મુકેશ ચંદ્રાકરની હત્યાએ ફરી સાબિત કર્યું કે બસ્તરમાં પત્રકારત્વ કેટલું જોખમી છે

ઇમેજ સ્રોત, Alok Putul
- લેેખક, આલોક પ્રકાશ પુતુલ
- પદ, રાયપુરથી, બીબીસી માટે
ભારતમાં માઓવાદીઓ અને સુરક્ષાદળોની લડાઈનું કેન્દ્ર બની ગયેલા બસ્તરમાં પત્રકારોએ માત્ર આ બે મોરચે જ ઝઝૂમવું પડે છે એવું નથી.
આ પત્રકારો માટે ચારેબાજુ મોરચા છે અને આ માટે ઘણી વાર તેમણે જીવનો ભોગ આપવો પડે છે. સ્વતંત્ર પત્રકાર મુકેશ ચંદ્રાકરની હત્યા તેનું તાજું ઉદાહરણ છે.
મુકેશ ચંદ્રાકરની હત્યાના છઠ્ઠા દિવસે પોલીસે, મુખ્ય આરોપી અને ઠેકેદાર સુરેશ ચંદ્રાકરની હૈદરાબાદથી ધરપકડ કરી હોવાનો દાવો કર્યો છે.
છત્તીસગઢના મુખ્ય મંત્રી વિષ્ણુદેવ સાયે કહ્યું કે, 'કોઈ પણ દોષિતને છોડવામાં નહીં આવે અને ટૂંક સમયમાં જ તપાસ પૂરી કરવામાં આવશે'.
વિષ્ણુદેવ સાયે બીબીસીને કહ્યું, "બસ્તર જેવા માઓવાદ પ્રભાવિત ક્ષેત્રમાં પત્રકારિતાના પડકારો ધારણા કરતાં વધારે છે. સરકાર આ બાબતને સારી રીતે જાણે છે અને પ્રેસની સાથે છે."
બસ્તરમાં પત્રકારત્વ માટે કયા પડકારો છે?

ઇમેજ સ્રોત, Alok Putul
જ્યારે મુખ્ય મંત્રી વિષ્ણદેવ સાય બસ્તરમાં પત્રકારત્વ માટેના પડકારોનો ઉલ્લેખ કરે છે, ત્યારે મુકેશ ચંદ્રાકર સાથે સંકળાયેલા ઘણા પ્રસંગ યાદ આવી જાય છે.
મુકેશ ચંદ્રાકરની હત્યાના એક વર્ષ પહેલાં, 1 જાન્યુઆરી 2024એ માઓવાદીઓના મધ્ય રીઝન બ્યૂરોના પ્રવક્તા પ્રતાપ દ્વારા મુકેશ ચંદ્રાકરના નામે જાહેર કરાયેલી એક ચિઠ્ઠી મારી સામે છે.
જેમાં માઓવાદી પ્રવક્તાએ મુકેશ ચંદ્રાકરને પોલીસ અને સરકારના દલાલ ગણાવીને તેમને ધમકાવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
એ પત્રના લગભગ 10 દિવસ પહેલાં, બીજાપુરના જ મુર્કીનાર વિસ્તારમાં મુકેશ ચંદ્રાકર સહિત પાંચ પત્રકારો પર સીઆરપીએફના જવાનોએ બંદૂક તાકી હતી અને તેમને મારવાની ધમકી આપી હતી. મુકેશે તેના પર રિપોર્ટ લખ્યો હતો.
આ ચિઠ્ઠી અને સીઆરપીએફ જવાનોએ બંદૂક બતાવ્યાની ઘટનાના માત્ર બે મહિના પહેલાં બીજાપુરના સબ-ડિવિઝનલ મૅજિસ્ટ્રેટ (એસડીએમ)એ મુકેશ ચંદ્રાકર સહિત ચાર પત્રકારોને નોટિસ આપી હતી.
નોટિસમાં 24 કલાકમાં જવાબ માગવામાં આવ્યો હતો કે, તેમણે માઓવાદીઓની હિંસા સાથે સંકળાયેલા સમાચારો શા માટે પ્રસારિત કર્યા? કેમ કે, એસડીએમનો દાવો હતો કે, એવી કોઈ ઘટના બની જ નહોતી.
ગયા વર્ષે એપ્રિલ મહિનામાં બીજાપુરમાં કૉંગ્રેસ પાર્ટીના જિલ્લા અધ્યક્ષ લાલુ રાઠૌરે મુકેશ ચંદ્રાકર સહિત ચાર પત્રકારોના બહિષ્કારનો પત્ર જાહેર કર્યો હતો.
કૉંગ્રેસ અધ્યક્ષનો આરોપ હતો કે એક રાજકીય દળ વિશેષને ફાયદો કરાવવાની મનસાથી બીજાપુરના ધારાસભ્ય વિક્રમ મંડાવીની વિરુદ્ધ દ્વેષપૂર્ણ, નિરંકુશ અને તથ્યો વગરના સતત સમાચારોનું પ્રકાશન અને પ્રસારણ થઈ રહ્યું હતું; જેથી ધારાસભ્ય વિક્રમ મંડાવીની લોકપ્રિય છબિ ખરડાય."
માઓવાદી, સરકારી તંત્ર અને રાજકીય દળોથી જુદા જ, મુકેશની હત્યા એવા ઠેકેદારોએ કરી, જેઓ મુકેશ ચંદ્રાકરના સંબંધી પણ હતા અને મુકેશ ચંદ્રાકર તેમને લગભગ દરરોજ મળતા હતા.
દક્ષિણ બસ્તરના એક નાનકડા ગામ ગુમિયાપાલમાં રહેતા આદિવાસી પત્રકાર મંગલ કુંજામ એવું માને છે કે મુકેશ ચંદ્રાકરની હત્યાએ બીજા પત્રકારો માટે લાલ બત્તી ધરી છે.
ઑસ્કર માટે નામિત 'ન્યૂટન' ફિલ્મમાં પત્રકારની ભૂમિકા ભજવનાર મંગલ કુંજામે બીબીસીને કહ્યું, "ધમકીઓ પહેલાં પણ મળતી હતી. છેલ્લા કેટલાક સમયથી એક સ્પન્ઝ આયર્ન સાથે સંકળાયેલા લોકો મને મૅનેજ કરવા માટે ઘણી જગ્યાએ વાત કરતા હતા. પરંતુ મુકેશ ચંદ્રાકરની હત્યા પછી ક્યાંય નથી કરી. મને મારી સુરક્ષાની ચિંતા થવા લાગી છે."
પોલીસે માઓવાદી ગણાવ્યા, માઓવાદીઓએ ખબરી

એ વાતને દશ વર્ષ કરતાં વધારે થઈ ગયાં છે, પરંતુ બીજાપુર જિલ્લાના જ પત્રકાર સાઈ રેડ્ડીની હત્યાની ઘટના એ જમાનાના લોકોને આજે પણ યાદ છે.
બાંસાગુડામાં રહેતા પત્રકાર સાઈ રેડ્ડીને પોલીસે માઓવાદી ગણાવીને માર્ચ 2008માં બહુચર્ચિત 'છત્તીસગઢ લોકસુરક્ષા કાયદા' હેઠળ જેલમાં મોકલી દીધા હતા.
રેડ્ડી પર આરોપ હતો કે તેમનાં પત્નીની રૅશનની દુકાન પરથી માઓવાદીઓએ રૅશન લીધું હતું.
પછી, કોઈક રીતે રેડ્ડી મુક્ત થયા. પરંતુ, માઓવાદી હોવાના આરોપમાં ઘણા મહિના જેલમાં રહી આવેલા રેડ્ડીને માઓવાદી પોલીસનો માણસ ગણાવતા રહ્યા.
એટલે સુધી કે, માઓવાદીઓએ તેમના ઘરને બૉમ્બથી ઉડાવી દીધું હતું. રેડ્ડી અને તેમના પરિવારે ભાગીને પડોશી આંધ્રપ્રદેશના ચેરલાપાલ જિલ્લામાં રહેવા મજબૂર થવું પડ્યું હતું.
આટલું બધું થયા છતાં પોલીસ તેમને સતત માઓવાદી ગણાવતી રહી.
ત્યાર પછી, 6 ડિસેમ્બર 2013એ બીજાપુરના બાંસાગુડાના એક બજારમાં ભરબપોરે, સંદિગ્ધ માઓવાદીઓએ 50 વર્ષના સાઈ રેડ્ડીને મારી નાખ્યા.
માઓવાદીઓએ આરોપ કર્યો હતો કે સાઈ રેડ્ડી પોલીસના બાતમીદાર તરીકે કામ કરતા હતા, તેથી તેમની હત્યા કરી નાખવામાં આવી.
બસ્તરના જ સુકમાના પત્રકાર નેમીચંદ જૈનનો કિસ્સો આનાથી જુદો નથી.

ઇમેજ સ્રોત, Getty Images
12 ફેબ્રુઆરી 2013એ માઓવાદીઓએ નેમીચંદ જૈનની હત્યા કરી નાખી. 45 વર્ષીય નેમીચંદ જૈનના મૃતદેહ પાસે માઓવાદીઓએ એક ચિઠ્ઠી મૂકી હતી.
તેમના પર આરોપ હતો કે નેમીચંદ જૈન પોલીસ માટે જાસૂસીનું કામ કરતા હતા, તેથી તેમની હત્યા કરી દેવામાં આવી.
પત્રકારોએ જ્યારે સાઈ રેડ્ડી હત્યાકાંડનો વ્યાપક વિરોધ કર્યો ત્યારે માઓવાદીઓએ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, આ હત્યા તેમણે નથી કરી.
ત્યાર પછી પણ પત્રકારોનો વિરોધ ચાલુ રહ્યો. બસ્તર આખાના પત્રકારોએ માઓવાદીઓ સાથે સંકળાયેલા સમાચારોનો ત્યાં સુધી બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો, જ્યાં સુધી માઓવાદી આ હત્યા માટે માફી ન માગે અને પોતાના દોષિત સહયોગીઓ સામે કાર્યવાહી ન કરે.
આખરે, નેમીચંદ જૈનની હત્યાના 45 દિવસ પછી માઓવાદીઓએ પોતાની ભૂલ સ્વીકારી.
તેમણે બીજાપુરના જંગલમાં પત્રકારો સાથેની વાતચીતમાં માફી માગી અને સ્વીકાર્યું કે તેમના સંઘમ સભ્યોએ એટલે કે નીચલી કૅડરે નેમીચંદની હત્યા કરી હતી અને ટોચનું નેતૃત્વ આ બાબતે નિર્ણય કરીને દોષિતોને સજા કરશે.
બીજાપુરના પત્રકારે કહ્યું કે, "સંકટ એ છે કે અમે પત્રકાર કોઈનીયે સાથે નથી. પરંતુ અમારા પર ચારેબાજુથી નિશાન સાધવામાં આવે છે. કોઈની વિરુદ્ધ લખી નાખીએ તો અમને દુશ્મનછાવણીના ગણાવી દેવા તેમના માટે સૌથી આસાન હોય છે. તેનાથીયે સરળ હોય છે, અમને બ્લૅકમેલર ગણાવી દેવા. આને બચાવ ન માનો તો પૂછવાનું મન થાય છે કે રાયપુર કે દિલ્હીના કેટલા પત્રકાર પોતાની છાતી પર હાથ રાખીને કહી શકે છે કે તેઓ કે તેમના બીજા સાથી પત્રકાર નિર્દોષ છે?"
'ન વેતન, ન સુરક્ષા'

ઇમેજ સ્રોત, Alok Kumar Putul
છત્તીસગઢમાં બસ્તરથી લઈને સરગુજા વિભાગ સુધી, ગ્રામીણ વિસ્તારોમાં કામ કરતા મોટા ભાગના પત્રકારોને અખબાર કે ટીવી ચૅનલો ન તો કોઈ નિમણૂકપત્ર આપે છે કે ન તો તેમને કામના બદલામાં નિશ્ચિત વેતન મળે છે.
છાપાં કે ચૅનલમાં પ્રકાશિત-પ્રસારિત થતી જાહેરખબરો [માંથી મળતી આવક]નો એક નાનો ભાગ જ તેમની કમાણીનો એકમાત્ર સ્રોત હોય છે.
એવી સ્થિતિમાં જો કોઈ ઘટના બની જાય તો સામાન્ય રીતે મીડિયા હાઉસ હાથ ઊંચા કરી દે છે. ભલે ને પછી એ બસ્તરમાં દરભાના પત્રકાર સંતોષ યાદવ હોય, સોમારુ નાગ કે ગીદમના પત્રકાર પ્રભાતસિંહ હોય.
જ્યારે માઓવાદી સમર્થક ગણાવીને આ પત્રકારોની ધરપકડ કરવામાં આવી, ત્યારે જે સંસ્થાઓ માટે તેઓ કામ કરતા હતા તેમણે જ સૌથી પહેલાં હાથ અધ્ધર કરી દીધા.
જોકે, પછી અદાલત દ્વારા આ પત્રકારોને બધા કેસમાં નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા હતા. પરંતુ, જેલ અને મુકદ્દમામાં પોતે અને પરિવારે જે હેરાનગતિ સહન કરવી પડી તેની ભરપાઈ સંભવ નથી.
દંતેવાડાના એક પત્રકારે કહ્યું, "કસબાના રિપોર્ટરના રિપોર્ટનાં વખાણ સંપાદક પણ કરશે; પરંતુ, જેવી તમે માનધનની વાત કરશો તો તેમનું મોં બગડી જાય છે. એ જોતાં, બસ્તરમાં પત્રકારોની મજબૂરી છે કે તેઓ પત્રકારિતા ઉપરાંત આર્થિક સલામતી માટે બીજાં કામો કરે છે. પરંતુ, પત્રકારિતાની આડમાં જ્યારે કામ શરૂ થાય છે કે વસૂલી થાય છે ત્યારે સંકટ વધી જાય છે."

ઇમેજ સ્રોત, ANI
રાયપુર પ્રેસ ક્લબના અધ્યક્ષ પ્રફુલ્લ ઠાકુરે કહ્યું કે, પત્રકારોની સુરક્ષાની બાબતમાં 'અમે બધા ચિંતિત છીએ', પરંતુ, પત્રકાર સુરક્ષા કાયદો ફાઇલોમાંથી બહાર જ નીકળી નથી શકતો.
તેમણે કહ્યું કે, આ સુરક્ષા કાયદાથી કશું ચમત્કારિક પરિવર્તન નહીં થઈ જાય, પરંતુ, કમસે કમ પત્રકારોની સલામતીની આશા તો રહેશે.
પ્રફુલ્લ ઠાકુરે કહ્યું કે, "કોઈ પત્રકારનાં નામ-સરનામાના ઉલ્લેખ સાથેની ચિઠ્ઠી કે કશું માઓવાદી સાહિત્ય મળી આવવું એ પોલીસ માટે ખૂબ આસાન છે. એવી ચિઠ્ઠીઓ અને સાહિત્ય પોલીસ પાસે પૂરતા પ્રમાણમાં હોય છે."
પ્રફુલ્લ અનુસાર, "કૉંગ્રેસ સરકારે પોતાના કાર્યકાળમાં કાયદો તો બનાવ્યો, પરંતુ, પ્રસ્તાવિત કાયદાની બધી જોગવાઈ બદલી નાખવામાં આવી."
જોકે, વિધાનસભા અધ્યક્ષ અને રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રી રમણસિંહે સંભાવના વ્યક્ત કરી છે કે આ બજેટ સત્રમાં પત્રકાર સુરક્ષા કાયદાને વિધાનસભામાં રજૂ કરવામાં આવશે.
રાજ્યના મુખ્ય મંત્રી વિષ્ણુદેવ સાયે બીબીસીને કહ્યું, "પત્રકાર સુરક્ષા કાયદાની વિસંગતિઓ ધ્યાનમાં આવી છે. તેને જે હેતુથી લાગુ કરવાનો હતો, એવું થઈ નથી શક્યું. બંધારણીય જોગવાઈઓની મર્યાદામાં જે પ્રકારના સુધારા અપેક્ષિત છે, તે કરવા માટે સરકાર પ્રતિબદ્ધ છે. આ સંબંધમાં બધા હિતધારકો સાથે વિચારવિમર્શ કરીને કાયદાને અસરકારક બનાવાશે."
દેખીતું છે કે, ત્યાં સુધી તો બસ્તર અને છત્તીસગઢના પત્રકારોના ભાગે પડકારો જ પડકારો છે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં કામ કરનારા પત્રકારોએ તો હજુ એકલા જ આ પડકારોનો સામનો કરવો પડશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












