મહારાષ્ટ્રમાં ફેસબુક લાઇવ દરમિયાન રાજકીય નેતાને ગોળી મરાઈ, શું છે સમગ્ર મામલો?

અભિષેક ઘોસાળકર

ઇમેજ સ્રોત, FACEBOOK

ઇમેજ કૅપ્શન, અભિષેક ઘોસાળકર

મહારાષ્ટ્રમાં શિવસેનાના પૂર્વ નગરસેવક અભિષેક ઘોસાળકરને ગુરુવારે ફેસબુક લાઇવ દરમિયાન ગોળી મારવામાં આવી હતી. તેમની હાલત હાલમાં ગંભીર છે.

પોલીસે આપેલી જાણકારી મુજબ ગોસાળકરને પાંચ ગોળી મારવામાં આવી છે. મૉરિસ નોરોન્હા નામની વ્યક્તિએ ઘોસાળકર પર ગોળીઓ ચલાવી હતી. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર ઘોસાળકરને ગોળીઓ માર્યા પછી મૉરિસે પોતાને પણ ગોળી મારીને આપઘાત કરી લીધો હતો.

અભિષેક ઘોસાળકર શિવસેનાના પૂર્વ ધારાસભ્ય વિનોદ ઘોસળકરના પૂત્ર છે અને તેઓ મુંબઈના દહીસર વિસ્તારના વોર્ડ નંબર એકના નગરસેવક રહી ચૂક્યા છે. આ ઉપરાંત અભિષેક મુંબઈ બૅન્કના નિદેશક પણ છે. ઘોસળકર પિતા અને પુત્ર હાલમાં ઉદ્ધવ ઠાકરે સાથે જોડાયેલા છે.

અભિષેકને બોરીવલીની કરુણા હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. જૂની અદાવત આ ઘટના પાછળ કારણભૂત હોવાનું જણાવાઈ રહ્યું છે.

અભિષેક ઘોસાળકરનાં પત્ની તેજસ્વિની હાલમાં કાઉન્સિલર છે. બોરીવલી વિધાનસભા વિસ્તારમાં ઘોસાળકર પરિવાર રાજકીય રીતે પ્રભાવી છે.

આ ઘટનાને પગલે શિવસેનાનાં નેતા સુષ્મા અંઘારેએ કહ્યું છે કે મૉરિસ નોરોન્હા દહિસરથી ચૂંટણી લડવા ઇચ્છતા હતા અને તેમની બન્નેની વચ્ચે વિવાદ હતો.

“મહારાષ્ટ્રમાં ગુંડારાજ”

અભિષેક ઘોષાળકર

ઇમેજ સ્રોત, x/@ABHISHEKGHOSALKAR

ઇમેજ કૅપ્શન, શિવસેનાના(ઉદ્ધવ ઠાકરે જુથ) નેતા સંજય રાઉત સાથે અભિષેક ઘોસાળકર

થોડા દિવસો પહેલાં જ ઉલ્હાસનગરથી ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડે શિવસેના શિંદે જૂથના નેતા મહેશ ગાયકવાડ પર ગોળીઓ ચલાવી હતી.

આ મામલામાં સંજય રાઉતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એકસ' પર પોસ્ટ કરીને મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી એકનાથ શિંદેની આલોચના કરી હતી. તેમણે દેવેન્દ્ર ફડણવીસના રાજીનામાંની પણ માગ કરી હતી.

તેમણે કહ્યું, “હું દરરોજ કહી રહ્યો છું કે મહારાષ્ટ્રમાં ગુંડાઓનુ રાજ છે. ગૃહ મંત્રી જાણે ગાયબ થઈ ગયા છે. રાજ્ય ગુંડાઓના હાથમાં જતું રહ્યું છે. ગુંડાઓમાં કાયદાનો કોઈ પ્રકારનો ભય નથી અને પોલિસને બસ શિંદે જૂથની સેવા માટે રાખવામાં આવી છે. અભિષેક ઘોસાળકર પર થયેલી ગોળીબારીની ઘટના ચોકાવનારી છે. અભિષેક મૃત્યુ સામે લડી રહ્યા છે અને ગૃહમંત્રી ફડણવીસ ચર્ચા કરવામાં વ્યસ્ત છે. ફડણવીસે રાજીનામું આપવું જોઈએ.”

આમ આદમી પાર્ટીનાં મુંબઈ અધ્યક્ષ પ્રીતિ શર્મા મેનને પણ ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસની આલોચના કરી છે. તેમણે આરોપ લગાવતાં કહ્યું છે કે મહારાષ્ટ્રમાં કોઈ જ કાયદોવ્યવસ્થા નથી. તેમણે પણ દેવેન્દ્ર ફડણવીસના રાજીનામાની માગ કરી છે.

ગોળીઓ ચલાવનાર મૉરિસભાઈ કોણ છે?

મૉરિસ અને અભિષેક ઘોસાળકર

ઇમેજ સ્રોત, X

ઇમેજ કૅપ્શન, મૉરિસ અને અભિષેક ઘોસાળકર

આ ઘટનામાં 'મૉરિસભાઈ'ના નામથી જાણીતા આરોપીએ પણ આપઘાત કરી લીધો છે. આરોપી પોતાને સામાજિક કાર્યકર ગણાવતા અને ધારાસભ્ય સુનીલ રાણેના નજીકના હોવાનુ કહેવાય છે.

સ્થાનિક મીડિયા ચેનલ 'એબીપી માઝા'એ જાણકારી આપી છે કે અભિષેક ઘોસાળકરે એક વર્ષ પહેલા દહીસર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.