રાહુલ ગાંધીએ કૉંગ્રેસના જ નેતાઓને આડેહાથ લીધા, '30થી 40 જણાને કાઢવા પડે તો કાઢવા જોઈએ'

કૉંગ્રેસના નેતા, લોકસભા સાંસદ રાહુલ ગાંધી, રાહુલ ગાંધી, ગુજરાત કૉંગ્રેસ, ગુજરાત

ઇમેજ સ્રોત, INCIndia @X

ઇમેજ કૅપ્શન, રાહુલ ગાંધી શનિવારે ગુજરાતના અમદાવાદમાં પાર્ટીના કાર્યકરોને સંબોધિત કરી રહ્યા હતા

કૉંગ્રેસના નેતા અને લોકસભા સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું છે કે ગુજરાતમાં કૉંગ્રેસનું નેતૃત્વ વિભાજિત છે અને તે ગુજરાતને રસ્તો બતાવવામાં અસમર્થ છે.

ગુજરાતમાં કૉંગ્રેસના નેતૃત્વ અંગે તેમણે કહ્યું કે અહીંના નેતૃત્વમાં બે પ્રકારના લોકો છે, કેટલાક એવા છે જે જનતા સાથે ઊભા છે અને તેમના હૃદયમાં કૉંગ્રેસની વિચારધારા છે અને બીજા એવા છે જે જનતાથી દૂર છે અને તેમાંથી અડધા ભાજપ સાથે જોડાયેલા છે.

રાહુલ ગાંધી શનિવારે ગુજરાતના અમદાવાદમાં પાર્ટીના કાર્યકરોને સંબોધિત કરી રહ્યા હતા.

આ દરમિયાન, એક ઘટનાનો ઉલ્લેખ કરતા તેમણે પોતાની પાર્ટી વિશે કહ્યું કે કૉંગ્રેસ લગ્નમાં રેસના ઘોડાને મોકલે છે અને લગ્નના ઘોડાને રેસમાં મોકલે છે. પાર્ટીમાં નેતાઓની કોઈ અછત નથી પણ તેઓ એકબીજા સાથે જોડાયેલા છે. જો કડક કાર્યવાહી કરવી પડે અને 30થી 40 લોકોને દૂર કરવા પડે, તો તેમને દૂર કરવા જોઈએ.

તેમના નિવેદન પર ભાજપે કહ્યું છે કે આ તેમની વિચિત્ર માનસિક સ્થિતિનો પુરાવો છે. જ્યારે કૉંગ્રેસ કહે છે કે જો આપણે ભાજપ સામે લડવું હોય તો નિર્ભયતાથી લડવું પડશે.

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

રાહુલ ગાંધીએ અમદાવાદમાં કૉંગ્રેસના નેતાઓને શું કહ્યું?

કૉંગ્રેસના નેતા, લોકસભા સાંસદ રાહુલ ગાંધી, રાહુલ ગાંધી, ગુજરાત કૉંગ્રેસ, ગુજરાત

ઇમેજ સ્રોત, INCIndia @X

ઇમેજ કૅપ્શન, રાહુલ ગાંધીએ કહ્યું કે કૉંગ્રેસ 30 વર્ષથી ગુજરાતમાં સરકાર બનાવી શકી નથી, આ વખતે તેઓ આ પરિસ્થિતિને બદલવા માગે છે

ગુજરાતના અમદાવાદમાં પાર્ટી કાર્યકરોને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું કે કૉંગ્રેસના અધિકારીઓ અને કાર્યકરોએ જનતા સાથે સીધા જોડાવું પડશે, તો જ જનતા તેમના પર વિશ્વાસ કરશે.

રાહુલ ગાંધી બે દિવસના ગુજરાત પ્રવાસે છે.

ગુજરાતમાં 2027માં ચૂંટણી યોજાવાની છે અને શનિવારે રાહુલ ગાંધીએ પાર્ટીના કાર્યકરોને મળીને એક રીતે ચૂંટણીનું બ્યૂગલ ફૂંક્યું છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેમણે કહ્યું કે કૉંગ્રેસ 30 વર્ષથી ગુજરાતમાં સરકાર બનાવી શકી નથી, આ વખતે તેઓ આ પરિસ્થિતિને બદલવા માગે છે.

રાહુલ ગાંધીએ કહ્યું, "30 વર્ષ થઈ ગયાં છે, અહીં આપણી સરકાર નથી. અહીં વિપક્ષ પાસે 40 ટકા મત છે. અહીં વિપક્ષ નાનો નથી. જો તમે ગુજરાતના કોઈ પણ ખૂણામાં બે લોકોને ઊભા કરો, તો તેમાંથી એક ભાજપનો અને બીજો કૉંગ્રેસનો હશે. એનો અર્થ એ કે બેમાંથી એક આપણું હશે અને બીજું તેમનું."

"પરંતુ અમારું માનવું છે કે કૉંગ્રેસમાં તાકાત નથી. જો ગુજરાતમાં અમારા મત પાંચ ટકા વધે તો તમે (ભાજપ) ત્યાં ખતમ થઈ જશો. તેલંગણામાં અમે અમારા મત 22 ટકા વધાર્યા છે, અહીં ફક્ત પાંચ ટકાની જરૂર છે."

રાહુલ ગાંધીએ કહ્યું કે પાર્ટીનું નેતૃત્વ ગુજરાતના લોકોને નવો વિકલ્પ આપી શકતું નથી.

તેમણે કહ્યું, "કૉંગ્રેસને તેનું મૂળ નેતૃત્વ ગુજરાતમાંથી મળ્યું અને તે નેતૃત્વે આપણને વિચારવાની રીત, લડવાની રીત અને જીવન જીવવાની રીત આપી."

રાહુલ ગાંધીએ કહ્યું, "ગુજરાત એક નવો વિકલ્પ શોધી રહ્યું છે, પરંતુ કૉંગ્રેસ પાર્ટી તેને દિશા બતાવવામાં અસમર્થ છે. ભલે તે આપણા મહાસચિવ હોય કે આપણા પીસીસી પ્રમુખ, કૉંગ્રેસ પાર્ટી લોકોને દિશા બતાવવામાં અસમર્થ છે. આ સત્ય છે અને મને આ કહેવામાં કોઈ શરમ કે ડર નથી."

તેમણે કહ્યું , "ગુજરાતના નેતૃત્વમાં બે પ્રકારના લોકો છે, એક પ્રકારના લોકો એવા છે જે લોકોની સાથે ઊભા છે અને જેમના મૂળમાં કૉંગ્રેસની વિચારધારા છે. અને બીજા એવા લોકો છે જે લોકોથી કપાયેલા છે, જેમાંથી અડધા ભાજપ સાથે જોડાયેલા છે."

તેમણે કહ્યું, "કૉંગ્રેસ પાર્ટીમાં નેતાઓની કોઈ કમી નથી. જિલ્લા સ્તરે, બ્લૉક સ્તરે, સિનિયર સ્તરે... બબ્બર શેર છે. પણ આ બધા સિંહો સાંકળથી બંધાયેલા છે. એક વાર હું મીટિંગ કરી રહ્યો હતો. કદાચ મધ્યપ્રદેશથી કોઈ પ્રતિનિધિમંડળ આવ્યું હતું. ત્યાં એક કાર્યકર ઊભો થયો અને કહ્યું કે રાહુલજી, કૃપા કરીને એક કામ કરો. તેમણે કહ્યું કે બે પ્રકારના ઘોડા હોય છે. એક રેસ માટે અને બીજો લગ્ન માટે. કૉંગ્રેસ પાર્ટી લગ્નમાં રેસનો ઘોડો અને લગ્નનો ઘોડો રેસમાં મૂકે છે."

"હવે ગુજરાતના લોકો જોઈ રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે ભાઈ, કૉંગ્રેસ પાર્ટીએ લગ્નના વરઘોડાના ઘોડાને રેસમાં મૂકી દીધો છે. જો આપણે લોકો સાથે જોડાવા માગતા હોઈએ તો આપણે બે કામ કરવાં પડશે."

"પહેલા તો, આપણે આ બે જૂથોને અલગ કરવા પડશે. જો આપણે કડક કાર્યવાહી કરીને 30થી 40 લોકોને દૂર કરવા હોય, તો તેમને દૂર કરવા જોઈએ. આ લોકો અંદરથી ભાજપ માટે કામ કરી રહ્યા છે, તેમને બહારથી કામ કરવા દો."

"જીત કે હાર ભૂલી જાઓ, જો આપણા નેતાઓના હાથ કાપવામાં આવે તો તેમાંથી કૉંગ્રેસનું લોહી નીકળવું જોઈએ. આવા લોકો પાસે સંગઠનનું નિયંત્રણ હોવું જોઈએ. જેમ જેમ આપણે આ કરીશું, જનતા આપણી સાથે જોડાતી જશે.''

રાહુલ ગાંધીએ કહ્યું, "આપણે કૉંગ્રેસની એ જ વિચારધારા તરફ પાછા ફરવું પડશે, જે ગુજરાતની વિચારધારા છે. એ જ વિચારધારા જે ગુજરાતના લોકો, મહાત્મા ગાંધી અને સરદાર પટેલે કૉંગ્રેસને શીખવી છે."

રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપે શું કહ્યું?

કૉંગ્રેસના નેતા, લોકસભા સાંસદ રાહુલ ગાંધી, રાહુલ ગાંધી, ગુજરાત કૉંગ્રેસ, ગુજરાત

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, સુધાંશુ ત્રિવેદીએ કહ્યું, "પોતાના પક્ષના લોકોનું જાહેરમાં અપમાન કરવાનું આવું ઉદાહરણ બીજે ક્યાંય જોવા મળશે નહીં

ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ શનિવારે એક પ્રેસ કૉન્ફરન્સમાં રાહુલ ગાંધીના આ નિવેદન પર કટાક્ષ કર્યો.

તેમણે કહ્યું, "જે વ્યક્તિ કદાચ ગુજરાત ચૂંટણી દરમિયાન એક પણ સભા કરવા માટે ગુજરાત ગયા ન હતા અને કૉંગ્રેસનાં 140 વર્ષના ઇતિહાસમાં સૌથી નિષ્ફળ પ્રમુખ છે, તેઓ ગુજરાત કૉંગ્રેસમાં સફળતાનો મૂળ મંત્ર શીખવવા માટે કાર્યકરોની સભા યોજી રહ્યા છે"

તેમણે કહ્યું, "જોકે આ કૉંગ્રેસનો આંતરિક મામલો છે, પરંતુ તેમનું નિવેદન ચોક્કસપણે કૉંગ્રેસની આંતરિક દુર્દશા અને રાહુલ ગાંધીની વિચિત્ર માનસિક સ્થિતિ તરફ ઈશારો કરે છે."

સુધાંશુ ત્રિવેદીએ કહ્યું, "પોતાના પક્ષના લોકોનું જાહેરમાં અપમાન કરવાનું આવું ઉદાહરણ બીજે ક્યાંય જોવા મળશે નહીં. અમે તેમને પૂછવા માગીએ છીએ કે તમે બધા કોને મળી રહ્યા છો."

તેમણે કહ્યું, "જ્યારથી કૉંગ્રેસમાં સોનિયા અને રાહુલ ગાંધીનો યુગ આવ્યો છે, ત્યારથી ગુજરાતમાં કૉંગ્રેસની હાલત વધુ ખરાબ થઈ ગઈ છે. જે રીતે તમારા સંપર્કો બહાર આવી રહ્યા છે, તે જોઈને લાગે છે કે તમે ઘણાં શંકાસ્પદ સંગઠનો સાથે જોડાયેલા છો."

આ દરમિયાન, ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે કહ્યું, "ગુજરાતના કાર્યકરોએ સાબિત કરી દીધું છે કે તેઓ તેમના નેતા રાહુલ ગાંધી પર વિશ્વાસ કરતા નથી અને રાહુલ ગાંધીએ પણ ભારે હૃદયથી આ વાત કહી હતી. હવે આ નેતૃત્વ પર પ્રશ્ન છે અને જ્યારે નેતૃત્વ પર પ્રશ્ન ઉઠાવવામાં આવે છે, ત્યારે કાર્યકરો તેમનાથી અલગ થવા લાગે છે, તેઓ મોઢું ફેરવવા લાગે છે. રાહુલ ગાંધીએ પોતે આ વાત કહી હતી."

કૉંગ્રેસનું શું કહેવું છે?

કૉંગ્રેસના નેતા, લોકસભા સાંસદ રાહુલ ગાંધી, રાહુલ ગાંધી, ગુજરાત કૉંગ્રેસ, ગુજરાત

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસ નેતા સુપ્રિય શ્રીનેતે કહ્યું કે "રાહુલ ગાંધી વિચારધારાની લડાઈ લડી રહ્યા છે"

કૉંગ્રેસ નેતા સુપ્રિય શ્રીનેતે સમાચાર એજન્સી પીટીઆઈ સાથે વાત કરતાં કહ્યું કે "રાહુલ ગાંધી વિચારધારાની લડાઈ લડી રહ્યા છે."

તેમણે કહ્યું, "રાહુલ ગાંધીએ ચાલાકીથી કહ્યું કે જો આપણે ભાજપ સામે લડવું હશે તો કોઈ શંકા વિના લડવાનું છે, કોઈ સમજૂતિ વિના લડવાનું છે, જે નીડરતાથી તેઓ લડી છે."

"મને લાગે છે કે જો તમારા મનમાં સહેજ પણ સંશય હોય કે ભય હોય તો તમે આ લડાઈમાં તેમના સેનાપતિ ન હોઈ શકો. તેઓ સાચું કહી રહ્યા છે."

તો કૉંગ્રેસ નેતા અહમદ પટેલનાં પુત્રી મુમતાઝ પટેલે કહ્યું કે રાહુલ ગાંધીએ એવા લોકોની ઓળખ કરવી જોઈએ.

આમ કહીને તેમણે રાહુલ ગાંધીના નિવેદનને સાચું ગણાવ્યું છે.

તેમણે આરોપ લગાવ્યો કે "એવા ઘણા લોકો છે, જેઓ પોતાના સ્વાર્થ માટે, પાર્ટીમાં આરામદાયક પૉઝિશન પર છે, તેઓ નથી ઇચ્છતા કે નવા લોકો, નવા ચહેરા આગળ આવે, અંદરથી એવું અનુભવાય છે કે અમને રોકાઈ રહ્યા છે."

કૉંગ્રેસના નેતા, લોકસભા સાંસદ રાહુલ ગાંધી, રાહુલ ગાંધી, ગુજરાત કૉંગ્રેસ, ગુજરાત

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસના નેતા અહમદ પટેલનાં પુત્રી મુમતાઝ પટેલે કહ્યું કે રાહુલ ગાંધીએ એવા લોકોની ઓળખ કરવી જોઈએ.

મુમતાઝ પટેલે સમાચાર એજન્સી એએનઆઈને કહ્યું કે "હું રાહુલ ગાંધીને આગ્રહ કરું છું કે તેઓ એવા લોકોને ઓળખે, જેઓ સાચા લોકોને પોતાની પાર્ટી સાથે જોડાવા દેતા નથી, જે ઈમાનદાર લોકોને જોડવા નથી દેતા."

તેમણે કહ્યું કે "ગુજરાત મુલાકાય દરમિયાન રાહુલ ગાંધી પદાધિકારીઓને મળવાના છે અને હું કોઈ પદ પર નથી. મારો પરિવાર ત્રણ પેઢીથી કૉંગ્રેસ પાર્ટી સાથે એક ઈમાનદાર, જવાબદાર અને વફાદાર પરિવાર રહ્યો છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી."

"અમે ઇચ્છીએ છીએ કે મહેનતથી, ખંતથી કૉંગ્રેસ પાર્ટી માટે કામ કરીએ, પણ અમને તક અપાતી નથી."

તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ જે કહ્યું તેનાથી પ્રેરણા મળે છે. "હું આશા રાખું કે તેઓ એ લોકોને ઓળખશે કે કૉંગ્રેસને ફરી તાકત આપવા માટે, કોનો ક્યાં ઉપયોગ થવો જોઈએ."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.