વિશ્વમાં નાઇટ્રોજનથી મૃત્યુદંડ અપાયેલા પહેલા કેદીની અંતિમ ક્ષણો કેવી હતી?

ઇમેજ સ્રોત, ALABAMA DEPARTMENT OF CORRECTIONS
અમેરિકાના અલાબામામાં પહેલી વખત હત્યાના દોષી કેદી કેનેથ યૂજીન સ્મિથને 25 જાન્યુઆરીએ નાઇટ્રોજન ગૅસથી મૃત્યુદંડ આપવામાં આવ્યો છે.
અમેરિકાસ્થિત સંસ્થા ડેથ પેનલ્ટી ઇન્ફર્મેશન સેન્ટર અનુસાર કેનેથ સ્મિથ વિશ્વમાં પહેલો કેદી હતો જેને મૃત્યુદંડની સજા આપવા માટે શુદ્ધ નાઇટ્રોજનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ મૃત્યુદંડની સજાના એક સાક્ષીએ બીબીસીને જણાવ્યું કે સ્મિથ સ્ટ્રેચર પર જોરથી પછડાયો અને મૃત્યુદંડમાં લગભગ 25 મિનિટનો સમય લાગ્યો.
સંયુક્ત રાષ્ટ્રએ મૃત્યુદંડની આ પ્રક્રિયાને ક્રૂર ગણાવી હતી અને તેની નિંદા કરી હતી. જોકે, અલાબામાએ કહ્યું કે આ પ્રકિયાને માનવતા સાથે કરવામાં આવી હતી.
સ્મિથ બે આરોપીઓમાંથી એક હતા જેમણે 1989માં એક ધર્મગુરુનાં પત્ની એલિઝાબેથ સેનેટની છરો અને માર મારીને હત્યા કરી હતી. આ હત્યા માટે કેનેથ સ્મિથને 1,000 ડૉલરની સોપારી અપાઈ હતી.
પોતાના અંતિમ શબ્દોમાં 58 વર્ષીય સ્મિથે કહ્યું, "મારા મૃત્યુની સાથે જ અલાબામા રાજ્યે માનવતાની દૃષ્ટીએ એક પગલું પાછળ ભર્યું છે. મારૂં સમર્થન કરવા બદલ હું તમારા બધાનો આભારી છું."
જોકે, મૃતક એલિઝાબેથના પુત્ર માઇક સેનેટે તેમનો પરિવાર આ મૃત્યુદંડની ઊજવણી નહીં કરે, પરંતુ તેમણે એમ પણ કહ્યું કે કેનેથ સ્મિથે તેનું "ઋણ" ચૂકવ્યું છે.
"આજે જે કંઈપણ થયું તે મારી મમ્મીને પાછી નહીં લાવી શકે," માઇકે કહ્યું. તેમણે જણાવ્યું, "અમને ખુશી છે કે આ દિવસ પૂરો થયો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મૃત્યુદંડ માટે કેવી રીતે શુદ્ઘ નાઈટ્રોજનનો ઉપયોગ કરવામાં આવ્યો?

ઇમેજ સ્રોત, AP
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મૃત્યુદંડ પહેલા સ્મિથને તેના પરિવારના સભ્યો, બે મિત્રો, તેના આધ્યાત્મિક સલાહકાર અને વકીલને મળ્યા હતા. તેનું અંતિમ ભોજન હેશ બ્રાઉન્સ, સ્ટેક અને ઇંડાં હતાં.
મૃત્યુદંડ પહેલાં પોતાના અંતિમ શબ્દોમાં 58 વર્ષીય સ્મિથે કહ્યું, "મારા મૃત્યુ સાથે જ અલાબામા રાજ્ય માનવતાની દૃષ્ટીએ એક પગલું પાછળ લઈ રહ્યું છે. મારું સમર્થન કરવા બદલ હું તમારા બધાનો આભારી છું."
જેલ અધિકારીઓએ મૃત્યુદંડ આપવા માટે સ્મિથના ચહેરાને માસ્ક વડે ઢાંકીને નાઇટ્રોજન ગૅસ તેમના શ્વાસમાં આપવામાં આવ્યો હતો.
તેના માસ્કમાં ગૅસ વહેવાનો શરૂ થયા બાદ સ્મિથે સ્મિત કર્યું અને તેના પરિવાર તરફ માથું હલાવીને ઇશારાથી "આઈ લવ યુ"ની સંજ્ઞા કરી.
કેનેથ સ્મિથની મૃત્યુદંડની પ્રક્રિયાના સાક્ષી બનવા માટે ઍટમોર સ્થિત હૉલમૅન કરેક્શનલ ફેસિલિટીમાં લઈ જવામાં આવેલા મીડિયાના પાંચ સભ્યોમાંથી એકે બીબીસીને કહ્યું કે તે અલાબામામાં જોયેલા હોય તેવા અન્ય કોઈ મૃત્યુદંડથી એકદમ વિપરીત હતું.
સાક્ષી લી હેજપેથે બીબીસીના ન્યૂઝ ડે પ્રોગ્રામ પર વાત કરતા કહ્યું, “હું આ પહેલાં ચાર વખત મૃત્યુદંડનો સાક્ષી રહી ચૂક્યો છું. જોકે, કેવિન સ્મિથે નાઇટ્રોજન ગેસના સ્રાવ થતાની સાથે જેવી પ્રતિક્રિયાઓ આપી તેવું મેં ક્યારે પણ નથી જોયું. સ્મિથે વારંવાર શ્વાસ માટે હાંફવાનું શરૂ કર્યું, પરંતુ 25 મિનિટમાં જ તે મૃત્યુ પામ્યો.”

ઇમેજ સ્રોત, WHNT/CBS
વિવેચકોનું મૃત્યુદંડની આ વૈકલ્પિક પદ્ધતિ વિશે શું કહેવું છે?

નાઇટ્રોજન ઝેરી ગૅસ નથી. પૃથ્વીના વાતાવરણનો ત્રીજો ભાગ નાઈટ્રોજનથી બનેલો છે.
જોકે, એકદમ શુદ્ધ નાઇટ્રોજન જો શ્વાસમાં જાય તો ઓક્સિજન મગજ સુધી પહોંચતો બંધ થઈ જાય છે.
આમ, ઓક્સિજન વિના નાઇટ્રોજન શ્વાસમાં લેવાથી શરીરના કોષો તૂટી જાય છે અને વ્યક્તિ મૃત્યુ પામે છે.
અમેરિકામાં અલાબામા અને અન્ય બે રાજ્યોએ ફાંસીની વૈકલ્પિક પદ્ધતિ તરીકે નાઇટ્રોજન હાયપોક્સિયાના ઉપયોગને મંજૂરી આપી છે. કારણ કે મૃત્યુદંડ માટે વપરાતા ઘાતક ઇન્જેક્ષનમાં વપરાતી દવાઓ શોધવાનું વધુ મુશ્કેલ બન્યું છે.
વિવેચકો કહે છે કે આ પ્રક્રિયાની પદ્ધતિની ચકાસણી થઈ નથી અને તે અપ્રમાણિત છે.
કેટલાક તબીબી વિશેષજ્ઞો દ્વારા નાઇટ્રોજન અમલીકરણની નિંદા કરવામાં આવી હતી. તેમણે ચેતવણી આપી હતી કે તે હિંસક આંચકીથી લઈને માત્ર જીવનભર કોમા જેવી અચેતન સ્થિતિમાં જીવતા રહેવા સુધીની શ્રેણીબદ્ધ વિનાશક દુર્ઘટનાઓનું કારણ બની શકે છે.
અમેરિકન કૉલેજ ઑફ કરેક્શનલ ફિઝિશિયન્સના અધ્યક્ષ ડૉ. જેફ કેલર કહે છે કે આ એક પ્રાયોગીક પ્રક્રિયા છે અને ઘણી ચીજો ખોટી પડી શકે છે.
ફોર્ડહામ લૉ સ્કૂલનાં ક્રિમિનૉલૉજિસ્ટ ડેબોરાહ ડેનો મૃત્યુદંડ માટે વપરાતી વિવિધ પદ્ધતિઓનાં સંશોધનમાં નિષ્ણાત છે. તેમણે કહ્યું, "મૃત્યુદંડ માટે નાઇટ્રોજનનો ઉપયોગ પીડારહીત માનવામાં આવે છે. પણ આ માત્ર એક થિયરી છે."
તેમણે કહ્યું, “નાઇટ્રોજન આપવા માટે પહેરાવામાં આવતા માસ્ક ઍરટાઇટ નથી હોતા અને હવા અંદર જઈ શકે છે. સ્મિથે ઊલટી શરૂ કરી દીધી હોત તો તેના મગજને અમુક અંશે નુકસાન સાથે મૃત્યુદંડના આ પ્રયાસથી કદાચ તે બચી શક્યો હોત.”
જોકે, મૃત્યુદંડની આ પદ્ધતિના સમર્થકોએ વિવેચકોની ટીકાઓને નકારી કાઢી છે. તેમણે ઉદાહરણ આપતા જણાવ્યું કે જ્યારે ઔદ્યોગિક અકસ્માતો દરમિયાન જ્યારે નાઇટ્રોજન સ્રાવ થાય છે, ત્યારે પીડિતોને તેમની સાથે શું થઈ રહ્યું છે તેની જાણ રહેતી નથી.
ઓક્લાહામાના ધારાશાસ્ત્રીઓ માટે નાઇટ્રોજન ગેસ ચલાવવાની મંજૂરી આપવી કે કેમ તે અંગે વિચારણા કરવા માટે એક સંશોધન કરવામાં આવ્યું હતું.
આ સંશોધનમાં ટાંકવામાં આવ્યું કે ઓક્સિજનની હાજરી વિના વ્યક્તિ, શુદ્ધ નાઇટ્રોજનના માત્ર 12 શ્વાસ લેવાથી અચાનક ચેતના ગુમાવી દેશે.
અલાબામા રાજ્યના એટર્ની જનરલ સ્ટીવ માર્શલે નાઇટ્રોજન ગૅસને "કદાચ મૃત્યુદંડના અમલની અત્યાર સુધીની સૌથી માનવીય પદ્ધતિ" ગણાવી છે.
યુએનના માનવાધિકાર માટેના હાઈ કમિશનરે ગયા અઠવાડિયે સ્મિથના મૃત્યુદંડની સજા અટકાવવા વિનંતી કરી હતી. તેમને કહ્યું હતું કે સ્મિથને નાઇટ્રોજન થકી મૃત્યુદંડ જેવી ઘટનાઓને આંતરરાષ્ટ્રીય માનવાધિકાર કાયદા હેઠળ ક્રૂર અને અમાનવીય ગણાવામાં આવે છે.
સ્મિથને પહેલાં પણ મૃત્યુદંડ આપવાનો પ્રયત્ન થયો હતો
અલાબામાની જેલમાં કેનેથ સ્મિથને જ્યારે પહેલીવાર મૃત્યુદંડની સજા આપવા લઈ જવાયો ત્યારે જલ્લાદોએ તેમની મૃત્યુદંડની સજાનો અમલ કરવામાં ઘણા કલાકો ગાળ્યા, પણ તેઓ સફળ ન થયા, અને કેનેથ બચી ગયો હતો.
તેમણે કેનેથને હોલમૅન કરેક્શનલ સેન્ટરની "ડેથ ચેમ્બર"માં સ્ટ્રેચર સાથે બાંધી દીધો હતો અને તેને રસાયણોનાં ઘાતક મિશ્રણવાળાં ઇન્જેક્ષન આપવાનો પ્રયાસ કર્યો. તેઓ જે નસ પકડવા માગતા હતા તેમાં સફળતા ના મળી.
કેનેથ સ્મિથના વકીલોએ કહ્યું કે સંખ્યાબંધ ચીરા પાડવામાં આવ્યા હતા પણ આખરે સ્મિથને તે જ સ્થિતિમાં છોડી દેવાયો.
જ્યારે ઘડિયાળમાં મધ્યરાત્રિનો સમય થયો અને તેને થયેલા મૃત્યુદંડની સજાના અમલના હુકમની મુદત પૂરી થઈ ગઈ, ત્યારે છેવટે સ્મિથને મૃત્યુદંડ આપવાનો પ્રયાસ બંધ કરી દીધો.
સ્મિથ અમેરિકાનો એકમાત્ર કેદી છે જેને "બે વાર મૃત્યુદંડ" અપાયો અને નાઇટ્રોજન ગૅસથી મૃત્યુદંડ આપવાનો સમગ્ર વિશ્વમાં આ પહેલો કિસ્સો હતો.












