You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉત્તરકાશી ટનલથી નીકળેલા મજૂરોએ જણાવ્યું અંદર કેવી રીતે રહેતા અને શું ખાતા-પીતા?
ઉત્તરાખંડના સિલ્ક્યારામાં ટનલમાં ફસાયેલા 41 મજૂરો બહાર આવ્યા બાદ પરિવારોએ રાહતના શ્વાસ લીધા છે.
દિવાળીના દિવસે થયેલા અકસ્માત બાદ આ કામદારો ફસાયા હતા. હવે જ્યારે તેઓ 17 દિવસ પછી બહાર આવ્યા છે ત્યારે તેમના ઘણાં ઘરોમાં દિવાળી જેવો માહોલ છે.
અંદર ફસાયેલા 41 કામદારોમાંથી 15 ઝારખંડના, આઠ ઉત્તર પ્રદેશના, બિહાર અને ઓડિશાના પાંચ-પાંચ, પશ્ચિમ બંગાળના ત્રણ, આસામ અને ઉત્તરાખંડના બે-બે અને હિમાચલ પ્રદેશના એક કામદાર હતા.
સુરંગમાંથી બચાવ્યા બાદ તેમને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને ત્યાંથી જરૂરી સ્વાસ્થ્ય તપાસ બાદ તેમને ઘરે મોકલી દેવાશે.
બહાર આવેલા કામદારો જણાવી રહ્યા છે કે અંદર કેવા પ્રકારની સ્થિતિ હતી અને તેઓ કેવું અનુભવી રહ્યા હતા તથા તેમને કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો?
ઝારખંડના સુબોધ કુમાર વર્માએ કહ્યું કે, સુરંગનો એક ભાગ ધસી ગયા પછીના પ્રથમ 24 કલાક ખૂબ જ મુશ્કેલ હતા.
ન્યૂઝ એજન્સી એએનઆઈના વીડિયોમાં તેમણે કહ્યું કે, "અમને માત્ર 24 કલાક સુધી સમસ્યાનો સામનો કરવો પડ્યો. ખોરાક અને હવા (શ્વાસ) સંબંધી સમસ્યા હતી. પછી કંપનીએ ખાવા માટે કાજુ, કિસમિસ વગેરે મોકલ્યા અને દસ દિવસ પછી અમને દાળ-ભાત અને રોટલી આપવામાં આવ્યા."
તેમણે કહ્યું, "હવે હું સ્વસ્થ છું, કોઈ પણ પ્રકારની સમસ્યા નથી. હું બિલકુલ ઠીક છું. આ બધું તમારી પ્રાર્થના અને મહેનતને કારણે છે. હું કેન્દ્ર અને રાજ્ય સરકારની મહેનતને કારણે બહાર આવ્યો છું. નહીંતર માત્ર હું જ જાણું છું કે અંદર શું થયું હોત.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'પરિવારો સાથે વાત મહત્ત્વની રહી'
ઝારખંડના વિશ્વજીત કુમાર પણ સુરક્ષિત બહાર નીકળેલા લોકોમાં સામેલ છે. તે કૉમ્પ્રેસર મશીન ચલાવે છે. તેમણે કહ્યું કે, તેમને વિશ્વાસ હતો કે તેઓ બચી જશે અને તે ફરી એકવાર બહારની દુનિયા જોઈ શકશે.
તેમણે એએનઆઈને કહ્યું, “હું ખૂબ ખુશ અને સુરક્ષિત છું. તમામ કાર્યકરો ખુશ છે. અત્યારે અમે હૉસ્પિટલમાં છીએ. કાટમાળ ટનલના મુખ પાસે પડ્યો હતો. હું તેની બીજી બાજુ હતો. અંદર લગભગ અઢી કિલોમીટરનો ભાગ ખાલી હતો. અમે સમય પસાર કરવા માટે અંદર ફરતા હતા."
વિશ્વજીત એ પણ કહે છે કે ફસાયા પછી શરૂઆતના કલાકો ખૂબ જ મુશ્કેલીભર્યા હતા. તેમણે કહ્યું, "શરૂઆતમાં થોડો ડર હતો, પરંતુ જ્યારે ખોરાક અને પાણી આવ્યા અને અમારા પરિવારના સભ્યો સાથે વાત કર્યા પછી અમારું મનોબળ વધતું રહ્યું. અમને ટૂંક સમયમાં વિશ્વાસ થઈ ગયો કે, અમે બહારની દુનિયા જોઈ શકીશું."
વિશ્વજીત કુમાર વર્માએ કહ્યું, "જેવો કાટમાળ ઉપરથી પડ્યો, અમને લાગ્યું કે બહાર નીકળવાનો રસ્તો બંધ થઈ ગયો છે. પરંતુ બધાએ અમને બચાવવાનો પ્રયાસ કર્યો. પછી ઑક્સિજન અને પાણીની પાઈપ સાથે ખાવા-પીવાની વ્યવસ્થા કરવામાં આવી. મશીનો લાવવામાં આવી."
તેમણે જણાવ્યું કે પરિવાર સાથે વાત કરવાથી પણ ઘણો સહયોગ મળ્યો. તેમણે કહ્યું, "અમે પરિવાર સાથે વાત કરી રહ્યા હતા. આ માટે માઈક લગાવવામાં આવ્યું હતું. અમે તેમની સાથે વાત કરતા રહ્યા."
ગબ્બરસિંહ નેગીનું નેતૃત્ત્વ
આ પ્રકરણમાં એક નામ ચર્ચામાં છે. તે નામ છે ગબ્બરસિંહ નેગીનું. તે આ પ્રોજેક્ટમાં ટનલ ફૉરમૅન તરીકે કામ કરી રહ્યા હતા.
જે સમયે સુરંગનો ભાગ ધસી પડ્યો એ સમયે પણ 40 શ્રમિકો સાથે અંદર ફસાઈ ગયા હતા. બહાર નીકળીને મજૂરોએ જણાવ્યું કે ગબ્બર સિંહ નેગી સતત તેમનું મનોબળ વધારી રહ્યા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે શ્રમિકો સાથે વાત કરી ત્યારે ગબ્બરસિંહ નેગી સાથે પણ વાત કરી અને તેમની ઘણી પ્રશંસા કરી.
મોદીએ કહ્યું, "તમને વિશેષ શુભેચ્છા. તમે જે રીતે નેતૃત્વ દાખવ્યું એના પર આવનારા સમયમાં કોઈ યુનિવર્સિટીએ રિસર્ચ કરવું જોઈએ કે કઈ રીતે એક ગામની વ્યક્તિએ મુશ્કેલ સમયમાં પણ નેતૃત્વ દાખવ્યું અને સંકટ સમયે પોતાની ટીમને સંભાળી."
વળી ગબ્બરસિંહે પીએમનો ધન્યવાદ કર્યો અને કહ્યું કે તેમને ખુશી છે કે બધાએ તેમનો સાથ આપ્યો.
નેગીએ કહ્યું, "કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, એનડીઆરએફ, એસડીઆરએફ અને અમારી કંપનીએ મનોબળ મક્કમ કર્યું. તેઓ અમારા હાલચાલ પૂછતા રહ્યા. અમે બધા એક પરિવારની જેમ રહ્યા. અને અંદર ફસાયેલા મિત્રોનો આભાર કે તેઓ મુશ્કેલ સમયમાં પણ શાંત રહ્યા અને અમારી વાત સાંભળી તથા હિંમત ન હારી."
‘ખુશી વ્યક્ત નથી કરી શકતા’
આ બચાવ અભિયાનની સફળતા બાદ દેશના ઘણા ભાગોમાંથી ઉજવણી કરતા સામાન્ય લોકોના ફોટા અને વીડિયો જોવા મળ્યા હતા.
રાજ્યના વિવિધ ભાગોમાં રહેતા મજૂરોના પરિવારો તરફથી પણ રાહત અને ખુશીની પ્રતિક્રિયાઓ આવી રહી છે.
શ્રાવસ્તીના રામ મિલન પણ સુરંગમાં ફસાઈ ગયા હતા. તેમના પુત્ર સંદીપ કુમારે એએનઆઈને કહ્યું, “અમે ખૂબ ખુશ છીએ. મારા સંબંધીઓ પિતાને લાવવા ઉત્તરાખંડ ગયા છે. હું બચાવ કાર્ય સાથે જોડાયેલા તમામ લોકોનો આભાર માનું છું.”
અન્ય એક કાર્યકર સંતોષ કુમાર પણ શ્રાવસ્તીના જ છે. તેમનાં કાકી શમિતા દેવીએ જણાવ્યું કે, શ્રાવસ્તીના આઠ લોકો સુરંગની અંદર ફસાયેલા છે. સંતોષની માતાએ કહ્યું કે, તેમણે તેમના પુત્ર સાથે વાત કરી છે અને તેઓ જલ્દી ઘરે આવી રહ્યાં છે.
તેમણે કહ્યું, "અમે ખૂબ જ ખુશ છીએ. અમે પણ દિવાળીની ઉજવણી કરી રહ્યા છીએ અને આખું ગામ અમારી સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યું છે."
ઓડિશાના મયૂરભંજમાં રહેતા મજૂર ધીરેન નાયકનાં માતાએ બચાવકર્મીઓનો આભાર માન્યો છે. એ જ રીતે સુરંગમાંથી બચાવી લેવામાં આવેલા આસામના રહેવાસી રામ પ્રસાદ નરઝરીના પરિવારજનોએ પણ ખુશી વ્યક્ત કરી છે.
તેમના વૃદ્ધ પિતાએ કહ્યું, "મારા પુત્ર સાથે વાત કરવાથી મને એટલી ખુશી મળી કે, હું વ્યક્ત કરી શકતો નથી. હું બચાવ કામગીરીમાં સામેલ તમામ સરકારો અને લોકોનો આભાર માનું છું."
તે એક ચમત્કાર છે: ડિક્સ
કાટમાળમાંથી બચાવનો માર્ગ બનાવવામાં આવતાની સાથે જ એનડીઆરએફના જવાન મનમોહન સિંહ રાવત સુરંગની અંદર ફસાયેલા કામદારો સુધી પહોંચનારા પ્રથમ લોકોમાં સામેલ હતા.
તેcણે કહ્યું, “જ્યારે હું અંદર પહોંચ્યો કે તરત જ કામદારોના ચહેરા પર ઘણી ખુશી જોવા મળી. અમે પહેલાથી જ તેમને આશ્વાસન આપતા આવ્યા છીએ કે તેમને જલ્દીથી બચાવી લેવામાં આવશે. આનાથી તેમની માનસિક સ્થિતિ સ્થિર રાખવામાં મદદ મળી."
આ બચાવ કાર્યમાં મદદ કરવા માટે સલાહકાર તરીકે તહેનાત આંતરરાષ્ટ્રીય ટનલિંગ નિષ્ણાત આર્નોલ્ડ ડિક્સે જણાવ્યું હતું કે, આ ઑપરેશનમાં મદદ કરવી તેમના માટે સન્માનની વાત છે.
તેમણે કહ્યું, "હું પોતે એક પિતા છું. આવી સ્થિતિમાં સુંરગમાં ફસાયેલા મજૂરોનાં માતાપિતાનાં દીકરાઓને ઘરે મોકલી શક્યો તે મારા માટે સન્માનની વાત છે. તમને યાદ હશે કે શરૂઆતમાં મેં કહ્યું હતું કે, ક્રિસમસ પહેલા 41 લોકો તેમના ઘરે હશે. આ વખતે ક્રિસમસ વહેલું આવી ગયું છે."
જ્યારે બચાવ કામગીરી ચાલી રહી હતી ત્યારે આર્નોલ્ડ ડિક્સ સુરંગની બહાર મંદિરમાં દરરોજ પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા.
આ અંગે તેણે ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું કે, “મેં મારા માટે કંઈ નથી માંગ્યું. મેં ફક્ત અંદર ફસાયેલા 41 લોકો અને તેમની મદદ કરી રહેલા લોકો માટે પ્રાર્થના કરી હતી. અમે નથી ઇચ્છતા કે કોઈને કોઈ નુકસાન થાય."
તેમણે કહ્યું, "અમે શાંત હતા અને જાણતા હતા કે અમારે શું કરવાનું છે. અમે એક અદ્ભુત ટીમ તરીકે કામ કર્યું. ભારતમાં શ્રેષ્ઠ એન્જિનિયરો છે અને આ સફળ ઝુંબેશનો ભાગ બનવું ખૂબ જ સારી વાત છે."
"હવે મારે મંદિર જવું છે. કારણ કે મેં હું તેમના આભાર માનવાનું વચન આપ્યું હતું. મને ખબર નથી કે તમે તે જોયું કે નહીં પરંતુ અમે એક ચમત્કાર જોયો છે."