રાહુલ ગાંધીની નાગરિકતા પર સવાલ કેમ, ભારતમાં બેવડી નાગરિકતા મળી શકે?

ઇમેજ સ્રોત, ani
કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની નાગરિકતા સંબંધિત અરજી પર તારીખ 24 માર્ચ સોમવારના રોજ અલાહાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચમાં સુનાવણી થઈ.
ત્યાર બાદ હાઈકોર્ટે કેન્દ્ર સરકારને આ મુદ્દે પોતાનો જવાબ રજૂ કરવા વધુ સમય આપ્યો છે.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, કોર્ટની લખનૌ બેન્ચે એવો પણ આદેશ આપ્યો છે કે કેસની આગામી સુનાવણી 21 એપ્રિલથી શરૂ થતા અઠવાડિયામાં સૂચિબદ્ધ કરાશે.
જસ્ટિસ એઆર મસૂદી અને જસ્ટિસ એકે શ્રીવાસ્તવની બેન્ચે કર્ણાટકના રહેવાસી ભાજપ કાર્યકર એસ વિજ્ઞેશ શિશિર દ્વારા દાખલ કરાયેલી પીઆઈએલની સુનાવણી કરતી વખતે આ આદેશ આપ્યો હતો.
તેમણે દાવો કર્યો છે કે રાહુલ ગાંધી પાસે બ્રિટિશ નાગરિકતા પણ છે.
ગયા વર્ષે નવેમ્બરમાં આ અરજીની સુનાવણી કરતી વખતે કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી તેમના વલણ વિશે માહિતી માગી હતી.
ત્યાર બાદ કેન્દ્ર વતી હાજર રહેલા વકીલે બેન્ચને જણાવ્યું હતું કે સંબંધિત મંત્રાલયે બ્રિટિશ સરકારને પત્ર લખીને વિગતવાર માહિતી માગી છે.
વકીલે એમ પણ કહ્યું હતું કે આ કારણસર સરકારને રાહુલ ગાંધીની ચૂંટણી રદ કરવાની અરજદારની માગ પર નિર્ણય લેવા માટે સમયની જરૂર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્યારથી કેન્દ્રે કોર્ટ પાસે ઘણી વખત સમય માગ્યો છે. સોમવારે તેમણે ફરી કોર્ટ પાસે સમય માગ્યો. બાદમાં બેન્ચે 21 એપ્રિલથી શરૂ થતા અઠવાડિયા માટે આ કેસને સૂચિબદ્ધ કર્યો છે.
શું રાહુલ ગાંધી પાસે બ્રિટિશ નાગરિકતા છે? શું દલીલ થઈ?

ઇમેજ સ્રોત, INCIndia @X
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અરજદારનો દાવો છે કે તેમની પાસે બ્રિટિશ સરકારના બધા દસ્તાવેજો અને કેટલાક ઇમેઇલ છે, જે સાબિત કરે છે કે રાહુલ ગાંધી પાસે બ્રિટિશ નાગરિકતા છે. આ કારણસર તેઓ (રાહુલ ગાંધી) ભારતમાં ચૂંટણી લડવા માટે લાયક નથી અને લોકસભાના સભ્ય બની શકતા નથી.
અરજદારે કોર્ટને આ કેસની તપાસ સીબીઆઈ દ્વારા કરાવવાની પણ વિનંતી કરી હતી.
અરજી મુજબ, તેમણે આ વિનંતી માટે ગૃહ મંત્રાલયને બે વાર અરજી પણ કરી હતી, જ્યાં તેમણે મંત્રાલયને રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતા રદ કરવાની માગ કરી હતી.
એવું કહેવાય છે કે જ્યારે તેમને આ મામલે કોઈ જવાબ ન મળ્યો, ત્યારે તેમણે અલાહાબાદ હાઈકોર્ટમાં રજૂઆત કરવી પડી હતી.
અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની બેવડી નાગરિકતા ભારતીય દંડ સંહિતા (BNS) અને પાસપૉર્ટ ઍક્ટ હેઠળ ગુનો છે. આથી, સીબીઆઈને આ મામલે કેસ નોંધવા અને તપાસ શરૂ કરવા માટે કહેવાવું જોઈએ.
રાહુલ ગાંધીની નાગરિકતા રદ કરવાની માગ કરતી સુબ્રમણ્યમ સ્વામી દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં આવી જ અરજી દાખલ કરવામાં આવી હતી.
તેઓ રાહુલ ગાંધી પર બ્રિટિશ અધિકારીઓને સુપરત કરેલા દસ્તાવેજોમાં પોતાને બ્રિટિશ નાગરિક જાહેર કરવાનો આરોપ લગાવી રહ્યા છે.
બેવડી નાગરિકતા શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
બેવડી નાગરિકતા એટલે એવી વ્યક્તિ જે એક જ સમયે બે કે તેથી વધુ દેશોની નાગરિકતા ધરાવે છે.
જ્યારે કોઈ વ્યક્તિ પાસે બેવડી નાગરિકતા હોય છે, ત્યારે તેનો અર્થ એ થાય કે તેને અનેક દેશોના પાસપૉર્ટ રાખવાનો અધિકાર છે.
ઉદાહરણ તરીકે, જો તમે બ્રિટિશ નાગરિક છો અને યુએસ (અમેરિકા) નાગરિકતા પણ ધરાવો છો, તો તમારી પાસે બંને દેશોના પાસપૉર્ટ હશે.
તેને તે દેશોના રાજકીય અધિકારો (મતદાન અને ચૂંટણી લડવા) મળશે.
વધુમાં વ્યક્તિને કોઈ પણ વિઝા અથવા વર્ક પરમિટ વિના સંબંધિત દેશોમાં ગમે ત્યાં કામ કરવાનો અને મુસાફરી કરવાનો અધિકાર છે.
શું ભારત બેવડી નાગરિકતા આપે છે?

ઇમેજ સ્રોત, Getty Images
આ દરમિયાન એ સવાલ થાય છે કે શું ભારત બેવડી નાગરિકતાને મંજૂરી આપે છે કે નહીં.
ભારતનું બંધારણ કોઈ પણ વ્યક્તિને એક જ સમયે ભારતીય નાગરિકતા અને વિદેશી નાગરિકતા બંને રાખવાની મનાઈ ફરમાવે છે.
સંસદમાં પુછાયેલા એક પ્રશ્નના જવાબમાં વિદેશ મંત્રાલયે કહ્યું હતું, "ભારતીય બંધારણની કલમ 9 અને નાગરિકતા અધિનિયમ, 1955ની કલમ 9ની જોગવાઈઓ અનુસાર, ભારતમાં બેવડી નાગરિકતાની મંજૂરી નથી."
બીજી બાજુ, જો કોઈ વ્યક્તિ વિદેશી નાગરિકતા મેળવે છે, તો ભારતીય પાસપૉર્ટ રાખવો અથવા તેનો ઉપયોગ કરવો એ ભારતીય પાસપૉર્ટ અધિનિયમ, 1967 હેઠળ ગુનો માનવામાં આવે છે.
યુએસએના ભારતીય કૉન્સ્યુલેટ જનરલની વેબસાઇટ અનુસાર, એક વાર તમે વિદેશી નાગરિકતા પ્રાપ્ત કરી લો, પછી તમારે તમારો ભારતીય પાસપૉર્ટ રદ કરવા માટે સંબંધિત ભારતીય દૂતાવાસને સોંપવો પડશે. તેનો અર્થ એ કે તમે જે દેશમાં નાગરિકતા મેળવો છો તે દેશના ભારતીય દૂતાવાસમાં તેને સબમિટ કરવાનું રહેશે. જે પછી ભારતીય દૂતાવાસ તેને રદ કરશે અને તમારા પાસપૉર્ટને સરેન્ડર સર્ટિફિકેટ સાથે પરત કરશે.
જોકે, વિદેશ મંત્રાલયની વેબસાઇટ અનુસાર, ઉત્તર અમેરિકા અને અન્ય વિકસિત દેશોમાં રહેતા પ્રવાસી ભારતીયો તરફથી "બેવડી નાગરિકતા" માટેની સતત માગને ધ્યાનમાં રાખીને સરકારે ઑગસ્ટ 2005માં નાગરિકતા અધિનિયમ, 1955માં સુધારો કરીને ઓવરસીઝ સિટીઝનશિપ ઑફ ઇન્ડિયા (OCI) યોજના રજૂ કરી હતી.
ઓસીઆઈ શું છે?
વિદેશ મંત્રાલયની વેબસાઇટ અનુસાર, આ યોજના ભારતીય મૂળના તમામ વ્યક્તિઓને ઓવરસીઝ સિટીઝન્સ ઑફ ઇન્ડિયા (OCI) તરીકે નોંધણી કરાવે છે.
આ યોજના મુજબ, એવા લોકો OCI યોજનાનો લાભ લઈ શકે છે જેઓ 26 જાન્યુઆરી 1950ના રોજ અથવા તે પછી ભારતના નાગરિક હતા અથવા 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતના નાગરિક બનવા માટે લાયક હતા.
જે લોકો પાકિસ્તાન, બાંગ્લાદેશ અથવા કેન્દ્ર સરકાર દ્વારા સત્તાવાર ગૅઝેટમાં સૂચના દ્વારા નિર્દેશિત અન્ય કોઈ પણ દેશના નાગરિક છે અથવા રહી ચૂક્યા છે તેઓ આ યોજનાનો લાભ લઈ શકશે નહીં.
જોકે, OCIને 'બેવડી નાગરિકતા' તરીકે ગણવું જોઈએ નહીં, કારણ કે OCI ભારતમાં આવા લોકોને રાજકીય અધિકારો આપતું નથી.
ઉપરાંત, આવા નાગરિકો સરકારી નોકરીઓના મામલામાં તકની સમાનતા અંગે બંધારણના અનુચ્છેદ 16 હેઠળ ભારતના નાગરિકોને આપવામાં આવેલા અધિકારોનો લાભ મેળવી શકશે નહીં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












