કફ સિરપથી બાળકોનાં મોત મામલે ગુજરાતની બે કંપનીઓ સામે તપાસ કેમ શરૂ કરવામાં આવી, શું છે મામલો?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, બાવળા, સુરેન્દ્રનગર, કફ સિરપ,

ઇમેજ સ્રોત, Getty Images

પાછલા એક મહિનામાં મધ્ય પ્રદેશના છિંદવાડામાં 17 અને રાજસ્થાનમાં ત્રણ બાળકોનાં મૃત્યુ બાદ બંને રાજ્યોમાં બાળ સ્વાસ્થ્ય અંગે સવાલ ઊઠી રહ્યા છે.

આ બાળકોના પરિવારનું કહેવું છે કે કફ સિરપ પીધા બાદ બાળકોનું સ્વાસ્થ્ય ઝડપથી બગડ્યું અને તેમને ન બચાવી શકાયાં.

આ બે રાજ્યોમાં બાળકોનાં મૃત્યુ બાદ થોડા દિવસ પહેલાં કેન્દ્ર સરકારના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ઍડ્વાઇઝરી જાહેર કરી હતી, જેમાં સલાહ અપાઈ હતી કે બે વર્ષથી ઓછી વયનાં બાળકોને ખાંસી અને શરદી માટે દવા ન આપવી જોઈએ, ના કે આવી કોઈ દવા પ્રિસ્ક્રાઇબ કરવી જોઈએ.

આ મામલા સામે આવ્યા બાદ કફ સિરપની ગુણવત્તા અંગે ગંભીર સવાલ ઊઠ્યા છે. મધ્ય પ્રદેશે તો તામિલનાડુમાં બનતા કૉલ્ડ્રિફ કફ સિરપ પર પ્રતિબંધ પણ લાદી દીધો હતો.

જોકે, હવે આ સમગ્ર મામલામાં તપાસનો ધમધમાટ ગુજરાત પહોંચ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

પ્રાપ્ત થઈ રહેલી માહિતી પ્રમાણે આ મામલે અમદાવાદના બાવળામાં આવેલી રેનડેક્સ ફાર્મા અને સુરેન્દ્રનગર જિલ્લાની શૅપ ફાર્મા કંપની સામે ગુજરાત સરકારે તપાસ શરૂ કરી હતી.

ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે મધ્ય પ્રદેશમાં બાળકોનાં કથિતપણે કફ સિરપને કારણે મૃત્યુ થયા બાદ ત્યાંના અધિકારીઓ કરેલી તપાસ બાદ ગુજરાતની બે કંપનીની દવાઓ 'સબસ્ટાન્ડર્ડ' જાહેર કરાઈ હતી. આ માહિતી ગુજરાત સરકારને મળતાં બંને કંપનીઓ સામે કાર્યવાહી કરાઈ છે અને બંને કંપનીઓને 'પ્રતિબંધિત' કરી દેવાઈ છે.

આ સિવાય બંને કંપની કફ સિરપ બનાવતી હોઈ માત્ર બહારનાં રાજ્યોમાં જ તેનું વેચાણ થતું કે અહીં પણ આ દવાઓ વેચાતી તેની પણ તપાસ થઈ રહી છે. આરોગ્ય મંત્રીએ આગળ કહ્યું કે આ કંપનીઓની તમામ દવાઓ 'રિકૉલ' કરવાના આદેશ અપાયા છે. જેના માટે ગુજરાત એફડીસીએના અધિકારીઓ ખૂબ પ્રયાસ કરી રહ્યા છે.

સમગ્ર મામલા અંગે વધુ વિગતો મેળવવા બીબીસી ગુજરાતીએ પ્રયાસ કર્યો હતો.

બાવળાની રેડનેક્સ ફાર્મા અને સુરેન્દ્રનગરની શૅપ ફાર્મા કંપનીમાં તપાસ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, બાવળા, સુરેન્દ્રનગર, કફ સિરપ,

ઇમેજ સ્રોત, Sachin Pithhva

ઇમેજ કૅપ્શન, સુરેન્દ્રનગરની શેપ ફાર્મા કંપનીના એચઆર મૅનેજર દેવાંગ શાહ

બીબીસી ગુજરાતીના સહયોગી સચીન પીઠવાએ આપેલી માહિતી પ્રમાણે અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના કેરાળા વિસ્તારમાં આવેલી રેડ નેક્સ ફાર્મા કંપની સહિત સુરેન્દ્રનગરની શેપ ફાર્મા કંપનીના યુનિટોમાં કેન્દ્રીય ફૂડ ઍન્ડ ડ્રગ્સ કંટ્રોલ ઍડમિનિસ્ટ્રેશન (એફડીસીએ)ના અધિકારીઓ બે દિવસ સુધી તપાસ કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં કથિતપણે કફ સિરપને કારણે થયેલાં બાળકોનાં મોતની ઘટનાના મામલે સરકારી અધિકારીઓએ આ તપાસ હાથ ધરી હતી.

બંને કંપનીઓમાં 'કફ સિરપ'માં વપરાતી ડ્રગ્સ અંગે તપાસ આદરવામાં આવી છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, બાવળા, સુરેન્દ્રનગર, કફ સિરપ,

ઇમેજ સ્રોત, Sachin Pithhva

બીબીસી સહયોગીએ આપેલી માહિતી અનુસાર કેન્દ્રીય એજન્સીએ ગત રવિવારે આ બંને કંપનીઓ પર કાર્યવાહી શરૂ કરી હતી, જે સોમવારની સાંજ સુધી ચાલી હતી.

સુરેન્દ્રનગરની શેપ ફાર્મા કંપનીના એચઆર મૅનેજર દેવાંગ શાહે કંપની સામે હાથ ધરાયેલી તપાસ અંગે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું, "દિલ્હીથી તપાસ કરવા આવ્યા હતા, અમારા દસ્તાવેજો વગેરેનું વિશ્લેષણ કર્યું છે. તેમને જે દસ્તાવેજો જોઈતા હતા, એ તેઓ લઈ ગયા છે. પરંતુ આ કેવા પ્રકારના દસ્તાવેજો છે એ અંગે અમને ઝાઝી કંઈ માહિતી નથી. અમે સ્થાનિક કક્ષાએ પણ ટેસ્ટિંગ કરાવી રહ્યા છીએ. જેનો રિપોર્ટ બે-ચાર દિવસમાં આવશે."

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, બાવળા, સુરેન્દ્રનગર, કફ સિરપ,

ઇમેજ સ્રોત, Sachin Pithhva

ઇમેજ કૅપ્શન, સુરેન્દ્રનગરની શેપ ફાર્મા કંપનીમાં કેન્દ્રીય એફડીસીએના અધિકારીઓએ તપાસ હાથ ધરી હોવાની માહિતી મળી હતી

આ કંપનીમાં શાનું ઉત્પાદન કરાતું? આ પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે કે, "અહીં કફ સિરપ ઍન્ટાસિડ વગેરે પાંચ-છ જાતની પ્રોડક્ટનું અહીં ઉત્પાદન કરાય છે. અમે આ માલ ક્યાંય સપ્લાય નથી કરતા, અમે થર્ડ પાર્ટી ઉત્પાનકર્તા છીએ."

આ દવા મધ્ય પ્રદેશ કેવી રીતે પહોંચી હશે? આ પ્રશ્નના જવાબમાં એચઆર મૅનેજર દેવાંગ શાહ આ અંગે કંઈ ખબર ન હોવાનું જણાવે છે.

તેઓ કહે છે કે, "અત્યારે કંપની અને તેનું ઉત્પાદન ચાલુ છે."

બીબીસી ગુજરાતીએ આ તપાસ મામલે બાવળાની રેડનેક્સ ફાર્મા કંપનીનો મત જાણવા માટે તેમનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો. પરંતું ટેલિફોન કે ઇમેઇલ મારફતે પણ સંપર્ક થઈ શક્યો નહોતો.

પક્ષકાર કંપનીનો સંપર્ક થતાં જ આ અહેવાલ અપડેટ કરાશે.

રાજ્ય સરકારે આ મામલે શું જણાવ્યું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, બાવળા, સુરેન્દ્રનગર, કફ સિરપ,

ઇમેજ સ્રોત, Sachin Pitthva

ઇમેજ કૅપ્શન, ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાતમાં એફડીસીએની કાર્યવાહી અંગે મીડિયા સાથે વાતચીત કરીને માહિતી આપી હતી.

તેમણે કહ્યું હતું, "ગુજરાતના સુરેન્દ્રનગરના મૂળી તાલુકામાં રાજકોટ રોડ પર આવેલી કંપની શૅપ ફાર્મા અને અમદાવાદના બાવળા ખાતે આવેલી રેનડેક્સ ફાર્મામાં બનતી કફ સિરપ ઊતરતી ગુણવત્તાની જાહેર થતાં આ કાર્યવાહી કરાઈ છે."

"મધ્ય પ્રદેશમાં જે દવાઓને ઊતરતી કક્ષાની જાહેર કરાઈ છે, એની ગુજરાતમાં ગુજરાત મેડિકલ સર્વિસિઝ કૉર્પોરેશન દ્વારા ખરીદી કરાતી નથી. જેમના પર કાર્યવાહી કરાઈ છે એ વિક્રેતાઓ બાળકો માટેની ઓરલ મેડિસિન - કફ સિરપ બનાવતા હતા. મધ્ય પ્રદેશમાં આ દવાઓ 'સબસ્ટાન્ડર્ડ' જાહેર થઈ છે. આપણા અહીં અમે તરત તપાસ કરી."

સરકારે આ મુદ્દે કરેલી કાર્યવાહી અંગે તેમણે કહ્યું, "આ દવાની જેટલી પણ બૅચ બજારમાં ગઈ છે. સરકારે એ તમામ દવા રિકૉલ કરવાનું કહ્યું છે. અમારા એફડીસીએના અધિકારીઓ આ દવાની છેલ્લામાં છેલ્લી બૉટલ પાછી આવે એ માટે મૉનિટરિંગ કરી રહ્યા છે."

"ગુજરાતમાં એફડીસીએના અધિકારીઓ આ કંપનીઓ દ્વારા ઉત્પાદિત દવા અને એ પૈકી વિતરણ કરાયેલી દવાના આંકડાનો તાળો મેળવી બાકી રહેલી તમામ બૉટલો પરત આવે એ માટે ખડેપગે છે. આના માટે અમે કેમિસ્ટ ઍસોસિયેશનને પણ જાણ કરી છે."

ગુજરાતમાં એફડીસીએના અધિકારીઓએ જ્યારે જ્યારે આ બંને કંપનીઓની દવાઓની તપાસ હાથ ધરી ત્યારે શું પરિણામો આવ્યાં એ અંગે વાત કરતાં તેઓ કહે છે કે, "જ્યારે જ્યારે ભૂતકાળમાં એફડીસીએના અધિકારીઓએ આ બંને કંપનીઓમાં તપાસ કરી છે, ત્યારે આવો કોઈ પણ પ્રકારનો જથ્થો તેમને મળી નહોતો આવ્યો. આ કંપનીઓ માત્ર બહારનાં રાજ્યો માટે જ ઉત્પાદન કરી રહી હતી કે અહીં પણ દવાનું વેચાણ કરી રહી હતી, એ બધું તપાસમાં જાણવા મળશે."

આ બંને કંપનીઓમાં છેલ્લે ક્યારે એફડીસીએ અને અન્ય એજન્સીઓ દ્વારા યાદચ્છિક ચેકિંગ કરવામાં આવ્યું હતું?

આ પ્રશ્નના જવાબમાં આરોગ્ય મંત્રી જણાવે છે કે, "એ અત્યારે હું નહીં કહી શકું."

તેમણે કહ્યું, "દવા કંપનીઓની પ્રત્યેક બૅચનું મૉનિટરિંગ પણ થતું હોય છે. જોકે, દવા કંપનીમાં જેટલી દવાની બૅચ તૈયાર થાય એ તમામનું ટેસ્ટિંગ હાથ નથી ધરાતું.શિડ્યૂલ એચ અને શિડ્યૂલ એમમાં આવતી જુદી જુદી દવાઓનું યાદચ્છિકપણે ટેસ્ટિંગ થતું હોય છે."

મધ્ય પ્રદેશની સરકારે કોલ્ડ્રિફ નામના કફ સિરપ પર પ્રતિબંધ મૂક્યો છે, શું એ દવા આપણા અહીં વેચાય છે ખરી? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું, "આ બંને કંપનીઓ જે કોલ્ડ સિરપ બનાવે છે એ માત્ર બહારનાં રાજ્યોમાં મોકલવામાં આવતી કે આપણા રાજ્યમાં પણ તેનું વેચાણ થતું તેની તપાસ થઈ રહી છે. જો આ દવા અહીં વેચાતી હોય તો આ તમામ દવાને પરત મગાવવા માટેના આદેશ અપાઈ ચૂક્યા છે."

"આપણો એફડીસીએનો સ્ટાફ આ તમામ સૂચનાઓનો અમલ સંપૂર્ણપણે થાય એ સુનિશ્ચિત કરી રહ્યો છે."

મધ્ય પ્રદેશમાં 11 બાળકોનાં મૃત્યુ થયાં

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, બાવળા, સુરેન્દ્રનગર, કફ સિરપ,
ઇમેજ કૅપ્શન, મધ્ય પ્રદેશના છિંદવાડામાં અત્યાર સુધી 11 બાળકોનાં મૃત્યુ થયાં છે, જે પૈકી એક એદનાનનાં માતાપિતા

ગત એક માસમાં મધ્ય પ્રદેશના છિંદવાડામાં 11 બાળકોનાં મૃત્યુ થયાં હતાં.

આ બાળકોનાં મૃત્યુ અંગે પરિવારે દાવો કર્યો હતો કે કફ સિરપ પીધા બાદ બાળકોનું સ્વાસ્થ્ય ઝડપથી ખરાબ થયું હતું, જે બાદ તેમનું મૃત્યુ થયું હતું.

ગત શનિવારે રાત્રે પોલીસે આ મધ્ય પ્રદેશના મામલામાં સરકારી ડૉક્ટર પ્રવીણ સોની, કફ સિરપ બનાવનારી કંપની શ્રીસન ફાર્માસ્યુટિકલ્સના સંચાલકો અને અન્ય લોકો વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી હતી.

આ કાર્યવાહી 5 ઑક્ટોબરના રોજ પરાસિયા બ્લૉકના ચિકિત્સા અધિકારી ડૉક્ટર અંકિત સહલામની ફરિયાદ બાદ કરાઈ હતી.

જિલ્લા પ્રશાસન અનુસાર મૃત્યુ પામનારાં બાળકો પૈકી દસ બાળકનાં માતાપિતા પરાસિયા બ્લૉકનાં રહેવાસી હતાં. આ જ બ્લૉકમાં ડૉક્ટર પ્રવીણ સોની સરકાર શિશુ રોગ વિશેષજ્ઞ તરીકે તહેનાત હતા.

આ મૃત્યુ બાદ મધ્ય પ્રદેશ સરકારે 1 ઑક્ટોબરના રોજ તામિલનાડુ સરકારને પત્ર લખીને દવા નિર્માતા કંપની વિરુદ્ધ તપાસ કરવા જણાવ્યું હતું.

એ બાદ તામિલનાડુના ડ્રગ કંટ્રોલ વિભાગે તપાસમાં શ્રીસન ફાર્માસ્યુટિકલ્સમાં બની રહેલી કોલ્ડ્રિફ કફ સિરપ 'ભેળસેળયુક્ત' હોવાની વાતની પુષ્ટિ કરી હતી.

તામિલનાડુ ડ્રગ્સ કંટ્રોલ વિભાગના 2 ઑક્ટોબરના રિપોર્ટ અનુસાર કોલ્ડ્રિફ સિરપની બૅચ એસઆર-13ને 'ભેળસેળયુક્ત' જાહેર કરી.

રિપોર્ટ અનુસાર, સિરપમાં 48.6 ટકા ડાયથિલીન ગ્લાઇકૉલ મળી આવ્યું. જે ઝેરી રસાયણ છે અને સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થઈ શકે છે. આ કફ સિરપ તામિલનાડુસ્થિત શ્રીસન ફાર્માસ્યુટિકલ કંપની બનાવે છે.

મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી મોહન યાદવે એક્સ પર લખ્યું, "છિંદવાડામાં કોલ્ડ્રિફ સિરપને કારણે થયેલાં બાળકોનાં મૃત્યુ અત્યંત દુ:ખદ છે. આ સિરપનું વેચાણ આખા મધ્ય પ્રદેશમાં બૅન કરી દેવાયું છે. સિરપ બનાવાનારી કંપનીની અન્ય પેદાશોના વેચાણ પર પણ પ્રતિબંધ લાદવામાં આવી રહ્યો છે."

મધ્ય પ્રદેશના ડ્રગ કન્ટ્રોલર દિનેશકુમાર મૌર્યે બીબીસીને જણાવ્યું કે, "અમે સતત કેન્દ્રીય ડ્રગ ટેસ્ટિંગ એજન્સીના સંપર્કમાં છીએ. અમે 12 નમૂના લીધા હતા અને કેન્દ્રીય ડ્રગ ટેસ્ટિંગ એજન્સીએ છ નમૂના લીધા હતા. અત્યાર સુધી અમારા નમૂના અને કેન્દ્રીય ડ્રગ ટેસ્ટિંગ લૅબ દ્વારા લેવાયેલા તમામ છ નમૂનામાં ડાયથિલીન ગ્લાઇકૉલ અને એથિલીન ગ્લાઇકૉલની હાજર નહોતી મળી આવી. અમારા અન્ય નમૂનાની તપાસ ચાલુ છે."

રાજસ્થાનમાંથી પણ સામે આવ્યા મામલા

રાજસ્થાનમાં કફ સિરપ પીવાથી બાળકોનાં મોત

રાજસ્થાનમાં પણ કથિતપણ સરકારી હૉસ્પિટલમાંથી મળેલી કફ સિરપ પીધા બાદ ભરતપુર અને ઝુંઝુનૂ જિલ્લામાં બે બાળકોનાં મૃત્યુ થઈ ગયાં છે. શનિવારે ચુરૂ જિલ્લામાંથી પણ એક બાળકના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે. આ આરોપ મૃત બાળકોના પરિવારજનોએ લગાવ્યા છે.

ચુરૂના છ વર્ષના બાળકનું જયપુરની જેકે લોન હૉસ્પિલમાં મત્યુ થયું. પરિવારજનોનું કહેવું છે કે બાળકને ચાર દિવસ પહેલાં કફ સિરપ અપાઈ હતી. જે બાદ તેમની તબિયત બગડતાં તેને જયપુર રેફર કરાયું હતું.

ભરતપુરના બે વર્ષીય બાળકને જયપુર રેફર કરાયું હતું, જ્યાં તેનું ત્રણ દિવસ બાદ મૃત્યુ થઈ ગયું. જ્યારે ઝુંઝુનૂના રેહવાસી પાંચ વર્ષીય બાળકને ઇલાજ માટે સીકર રેફર કરાયું હતું. અહીં ઇલાજ દરમિયાન તેનું મૃત્યુ થઈ ગયું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન