You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કૉંગ્રેસ અધિવેશન : 'સરદાર પટેલ અને નહેરુ વચ્ચેના સબંધો પ્રેમભર્યા હતા,' પાર્ટીએ ગુજરાતમાં રાષ્ટ્રીય સ્તરની બેઠક કરવાનું શું કારણ આપ્યું
- લેેખક, ગોપાલ કટેશિયા, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી ગુજરાતી
લોકસભા અને વિવિધ રાજ્યોની વિધાનસભાઓની ચૂટંણીમાં છેલ્લા એક દાયકામાં કેટલીય હાર સહન કર્યા બાદ કૉંગ્રેસ પક્ષે અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતે શરૂ થયેલા 84મા રાષ્ટ્રીય અધિવેશનમાં જણાવ્યું કે 'ગુજરાત એ રાજ્ય છે કે જેણે પક્ષને સૌથી વધારે બળ પૂરું પાડ્યું છે અને હવે ફરી એકવાર પ્રેરણા તથા બળ માટે પક્ષે ગુજરાત તરફ મીટ માંડી છે.'
મંગળવારે પાર્ટીની કારોબારી સમિતિએ પસાર કરેલા એક ઠરાવમાં ભારપૂર્વક જણાવ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલ અને પંડિત જવાહરલાલ નહેરુ વચ્ચેના સંબંધો હંમેશાં ગાઢ રહ્યા હતા, પરંતુ આજે "વેરવૃત્તિ અને વિભાજનકારી તત્ત્વો" આ બંને વચ્ચેની "પ્રેમ, બંધુત્વ અને સહકારની" ભાવનાને "વિભાજન અને વહેમ" માં ફેરવવા માગે છે.
મુઘલ સમ્રાટ શાહજહાંએ 1622 માં બંધાવેલા મોતીશાહી મહેલ જેને 1978 માં સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારકમાં ફેરવી નાખવામાં આવ્યું હતું, તે ઐતિહાસિક ઇમારતના પટાંગણમાં મંગળવારે 11.30 વાગ્યે કૉંગ્રેસની વિસ્તૃત કારોબારી સમિતિની બેઠક શરૂ થઈ અને લગભગ ચારેક કલાક ચાલી.
કારોબારી સમિતિની બેઠકમાં કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કૉંગ્રેસ સંસદીય દળનાં અધ્યક્ષ સોનિયા ગાંધી, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, કર્ણાટકના મુખ્ય મંત્રી સિદ્ધારમૈયા, તેલંગાણા મુખ્ય મંત્રી રેવંત રેડ્ડી, કૉંગ્રેસ સંગઠનના મહાસચિવ કે.સી. વેણુગોપાલ, કૉંગ્રેસ કારોબારી સમિતિના સભ્યો, કૉંગ્રેસનાં વિવિધ રાજ્યોનાં સંગઠનોના પ્રમુખો, આમંત્રિત સભ્યો સહિત 158 નેતાઓએ હાજરી આપી.
કૉંગ્રેસે અધિવેશન માટે ગુજરાતની પસંદગી કેમ કરી?
બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતા વેણુગોપાલે ગાંધી અને સરદાર પટેલના કૉંગ્રેસ સાથેના સંબંધોને યાદ કરતા કહ્યું કે,"મહાત્મા ગાંધી 1924 માં કૉંગ્રેસના અધ્યક્ષ બન્યા તેના શતાબ્દી વર્ષ અને સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મજયંતીના વર્ષમાં અમદાવાદમાં આ અધિવેશન યોજાવાથી એક રીતે આ અધિવેશન ઐતિહાસિક છે."
તેમણે કહ્યું કે, "ગુજરાતમાં કૉંગ્રેસનું પ્રથમ રાષ્ટ્રીય અધિવેશન 1902 માં યોજાયા બાદ અન્ય પાંચ આવાં અધિવેશન યોજાઈ ચૂક્યાં છે. અમદાવાદમાં મંગળવારે શરૂ થયેલું અધિવેશન છઠ્ઠું અધિવેશન છે."
વેણુગોપાલે કહ્યું , "બેઠકમાં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ અને ગુજરાત વચ્ચેના ગાઢ અને ઔતિહાસિક સંબંધોને યાદ કરવામાં આવ્યા. કૉંગ્રેસનું ગુજરાતમાં પ્રથમ રાષ્ટ્રીય અધિવેશન 1902 માં મળ્યું હતું અને આમ, આજનું અધિવેશન ગુજરાતમાં યોજાઈ રહેલી છઠ્ઠી રાષ્ટ્રીય સ્તરની બેઠક છે."
તેમણે કહ્યું કે, "વિસ્તૃત કારોબારી સમિતિએ સરદાર વલ્લભભાઈ પટેલ વિશે એક ખાસ ઠરાવને મંજૂર રાખ્યો છે... કારોબારી સમિતિએ આવતીકાલે સાબરમતી નદીના કિનારે મળનારા અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિની બેઠકના ઍજન્ડા અંગે ચર્ચા કરી અને તેને બહાલી આપી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"કારોબારી સમિતિમાં બે મોટા ઠરાવો અને ગુજરાત રાજ્યને લગતા ઠરાવો વિશે ચર્ચા કરવામાં આવી. તેમાં 35 સભ્યોએ ભાગ લીધો અને તેમનાં સૂચનો આપ્યાં. ડ્રાફટિંગ કમિટી તેનો સમાવેશ કરી આ ઠરાવોને આવતીકાલ (બુધવાર)ની અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિની બેઠકમાં રજૂ કરશે."
સરદાર પટેલ અને નહેરુના સંબંધ પર કૉંગ્રેસે શું કહ્યું?
કૉંગ્રેસે આ વખતની બેઠકમાં સરદાર પટેલ અને નહેરુના સંબંધો પર થતી ચર્ચાને કેન્દ્રમાં રાખી હતી.
કારોબારી સમિતિની બેઠકને સંબોધિત કરતા કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, "સરદાર વલ્લભભાઈ પટેલ અને જવહારલાલ નહેરુ એકબીજાની વિરુદ્ધ હતા એવું દર્શાવવા માટે કાવતરું ઘડાઈ રહ્યું છે. 140 વર્ષથી લોકોની સેવા કરી રહેલી કૉંગ્રેસ વિરુદ્ધ વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે."
ખડગેએ કહ્યું, "આ કામ એ લોકો કરી રહ્યા છે કે જેમની પાસે દેખાડવા જેવી પોતાની કોઈ સિદ્ધિઓ નથી. હકીકત એ છે કે તેઓ (સરદાર અને નહેરુ) એક સિક્કાની બે બાજુ જેવા હતા. તમામ ઘટનાઓ અને દસ્તાવેજો તેમની વચ્ચેના મધુર સંબંધોની સાક્ષી છે."
ખડગેએ ઉમેર્યું, "સરદાર પટેલ સાહેબ અમારા હૃદય અને વિચારોમાં વસે છે. અમે તેમના વારસાને આગળ ધપાવી રહ્યા છીએ. કૉંગ્રેસને તેના 140 વર્ષના ઇતિહાસમાં જે પ્રદેશોમાંથી સૌથી વધુ બળ મળ્યું છે, તેમાં ગુજરાત અગ્રેસર છે. આજે અમે ફરી એક વાર પ્રેરણા અને બળ મેળવવા માટે અહીં આવ્યા છીએ."
કૉંગ્રેસ કારોબારી સમિતિએ સરદાર પટેલ વિશેના ઠરાવની પત્રકારોને આપવામાં આવેલી પ્રતમાં તેમની આગેવાનીમાં ખેડૂતોના હિતો માટે થયેલાં આંદોલનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં ખેડા અને બારડોલીનાં આંદોલનોનું નેતૃત્વ સરદાર પટેલે કર્યું હતું.
ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે સરદાર પટેલની બળવાન નેતાગીરી અને જવાહરલાલ નહેરુના વડપણએ દેશનાં 560 રાજ્યોનું વિલીનીકરણ કરીને આપણા લોકતાંત્રિક દેશનો પાયો નાખ્યો. "ફરી એક વખત સરદાર પટેલ ચીંધેલી રાહે ચાલીને કૉંગ્રેસ એકતાની ભાવનાને મજબૂત કરવા પ્રતિબદ્ધ છે."
ભાજપ છેલ્લાં કેટલાંક વર્ષોથી આક્ષેપ કરી રહ્યો છે કે જવાહરલાલ નહેરુના વડપણવાળી કૉંગ્રેસે દેશને સ્વતંત્રતા મળ્યા બાદ સરદાર પટેલને અન્યાય કર્યો હતો અને એવા પણ આક્ષેપ કરે છે કે નહેરુ અને પટેલ વચ્ચે સબંધો સુમેળભર્યા ન હતા.
ભાજપ એવો દાવો કરે છે કે નર્મદા નદીને કાંઠે કેવડિયામાં સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા સ્ટૅચ્યૂ ઑફ યુનિટી બનાવીને ભાજપે સરદાર પટેલને યોગ્ય સન્માન અને શ્રદ્ધાંજલિ આપ્યાં છે.
આ પ્રતિમાના નિર્માણનું કાર્ય નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ગુજરાતની ભાજપ સરકારે શરૂ કર્યું હતું અને વડા પ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ 2018 માં તેનું ઉદ્ઘાટન કર્યું હતું.
'સરદાર પટેલના દોઢસો વર્ષ પૂર્વ થવા પર દેશને સંદેશ'
કૉંગ્રેસના પ્રસાર વિભાગના મહાસચિવ જયરામ રમેશે પત્રકારો સાથે વાત કરતા ઉલ્લેખ કર્યો કે, ગાંધી, સરદાર પટેલ અને દાદાભાઈ નવરોજી જેવા ગુજરાતના નેતાઓ કૉંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે.
તેમણે ઉમેર્યું, "મંગળવારની બેઠકનું વિશેષ મહત્ત્વ એ છે કે જયારે આપણે સરદાર પટેલની 150 મી જન્મજયંતીનું વર્ષ ઊજવી રહ્યા છીએ, ત્યારે અમારી એ ફરજ છે કે આ વિસ્તૃત કારોબારી સમિતિની બેઠક સરદાર પટેલ સ્મારકમાં યોજાય અને તેના માધ્યમથી દેશના રાજકારણ માટે પણ એક સંદેશ આપીએ."
'ગુજરાતમાં કૉંગ્રેસની કોઈ ખામી રહી ગઈ'
ગુજરાતના રાજકારણમાં છેલ્લા ત્રણ દાયકામાં પટેલ એટલે કે પાટીદાર સમાજનું વર્ચસ્વ રહ્યું છે અને ભાજપ 1995 થી રાજ્યમાં સત્તામાં રહ્યો છે. આ સમયગાળા દરમિયાન કૉંગ્રેસને વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ તેમ જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ ભૂંડી હારનો સામનો કરવો પડ્યો છે.
ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકામાં કૉંગ્રેસને ચૂંટણી જિતાડી શકે તેવા કોઈ લોકપ્રિય નેતા ન મળ્યા હોઈ કૉંગ્રેસ નેતાગીરી રાષ્ટ્રીય રાજકારણમાં ગુજરાતને કેટલું મહત્ત્વ આપે છે તેવા બીબીસીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં કૉંગ્રેસના નેતા ગૌરવ ગોગોઈએ કહ્યું:
"અમે શરૂઆતમાં જ ગુજરાતના લોકોને નમન કર્યું, ગુજરાતની આ પવન ધરતી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી. અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવનારી ચૂંટણીઓમાં ગુજરાતના લોકોની વિવેકશક્તિ, આશીર્વાદ અને શુભેચ્છાઓ અમને મળશે."
સાંજના સમયે કૉંગ્રેસ નેતાઓ સાબરમતી આશ્રમમાં યોજાયેલી એક પ્રાર્થનાસભામાં હાજર રહ્યા હતા.
જોકે આજની કારોબારી સમિતિમાં પ્રિયંકા ગાંધી હાજર નહોતાં રહી શક્યાં. પત્રકારોએ આ બાબતે પૂછેલા સવાલના જવાબમાં જયરામ રમેશ જણાવ્યું : "આજે 35 સભ્યો હાજર રહી શક્યાં ન હતાં, તેથી એક સભ્યને ટાર્ગેટ કરવું યોગ્ય નથી."
વેણુગોપાલે કહ્યું કે પ્રિયંકા ગાંધીનો પહેલાંથી વિદેશ જવાનો કાર્યક્રમ ઘડાઈ ગયો હોવાથી તેમણે સંસદના બજેટસત્ર અને કૉંગ્રસના રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપવામાંથી મુક્તિ માટે કૉંગ્રેસ પ્રમુખને વિનંતી કરેલી હતી અને જે પ્રમુખે માન્ય રાખેલી.
કૉંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવક્તા રિતુ ચૌધરીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું, "એ વાત અમે સ્વીકાર કરીએ છીએ કે ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક અમારી ખામી રહી ગઈ છે. લોકો સુધી અમે અમારી વાત પહોંચાડી શક્યા નથી."
"રાષ્ટ્ર પ્રત્યે જો કોઈ વફાદાર પાર્ટી હોય તો તે કૉંગ્રેસ પાર્ટી છે આ વાત ગુજરાતના લોકોને સમજાવવાની કોશિશ કરીશું. અમને વિશ્વાસ છે કે ગુજરાતના લોકો અમારી સાથે જોડાશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન