે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

જ્યારે માલ્કમ ઍક્સની હત્યા કરવામાં આવી, ત્યારે તેઓ માત્ર 39 વર્ષના હતા.

તેઓ વર્ષો સુધી નૅશન ઑફ ઇસ્લામના અગ્રણી પ્રવક્તા રહ્યા, જે બ્લૅક અમેરિકનો માટે અલગતાવાદની હિમાયત કરતા હતા, પરંતુ તેમના વિચારો પાછળથી મૉડરેટ બન્યા હતા.

મુહમ્મદ અઝીઝ, ખલીલ ઇસ્લામ અને થોમસ હેગનને હત્યાના દોષી ઠેરવવામાં આવ્યા હતા અને તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

વર્ષ 2021માં અઝીઝ અને ઇસ્લામની સજા રદ કરવામાં આવી હતી.

તાજેતરની હત્યાઓ અને હત્યાના પ્રયાસો

ડોનાલ્ડ ટ્રમ્પ, હુમલો, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, 2024માં કૅમ્પેઇન રેલી દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ પર ગોળીબાર થયો હતો.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તાજેતરમાં, 14 જૂન 2025ના રોજ, મિનેસોટામાં બે ડેમોક્રેટિક રાજ્ય લૅજિસ્ટલેટર્સને તેમનાં ઘરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જેને પોલિટિકલી મૉટિવેટેડ હત્યા ગણવામાં આવે છે.

ડેમોક્રેટિક સ્ટેટ પ્રતિનિધિ મેલિસા હોર્ટમૅન અને તેમના પતિ માર્કની તેમનાં ઘરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

સ્ટેટ સેનેટર જોન હોફમૅન અને તેમનાં પત્ની યવેટને, અન્ય એક એક સંબંધિત ઘટનામાં તેમનાં ઘર પર ઘણી વાર ગોળી મારીને હત્યા કરવાનો પ્રયાસ થયો હતો, પરંતુ તેઓ આ હુમલામાં બચી ગયાં હતાં.

ગયા વર્ષે, ડોનાલ્ડ ટ્રમ્પ બે વાર નિશાન બન્યા હતા. જુલાઈ 2024માં, પેન્સિલવેનિયાના બટલરમાં એક આઉટડોર રેલીમાં તેમના હાથે ગોળી વાગી હતી.

આ ઘટના ઉટામાં બુધવારે ચાર્લી કિર્ક પર થયેલા ગોળીબારની ઘટના સાથે સામ્યતા ધરાવે છે- બંને બહારના સ્થળોએ, ભીડભાડ વચ્ચે હતા, એમ બીબીસી ઉત્તર અમેરિકાના સંવાદદાતા ઍન્થોની ઝુરચર કહે છે.

એ જ વર્ષે સપ્ટેમ્બરમાં, ફ્લૉરિડાના ગૉલ્ફ કોર્સમાં ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો કથિત પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેને સિક્રેટ સર્વિસના એજન્ટોએ નિષ્ફળ બનાવ્યો હતો.

ટ્રમ્પ ત્યારે આવનારી ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિપદના ઉમેદવાર હતા.

તેના બે વર્ષ પહેલાં, એક હથોડીધારી હુમલાખોર તત્કાલીન હાઉસ સ્પીકર નેન્સી પેલોસીનાં ઘરમાં ઘૂસી ગયો હતો, જે એક અગ્રણી ડેમોક્રેટ હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન