કશિશ મેથવાણી : બ્યૂટી ક્વિનથી સેનામાં ઑફિસર બનવા સુધીની સફર

બીબીસી ગુજરાતી સેના આર્મી બ્યૂટી ક્વિન મહિલા કશિશ મેથવાણી મિસ ઇન્ડિયા ઇન્ટરનૅશનલ ઑફિસર

ઇમેજ સ્રોત, Kashish Methwani

    • લેેખક, પ્રાચી કુલકર્ણી
    • પદ, બીબીસી મરાઠી માટે

'સપનું જ્યારે સાચું પડે.' કશિશ મેથવાણીની સફળતાઓની વાત કરીએ તો આ વાક્ય વારંવાર યાદ કરવું પડે.

ભારતની ટોચની સંસ્થામાંથી ન્યૂરોસાયન્સમાં પોસ્ટ ગ્રૅજ્યુએશન કરવું, ત્યાર પછી મિસ ઇન્ડિયા ઇન્ટરનૅશનલ બનવું. ત્યાર બાદ આ બધું છોડીને દેશની સેવા માટે ડિફેન્સ સર્વિસિસમાં જોડાવું. કશિશ મેથવાણીએ આ બધું કરી દેખાડ્યું છે.

કશિશનો જન્મ ડૉક્ટર ગુરમુખ દાસ અને શોભા મેથવાણીના ઘરે થયો હતો. કશિશના પિતા એક વૈજ્ઞાનિક છે, જેઓ સંરક્ષણ મંત્રાલયના ક્વૉલિટી એસ્યોરન્સ વિભાગમાં ડાયરેક્ટર જનરલના પદેથી નિવૃત્ત થઈ ચૂક્યા છે. કશિશનાં માતા શોભા મેથવાણી પુણેની આર્મી પબ્લિક સ્કૂલમાં શિક્ષિકા હતાં.

કશિશની અને તેમનાં બહેન આર્મી પબ્લિક સ્કૂલમાં જ ભણ્યાં છે અને કોઈ સામાન્ય વિદ્યાર્થીની જેમ જ તેમનો ઉછેર થયો છે. કશિશ ત્રીજા વર્ગમાં હતાં, ત્યારે કોઈ બીજા વિદ્યાર્થીના વાલીએ તેમનાં માતાને કહ્યું હતું કે તમારી દીકરી સામાન્ય નથી. તે પોતાના જીવનમાં જરૂર કોઈ વિશેષ સ્થાન હાંસલ કરશે.

બીબીસી ગુજરાતી સેના આર્મી બ્યૂટી ક્વિન મહિલા કશિશ મેથવાણી મિસ ઇન્ડિયા ઇન્ટરનૅશનલ ઑફિસર

ઇમેજ સ્રોત, Kashish Methwani

ઇમેજ કૅપ્શન, કશિશના પિતા નિવૃત્ત વૈજ્ઞાનિક છે, જ્યારે તેમનાં માતા શિક્ષકા હતાં

એક શિક્ષિકા હોવાના નાતે શોભા ઇચ્છતાં હતાં કે તેમની દીકરીનો એક સામાન્ય બાળકની જેમ જ ઉછેર થાય. તેમણે કશિશને ક્યારેય બીજાં બાળકોથી અલગ કે વિશેષ ન ગણ્યાં.

કશિશના બાળપણને યાદ કરતા શોભા મેથવાણી કહે છે, "તેને બધું જ કરવું હતું. અમે માત્ર તેને અલગ-અલગ ક્લાસિસ કરાવ્યા. તે ભરતનાટ્યમ, તબલાં સહિત ઘણી ચીજો શીખ્યાં. તેમના પિતાની ટ્રાન્સફરના કારણે તેઓ કોઈ કોર્સ પૂરો કરી ન શક્યાં, પરંતુ અમે વિચાર્યું કે ભલે તેઓ તે વિષયમાં પારંગત ન હોય, પરંતુ શીખવાની તક મળે તે મોટી વાત છે."

કશિશ મેથવાણીએ સાયન્સમાં ગ્રૅજ્યુએશન કર્યું અને સાવિત્રીબાઈ ફુલે પુણે યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ ડિગ્રી મેળવી. ત્યાર પછી તેમને બૅંગલુરુની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સમાં એમએસસી થિસીસ માટે સિલેક્ટ કરવામાં આવ્યાં.

પ્રતિષ્ઠિત સંસ્થાનમાંથી અભ્યાસ પૂરો કર્યા પછી તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણી જાણીતી સંસ્થાઓમાં ઍડમિશનની તક મળી. હાર્વર્ડ યુનિવર્સિટીમાં પણ પ્રવેશ મળી ગયો હતો, પરંતુ કશિશના મનમાં કંઈક અલગ જ હતું.

પીએમ મોદીના હાથે સન્માન થયું

બીબીસી ગુજરાતી સેના આર્મી બ્યૂટી ક્વિન મહિલા કશિશ મેથવાણી મિસ ઇન્ડિયા ઇન્ટરનૅશનલ ઑફિસર

ઇમેજ સ્રોત, Kashish Methwani

ઇમેજ કૅપ્શન, ઍર ચીફ માર્શલ એપી સિંહ સાથે કશિશ અને તેમનો પરિવાર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કૉલેજ દરમિયાન કશિશે નૅશનલ કૅડેટ કોર (એનસીસી)માં પ્રવેશ લીધો હતો. તેઓ 26મી જાન્યુઆરીની પરેડ કૅમ્પ માટે પસંદ થયાં અને પરેડમાં ભાગ લીધો હતો.

ત્યાં શાનદાર પ્રદર્શનના કારણે તેમને ઑલ ઇન્ડિયા બેસ્ટ કૅડેટ ટ્રૉફી અપાઈ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હાથે તેમને સન્માનિત કરાયાં હતાં.

કશિશ જણાવે છે, "હું જ્યારે કૅમ્પમાં હતી ત્યારે મને લાગ્યું કે મને આ બધું પસંદ છે. ગ્રૂપમાં રહેવું, તાલીમ લેવી, પરેડ કરવી. ત્યારે જ મેં ડિફેન્સમાં કરિયર બનાવવાનો નિર્ણય લઈ લીધો."

જોકે, આ સફર તરત શરૂ ન થઈ. ભણતર પૂરું કર્યા પછી કશિશે સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લેવાની તૈયારી શરૂ કરી.

તેમણે મિસ ઇન્ડિયા સ્પર્ધામાં ભાગ લીધો અને વર્ષ 2023માં મિસ ઇન્ડિયા ઇન્ટરનૅશનલનો ખિતાબ પોતાના નામે કર્યો.

આ દરમિયાન કશિશ ડિફેન્સમાં ઍન્ટ્રન્સ ઍક્ઝામની તૈયારી કરતાં હતાં. તેમણે દિવસને બે ભાગમાં વહેંચી નાખ્યો. સવારે તેઓ પ્રવેશ પરીક્ષાની તૈયારી કરતાં અને બપોર પછી સૌંદર્યસ્પર્ધાની તૈયારી કરતાં હતા.

તેઓ કહે છે, "મને હંમેશાં નવી નવી ચીજો અજમાવવાનું ગમે છે. મારું સૂત્ર હતું કે અલગ-અલગ ચીજો ટ્રાય કરો અને પછી તમને જે ખુશી આપે તે પસંદ કરો. માતાપિતાએ ટાઇમ મૅનેજમૅન્ટ શીખવ્યું હતું. એનસીસી પછી કૉલેજમાં દરરોજ જવું જરૂરી ન હતું. તેથી મેં આ સમયમાં બ્યૂટી પેજન્ટની તૈયારી કરી."

સુપર મૉડલથી ડિફેન્સ સુધીની સફર

બીબીસી ગુજરાતી સેના આર્મી બ્યૂટી ક્વિન મહિલા કશિશ મેથવાણી મિસ ઇન્ડિયા ઇન્ટરનૅશનલ ઑફિસર

ઇમેજ સ્રોત, Kashish Methwani

ઇમેજ કૅપ્શન, કશિશ મેથવાણી તેમનાં માતા-પિતા અને બહેન સાથે

મિસ ઇન્ડિયા ઇન્ટરનૅશનલ બન્યાં પછી કશિશ એક સુપરમૉડલ બની ગયાં.

પરંતુ તેમનાં માતાનું કહેવું છે કે આ માત્ર તેમના 'બકેટ લિસ્ટ'નો એક ભાગ હતો.

તેમણે 2024માં કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસિસ પરીક્ષા આપી અને ઑલ ઇન્ડિયા બીજો રેન્ક મેળવ્યો. તેની સાથે સાથે ચેન્નાઈસ્થિત ઑફિસર્સ ટ્રેનિંગ અકાદમીમાં તેમની ઑફિસર બનવાની સફર શરૂ થઈ ગઈ.

કશિશ માને છે કે અનેક ક્ષેત્રમાં હાથ અજમાવ્યા પછી પણ તેમને અકાદમીની ટ્રેનિંગને લઈને આત્મવિશ્વાસ ન હતો.

તેઓ કહે છે, "મને ફિજિકલ ટ્રેનિંગ અંગે થોડી શંકા હતી, પરંતુ મારી પાછલી ટ્રેનિંગ અને અનુભવે મને મદદ કરી. સૌંદર્ય સ્પર્ધાએ મને શીખવ્યું કે ડરવાનું નથી. તેણે જ મને ટ્રેનિંગ પાર કરવામાં મદદ કરી."

કશિશના પરિવારમાં સૈન્યનું બૅકગ્રાઉન્ડ ધરાવતી કોઈ વ્યક્તિ નથી. તેમનાં માતા શોભા મેથવાણી માને છે કે તેમને કશિશની ટ્રેનિંગ દરમિયાન મળેલી સિદ્ધિઓનું મહત્ત્વ પૂરી રીતે સમજમાં નથી આવ્યું.

તેમણે કહ્યું કે "મને માત્ર એટલી ખબર હતી કે મારી દીકરી સારો દેખાવ કરે છે."

પોતાની સફરને આગળ વધારતા કશિશે આર્મી ઍર ડિફેન્સ મેડલ પણ જીત્યો, જે કોઈ પણ કમિશન્ડ ઑફિસરને મળતું સર્વોચ્ચ સન્માન છે.

તેમણે માર્ચિંગ અને શૂટિંગ બંનેમાં ગોલ્ડ મેડલ, શીખ લાઇન ઇન્ફન્ટ્રી રેજિમેન્ટ મેડલ, અકાદમીમાં સૌથી ઊંચો શૂટિંગ સ્કોર અને ડ્રિલ અને ડિસિપ્લિન બેજ પ્રાપ્ત કર્યા.

કશિશે ઇન્ટરકૉય બાસ્કેટબૉલ સ્પર્ધામાં શ્રેષ્ઠ ખેલાડીનો ઍવૉર્ડ પણ જીત્યો અને કોઈ પણ સજા વિના આખી તાલીમ પૂર્ણ કરી.

મહત્ત્વની જવાબદારી મળી

બીબીસી ગુજરાતી સેના આર્મી બ્યૂટી ક્વિન મહિલા કશિશ મેથવાણી મિસ ઇન્ડિયા ઇન્ટરનૅશનલ ઑફિસર

ઇમેજ સ્રોત, Kashish Methwani

ઇમેજ કૅપ્શન, કશિશે ભણતરમાં સારો દેખાવ કરવાની સાથે સાથે સૌંદર્ય સ્પર્ધા પણ જીતી છે

કશિશને લીડરશિપવાળું કામ સોંપવામાં આવ્યું. એક ટર્મ માટે તેઓ બટાલિયન અંડર ઑફિસર (બીયુઓ) અને બીજી ટર્મમાં અકાદમી અંડર ઑફિસર રહ્યાં. તેમનાં માતા તેમને સ્કૂલની 'હેડ ગર્લ'ની ભૂમિકા તરીકે ઓળખાવે છે.

પોતાની સિદ્ધિઓ વિશે વાત કરતાં કશિશ કહે છે, "મને ક્યારેય નિષ્ફળતાનો ડર નથી લાગ્યો. મને સૌથી વધારે જે ગમતું હતું તે કર્યું. મને શીખવવામાં આવ્યું હતું કે ચંદ્ર સુધી પહોંચવા માટે સિતારાઓને પોતાના લક્ષ્ય બનાવો. મેં તે જ કર્યું."

કશિશે 'ક્રિટિકલ કૉઝ' નામે એક એનજીઓની પણ સ્થાપના કરી છે, જે ઑર્ગન ડૉનેશન અને પ્લાઝ્મા ડૉનેશન માટે જાગૃતિ વધારવાનું કામ કરે છે.

તેઓ એક ભરતનાટ્યમ ડાન્સર છે, તબલાવાદક છે, બાસ્કેટબૉલ ખેલાડી અને રાષ્ટ્રીય સ્તરના પિસ્ટલ શૂટર પણ છે, પરંતુ તેમની બકેટ લિસ્ટ હજુ સુધી પૂરી નથી થઈ.

હવે તેઓ પિસ્ટલ શૂટિંગ ફરીથી શરૂ કરવા માગે છે, જેને તેમણે કેટલાંક વર્ષો અગાઉ છોડવું પડ્યું હતું.

કશિશ 27 સપ્ટેમ્બરે સેનામાં ભરતી થશે. ડિફેન્સમાં પોતાના ભવિષ્ય વિશે તેઓ કહે છે, "હું અહીં લાંબી ઈનિંગ રમવા માટે છું. એક વારમાં એક જ બાબત પર ધ્યાન આપું છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન