'મગજનું ઑપરેશન કરાવ્યું ને બાળપણની યાદો ભૂલી ગઈ, મને ડર હતો કે ભાવિ પતિને પણ ભૂલી જઈશ'

    • લેેખક, ડેબી જેક્સન
    • પદ, બીબીસી સ્કૉટલેન્ડ

મગજની ગાંઠ દૂર કરવા માટેની સર્જરી બાદ 14 વર્ષનાં વેરોનિકા સોમરવિલ ભાનમાં આવ્યાં ત્યારે તેમના હૉસ્પિટલ રૂમમાં રહેલા લોકોને ઓળખી શક્યાં ન હતાં.

એ લોકો વેરોનિકાનાં માતા-પિતા હતાં.

ઑપરેશન પછી સ્કેન માટે જતી વખતે એક ડૉક્ટરે વેરોનિકા સાથે વાત કરવાનું શરૂ કર્યું. એ ડૉક્ટરે જ વેરોનિકાનું ઑપરેશન કર્યું હતું, પરંતુ ડૉક્ટરને સમજાયું હતું કે વેરોનિકાને ખબર નથી કે તેઓ કોણ છે.

વેરોનિકા અનયુઝવલ રેટ્રોગ્રેડ એમ્નેશિયા નામના એક દુર્લભ કૉમ્પ્લિકેશનમાં સરી પડ્યાં હતાં. તેમને તેમના પાછલા જીવનની ઘટનાઓ કે લોકો યાદ ન હતા.

વેરોનિકાની બાળપણની સ્મૃતિ ક્યારેય પાછી ન આવી.

શિક્ષણ ફરીથી લેવું પડ્યું, બાળપણના ફોટો જોઈને કોઈ લાગણી ન થતી

વેરોનિકાએ બીબીસીને કહ્યું હતું, "મારાં માતા-પિતાએ જે કહ્યું હતું એ જ મને ખબર છે. ડૉક્ટરે મને પૂછ્યું હતું કે હું મારાં માતા-પિતાને ઓળખું છું? મને ઘણા ચહેરા યાદ છે, જે મેં પહેલાં જોયા ન હતા."

"ઘર સુધીનો રસ્તો ભયાનક હતો. મને કારમાં બેસતાં ડર લાગતો હતો. મેં તો મને કહેવામાં આવ્યું એ જ કર્યું હતું."

"મને એવું લાગતું હતું કે હું મારાં મમ્મી-પપ્પા હોવાનો દાવો કરતા અજાણ્યાં લોકો સાથે ઘરે આવી રહી છું. મારી મમ્મીએ મારા માટે બનાવેલો મારો ઓરડો ઑપરેશન પછી દેખાડ્યો હતો, પરંતુ તેમાંથી મને કશું પણ મારા જેવું લાગ્યું ન હતું."

"મને યાદ છે કે હું મારાં કપડાં જોતી હતી અને વિચારતી હતી કે આ કોણે પહેર્યાં હશે?"

એડિનબર્ગ નજીકના સ્કોટિશ શહેર પ્રેસ્ટનપેન્સની રહેવાસી વેરોનિકાના કહેવા મુજબ, ત્યાં હોવું તેમને યોગ્ય લાગતું હતું, પરંતુ તેમનું આખું વ્યક્તિત્વ અને કૌટુંબિક સંબંધો બદલાઈ ગયા હતા.

વેરોનિકાએ કહ્યું હતું, "તેમણે મારી સાથેનો સંબંધ સતત જાળવી રાખ્યો છે, પરંતુ અમારી વચ્ચેનો સંબંધ તેઓ ઇચ્છે છે એટલો ગાઢ હોય એવું મને હજુ પણ નથી લાગતું. ઑપરેશન પછી હું વધુ એકલી પડી ગઈ છું અને વધારે સ્વતંત્ર બની ગઈ છું."

"મારાં માતા-પિતા મને સતત ફોટો આલબમ દેખાડતા હતા. તેનાથી મને ખરેખર પરેશાની થતી હતી. હું નાની હતી ત્યારે મેં જે કર્યું હતું તેની વાતો તેઓ કરતા અને હસતા હતા. હું તેમના પર ધ્યાન કેન્દ્રિત કરવાના ગમે તેટલા પ્રયાસ કરું, પણ મને કંઈ યાદ આવતું ન હતું."

"મને તેમની સાથે ફોટોગ્રાફ્સ જોવાનું ગમતું ન હતું, કારણ કે મારાં માતા-પિતાને તે ક્ષણો સાથે ભાવનાત્મક લગાવ છે, પણ મને નથી."

વેરોનિકાએ પ્રાથમિક શાળાના ગણિત અને અંગ્રેજીથી શરૂ કરીને બધું ફરીથી શીખવું પડ્યું.

વેરોનિકાના કહેવા મુજબ, બધું ફરી શીખવામાં થોડો સમય લાગ્યો હતો, કારણ કે પાઠ શીખ્યા પછી તેમની યાદશક્તિ ખૂલી ગઈ હોય એવું લાગતું હતું. બે વાર સમીક્ષા કર્યા પછી વેરોનિકા ગુણાકારના કોષ્ટકો શીખ્યાં હતાં.

વેરોનિકાએ હાઇસ્કૂલમાં સંઘર્ષ કરવો પડ્યો. એ તેમના એકેય દોસ્તને ઓળખતાં ન હતાં અને ફરીથી શરૂઆત કરી ત્યારે તેઓ અલગ લોકો તરફ આકર્ષાયાં હતાં.

એક દાયકાના ફોલો-અપ પછી વેરોનિકાના મગજમાં ગાંઠ ધીમે ધીમે વધવા લાગી અને ગયા વર્ષના માર્ચમાં એ બાબતે પગલાં લેવાનો સમય આવ્યો હતો.

લગ્ન પહેલાં વધુ એક સર્જરીની જરૂર

વેરોનિકા લગ્નની તૈયારીમાં હતાં ત્યારે તેમને સર્જરીની જરૂર હતી અને તેમને સૌથી પહેલા એ વિચાર આવ્યો હતો કે હું ફરીથી યાદશક્તિ ગુમાવી દઈશ?

"હું ભાંગી પડી હતી. સર્જને મને કહ્યું હતું કે યાદશક્તિ ગુમ થઈ જાય તે શક્ય છે, પરંતુ આ વખતે ગાંઠ વધારે ગંભીર હતી અને મારા આયુષ્યને લંબાવવા માટે સર્જરી જરૂરી હતી."

વેરોનિકાની સારવારની કથા બીબીસીની 'સર્જનઃ ઑન ધ એજ ઑફ લાઇફ' શ્રેણીમાં દર્શાવવામાં આવી છે.

સ્કૉટલૅન્ડના લોથિયનમાંના નૅશનલ હેલ્થ સર્વિસ (એનએચએસ)ના નિષ્ણાત ન્યુરોસર્જન ઇમરાન લિયાકતે બીબીસીની શ્રેણીમાં તે જટિલ પ્રક્રિયાનાં જોખમો સમજાવ્યાં છે.

ગાંઠ વેરોનિકાના મગજના જમણા આગળના ભાગમાં હતી. મગજનો આ હિસ્સો અમૂર્ત વિચારસરણી, સર્જનાત્મકતા અને એકાગ્રતા માટે જવાબદાર હોય છે.

ગાંઠ શું છે તથા સામાન્ય પેશી શું છે તે સમજીને સર્જને મગજના કાર્યને અસર કરી શકે તેવી પેશીઓને કાપ્યા વિના આસપાસની પેશીઓને દૂર કરવાની હતી.

ઇમરાન લિયાકતે કહ્યું હતું, "જ્ઞાનાત્મક કાર્યને સાચવવાનું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તે વ્યક્તિ તરીકે આપણે કોઈ છીએ એ પારખે છે અને સર્જન્સ તેને બદલી શકે છે. કૉમ્પ્લિકેશન્શ અને વાંધાજનક હિસ્સાની મર્યાદાનું પરીક્ષણ કરવાની જવાબદારી અમારી હોય છે. એ તમને અસર કરે છે."

શક્ય તેટલી ગાંઠને દૂર કરવી જરૂરી હિતાવહ છે, એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું, "વેરોનિકાના કિસ્સા જેવા કેસમાં ઓછામાં ઓછો 80-90 ટકા હિસ્સો દૂર કરવો જરૂરી છે, જેથી વ્યક્તિના બચવાની મહત્તમ શક્યતા સર્જાય."

ઑપરેટિંગ રૂમમાં વેરોનિકાની સાથે ન્યુરોસર્જન ડ્રાહોસ્લાવ સોકોલ હતા. તેમણે વેરોનિકા કિશોરાવસ્થામાં હતી ત્યારે સર્જરી કરી હતી.

ડ્રાહોસ્લાવ સોકોલે કહ્યું હતું, "ખાસ કરીને વેરોનિકાના અગાઉના કૉમ્પ્લિકેશનના સંદર્ભમાં બીજી સર્જરી કરવાનું વિચારવું સરળ નથી, પરંતુ ભવિષ્યમાં વધુ સમસ્યા ન સર્જાય એટલા માટે વેરોનિકાની ગાંઠ દૂર કરવી ખરેખર જરૂરી હતી."

જો મારા પતિને નહીં ઓળખી શકું તો?

વેરોનિકાને એ વાતનો ડર લાગતો હતો કે સર્જરી પછી તેઓ ભાનમાં આવશે અને તેમના ભાવિ પતિ કેમરોનને ઓળખી નહીં શકે તો?

વેરોનિકાએ કહ્યું હતું, "ડર એ વાતનો હતો કે પહેલી વખત સર્જરી કરાવી ત્યારે મારી ઓળખ બદલાઈ ગઈ હતી. બીજી સર્જરી પછી મને કેમરોન નહીં ગમે તો શું થશે?"

જોકે, કેમરોને તેનું નિરાકરણ શોધ્યું હતું. તેમણે તેમની રિલેશનશિપનું ફોટો આલબમ બનાવ્યું હતું, સ્ક્રેપબુક બનાવી હતી અને તેમની પ્રિયા વેરોનિકાને પત્રો તથા નોટ્સ લખી હતી.

કેમરોને કહ્યું હતું, "વેરોનિકા મારા માટે બધું જ છે. હું યાદશક્તિ ગુમાવી બેસું તો મારે તેને ફરીથી મારા પ્રેમમાં પાડવી પડશે અને ત્યાંથી ફરી આગળ વધવું પડશે."

વેરોનિકાએ તેમની તમામ બૅન્ક ડિટેલ્સ તથા પાસવર્ડ્સ લખી રાખ્યા હતા. એક વસિયતનામું બનાવ્યું હતું અને સૌથી ખરાબ પરિસ્થિતિ માટે તેમના જીવનસાથીને એક પત્ર પણ લખી રાખ્યો હતો.

ઑપરેશન પછી વેરોનિકા પાછા ફર્યાં ત્યારે રૂમમાં શ્વાસ થંભી ગયો હતો.

વેરોનિકા કહે છે, "હું ભાનમાં આવી ત્યારે બધા ત્યાં હાજર હતા. આ વખતે મને એવું લાગ્યું ન હતું કે મારી સર્જરી થઈ છે. મને એવું લાગ્યું કે હું થોડી વાર ઊંઘી ગઈ હતી."

"મારો પરિવાર થાકી ગયો હતો, પરંતુ હું સંપૂર્ણપણે ભાનમાં હતી અને મને ખબર હતી કે ખરેખર શું થયું હતું. હું વાતચીત કરી શકી."

"મેં ઇમરાન લિયાકતને જોયા અને તેમને કહ્યું હતું કે હું તમને ભૂલી નથી."

વેરોનિકા ધીમે ધીમે સ્વસ્થ થયાં હતાં અને ડિસેમ્બરમાં તેમણે કેમરોન સાથે લગ્ન કર્યાં હતાં.

મગજમાંની ગાંઠ સંપૂર્ણપણે દૂર થયા પછી વેરોનિકાને સુખી જીવનની આશા છે અને તેઓ બે પુરુષોની ઋણી છે, જેમણે આ શક્ય બનાવ્યું છે.

વેરોનિકા કહે છે, "બે સર્જનો પ્રત્યેની બધી કૃતજ્ઞતા હું વ્યક્ત કરી શકીશ એવું મને લાગતું નથી. તેમણે બીજી વખત મારો જીવ બચાવ્યો છે."

"તેમને જોઈએ ત્યારે ખ્યાલ આવે છે કે આ બધાની પાછળ કોણ છે. તેઓ ભગવાન જેવા છે. તેઓ ખરેખર અદભુત છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.