You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગેરકાયદે ભારતીયોથી માંડીને ટેરિફ સુધી મોદી-ટ્રમ્પની મુલાકાતની છ મોટી વાતો
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત બાદ જાહેરાત કરી કે ભારત વેપાર નુકસાનને ઘટાડવા અમેરિકા પાસેથી એફ-35 ફાઇટર વિમાન સહિત અગાઉ કરતાં વધુ ઑઇલ, ગૅસ અને સૈન્ય હાર્ડવેરની ખરીદી કરશે.
પરંતુ બંને દેશો તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં એફ-35 વિમાનની ખરીદીનો કોઈ ઉલ્લેખ નથી. મોદી અને ટ્રમ્પના સંવાદદાતા સંમેલન બાદ ભારતીય વિદેશસચિવ વિક્રમ મિસરીએ પણ કહ્યું છે કે હાલ એફ-35ને ખરીદવાની વાત માત્ર એક પ્રસ્તાવ છે. આ ખરીદી માટે કોઈ ઔપચારિક પ્રક્રિયા શરૂ નથી થઈ.
પરંતુ ટ્રમ્પે એ પણ સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા ભારત પર પણ 'પારસ્પરિક શુલ્ક' લાદી શકે છે. હાલમાં જ પારસ્પરિક શુલ્ક (રેસિપ્રોકલ ટેરફિ)નો અર્થ ટ્રમ્પે જાતે જણાવ્યો હતો.
તેમણે કહ્યું હતું કે, "જેટલી ટેરિફ અન્ય દેશ અમેરિકા પર લાદે છે, અમેરિક હવે એટલી જ ટેરિફ તેમના પર પણ લાદશે. ન વધુ, ન ઓછી."
ટ્રમ્પ સાથે બહુપ્રતીક્ષિત મુલાકાતમાં નરેન્દ્ર મોદીએ બંને દેશો વચ્ચે વેપાર પર મુક્તમને ચર્ચાની રજૂઆત કરી છે અને અમેરિકામાં ગેરકાયદેસર રીતે આવેલા ભારતીયોને પરત લાવવાની વાત કરી છે.
આ સિવાય એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરતાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે મુંબઈ હુમલા મામલે ભારતમાં વૉન્ટેડ તહવ્વુર રાણાને ભારતને સોંપશે. અમેરિકન જેલમાં બંધ રાણાને ભારત લાવવાના પ્રયાસો ઘણા સમયથી ચાલી રહ્યા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ફ્રાન્સથી અમેરિકા પહોંચ્યા અને ભારતીય સમયાનુસાર શુક્રવારે વ્હાઇટ હાઉસમાં તેમની અને ટ્રમ્પની મુલાકાત થઈ.
બંને નેતાઓએ પ્રેસ સામે આપેલા નિવેદનમાં ઑઇલ-ગૅસ, ડિફેન્સ, ટેરિફ, ટેકનૉલૉજી અને વેપારના વિવિધ પાસાં પર વાત કરી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રેસને સંબોધિત કરતાં બંને નેતાઓએ દ્વિપક્ષીય વેપાર અને સંબંધોને મજબૂત કરવાની વાત કરી.
ટ્રમ્પે આશા વ્યક્ત કરી કે ભારત અમેરિકન સામાન પર ટેરિફને તર્કસંગત બનાવશે. સાથે જ તેમણે સંરક્ષણ ખરીદીમાં પણ વ્યાપક સહયોગ સાથે ભારતને 'સ્ટીલ્થ ફાઇટર' જેટ એફ – 35 વેચવાની ઇચ્છા વ્યક્ત કરી.
અમેરિકામાં રહી રહેલા ગેરકાયદેસર ભારતીય માઇગ્રન્ટ્સ
વ્હાઇટ હાઉસમાં પ્રેસ-કૉન્ફરન્સ દરમિયાન નેતાઓએ એકબીજાની પ્રશંસા કરી, જ્યારે મોદીએ ટ્રમ્પના નારા માગા (મેક અમેરિકા ગ્રેટ અગેન)નો ઉલ્લેખ કરતાં કહ્યું કે, "મેક ઇન્ડિયા ગ્રેટ અગેન" અને જોડ્યું, "જ્યારે માગા પ્લસ માગા મળે છે તો એ મલીને મેગા બની જાય છે."
તેમણે બંને લોકતંત્રોની "સમૃદ્ધિ માટે એક મેગા પાર્ટનરશિપ" પર વાત કરી.
વડા પ્રધાન મોદીએ વર્ષ 2030 સુધી અમેરિકા સાથેનો વેપાર બમણો કરવાની વાત કરી હતી.
અમરિકાએ ગેરકાયદેસર રીતે રહી રહેલા ભારતીયો વિશે વડા પ્રધાન મોદીએ કહ્યું, "આ મુદ્દે અમારા વિચાર એકસમાન છે, અને એ એ છે કે અમેરિકામાં રહી રહેલા ભારતીયો પૈકી કોઈ પણ વ્યક્તિની ખરાઈ થશે તો અમે તેમને પરત ભારતમાં લેવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ."
તેમણે કહ્યું કે કેટલાક અપ્રવાસીઓને માનવતસ્કર લાવે છે અને તેઓ એ વાતથી પણ વાકેફ હોય છે કે તેમને અમેરિકા લવાયા છે.
પીએમએ કહ્યું, "આ ખૂબ સામાન્ય પરિવારોનાં બાળકો છે અને તેમને મોટાં સપનાં બતાવવામાં આવે છે અને મોટા મોટા વાયદા કરાય છે."
તેમણે કહ્યું કે 'સરળતાથી શિકાર બની જતા એ યુવાનો'ને બચાવવા માટે માનવતસ્કરી પર સંપૂર્ણપણે સકંજો કસાય એ જરૂરી છે, તેમને અમેરિકામાં ગેરકાયદસેર રીતે આવવા માટે 'મૂર્ખ' બનાવાય છે.
ટ્રમ્પે જ્યારથી રાષ્ટ્રપતિપદના શપથ લીધા છે, અમેરિકાએ એક ખેપમાં પોતાનાં સૈન્યવિમાનથી દસ્તાવેજ વગરના ગેરકાયદેસર અપ્રવાસી ભારતીયોને ભારત પરત મોકલાવ્યા છે.
ગત અઠવાડિયે ભારતના વિદેશમંત્રીએ કહ્યું કે ભારત, અમેરિકા સાથે મળીને એ વાત સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહ્યાં છે કે પરત મોકલવાની પ્રક્રિયામાં ભારતીય નાગરિકો સાથે કોઈ દુર્વ્યવહાર ન થાય.
મુંબઈ 2008ના ઉગ્રવાદી હુમલા સાથે કથિતપણે જોડાયેલા તહવ્વુર રાણાને અમેરિકાથી ભારત પરત લાવવાની પરવાનગી આપવા માટે મોદીએ ટ્રમ્પનો આભાર વ્યક્ત કર્યો.
ટેરિફ
ટ્રમ્પે વર્ષ 2025થી જ ભારતને સંરક્ષણ વેચાણ વધારવાની વાત કરી અને કહ્યું, "અમે ભારતને ઘણા અબજ ડૉલરનું સંરક્ષણ વેચાણ કરીશું. અમે ભારતને એફ-35 સ્ટીલ્થ ફાઇટર જેટ ઉપલબ્ધ કરાવવાની રીતો શોધશું."
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતના એક દિવસ પહેલાં જ ગુરુવારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે અન્ય દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લગાડવાની વાત કરી હતી.
જ્યારે પત્રકારોએ આ વિશે ટ્રમ્પને પૂછ્યુ તો તેમણે કહ્યું, "એનાથી કોઈ ફરક નથી પડતો કે એ ભારત છે કે કોઈ અન્ય દેશ, અમે એમના પર એટલી જ ટેરિફ લગાડવા જઈ રહ્યા છીએ, જેટલી એ અમારા પર લગાડે છે."
ટેરિફ અંગે ટ્રમ્પે કહ્યું, "અમારા સહયોગી દુશ્મનો કરતાં પણ ખરાબ છે."
તહવ્વુર રાણાનું પ્રત્યર્પણ
ટ્રમ્પે કહ્યું છે કે આખી દુનિયામાં ઇસ્લામિક ઉગ્રવાદના ખતરાનો સામનો કરવા માટે ભારત અને અમેરિકા એ પ્રકારે મળીને કામ કરશે જેવું 'અગાઉ ક્યારેય નથી બન્યું.'
મુંબઈ હુમલાના કાવતરાખોર તહવ્વુર રાણાને ભારતને સોંપવાનો ઉલ્લેખ કરતાં ટ્રમ્પે કહ્યું, "આ એલાન કરતાં હું રાજીપો અનુભવું છું કે અમારા પ્રશાસને વિશ્વની સૌથી દુષ્ટ વ્યક્તિઓ પૈકી એકના પ્રત્યર્પણની મંજૂરી આપી દીધી છે."
તેમણે કહ્યું, "તેમને હવે ભારતમાં કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવા મોકલવામાં આવશે. અમે એમને તાત્કાલિક અસરથી ભારતને સોંપી રહ્યા છીએ અને અમારી પાસે વધુ કેટલીક અરજીઓ આવી છે, જે અંતર્ગત વધુ લોકોને પ્રત્યર્પિત કરાશે."
નાગરિક પરમાણુ ઊર્જા સહયોગ
અમેરિકન રાષ્ટ્રપતિએ નાગરિક પરમાણુ ઊર્જાક્ષેત્રમાં ભારત અને અમેરિકન સહયોગમાં હકારાત્મક પ્રગતિની વાત કરી.
તેમણે કહ્યું, "અમેરિકન પરમાણુ ઉદ્યોગ માટે એક મોટી ઉપલબ્ધિ મળી છે. અમેરિકન ન્યૂક્લિયર ટેકનૉલૉજીને ભારતીય બજારમાં સ્થાન આપવા માટે ભારત નિયમોમાં સુધારો લાવી રહ્યું છે. "
લદ્દાખમાં સીમા પર તણાવ બાદ ટ્ર્મ્પે બૉર્ડર પર થયેલા ઘર્ષણને 'અતિશય ભયાનક' ગણાવ્યું.
અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું, "બૉર્ડર પરનાં ઘર્ષણો અત્યંત ભયાનક છે… જોવું પડશે કે આમાં હું શું મદદ કરી શકું."
તેમણે આશા વ્યક્ત કરી કે ચીન, ભારત, રશિયા અને અમેરિકા સાથે આવશે.
ભારત-મધ્યપૂર્વ-યુરોપ ઇકૉનૉમિક કૉરિડૉર પર ટ્રમ્પે કહ્યું કે વિશ્વમાં ઐતિહાસિકપણે મહાન વેપારી માર્ગોમાંથી એકના નિર્માણમાં મદદ માટે બંને પક્ષ એક સાથે કામ કરવા રાજી થયાં છે.
ડિફેન્સ, ઑઇલ અને ગૅસની ખરીદી
અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે તેઓ અને મોદી આ વાતે સંમત થયા છે, જે અમેરિકાને ભારતનું પ્રથમ ક્રમનું ગૅસ સપ્લાયર બનાવી શકે છે.
તેમણે કહ્યું કે આ ભારત સાથે 45 અબજ ડૉલરના અમેરિકન વેપાર નુકસાનને ઘટાડવાની યોજનાનો આ ભાગ છે.
ટ્રમ્પે કહ્યું કે બંને પક્ષે કુલ સંરક્ષણ ભાગીદારીને વધારવાનો નિર્ણય લીધો છે.
તેમણે કહ્યું, "આ વર્ષની શરૂઆતથી, અમે ભારતને સંરક્ષણ વેચાણમાં અબજો ડૉલરનો વધારો કરીશું."
તેમણે કહ્યું, "ભારતને એફ-35 સ્ટીલ્થ ફાઇટર વિમાન ઉપલબ્ધ કરાવવાનો રસ્તો શોધી રહ્યા છીએ. " એફ-35 ફાઇટર જેટને સંપૂર્ણ દુનિયામાં સૌથી આધુનિક ફાઇટર વિમાન ગણાવાય છે.
બાંગ્લાદેશમાં સત્તાપરિવર્તન
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બાંગ્લાદેશમાં થયેલ સત્તાપરિવર્તન પર કહ્યું કે આમાં 'અમારી ભૂમિકા નથી.'
ટ્રમ્પને પુછાયું, "તમે બાંગ્લાદેશ વિશે શું કહેવા માગશો, કારણ કે આપણે જોયું કે અને સ્પષ્ટ પણ છે કે બાઇડન પ્રશાસન દરમિયાન અમેરિકન ડીપ સ્ટેટ કામ કરી રહ્યું હતું? મોહમ્મદ યુનુસ જુનિયર સોરોસને પણ મળ્યા. તમે આ સમગ્ર પરિપ્રેક્ષ્યમાં બાંગ્લાદેશ અંગે શું કહેવા માગશો?"
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, "આમાં અમારા ડીપ સ્ટેટની કોઈ ભૂમિકા નથી. આ અંગે વડા પ્રધાન મોદી લાંબા સમયથી કામ કરી રહ્યા છે."
બાંગ્લાદેશમાં વિરોધપ્રદર્શન દરમિયાન પાંચ ઑગસ્ટના રોજ તત્કાલીન વડાં પ્રધાન શેખ હસીનાએ દેશ છોડી દીધો હતો અને તેઓ હાલ ભારતમાં રહી રહ્યાં છે.
જે બાદ બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનૂસના નેતૃત્વમાં વચગાળાની સરકાર બની. બાંગ્લાદેશની હાલની સરકાર ઘણી વખત શેખ હસીનને દેશ પરત મોકલવાની માગ ભારત સમક્ષ કરી ચૂકી છે.
ભારત તટસ્થ નથી, પરંતુ…
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પત્રકારપરિષદ દરમિયાન રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા જંગનો પણ ઉલ્લેખ કર્યો.
વડા પ્રધાન મોદીએ કહ્યું કે લોકોને લાગે છે કે રશિયા-યુક્રેન સંઘર્ષમાં ભારત તટસ્થ રહ્યું છે, પરંતુ આ વાત ખોટી છે.
તેમણે કહ્યું, "ભારત શાંતિના પક્ષમાં રહ્યું. અમે હંમેશાં કહ્યું કે બંને પક્ષો (યુક્રેન અને રશિયા)એ વાતચીત કરવી જોઈએ."
નરેન્દ્ર મોદીએ સાથે જ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ખતમ કરાવવાના પ્રયત્નોની પ્રશંસા કરી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન