You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકાના રાજકારણમાં ભારતીય મૂળના લોકોનો દબદબો- ગ્રાઉન્ડ રિપોર્ટ
- લેેખક, દિવ્યા આર્ય
- પદ, બીબીસી સંવાદદાતા, ફિલાડેલ્ફિયા, અમેરિકાથી
"જ્યારે હું 16 વર્ષની હતી ત્યારે હું એકલી અમેરિકા આવી હતી અને મારા ખિસ્સામાં કોઈ પૈસા ન હતા અને હવે હું અમેરિકન હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં ચૂંટાનારી પ્રથમ ભારતીય મૂળની મહિલા છું."
જ્યારે ભારતના કેરળનાં પ્રમિલા જયપાલે અમેરિકાના ફિલાડેલ્ફિયામાં ભારતીય અમેરિકનો વચ્ચે આ વાત કરી ત્યારે તાળીઓના ગડગડાટમાં તેમની વાત ઢંકાઈ જાય છે.
પ્રમિલા કહી રહ્યાં હતાં કે, "હું પહેલી છું, પરંતુ છેલ્લી નથી."
નવેમ્બર 2016માં જ્યારે પ્રમિલા જયપાલ હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં ચૂંટાયાં ત્યારે જ કમલા હૅરિસે સેનેટમાં તેમની જગ્યા બનાવી હતી.
એટલે કે તેઓ હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવ્સ અને સેનેટથી બનેલી અમેરિકન કૉંગ્રેસમાં ચૂંટાનારાં પ્રથમ મહિલા હતાં.
ત્યારબાદ કમલા હૅરિસ ઉપરાષ્ટ્રપતિ બન્યાં અને હવે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડી રહ્યાં છે. વૉશિંગ્ટન રાજ્યના સાતમા જિલ્લામાંથી સતત ચાર વખત ચૂંટાયાં બાદ પ્રમિલા જયપાલ હવે પાંચમી વખત હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ માટે ચૂંટણી લડી રહ્યાં છે.
વર્ષ 2024 માત્ર ભારતીય મૂળના લોકો માટે જ નહીં પરંતુ ભારતીય મૂળની મહિલાઓ માટે પણ અમેરિકન રાજકારણમાં એક સીમાચિહ્નરૂપ છે.
અમેરિકાના ઇતિહાસમાં પ્રથમ વખત, ત્રણ ભારતીય મૂળના અમેરિકનોએ(જેમાંથી બે મહિલાઓ) છે, આ વર્ષની રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાં ઝંપલાવ્યું હતું. રિપબ્લિકન પાર્ટીનાં નિક્કી હેલી અને વિવેક રામાસ્વામીને ડૉનાલ્ડ ટ્રમ્પે હરાવ્યાં હતાં, પરંતુ ડૅમોક્રેટ પાર્ટીનાં કમલા હેરિસે તેમની પાર્ટીનું નૉમિનેશન જીત્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
છેલ્લાં દસ વર્ષમાં આવ્યું પરિવર્તન
પરંતુ ભારતીય મૂળની આ મહિલાઓએ ભારે મુશ્કેલીથી આ સીમાચિહ્ન હાંસલ કર્યું છે.
ફિલાડેલ્ફિયામાં એક પ્રચારઝુંબેશના કાર્યક્રમમાં અમારી સાથે વાત કરતાં પ્રમિલા જયપાલે અમને જણાવ્યું કે, "જ્યારે હું પહેલીવાર ચૂંટણી લડી હતી અને ઝુંબેશમાં મદદ માટે ભારતીય અમેરિકન સમુદાયનો સંપર્ક કર્યો હતો ત્યારે તેમણે કહી દીધું હતું કે તમે નહીં જીતી શકો. આ સમુદાયની મોટાભાગની પૂંજી પુરુષો પાસે આધીન રહી છે."
પરંતુ માત્ર મહિલાઓ જ નહીં, ભારતીય મૂળના લોકો પણ છેલ્લાં દસ વર્ષમાં જ અમેરિકન રાજકારણમાં ખરા અર્થમાં પોતાનું સ્થાન બનાવી શક્યા છે.
વાસ્તવમાં, અમેરિકન કૉંગ્રેસમાં પ્રથમ ચૂંટાઈને જનાર ભારતીય ડેમૉક્રેટ દલીપ સિંહ સોંદ હતા, પરંતુ ત્યારબાદ 50 વર્ષ સુધી તો જાણે કે સન્નાટો રહ્યો.
આ સન્નાટાને રિપબ્લિકન પાર્ટીના બૉબી જિંદાલે 2005માં તોડ્યો હતો. પરંતુ તેઓ પોતાની ઓળખને પ્રથમ અમેરિકન અને પછી ભારતીય મૂળની ગણાવે છે.
વર્ષ 2015માં જ્યારે તેમણે રાષ્ટ્રપતિપદ માટે રિપબ્લિકન પાર્ટીના નૉમિનેશનની રેસમાં ઝંપલાવ્યું ત્યારે તેમણે કહ્યું હતું, "આપણે ભારતીય-અમેરિકન, આફ્રિકન-અમેરિકન, આઇરિશ-અમેરિકન, શ્રીમંત અમેરિકનો કે ગરીબ અમેરિકનો નથી. આપણે બધા અમેરિકન છીએ."
ભારતીયોની યુવાપેઢીને રાજકારણમાં રસ
છેલ્લે, જ્યારે અમી બેરા 2013માં અમેરિકી કૉંગ્રેસમાં ચૂંટાયા ત્યાર પછી ખરેખર તો ભારતીય મૂળના નેતાઓએ અમેરિકાના રાજકારણમાં પોતાનું સ્થાન બનાવવાનું શરૂ કર્યું.
પ્રમિલા જયપાલ, રાજા કૃષ્ણમૂર્તિ, રો ખન્ના, ડેમોક્રેટ પાર્ટીનાં કમલા હૅરિસ એ વર્ષ 2017માં કૉંગ્રેસમાં ચૂંટાયાં હતાં અને શ્રી થાનેદાર 2023માં ચૂંટાયા હતા.
અમેરિકન કૉંગ્રેસમાં ભારતીય મૂળના નેતાઓનું અત્યાર સુધીનું આ શ્રેષ્ઠ પ્રતિનિધિત્વ છે.
પણ આ ગતિ આટલી ધીમી કેમ રહી?
છેલ્લાં દસ વર્ષથી કેલિફૉર્નિયાના સિક્થ ડિસ્ટ્રિક્ટમાંથી કૉંગ્રેસ માટે ચૂંટણી લડી રહેલા અમી બેરાના મતે, આ પેઢીઓની વાત છે અને અમેરિકામાં ભારતીય ઇમિગ્રન્ટ સમુદાય હજુ તદ્દન નવો છે.
વૉંશિંગ્ટનમાં આયોજિત એક મુલાકાતમાં તેમણે કહ્યું, "જ્યારે હું અમેરિકામાં મોટો થયો ત્યારે અહીં માત્ર 10,000 ભારતીયો હતા, આજે તમે એક આખી પેઢી જોઈ રહ્યા છો જે અહીં ઉછરી છે. અમે મેડિકલ અને ટેકનૉલૉજીના ક્ષેત્રમાં આગળ છીએ, પરંતુ હવે આ નવી પેઢી પોતાનું પ્રતિનિધિત્વ સરકારમાં પણ ઇચ્છે છે."
સરકારમાં હોદ્દાઓ પર રહેવા ઉપરાંત, ભારતીય-અમેરિકનો હવે મુખ્ય પક્ષો માટે નાણાં એકત્ર કરવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.
ભારતમાં વડા પ્રધાન મોદી અને અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના સત્તામાં આવવા દરમિયાન 2015માં રચાયેલ રિપબ્લિકન હિંદુ ગઠબંધન તેનું ઉદાહરણ છે.
શિકાગો સ્થિત આરએચસીના સ્થાપક શલભ શૈલી કુમારે ડોનાલ્ડ ટ્રમ્પને અનેક કાર્યક્રમોમાં આમંત્રણ આપ્યું હતું જ્યાં તેમણે ભારતીય અમેરિકન સમુદાયને સંબોધિત કર્યો હતો.
આ સમય દરમિયાન, ભારતીય મતદારો કે જેઓ પરંપરાગત રીતે ડેમૉક્રેટ હતા, તેઓ રિપબ્લિકન પાર્ટી તરફ આકર્ષિત થવા લાગ્યા. પરંતુ આ વખતે ચૂંટણી પ્રચારમાં તેમનો અવાજ બહુ સંભળાયો નથી.
આરએચસીના સ્થાપક શલભ શૈલી કુમારના જણાવ્યા અનુસાર, તેનું કારણ એ પાર્ટીઓનું બદલાતું વલણ છે. તેમણે કહ્યું,"હિન્દુ અમેરિકનો માનતા હતા કે આ ગોરા અમેરિકનોની પાર્ટી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે 2016માં તેમની તરફ હાથ લંબાવ્યો હતો અને તેમની આ માન્યતાને તોડી હતી. પરંતુ તાજેતરનાં વર્ષોમાં, પાર્ટીના કૅમ્પેઇન મેનેજર્સ તેમના જૂના માર્ગો પર પાછા ફર્યા છે."
કઈ રીતે થઈ રહ્યો છે પ્રચાર?
આ વખતે વધુ ભારતીયો અમેરિકન રાષ્ટ્રપતિ માટે 'લૉટસ ફૉર પૉટસ' એટલે કે કમલાં કહેતાં જોવા મળી રહ્યા છે.
તેમાંથી ઘણા ડેમૉક્રેટિક પાર્ટી અને તેની સંલગ્ન સંસ્થાઓ સાથે જોડાયેલા વૉલંટિયર્સ છે અને દક્ષિણ એશિયાના મતદારો સાથે ઘરે-ઘરે જઈને વાત કરી રહ્યા છે.
વૉલ સ્ટ્રીટ કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ સુબા શ્રીની અને તેમનાં મિત્ર શુભ્રા સિંહા પણ પ્રચાર માટે નીકળ્યાં છે.
અમે તેમની સાથે દસ ઘરમાં ગયાં હતાં. આઠ ઘરમાં કોઈ ન હતું. એક ઘરમાં ડેમૉક્રેટ સમર્થકો અને બીજા ગૃહમાં રિપબ્લિકન સમર્થકો હતા. રિપબ્લિકન તો તેમની સાથે વાત કરવાનો પણ ઇનકાર કરે છે.
સુબાના મત પ્રમાણે અહીં આ સામાન્ય છે. "આ ખૂબ જ મુશ્કેલ કાર્ય છે, તેમાં સમય લાગે છે અને માત્ર વીસ ટકા લોકો જ ઘરે મળે છે, પરંતુ જો આ આખી કવાયતમાં આપણે એક વ્યક્તિનું પણ મન બદલવામાં સફળ થઈએ, તો પછી તે પૂરતું છે."
કૅમ્પેઇન ઑફિસ આ વૉલંટિયર્સને મતદારોના ઘરની યાદીઓ પ્રદાન કરે છે.
તેઓ માત્ર લોકો સાથે વાત કરતા નથી પરંતુ તેમની રાજકીય પસંદ વિશે પણ પોતાની પાર્ટીને માહિતગાર કરે છે.
સોફી પણ નજીકના વિસ્તારમાં ઘરે ઘરે જઈ રહ્યાં છે. એક ઘરમાં રિપબ્લિકન સમર્થક સાથે લાંબી વાતચીત કર્યા પછી, તેઓ કહે છે, "મેં તેમને મારો અને મારા પરિવારનો અનુભવ કહ્યો, અગાઉની સરકારની નબળાઈઓએ અમને કેવી રીતે અસર કરી હતી એ પણ વાત કરી હતી. પરંતુ અમારે તેમનું સન્માન કરવું પડતું હોય છે. આ અમેરિકા છે. અહીં દરેકને પોતાની મરજી મુજબ મતદાન કરવાની સ્વતંત્રતા છે."
ભારતીય મતદારોનો સરવે
આ સ્વયંસેવકોને જોડતી મુખ્ય સંસ્થા 2016માં રચાયેલી 'ઇન્ડિયન અમેરિકન ઇમ્પૅક્ટ' છે, જે ભારતીય-અમેરિકન નેતાઓ માટે ભંડોળ એકત્ર કરે છે, પ્રચારમાં મદદ કરે છે અને સામાન્ય ભારતીય અમેરિકનોને મત આપવા માટે પ્રેરિત કરે છે.
હાલમાં, તે સંસ્થા અમેરિકાના વિવિધ બૅટલગ્રાઉન્ડ સ્ટેટ્સમાં પ્રચાર કરી રહી છે જ્યાં મતદારોએ હજુ સુધી કોઈ એક પક્ષને મત આપવાનું મન બનાવ્યું નથી.
બૅટલગ્રાઉન્ડ સ્ટેટ એવા પેન્સિલવેનિયાના ફિલાડેલ્ફિયા શહેરમાં આ સંસ્થાના ઍક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ચિંતન પટેલ સાથે થયેલી મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે તાજેતરમાં જ આ સંગઠને બૅટલગ્રાઉન્ડ સ્ટેટ્સમાં દક્ષિણ-એશિયન મતદારોનો અનોખો સરવે કર્યો હતો.
ચિંતનના જણાવ્યા અનુસાર, "સરવેમાં રાષ્ટ્રપતિની ચૂંટણી અને મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર તેમનાં મંતવ્યો પૂછવામાં આવ્યાં હતાં અને અમને જાણવા મળ્યું હતું કે ઉપરાષ્ટ્રપતિ કમલા હૅરિસને સમર્થના આપનારા દક્ષિણ એશિયાના મતદારો અને અન્ય મતદારો વચ્ચે 50 પૉઇન્ટનું અંતર છે."
ચિંતન પટેલનો આ ભરોસો કેટલો સાચો છે એ તો પાંચ નવેમ્બરે જ ખબર પડશે.
પરંતુ તે સ્પષ્ટ છે કે ડેમૉક્રેટિક પાર્ટી દક્ષિણ એશિયાના મતદારોનું સમર્થન મેળવવા માટે ઇમ્પૅક્ટ જેવી સંસ્થાઓની મદદથી વૉલંટિયર્સને એકત્ર કરવાના તમામ શક્ય પ્રયાસો કરી રહી છે.
ભારતીયોની મોટી વસ્તી ધરાવતા ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયામાં આ કાર્યક્રમ માટે ખાસ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
ભારતીય મૂળનાં પદ્માલક્ષ્મી અને બાંગ્લાદેશી ગાયક અરી અફસર પણ આવ્યાં હતાં.
લેખક, ટીવી નિર્માતા અને મોડલ પદ્માલક્ષ્મીના જણાવ્યા અનુસાર, "આ રાષ્ટ્રપતિની ચૂંટણી એ માત્ર જાતિ, વંશ અને મૂળ વિશેની જ નથી, પરંતુ એ તેનાથી પણ આગળ વધી ગઈ છે."
ત્યાંથી જતી વખતે તેમણે કહ્યું, "એ વાત સાચી છે કે જો કમલા હૅરિસ શ્વેત વ્યક્તિ હોત તો તેઓ સરવેમાં આગળ હોત. પરંતુ આ ચૂંટણી આપણને બધાને અસર કરશે. તેથી હું તો તમને માત્ર સાવધાન જ કરી શકું છું. ચૂંટણીપ્રક્રિયામાં સામેલ થાઓ કારણ કે તે અમેરિકાની ઘણી ભાવિ પેઢીઓને અસર કરશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન