You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ : જ્યાંથી કૉંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનનો પ્રારંભ થયો એ ઐતિહાસિક શાહી મહેલની કહાણી
આજથી બે દિવસ માટે એટલે કે તારીખ 8 અને તારીખ 9 એપ્રિલના રોજ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદ ખાતે યોજાઈ રહ્યું છે જેમાં કૉંગ્રેસના કાર્યકરથી માંડીને ટોચના નેતાઓ ભાગ લઈ રહ્યા છે.
દેશભરમાંથી કૉંગ્રેસ પક્ષના ત્રણ હજારથી વધુ પ્રતિનિધિઓ ગુજરાતના મહેમાન બન્યા છે.
ગુજરાત કૉંગ્રેસે પણ નેતાઓના આવકાર માટે અલગ અલગ સમિતિઓ બનાવી છે.
કૉંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન અને ગુજરાતની ધરતીનો એક જૂનો નાતો પણ રહ્યો છે.
ગુજરાત અલગ થયા બાદ પહેલી વાર 1961માં કૉંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં જ યોજાયું હતું. ત્યાર બાદ આજે 64 વર્ષ બાદ અમદાવાદ ખાતે રાષ્ટ્રીય અધિવેશન સાબરમતી નદીના કિનારે મળી રહ્યું છે.
કૉંગ્રેસ રાષ્ટ્રીય અધિવેશનનો પ્રારંભ કૉંગ્રેસ કાર્યકારિણીની બેઠક સાથે થયો જે તારીખ આઠ એપ્રિલના રોજ સવારે 11 કલાકે અમદાવાદ સ્થિત સરદાર પટેલ નૅશનલ મેમોરિયલ ખાતે યોજાઈ હતી. બીજા દિવસે તારીખ 9 એપ્રિલના રોજ સાબરમતીના તટે કૉંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે.
ભારતના પ્રથમ નાયબ વડા પ્રધાન અને પ્રથમ ગૃહમંત્રી, ભારતના નવસર્જન અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલનું રાષ્ટ્રીય સ્મારક સરદાર પટેલ મેમોરિયલ તરીકે ઓળખાય છે.
આ સંગ્રહાલય જેમાં આવેલું છે એ શાહી મહેલ અનેક ઐતિહાસિક ઘટનાઓનો સાક્ષી રહી ચૂક્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શાહી મહેલનો ઇતિહાસ શું છે?
વર્ષ 1618માં અમદાવાદના સૂબા તરીકે આવ્યા પછી મુઘલ બાદશાહ શાહજહાંએ 1618થી 1622 સુધીમાં શાહીબાગ વિસ્તારમાં આ મહેલ બંધાવેલો હતો.
ઇતિહાસકાર ડૉ. માણેકલાલ પટેલ 'સેતુ' અમદાવાદ: ગૌરવ ગાથા પુસ્તકમાં લખે છે એ પ્રમાણે શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલો મહેલ 'શાહીબાગ પૅલેસ તરીકે ઓળખાય છે. એનું વાસ્તવમાં સાચું નામ મોતીશાહી મહેલ' છે.
1621-22ના સમયમાં દુકાળ પડયો હતો. દુકાળમાં માણસોને રોજી આપવાના આશયથી એણે સાબરમતી નદીને કિનારે સૂબા શાહજહાંએ, દિલ્હી દરવાજાથી આશરે દોઢ માઇલ દૂર મોતીશાહી મહેલ બંધાવ્યો હતો.
ડૉ. માણેકલાલ પટેલ આગળ લખે છે, 'આ મહેલ તૈયાર થતાં, એમાં બાદશાહ શાહજહાંની શાહી પધરામણી થવાની હતી. હાથી ઉપર સવાર થઈ આવેલા બાદશાહને પ્રવેશદ્વારની કમાન નીચી હોવાથી તે બાદશાહના માથે અથડાઈ. આને અપશુકન ગણીને બાદશાહ પ્રવેશદ્વારથી પાછો વળી ગયો. પોતે બંધાવેલા આ મહેલમાં બાદશાહે એક રાત્રિ પણ ગાળી નથી કે મહેલની અંદર પણ પગ મૂક્યો નથી'
ડૉ. માણેકલાલના કહેવા પ્રમાણે શાહજહાં ખાનપુરમાં બંધાવેલા ચાંદા-સૂરજ મહેલમાં રહેતા હતા. હાલમાં તે અસ્તિત્વ ધરાવતો નથી. એના અસ્તિત્વની વાત કવિ નર્મદે આલેખી છે.
1848માં કવિ દલપતરામ વઢવાણથી અમદાવાદ આવી ચાંદો-સૂરજ મહેલમાં રહેતા અંગ્રેજ સરકારના આસિસ્ટન્ટ જજ ઍલેકઝાન્ડર કિન્લૉક ફોર્બ્સને મળ્યા હતા. એ બાબતનો ઉલ્લેખ એમણે રચેલી કવિતામાં જોવા મળે છે.
મોતીશાહી મહેલની જાહોજલાલી કેવી હતી?
ડૉ.માણેકલાલ પટેલ આગળ લખે છે, 'આપણા રાષ્ટ્રપતિ ભવનની જેમ એ સમયે શાહજહાંના મહેલની કાળજી રાખવામાં આવતી હતી. 70 માળી, એક કારભારી, એક ખજાનચી, સાત પટાવાળા અને સંખ્યાબંધ ઝાડુવાળા હતા. આવી અસલી મોતીશાહી મહેલની જાહોજલાલી હતી.'
'ઔરંગઝેબની સૂબાગીરી વખતે મહેદવી પંથના લોકોનું બંડ થયું ત્યારે સૈયદ રાજુ શાહીબાગમાં શહીદ થયો હતો.'
સૈયદ રાજુ શહાજહાંનો સૈન્ય કમાંડર હતો જે દારા શિકોહના પડખે ઊભો રહ્યો હતો.
ડૉ. માણેકલાલ પટેલ અનુસાર, '1731માં મહારાજા અભેસિંહ અને બાજીરાવ પેશ્વા વચ્ચે રાજદ્વારી ચર્ચા આ શાહી મહેલમાં થઈ હતી. મરાઠારાજ આવતાં આ મહેલની જાળવણી ઓછી થઈ. બગીચાનાં વૃક્ષો કાપીને લાકડાં તરીકે ઉપયોગ થવા માંડ્યો. લશ્કરી અમલદારો મહેલમાં રહેવા લાગ્યા. તેમ છતાં 1781 સુધી મહેલ અકબંધ રીતે જળવાઈ રહ્યો હતો.'
'અમદાવાદ ગૌરવગાથા' પુસ્તકમાં ડૉ. માણેકલાલે નોંધ કરી છે એ પ્રમાણે અંગ્રેજ શાસન આવતાં, 1835માં બ્રિટિશ ઇજનેર વિલિયમે શાહીબાગ-બગીચાને નવું રૂપ આપ્યું.1875માં સાબરમતી નદીમાં ભારે પુલ આવતાં શહેરમાં 3887 જેટલાં મકાનો પડી ગયાં હતાં અને નદી તરફના મોતીશાહી મહેલના કોટને ભારે નુકસાન થયું હતું.'
તાજમહેલ અને મોતીશાહી મહેલનો સંબંધ
ઇતિહાસકારોનો એક મત એવો છે કે બાદશાહ શાહજહાંના મનમાં તાજમહેલ બાંધવાનો મૂળ વિચાર અમદાવાદમાંથી પ્રગટ્યો હતો.
ડૉ. માણેકલાલ પટેલ ઇતિહાસકાર જેમ્સ ડગ્લસને ટાંકીને લખે છે, 'ઇતિહાસકાર જેમ્સ ડગ્લસના 1893માં લખાયેલા વેસ્ટર્ન ઇન્ડિયા' પુસ્તકની નોંધ મુજબ સંભવતઃ બાદશાહ શાહજહાંના મનમાં તાજમહેલ બાંધવાનો મૂળ વિચાર અમદાવાદમાં આવ્યો હતો.'
'શાહજહાં બાદશાહનો 27મો જન્મદિવસ સોનારૂપાની તુલા કરીને અમદાવાદમાં મનાવવામાં આવ્યો હતો. ત્યારે એની હૃદવેશ્વરી અર્જુમંદબાનુ બેગમ પણ સાથે હતી. બાદશાહની ભર જવાની હતી.'
'રાજ્યની કોઈ જવાબદારી કે ચિંતા નહોતી. એની જિંદગીનો ઉત્તમ સમય અમદાવાદમાં પસાર કર્યો હતો. ઇતિહાસના પાના ઉપર બેગમ મુમતાજબાનુની નોંધ લેવાય છે.'
'એમની અમદાવાદમાં રોકાણ દરમિયાન અર્જુમંદબાનુ તરીકેની ઓળખ હતી. એ સમયે હિંદુસ્તાનમાં શાહજહાં કલારસિક બાદશાહ તરીકે સ્થાપિત હતો.'
રવીન્દ્રનાથ ટાગોર અને શાહી મહેલ
બ્રિટિશ કાળમાં મોતીશાહી મહેલ સરકારના તાબામાં હતો અને તે ઓગણીસમી સદીમાં સત્યેન્દ્રનાથ ટાગોરનું અમદાવાદના મૅજિસ્ટ્રેટ રૂએ સત્તાવાર નિવાસસ્થાન હતો. સત્યેન્દ્રનાથ ટાગોર એટલે રવીન્દ્રનાથ ટાગોરના મોટા ભાઈ. પ્રતિભાના ધણી સત્યેન્દ્રનાથ ભારતના પહેલા આઈસીએસ અધિકારી હતા.
1878માં સત્તર વર્ષની ઉંમરે સાહિત્યકાર રવીન્દ્રનાથ ટાગોર ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે તે મોટા ભાઈના સત્તાવાર નિવાસસ્થાનમાં રોકાયા હતા.
રવીન્દ્રનાથ ટાગોર તેમના જીવનના 17મા વર્ષમાં પગ મૂક્યો એટલે પરિવારે એમને વિલાયત મોકલવાનો નિર્ણય કર્યો. એ સમયે ટાગોરના ભાઈ સત્યેન્દ્રનાથ ટાગોર અમદાવાદમાં ન્યાયાધીશ તરીકે કાર્યરત હતા. અને એમનાં પત્ની-બાળકો ઇંગ્લેન્ડમાં હતાં.
ટાગોરના મોટા ભાઈનું નિવાસસ્થાન પરિવારની ગેરહાજરીમાં સૂનું હતું. એટલે ટાગોર વિલાયત જતાં પહેલા છ મહિના માટે અમદાવાદમાં રહેવા આવી ગયા.
ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે આત્મકથાત્મક 'જીવન સ્મૃતિ' પુસ્તકમાં અમદાવાદ અને શાહી મહેલના સંભારણાં વાગોળ્યાં છે.
ટાગોરે આ મહેલ વિશે લખ્યું છે, 'અમદાવાદમાં ન્યાયધીશના રહેવા માટે એક શાહીબાગ નામની જગ્યા છે. આ સ્થાન બાદશાહી જમાનાથી અસ્તિત્વમાં છે. આ એક મોટી અને ભવ્ય ઇમારત છે. ઇમારતની ચારે તરફ કોટ છે. કોટની એક બાજુ સાબરમતી નદી છે.'
મહેલમાં એકલાઅટૂલા ટાગોર આખો દિવસ શું કરતા હતા?
મોટા ભાઈ સત્યેન્દ્રનાથ ટાગોર કોર્ટ ચાલ્યા જાય એટલે રવીન્દ્રનાથ ટાગોર સાવ એકલાઅટૂલા થઈ જતા હતા. સમય પસાર કરવા ટાગોર મહેલોના વિશાળ ઓરડાઓમાં આંટાફેરા માર્યા કરતા.
ટાગોર લખે છે, 'ગરમીના દિવસોમાં નદીનું જળ સુકાઈ ગયું હતું અને ક્ષીણ ધારાના રૂપમાં એક પ્રવાહ વહેતો હતો. જ્યારે મોટાભાઈ કચેરીમાં ચાલ્યા જતા ત્યારે હું આ વિશાળ મહેલમાં એકલો પડી જતો હતો. ઘરમાં સન્નાટો અને સ્તબધ્તા ફેલાઈ જતી. આ સ્તબધતાને ભંગ કરતા કબૂતરોના અવાજો વચ્ચે-વચ્ચે સંભળાતા. મારો સમય મહેલની અજાણી વસ્તુઓને જોવામાં જ પસાર થઈ જતો હતો. જીજ્ઞાસાવશ હું મહેલોના મોટા ઓરડાઓમાં અહીં તહીં ભટક્યા કરતો હતો.'
'મધપુડો જ એકમાત્ર મારો સાથી હતો'
જવાહરલાલ નહેરુએ જેલવાસ દરમિયાન પોતાની આસપાસના પ્રકૃતિ અને પ્રાણીજગતનું અવલોકન કર્યું છે. કલકત્તાની બહાર નીકળેલા ટાગોરની અવલોકન શક્તિ, જગતભરના સાહિત્યને જાણવાની અને માણવાની જિજ્ઞાસાવૃત્તિ પણ મહેલની એકલતામાં વધુ સતેજ બની.
ટાગોર એમના સંસ્મરણમાં લખે છે, 'મહેલના એક વિશાળ ઓરડામાં મોટા ભાઈએ પોતાનાં પુસ્તકો રાખ્યાં હતાં. જેમાં ટેનિસનના લેખોનો પણ સંગ્રહ હતો. આ સંગ્રહ મોટા અક્ષરે છપાયેલો હતો. આ રાજભવનની જેમ પુસ્તકોએ પણ મુગ્ધતા ધારણ કરી લીધી હતી. પુસ્તકના ચિત્રોને પણ હું વારંવાર નિહાળતો. પુસ્તકના શબ્દો મારી સમજથી પર હતા એ સમજાવાને બદલે મને એ અક્ષરોથી પક્ષીઓનો કલબલાટ સંભળાતો હતો. આ જ પુસ્તકોમાં મને સંસ્કૃત કવિતાનું પણ એક પુસ્તક મળ્યું. આ પુસ્તક ડૉ. હેબરબિલે શ્રીરામપુરના છાપખાનામાં છપાવ્યું હતું. આ પુસ્તક પણ મારી સમજની બહાર હતું.'
ટાગોર આગળ લખે છે, 'એ મહેલના મીનારના સૌથી ઉપરના ઓરડામાં મારો નિવાસ હતો. આ સ્થાનમાં બિલકુલ એકાંત હતું. અહીં મધમાખીનો મધપુડો જ મારો એકમાત્ર સાથી હતો. રાત્રિના ગાઢ અંધકારમાં આ રૂમમાં હું એકલો સૂતો હતો.'
ટાગોરના સર્જનમાં મોતીશાહી મહેલનો શું ફાળો છે?
સર્જકની શરૂઆતની રચનાઓ-કૃતિઓમાં એનું પોતીકું અનુભવજગત, પોતાની આસપાસનું પરિપ્રેક્ષ્ય ઝળકતું હોય છે.
ચાંદની પ્રકાશમાં ઝળકતી મોતીમહેલની અગાશીએ ઘૂમતા ટાગોરની ભીતર શબ્દો સળવળાટ કરી રહ્યા હતા.
અમદાવાદના મોતીશાહી મહેલમાં નિવાસ દરમિયાન ટાગોરે બંગાળીમાં 'ક્ષુધિત પાષાણ' (ભૂખ્યાં પથ્થર) નામની કૃતિ લખી.
આ સિવાય મોતીશાહી મહેલમાં નિવાસ દરમિયાન ટાગોરે 'બંદી ઓ અમાર...' અને 'નીરવ રજની દેખો...' નામની બે ગીતરચનાઓ પણ લખી અને તેને સૂર આપ્યો.
ટાગોર લખે છે, 'મારામાં અનેક લહેરો ઊઠી રહી હતી. ચાંદનીના પ્રકાશમાં આકાશ તરફ મીટ માંડતા હું ઘૂમતો રહેતો. આવી રીતે ઘૂમીને મેં મારી કવિતામાં સૂર પૂર્યો'
ટાગોર લિખિત 'ક્ષુધિત પાષાણ' નામની કૃતિ મૂળ તો એક હોરર વાર્તા હતી. વાર્તાની પૃષ્ઠભૂમિ ભલે હૈદરાબાદની હોય પણ મૂળ તો આ વાર્તાની પ્રેરણા આપનાર મોતીશાહી મહેલની નિતાંત એકલતા જ હતી.
આ વાર્તામાં જૂનાગઢ રાજ્યમાંથી રાજીનામું આપીને હૈદરાબાદ નિઝામના રજવાડામાં એક યુવાન ટેક્સ અધિકારી તરીકેની નોકરી મેળવે છે. રહેવા માટે એને એક મહેલ ફાળવવામાં આવે છે. લોકવાયકા પ્રમાણે આ મહેલ ભૂતિયો મહેલ છે. દરરોજ રાત્રે ટૅક્સ ક્લેકટરને મહેલની અલૌકિક અનુભવો થાય છે સ્ત્રીઓની આત્માઓ સાથે ભેંટો થાય છે.
આ જ વાર્તા પરથી બંગાળી ફિલ્મ મેકર તપન સિંહાએ 'ક્ષુધિત પાષાણ' નામની ફિલ્મ બનાવી હતી. ગીતકાર- સાહિત્યકાર અને ફિલ્મમેકર ગુલઝારે ટાગોરની આ જ વાર્તા પરથી વિનોદ ખન્ના અને ડિમ્પલ કાપડીયાને લઈને રાજસ્થાનની પૃષ્ઠભૂમિમાં 'લેકિન' નામની ફિલ્મ બનાવી હતી.
ટાગોરના લખ્યાં પ્રમાણે અમદાવાદ નિવાસ દરમિયાન એમણે ડિકશનરીની સહાયથી અંગ્રેજી પુસ્તકોનું પણ વાંચન પણ શરૂ કર્યું.
આમ ટાગોરનો વૈચારિક પીંડ ઘડવામાં, ટાગોરને વાંચન-લેખન તરફ ધકેલીને એમનો શબ્દો સાથે નાતો બાંધવામાં મોતીશાહી મહેલની એક સશક્ત ભૂમિકા રહી છે.
છ મહિના અમદાવાદમાં રોકાયા પછી ટાગોર વિલાયત જવા માટે રવાના થયા. હાલ જે ઓરડામાં તેઓ અધ્યયન, લેખન અને શયન કરતા હતા, તે 'ટાગોરસ્મૃતિ' તરીકે જાળવી રાખવામાં આવ્યો છે.
મોતીશાહી મહેલ રાજયપાલનું નિવાસસ્થાન બન્યો
સ્વતંત્રતા પછી સરકારી ઑફિસો આ ઇમારતમાં ગોઠવવામાં આવી હતી. 1960 પછી ગુજરાત રાજ્યની શરૂઆતનાં વર્ષોમાં રાજ્યના રાજ્યપાલોના સત્તાવાર નિવાસસ્થાન તરીકે આ ઇમારત વપરાઈ હતી તેથી તે રાજભવન તરીકે ઓળખાઈ.
1978માં આ ઇમારતને સરદાર પટેલ રાષ્ટ્રીય સંગ્રહાલયમાં પરિવર્તિત કરવામાં આવી હતી.
શું છે આ સંગ્રહાલયમાં?
આ સંગ્રહાલયમાં સરદાર પટેલના જીવનદર્શન માટેનું કિંમતી સાહિત્ય સંગ્રહાયેલું છે.
કૉંગ્રેસના આગેવાન તરીકેના અનેક પત્રો, દેશી રાજ્યોના વિલીનીકરણ અંગેનું સાહિત્ય, પાર્લામેન્ટરી બોર્ડના પ્રમુખ તરીકેના પત્રો, નાયબ વડા પ્રધાન તરીકે તથા ગૃહમંત્રી તરીકે જે નિર્ણયો લીધા તે અંગેની ફાઇલો, સાથીઓ, સંસ્થાઓ તથા મિત્રોને માર્ગદર્શન આપતા પત્રો અહીંના ભંડારમાં છે.
આ ઉપરાંત ભેંટસોગાદો, માનપત્રો, અંગત પેન, ચરખો, લોટો, પેટી, ઝભ્ભા, બંડી, કાસ્કેટ, કૂકર, સ્લિપર, રજાઈ અને મણિબહેન દ્વારા કાંતેલી ખાદી પણ પ્રદર્શિત કરવામાં આવી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન