સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી : ગુજરાતમાં કૉંગ્રેસ પાર્ટી, ભાજપ સામે જીતી કેમ શકતી નથી?

ઇમેજ સ્રોત, Social/Getty
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
લગભગ નવેક મહિના પહેલાં યોજાયેલી લોકસભાની ચૂંટણી દરમિયાન કૉંગ્રેસે તમામ 26 બેઠક જીતવાના ભાજપના સપનાને રોળી નાખ્યું હતું. કેન્દ્રીય સ્તરે પણ કૉંગ્રેસે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું અને ભાજપને આપબળે બહુમતીથી દૂર રાખ્યો હતો.
એ સમયે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી હતી કે કૉંગ્રેસ પોતાને એવાં રાજ્યોમાં મજબૂત કરવાનો પ્રયાસ કરશે કે જ્યાં તે ભાજપને સીધી જ ટક્કર આપી શકે છે એમ છે. આવું જ એક રાજ્ય ગુજરાત હતું.
આથી, અહીંના કાર્યકરોમાં પણ આશા બંધાઈ હતી, પરંતુ એક વર્ષ કરતાં ટૂંકા ગાળામાં પાર્ટીને જોરદાર આંચકો લાગ્યો છે.
પાર્ટીએ માત્ર સલાયા નગરપાલિકામાં વિજયથી સંતોષ માનવો પડ્યો છે.
તાજેતરમાં 16 જાન્યુઆરીના રોજ યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની 170 સંસ્થાની ચૂંટણીમાં કુલ 2165 બેઠકો પૈકી ભાજપે 1,600 બેઠક જીતીને ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું. જ્યારે કૉંગ્રેસને 300 જેટલી બેઠકો જ મેળવી શકી હતી.
કેન્દ્રીય જળશક્તિમંત્રી સીઆર પાટીલે જીત બાદ કહ્યું હતું કે ભાજપ 65 નગરપાલિકામાં બોર્ડ રચશે.
વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યમાં ભાજપને 'અભૂતપૂર્વ' જીત મળ્યા બાદ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ કૉંગ્રેસનું 'ધોવાણ' થતાં રાજકીય વિશ્લેષકોએ રાજ્યમાં કૉંગ્રેસના પ્રદર્શન માટે જવાબદાર પરિબળોનું વિશ્લેષણ કર્યું હતું.
રાજકીય વિશ્લેષકો ઓબીસી અનામત પછી યોજાયેલી ચૂંટણીમાં કૉંગ્રેસના પરાજય માટે દાયકાઓ અગાઉ થયેલી ભૂલને જવાબદાર માને છે, જેના કારણે પછીનાં વર્ષોમાં તેનું ધોવાણ થતું રહ્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

'સંગઠન અને આયોજનનો અભાવ હારનું મુખ્ય કારણ'
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાતના જાણીતા રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહ કૉંગ્રેસની હારનાં કારણોની છણાવટ કરતાં કહે છે કે, "કૉંગ્રેસ પાસે નેતા તો ઘણા છે, પરંતુ તેમની પાસે મજબૂત સંગઠન નથી. ઉપરાંત સંગઠન માટે કાર્યકર્તા પણ નથી. ગુજરાતમાં પાર્ટીનું સંગઠન મજબૂત કરવા પ્રયોગ કરે એટલા સમય સુધીમાં પ્રદેશાધ્યક્ષનો કાર્યકાળ જ પૂર્ણ થઈ જાય છે."
રાજકીય વિશ્લેષક વિદ્યુત જોશી પણ આ વાત સાથે સંમત થાય છે અને કહે છે કે, "કૉંગ્રેસેની ભગિની સંસ્થાઓ જેમ કે, સેવાદળ, ઇન્ટુક, વકીલ અને ડૉક્ટર સંગઠન 1990થી ખૂબ નબળી અવસ્થામાં છે. આના કારણે કૉંગ્રેસનું સંગઠન નબળું પડ્યું છે અને કાર્યકર્તા વિનાનું બની ગયું છે. કંઈક આવું એક સમયે મજબૂત મનાતા કૉંગ્રેસની વિદ્યાર્થી પાંખ નૅશનલ સ્ટુડન્ટ યુનિયન ઑફ ઇન્ડિયા સાથે પણ થયું છે."
વિદ્યુત જોશી આ મુદ્દે વધુ જણાવતાં કેવી રીતે કૉંગ્રેસની 'કમજોરી'ની સામે ભાજપે 'મજબૂતી માટે અપનાવેલી વ્યૂહરચના' અપનાવી એ અંગે વાત કરે છે.
તેઓ કહે છે કે, "એક તરફ કૉંગ્રેસની પાયાની સંસ્થાઓ નબળી પડી છે, તો સામેની બાજુએ ભાજપને એની ભગિની સંસ્થાઓ કિસાનસંઘ, યુવા મોરચો, ડૉક્ટર વિંગ, વકીલ વિંગ અને ગુજરાતીઓને અસર કરી શકે એવી વિદેશમાં વસતા ગુજરાતીઓની એનઆરઆઇ વિંગ બનાવી છે, જે એમને મોટો ફાયદો કરે છે."
રાજકીય વિશ્લેષક કૌશિક મહેતા પણ કહે છે કે કૉંગ્રેસ પાસે કહે છે કૉંગ્રેસ પાસે સંગઠનનો અભાવ છે.
"આ ઉપરાંત કઈ બેઠક પર કયો અપક્ષ ઉમેદવાર હરાવી શકે અને વોટ તોડી શકે એના આયોજનનો પણ અભાવ છે."

'ટેકા પાર્ટીની છાપ અને ઓછું મનોબળ'
ઘનશ્યામ શાહ કૉંગ્રેસની હારનાં કારણો અંગે વધુ વાત કરતાં કહે છે કે, "1990થી કૉંગ્રેસની 'ટેકા પાર્ટી' તરીકેની છાપ ઊભી થઈ છે, અને પક્ષ તેને ભૂંસી શક્યો નથી. કૉંગ્રેસના આંતરિક જૂથવાદને કારણે કૉંગ્રેસમાં હરીફ પક્ષને હરાવવાનો જુસ્સા કરતાં વધુ પોતાનાથી બીજો ઉમેદવાર આગળ ન નીકળી જાય, એ સુનિશ્ચિત કરવામાં પક્ષના નેતાઓ વધુ તાકત વાપરે છે."
આ સિવાય તેઓ કૉંગ્રેસની હારનાં બીજાં કારણો અંગે વાત કરતાં કહે છે કે, "બીજું કે માત્ર રાજ્ય કક્ષાએ નહીં, પણ રાષ્ટ્રીય કક્ષાએ કૉંગ્રેસના સતત પરાજયને કારણે એમનું મનોબળ તૂટ્યું છે. એટલું જ નહીં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્થાનિક પ્રશ્નોનો અભ્યાસ કર્યા વગર પક્ષ ચૂંટણીમાં ઊતરે છે. એમની પાસે સ્વીકૃત નેતા નથી, જ્યારે ભાજપને એમના સ્વીકૃત નેતાનો ઉપયોગ કેમ કરવો એની આવડત છે. એના કારણે કૉંગ્રેસની હાર થાય છે."

'સત્તાવિરોધી લહેરને ખાળવાની ભાજપની કાબેલિયત'
વિદ્યુત જોશી કહે છે કે, "કૉંગ્રેસ એમ માને છે કે ઍન્ટિ-ઇન્કમબન્સીનો એમને ફાયદો મળશે, પણ ભાજપ સમયાંતરે પોતાની વ્યૂહરચના બદલે છે. દર દસ વર્ષે ઍન્ટિ-ઇન્કમબન્સી આવે, એને ખાળવા માટે ભાજપે નો- રિપીટ થિયરી અપનાવી છે. એટલે જેનાથી લોકો નારાજ હોય એ નેતાને ટિકિટ નહીં આપવાની. એટલે લોકોમાં એક એવો પણ ભરોસો બેસી ગયો છે કે ભાજપ લોકોની સેવા નહીં કરનારને બીજી તક નથી આપતો, એટલે એ છાપ કામ કરી જાય છે અને ઍન્ટિ-ઇન્કમબન્સીને ખાળી શકાય છે."
વિદ્યુત જોશી આગળ કહે છે કે, "ગુજરાતના મતદારોની તાસીર અલગ છે. અહીં લોકો ધંધો, શાંતિ અને ધર્મમાં માનનારા છે. એ નાડ પારખતા ભાજપને આવડે છે એટલે કૉંગ્રેસ આંદોલન કરે તો એમને ધારી સફળતા પણ મળતી નથી."
કૌશિક મહેતા કહે છે કે, "કૉંગ્રેસમાં લાંબા સમયથી યુવા નેતાગીરી ઊભી નથી થઈ અને ચૂંટણી સમયે કૉંગ્રેસને કાયમ એમ લાગે છે કે તેને ઍન્ટિ-ઇન્કમબન્સીનો એમને ફાયદો મળશે અને જીતી જશે, પણ એ શક્ય નથી બનતું. કારણ કે એમની પાસે સક્ષમ નેતાગીરી અને મતદાતાઓને આકર્ષી શકે એવી વ્યૂહરચનાનો અભાવ છે."
કૌશિક મહેતા આ મુદ્દે વધુ વાત કરતાં કહે છે કે, "આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અપક્ષ 13.78% મત લઈ ગયા છે અને ચૂંટણી પહેલાં ભાજપ 162 સીટમાં બિનહરીફ જીતી ગયો હતો. એ કૉંગ્રેસનું મનોબળ તોડવા માટે પૂરતું હતું, એટલે કૉંગ્રેસનો લડાયક જુસ્સો ઠંડો પડી ગયો. ભાજપ કૉંગ્રેસના કાર્યકર્તાનું મનોબળ તોડવા ઉપરાંત મતદારોમાં એક છાપ ઊભી કરી શક્યા હતા કે ભાજપને સમર્થન મળી રહ્યું છે, આ ચિત્ર પણ કૉંગ્રેસની હારનું એક કારણ છે."
કેવાં રહ્યાં ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામ?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનાં પરિણામો અંગે રાજ્ય ચૂંટણીપંચે જાહેર કરેલા આંકડા મુજબ :
જૂનાગઢ મ્યુનિસિપલ કૉર્પોરેશનની કુલ 60 બેઠકોમાંથી ભાજપને 48, કૉંગ્રેસને 11 અને અપક્ષને એક બેઠક મળી હતી.
જ્યારે મ્યુનિસિપલ કૉર્પોરેશનની ત્રણ બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપને ત્રણેય બેઠકો પર જીત મળી હતી.
તેમજ નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 1,840 બેઠકોમાંથી 1,341 ભાજપના ખાતામાં ગઈ હતી. જ્યારે કૉંગ્રેસ, એનસીપી, સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી, એઆઇએમઆઇએમ, અન્ય પક્ષો અને અપક્ષને અનુક્રમે 252, 2, 43, 27, 1, 5 અને 151 બેઠકો મળી હતી.
જ્યારે નગરપાલિકાની 21 બેઠકો પર યોજાયેલ પેટાચૂંટણીમાં 17 ભાજપ, બે કૉંગ્રેસ અને અપક્ષને બે બેઠકો મળી હતી.
આ સિવાય 72 બેઠકો પર નગરપાલિકાની વચગાળાની ચૂંટણી યોજાઈ હતી, જેમાંથી 62 ભાજપ, આઠ કૉંગ્રેસ અને એક આપના ખાતામાં ગઈ હતી.
જિલ્લા પંચાયતની નવ બેઠકો પર યોજાયેલ પેટાચૂંટણીમાં તમામ બેઠકો ભાજપના ખાતામાં ગઈ હતી.
તાલુકા પંચાયતની 78 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં 55 બેઠકો ભાજપ, 17 કૉંગ્રેસ અને પાંચ અપક્ષને મળી હતી.
અંતે તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં 88 બેઠકોમાંથી 73 ભાજપ, 12 કૉંગ્રેસ, બે આપ અને એક અપક્ષને મળી હતી.
આમ, જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં તાજેતરમાં ચૂંટણી યોજાઈ તેમાં ભાજપને 'ભારે જીત' મળી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












