ભારતના ઉપરાષ્ટ્રપતિને પગાર કેમ મળતો નથી અને ભથ્થાંના નામે શું મળે છે?

નરેન્દ્ર મોદી, દ્રૌપદી મુર્મૂ, સીપી રાધાકૃષ્ણ

ઇમેજ સ્રોત, PIB

સીપી રાધાકૃષ્ણને ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શુક્રવારે શપથ લીધા.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિભવનમાં 67 વર્ષીય રાધાકૃષ્ણનને શપથ અપાવ્યા.

આ દરમિયાન પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પણ પોતાના ઉત્તરાધિકારી સીપી રાધાકૃષ્ણનના શપથગ્રહણ સમારોહમાં સામેલ થયા.

રાધાકૃષ્ણનને મંગળવારે યોજાયેલી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં 452 મત હાંસલ કરીને જીત મેળવી હતી, જ્યારે વિપક્ષના ઉમેદવાર બી સુદર્શન રેડ્ડીને 300 મત મળ્યા.

હવે જ્યારે દેશના નવા ઉપરાષ્ટ્રપતિ મળી ચૂક્યા છે ત્યારે વાંચો ઉપરાષ્ટ્રપતિપદ વિશે એ દસ વાતો જે તમારે જાણવી જોઈએ.

પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા?

ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણી, નવા ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણ, ઉપરાષ્ટ્રપતિને કેટલું વેતન તથા સુવિધા મળે, ઉપરાષ્ટ્રપતિ કેવી રીતે બની શકાય, બીબીસી ગુજરાતી સાથે સમજો, બીબીસી ગુજરાતી સમાચાર

1. સર્વપલ્લી રાધાકૃષ્ણન સ્વતંત્ર ભારતના પહેલા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. અત્યાર સુધી ભારતમાં 15 ઉપરાષ્ટ્રપતિ થઈ ગયા છે. જગદીપ ધનખડ કે જેમણે હાલમાં જ આ પદ પરથી રાજીનામું આપ્યું હતું, તેઓ દેશના 14મા ઉપરાષ્ટ્રપતિ હતા.

2. ભારતમાં માત્ર બે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એવા છે જેઓ આ પદ પર બે વાર ચૂંટાયા છે અને દસ વર્ષ સુધી પદ પર રહી ચૂક્યા છે. એક છે સર્વપલ્લી રાધાકૃષ્ણન. તેઓ 1952થી માંડીને 1962 સુધી ભારતના ઉપરાષ્ટ્રપતિ રહ્યા હતા. આ પછી એમ. હામિદ અંસારી 2007થી 2017 એમ દસ વર્ષ સુધી ભારતના ઉપરાષ્ટ્રપતિ રહ્યા હતા.

ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણી, નવા ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણ, ઉપરાષ્ટ્રપતિને કેટલું વેતન તથા સુવિધા મળે, ઉપરાષ્ટ્રપતિ કેવી રીતે બની શકાય, બીબીસી ગુજરાતી સાથે સમજો, બીબીસી ગુજરાતી સમાચાર

3. ભારતના ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે. જોકે તેઓ નવા ઉપરાષ્ટ્રપતિ ચૂંટાય નહીં ત્યાં સુધી પદ પર રહી શકે છે. બંધારણમાં એ સ્પષ્ટ નથી કે જો ઉપરાષ્ટ્રપતિનું પદ અચાનક ખાલી પડે તો તેમનો કાર્યભાર કોણ સંભાળશે. એક જ વ્યકિતને ઘણી વખત ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટી શકાય છે.

4. ભારતમાં, ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના અધ્યક્ષ તરીકે કાર્ય કરે છે. જો કોઈ કારણે ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિપદનો કાર્યભાર સંભાળી લે, તો તેઓ રાજ્યસભાના અધ્યક્ષ તરીકે કામગીરી નહીં કરે. ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાજયસભાના ઉપાધ્યક્ષ રાજ્યસભાની કામગીરી સંભાળશે.

5. ભારતના રાષ્ટ્રપતિનું આકસ્મિક મૃત્યુ, ત્યાગપત્ર અથવા પદભ્રષ્ટ કરાયાની સ્થિતિમાં ઉપરાષ્ટ્રપતિ જ્યાં સુધી નવા રાષ્ટ્રપતિ ન ચૂંટાઈ આવે ત્યાં સુધી રાષ્ટ્રપતિ તરીકે પદભાર સંભાળશે. આવી સ્થિતિમાં તેઓ રાજ્યસભાની અધ્યક્ષતા નહીં કરી શકે.

6. ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી લોકસભા અને રાજ્યસભાના સભ્યો અને દેશભરની રાજ્ય વિધાનસભાઓના સભ્યો દ્વારા કરવામાં આવે છે. જોકે, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માત્ર લોકસભા અને રાજ્યસભા સભ્યો દ્વારા કરવામાં આવે છે.

ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણી, નવા ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણ, ઉપરાષ્ટ્રપતિને કેટલું વેતન તથા સુવિધા મળે, ઉપરાષ્ટ્રપતિ કેવી રીતે બની શકાય, બીબીસી ગુજરાતી સાથે સમજો, બીબીસી ગુજરાતી સમાચાર

7. ભારતના ઉપરાષ્ટ્રપતિને કોઈ વેતન મળતું નથી. જોકે તેઓ રાજ્યસભાના અધ્યક્ષ પણ હોય છે. તેથી તેમને આ પદ માટે વેતન મળે છે. રાજ્યસભાના અધ્યક્ષનો હાલનો પગાર ચાર લાખ રૂપિયા છે. આ સિવાય એમને સરકાર તરફથી એક અલગ ઘર અને સ્ટાફ મળે છે. ઉપરાષ્ટ્રપતિની સેવાનિવૃત્તિ બાદ, સરકાર દ્વારા એક બંગલો, એક સચિવ અને કેટલોક સ્ટાફ આપવામાં આવે છે.

8. ઉપરાષ્ટ્રપતિને સંસદીય પ્રસ્તાવના માધ્યમથી પદ પરથી હઠાવી શકાય છે. આ માટે પ્રસ્તાવ પહેલા રાજ્યસભા અને પછી લોકસભામાં પસાર કરવામાં આવે છે.

9. ગયા વર્ષના અંતમાં, વિપક્ષી દળોએ રાજ્યસભામાં તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સામે આવો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જોકે, એ પ્રસ્તાવને ખારિજ કરી દેવામાં આવ્યો હતો.

10. ભારતના છ ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ બની ચૂક્યા છે. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન, ડૉ. ઝાકીર હુસૈન, વીવી ગીરી, આર.વેંકટરમણ, ડૉ. શંકર દયાળ શર્મા અને કે.આર નારાયણન. આ છ એવી વ્યક્તિઓ છે, જે ઉપરાષ્ટ્રપતિ તરીકે કાર્ય કર્યા બાદ રાષ્ટ્રપતિ બન્યા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન